22 June, 2026 09:51 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
શૅરબજારના દિવસો ફરી રહ્યા છે. અમેરિકા-ઈરાને દિવસો બગાડ્યા હતા, હવે એમના સમાધાનને કારણે સુધારાની ગતિ શરૂ થઈ છે જેમાં બજાર બૉટમઆઉટ થઈ ગયાનો સંકેત મળે છે. જોકે ચોમાસાની ચિંતા હજી માથે ઊભી ગણાય જેને લીધે તેજીની ટ્રેન સાવ ખોરવાશે નહીં, પણ એની ગતિ ધીમી રહી શકે. લપસાય નહીં એમ સાચવીને ચાલવું.
અમેરિકા-ઈરાન વિવાદ વિશે સમજૂતી થવાની (હજી ફાઇનલ થઈ નથી) જાહેરાત સાથે શૅરબજારે રિકવરી તરફ કદમ માંડી દીધાં છે. હવેની નજર ક્રૂડના ભાવ, ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય, ફૉરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર (FII)ની વાપસી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ટ્રેન્ડ, કૉર્પોરેટ અર્નિંગ્સ, પ્રવાહિતા, સેન્ટિમેન્ટ, આર્થિક સુધારાની નીતિઓ વગેરે પર મંડાઈ છે. આ ઉપરાંત સૌથી ખાસ નજર ચોમાસા પર રહેશે અને રાખવી પડશે જે અર્થતંત્રની ગતિવિધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. હવે પછી બધું અનુકૂળ રહ્યું તો માર્કેટની બુલિશ ટ્રેન ગતિ પકડશે.
તાજેતરમાં થયેલી સત્તાવાર જાહેરાત મુજબ ગ્લોબલ રિટેલ-વ્યક્તિગત ઇન્વેસ્ટર્સ પણ હવે પછી ભારતીય શૅરબજાર પર લિસ્ટેડ ઇક્વિટીઝમાં સીધું રોકાણ કરી શકે એ દિશામાં લેવાઈ રહેલાં પગલાંની અસર જોવા મળશે. ફૉરેન ઇન્વેસ્ટર્સ ભારતમાં વધુ રોકાણ કરવા પ્રેરાય એ માટે સરકાર ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ (FEMA) નિયમોમાં સુધારા કરી રહી છે. હવે ANR અને ઓવરસિઝ સિટિઝન્સ ઑફ ઇન્ડિયા (OCI) જેટલી સમાન રોકાણમર્યાદા ગ્લોબલ ઇન્વેસ્ટરને લાગુ કરાઈ છે. આમ એકંદરે ભારતીય ઇક્વિટી માર્કેટમાં સ્થાનિક તેમ જ ગ્લોબલ નાણાપ્રવાહ વહેતો થાય એ માટેના પ્રયાસ સક્રિય બની રહ્યા છે જે ભાવિ અને નવી તેજીના તખતાને તૈયાર કરી રહ્યા છે. હાલ જયારે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) ભારતમાંથી વેચાણ મારફત નાણાં પાછાં ખેંચી રહ્યા છે ત્યારે સરકારનું આ કદમ ખરા કામનું કહી શકાય. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કરેલા નિવેદન અનુસાર સરકાર વિદેશી રોકાણપ્રવાહને ભારતમાં આકર્ષવા વધુ પગલાં લેવા સજ્જ છે અને ખુલ્લું મન ધરાવે છે. સરકાર વિદેશી હૂંડિયામણની રિઝર્વ બાબતે પણ સજાગ છે. બીજી બાજુ ક્રૂડ સપ્યાલ સુધરવા સાથે ક્રૂડના ભાવ નીચે આવવાની આશા છે જેની અસર ઓવરઑલ બજાર પર પડશે.
