ઑટો, મેટલ્સ, સરકારી બૅન્કોમાં ખરીદી વચ્ચે શૅરબજારમાં તેજીનો અન્ડરટોન

04 December, 2020 11:07 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઑટો, મેટલ્સ, સરકારી બૅન્કોમાં ખરીદી વચ્ચે શૅરબજારમાં તેજીનો અન્ડરટોન

ઑટો, મેટલ્સ, સરકારી બૅન્કોમાં ખરીદી વચ્ચે શૅરબજારમાં તેજીનો અન્ડરટોન

અર્થતંત્રમાં વૃદ્ધિની આશા, કોરોના વૅક્સિન આવી જતાં ઘટી રહેલા મહામારીના ડર અને વિદેશી ફંડ્સની અવિરત અને આક્રમક ખરીદી વચ્ચે ભારતીય શૅરબજારની નવી ઐતિહાસિક ઊંચી સપાટીને સ્પર્શવાની સ્થિતિ ગઈ કાલે પણ જોવા મળી હતી. એચડીએફસી બૅન્કના શૅરમાં ઘટાડાના કારણે સેન્સેક્સ અને નિફ્ટીની વૃદ્ધિ સામાન્ય રહી હતી, પણ બજારમાં આજે વ્યાપક ખરીદી જોવા મળી હતી. ગઈ કાલે પણ વધેલા કરતાં ઘટેલા શૅરની સંખ્યા ઓછી હતી અને બજારમાં રોકાણકારોની સંપત્તિ પણ નવી ઑલ ટાઇમ હાઈ સપાટીએ જોવા મળી હતી.
ગઈ કાલની તેજીમાં ઑટો, મેટલ્સ અને વીજ ઉત્પાદકો અગ્રેસર હતા.
ગઈ કાલે સેન્સેક્સ ફરી ૪૪.૯૫૩ અને નિફ્ટી ૧૩.૨૧૬ની ઐતિહાસિક ઊંચી સપાટીને સ્પર્શી લપસી પડ્યા હતા. એચડીએફસી બૅન્ક, ટીસીએસ, એચડીએફસી અને ઈન્ફોસીસ જેવી હેવીવેઇટ કંપનીઓમાં વેચાણના કારણે બન્ને મુખ્ય ઇન્ડેક્સ સામાન્ય વૃદ્ધિ સાથે બંધ આવ્યા હતા. સત્રના અંતે સેન્સેક્સ ૧૪.૬૧ પૉઇન્ટ વધી ૪૪,૬૩૨ અને નિફ્ટી ૨૦.૧૫ પૉઇન્ટ વધી ૧૩,૧૩૩ ઉપર બંધ આવ્યા હતા. બન્ને ઇન્ડેક્સ માટે ગઈ કાલની સપાટી વિક્રમી બંધ સપાટી છે. બજારમાં મારુતિ સુઝુકી, એશિયન પેઇન્ટ, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, એચસીએલ ટેક અને રિલાયન્સની વૃદ્ધિથી બન્ને ઇન્ડેક્સને ટેકો મળ્યો હતો.
વિદેશી ફંડ્સની ૬૫,૩૧૭ કરોડ રૂપિયાની વિક્રમી ખરીદીના સહારે નવેમ્બર મહિનામાં ભારતીય શૅરબજારમાં કૅલેન્ડર વર્ષ ૨૦૨૦નો બીજો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જોકે ઇક્વિટી ફંડ્સમાંથી રોકાણકાર નાણાં ઉપાડી રહ્યાં હોવાથી સ્થાનિક ફંડ્સ સતત ઊંચા મથાળે વેચાણ કરી રહ્યાં છે. ગયા મહિને સ્થાનિક ફંડ્સની ૪૮,૩૧૯ કરોડ રૂપિયાની વેચવાલી બજારમાં જોવા મળી છે. ગઈ કાલે વિદેશી સંસ્થાઓએ વધુ ૩૬૩૭ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી અને સામે સ્થાનિક ફંડ્સનું ૧૪૪૦ કરોડ રૂપિયાનું વેચાણ હતું.