ભારતમાં કેવા નવા ઉદ્યોગો આકાર પામી રહ્યા છે યા વિસ્તરી રહ્યા છે એનો સંકેત મેળવવો હોય તો વેદાંતા ગ્રુપની યોજનાઓ પર નજર કરવી જોઈએ જે ભાવિ વિકાસનાં પગલાંનો અહેસાસ કરાવીને નવી આશા જગાડે છે. તાજેતરમાં અમેરિકા-ઈરાન યુદ્ધ (વેસ્ટ એશિયા વિવાદ) દરમ્યાન આપણે જે બાબતોની અછતને કારણે સહન કરવાનું આવ્યું એ બાબતોમાં ભારત સ્વનિર્ભર બનવાના નક્કર પ્રયાસ કરે એ જરૂરી છે જેમાં માત્ર વેદાંતા જ નહી, અન્ય ઉદ્યોગગૃહો પણ આગળ આવી રહ્યાં છે અને આવશે એવું માનવું સાર્થક છે. દેશની ઍલ્યુમિનિયમની વિશાળ ઉત્પાદક કંપની ધરાવતું વેદાંતા ગ્રુપ હવે ઑઇલ-ગૅસ, પાવર, આયર્ન-સ્ટીલ ક્ષેત્રે કાર્યરત અલગ-અલગ કંપની મારફત ફોકસથી આગળ વધવાનું લક્ષ્ય ધરાવે છે. એની પાંચ કંપનીઓનું ગયા સપ્તાહમાં એકસાથે સ્ટૉક એક્સચેન્જિસ પર રીલિસ્ટિંગ થયું હતું. બીજી બાજુ રિલાયન્સ ગ્રુપની ડિજિટલ કંપની જિયો પ્લૅટફૉર્મે માર્કેટમાંથી ચાર અબજ ડૉલર ઊભા કરવા IPO લાવવાની તૈયારી કરી રહી છે જેના સંદર્ભમાં તેણે સેબીમાં દસ્તાવેજ ફાઇલ કર્યા છે. આ ભંડોળનો ઉપયોગ ડેટ રીપેમેન્ટ માટે થવાનો છે. આ સાથે ૨૦૦૮ બાદ રિલાયન્સ ગ્રુપનો IPO આવી રહ્યો છે. આ સાથે કૉર્પોરેટ સેક્ટરના IPOની ફરી કતાર લાગવાની શક્યતા વધી છે. માર્કેટને વાઇબ્રન્ટ બનાવવામાં આ કતાર ઉપયોગી થશે. નવું મૂડીસર્જન બજાર અને અર્થતંત્ર માટે આવશ્યક છે.
હવે પછી ક્રૂડના ભાવ પણ નીચે તરફ ગતિ કરશે એવી આશા વધી છે. રૂપિયાની ગતિ પણ બહેતર બનશે. ઑઇલના ભાવ નીચે આવવાથી સેન્ટિમેન્ટ સુધરશે કેમ કે મોંઘવારીની વૃદ્ધિને અંકુશ લાગી શકશે. જિયોપૉલિટિકલ જોખમ ઘટવાથી અથવા અનિશ્ચિતતા જવાથી ઇન્ફલેશન મામલે રાહત થવાની આશા રાખી શકાય. જોકે એલ-નીન્યોનું સંભવિત જોખમ હજી ઊભું ગણાય જે ખેતપેદાશો પર અસર કરી શકે છે. હાલ તો હોલસેલ મોંઘવારી મે મહિનામાં ઑલટાઈમ હાઈ ૯.૭ ટકા નોંધાઈ હતી. જોકે હવે સૌથી મહત્ત્વની વાત ચોમાસું છે, ઈરાન-અમેરિકા પ્રકરણ આજે નહીં તો કાલે પતવાને આરે ગણી શકાય (અલબત્ત, ટ્રમ્પના તિકડમનો પૂર્ણ ભરોસો કઠિન છે). બાકી હાલ તો વરસાદની આગાહી ૬૦ ટકા અછતની છે. એલ-નીન્યોની કન્ડિશન ચિંતાજનક છે. જૂનનો વરસાદ નૉર્મલ કરતાં ઓછો રહ્યો છે. આ પરિબળની અસર ગ્રામ્ય પ્રજા-વપરાશ પર પડે છે. હાલ માર્કેટના તેજી-મંદીના ચાર્ટની નહીં, વરસાદનાં વાદળોની ચિંતા કરવાનો સમય છે.
ગયા સોમવાર-મંગળવારની રિકવરી બાદ બુધવારે નિફ્ટીએ ૨૪,૦૦૦નું લેવલ પાર કર્યું હતું. કહેવાય છે કે માર્કેટની બૉટમ જાણી શકાતી નથી, કિંતુ એના ઇશારા ચોક્કસ મળતા હોય છે. હાલના ઇશારા સમજીએ તો બજાર બૉટમથી પાછું ફરી ગયું હોવાનું માની શકાય. હવે એની ગતિ ગ્લોબલ તેમ જ સ્થાનિક (લોકલ) ડેવલપમેન્ટના આધારે રહેશે. આમ તો હજી સમજૂતીના ફાઇનલાઇઝેશન પર નજર છે, પણ બજાર હવે પછી વેગ પકડવા આતુર હોવાનું જાણવા મળે છે. ગુરુવારે પણ રિકવરી આગળ વધી હતી. જોકે શુક્રવારે ફરી કરેક્શન આવ્યું હતું જેનું એક કારણ પ્રૉફિટ બુકિંગ પણ હતું. નિફ્ટી ૨૪,૦૦૦ની સપાટીથી નીચે આવી આખરે ૨૪,૦૦૦ ઉપર જ બંધ રહ્યો હતો. અલબત્ત, સ્મૉલ અને મિડકૅપ ઇન્ડેક્સમાં વૃદ્ધિ નોંધાઈ હતી. નવા સપ્તાહમાં નવા સુધારાની ધારણા રાખી શકાય. વન મોર રિમાઇન્ડર! ટ્રેન ગતિ પકડે એ પહેલાં પ્રવેશી જવામાં શાણપણ રહેશે.
વિદેશોથી ભારતમાં રેમિટન્સનો પ્રવાહ વધવાથી દેશની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ એપ્રિલમાં વધીને ૪.૭ અબજ ડૉલર થઈ છે. આમાં ગિફ્ટ્સ, પેન્શન, ફૉરેન સહાયનો પણ સમાવેશ થાય છે.
મે મહિનામાં ભારતમાંથી ગુડ્સ એક્સપોર્ટ ૧૮ ટકા જેટલી વધી છે.
મે મહિનામાં કાર અને ટૂ-વ્હીલર્સનું વેચાણ નોંધપાત્ર વધ્યું છે.
હવે પછી બેથી ત્રણ સપ્તાહમાં ઑઇલના ભાવ બેરલદીઠ ૮૦ ડૉલરની નીચે જવાની ધારણા વ્યક્ત થઈ છે.
સેબીએ શૅરબજારને અને રોકાણકારોને પ્રોત્સાહન મળે એવા નિર્ણયો લીધા છે જેની અસર હવે પછી જોવાશે. સેબી બાયબૅકને ફરી શૅરબજાર મારફત અમલી બનાવે એવી શક્યતા છે. વધુમાં સેબી મ્યુચ્યુઅલ ફન્ડના બોરોઇંગ નિયમો હળવા કરવાનું આયોજન કરી રહ્યું છે.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ની આવનારી શૅર્સ ઑફરથી મહત્તમ લાભ એના શૅર્સમાં શરૂઆતમાં રોકાણ કરનાર બૅન્કો અને નાણાસંસ્થાઓ-વીમા કંપનીઓને થશે, કેમ કે રોકાણકારોએ એક રૂપિયાથી પણ નીચા ભાવે આ શૅર્સમાં મોટું રોકાણ કર્યું હતું. આ બૅન્કો અને નાણાસંસ્થાઓમાં રોકાણ કરનારને એનો લાભ થશે.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા આ વર્ષ દરમ્યાન ડેટ સાધનો મારફત ૬૦,૦૦૦ કરોડ રૂપિયા સુધીનું ભંડોળ ઊભું કરવાનો પ્લાન ધરાવે છે.
વેસ્ટ એશિયા ક્રાઇસિસ છતાં ઍડ્વાન્સ ટૅક્સ સ્વરૂપે સીધા વેરાનું કલેક્શન ૧૫ ટકા જેટલું વધ્યું હોવાનું નોંધાયું છે.