સ્ટોક એક્સચેન્જના એક્સચેન્જ પર ગઈ કાલે ચાર ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો જેમાં ખાનગી બૅન્કો, ફાઇનૅન્શિયલ સર્વિસ અને આઇટી મુખ્ય હતા. સામે સરકારી બૅન્કો, મેટલ્સ અને મીડિયામાં જોરદાર વૃદ્ધિ જોવા મળી હતી. એક્સચેન્જ ઉપર ૧૪૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને ત્રણ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૪૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૩૮ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી
બીએસઈ ઉપર ૨૫૧ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૪૮ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૪૨૯ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૯૦માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મોલ કેપ ઇન્ડેક્સ ૦.૬૮ ટકા અને મિડ કેપ ઇન્ડેક્સ ૦.૮૫ ટકા વધ્યા હતા. ગુરુવારે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧,૧૨,૮૦૧ કરોડ વધી ૧૭૮.૨૪ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
પાંચમા દિવસે પણ મેટલ્સ શૅરોમાં ખરીદી, મહિનામાં ઇન્ડેક્સ ૩૩ ટકા ઊછળ્યો
સતત પાંચ દિવસથી મેટલ્સ શૅરોમાં સતત ખરીદી જોવા મળી રહી છે. જોકે અર્થતંત્રમાં સુધારાની સાથે જ મેટલ્સ શૅરોમાં નીકળી છે. ગઈ કાલે નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ ૨.૪૯ ટકા વધ્યો હતો. છેલ્લા એક મહિનામાં એમાં ૩૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગઈ કાલે સ્ટીલ ઑથોરિટી ૫.૧૩ ટકા, હિન્દાલ્કો ૪.૦૩ ટકા, મોઇલ ૩.૫૪ ટકા, કોલ ઇન્ડિયા ૨.૮૯ ટકા, હિન્દુસ્તાન ઝિન્ક ૨.૪૮ ટકા, તાતા સ્ટીલ ૨.૪૭ ટકા, નૅશનલ મિનરલ ૨.૧૮ ટકા, વેલસ્પન કોર્પ ૧.૯ ટકા, મિશ્ર ધાતુ નિગમ ૧.૩૫ ટકા, જિન્દાલ સ્ટીલ ૧.૦૮ ટકા, નાલ્કો ૦.૯૬ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૫૮ ટકા વધ્યા હતા.
ઑટો શૅરોમાં પણ અવિરત ખરીદી, મહિનામાં ૧૯ ટકા વધ્યા
વાહનોનું વેચાણ કોરોનાના કપરા સમયથી બહાર આવી રહ્યું છે અને હવે આર્થિક પ્રવૃત્તિ વધતાં એમાં સ્થિરતા જોવા મળશે એવી આશાએ ઑટો શૅરોમાં ખરીદી જોવા મળી રહી છે. આ ઉપરાંત, સોશ્યલ ડિસ્ટન્સિંગના કારણે લોકો પર્સનલ વેહિકલ પર વધારે જોર મૂકશે એવી ગણતરીએ ઍનૅલિસ્ટ વેચાણ વધે એવી ધારણા મૂકી રહ્યું છે. ગઈ કાલે પાંચમા દિવસે પણ નિફ્ટી ઑટો ઇન્ડેક્સ વધ્યો હતો. છેલ્લા એક મહિનામાં નિફ્ટી ઑટો ઇન્ડેક્સમાં ૧૯ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ગઈ કાલના ટ્રેડિંગમાં મારુતિ સુઝુકી ૭.૩૩ ટકા, ભારત ફોર્જ ૪.૭ ટકા, ટીવીએસ મોટર્સ ૨.૧ ટકા, અશોક લેલૅન્ડ ૨.૦૯ ટકા, તાતા મોટર્સ ૦.૭૬ ટકા, આઇશર મોટર્સ ૦.૬૯ ટકા, હીરો મોટોકોર્પ ૦.૪૩ ટકા વધ્યા હતા. જોકે, બજાજ ઑટો ૧.૧૯ ટકા અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા ૧.૧૪ ટકા ઘટ્યા હતા.
સરકારી બૅન્કોમાં વૃદ્ધિ,
ખાનગી બૅન્કો નરમ
ગઈ કાલે સાપ્તાહિક વાયદાની પતાવટના દિવસે બૅન્કિંગ શૅરોમાં મિશ્ર હવામાન જોવા મળ્યું હતું. ખાનગી બૅન્કોમાં ઘટાડો હતો, જ્યારે સરકારી બૅન્કોના શૅરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી જેના કારણે નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ નરમ બંધ આવ્યો હતો. ગઈ કાલે નિફ્ટી બૅન્ક ૦.૦૫ ટકા ઘટ્યો હતો જેમાં નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૦.૪૭ ટકા ઘટ્યો હતો અને નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૪.૮૧ ટકા વધ્યો હતો.
સરકારી બૅન્કોમાં બૅન્ક ઑફ બરોડા ૭.૯૫ ટકા, ઇન્ડિયન બૅન્ક ૭.૭૧ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૫.૩ ટકા, યુનિયન બૅન્ક ૫.૨૭ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૫.૨૪ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૩.૯૫ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૮૩ ટકા, કેનેરા બૅન્ક ૩.૭૪ ટકા, યુકો બૅન્ક ૩.૬૩ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ ૨.૮ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૭૪ ટકા અને જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક ૧.૦૬ ટકા વધ્યા હતા.
ખાનગી બૅન્કોમાં એચડીએફસી બૅન્ક ૧.૮૪ ટકા, સિટી યુનિયન બૅન્ક ૧.૨૧ ટકા, ઍક્સિસ બૅન્ક ૦.૮૬ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૦.૦૩ ટકા ઘટ્યા હતા. સામે આરબીએલ બૅન્ક ૨.૭૫ ટકા, બંધન બૅન્ક ૦.૯૯ ટકા, ફેડરલ બૅન્ક ૦.૭૭ ટકા, કોટક મહિન્દ્રા બૅન્ક ૦.૬ ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૦.૪૧, આઈસીઆઈસીઆઈ બૅન્ક ૦.૩૬ ટકા વધ્યા હતા.
રિઝર્વ બૅન્કના નિયંત્રણથી એચડીએફસી બૅન્ક ઘટ્યો
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ છેલ્લાં બે વર્ષથી ટેક્નૉલૉજીમાં ક્ષતિના કારણે એચડીએફસી બૅન્ક ઉપર ડિજિટલ પ્રોડક્ટના નવા ગ્રાહકો, નવા ક્રેડિટ કાર્ડ વગેરે ઉપર કામચલાઉ પ્રતિબંધ ફરમાવ્યો હતો. દેશની સૌથી મોટી ખાનગી બૅન્ક ડિજિટલ સેવાઓ માટે પોતાના નવા પ્લેટફોર્મનું લોન્ચ કરવા જઈ રહી છે ત્યારે આ નિયંત્રણથી ગઈ કાલે શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. એ એચડીએફસી બૅન્કના શૅર ૧.૮૪ ઘટવાના કારણે નિફ્ટી બૅન્ક, નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક અને નિફ્ટી ઇન્ડેક્સ ઉપર દબાણ જોવા મળી રહ્યું હતું. દરમિયાન, આ પ્રતિબંધથી ફાયદો થશે અને નવા ગ્રાહકો મેળવવામાં સરળતા રહેશે એવી ગણતરીએ રોકાણકારોએ એસબીઆઇ કાર્ડના શૅરમાં ખરીદી કરી હતી અને એના શૅર ૫.૩૧ ટકા વધ્યા હતા.
વીજવપરાશ વધતાં વીજ ઉત્પાદકોમાં ખરીદી
આર્થિક પ્રવૃત્તિ ફરી વૃદ્ધિ પામી રહી હોવાથી વીજળીની માગ વધી રહી છે. ઑક્ટોબરમાં વીજળીની માગ અગલા મહિના કરતાં ૯.૭ ટકા વધી હતી. અર્થતંત્રમાં ફરી રિકવરી જોવા મળી રહી છે અને વૅક્સિનના આગમન સાથે હજી વૃદ્ધિ થશે એવી આશાએ ગઈ કાલે વીજ ઉત્પાદક કંપનીઓના શૅરમાં ખરીદી જોવા મળી હતી. અદાણી પાવર અને જેએસડબ્લ્યુ એનર્જીના શૅરમાં ગઈ કાલે ૨૦ ટકાની તેજીની સર્કિટ જોવા મળી હતી. આ ઉપરાંત તાતા પાવર ૧.૮૪ ટકા, એનટીપીસી ૪.૦૧ ટકા, સીઈએસસી ૪.૧૦ ટકા, ટોરેન્ટ પાવર ૨.૯૫ ટકા વધ્યા હતા.
અન્ય શૅરોમાં વધઘટ
તાતા સન્સ દ્વારા તાતા કેમિકલ્સમાં હિસ્સો વધારવામાં આવતાં શૅરના ભાવ ગઈ કાલે ૬.૫૮ ટકા વધ્યા હતા. ભારતી ઇન્ફ્રાટેલમાં પ્રમોટર દ્વારા હિસ્સો વધારવામાં આવતાં શૅર ૬.૫૬ ટકા વધ્યા હતા. અમેરિકામાં ક્લાસ નવ ટ્રકનું વેચાણ વધ્યું હોવાથી ભારત ફોર્જના શૅર ૪.૬૪ ટકા વધ્યા હતા. ફેર્મેન્ટ બાયોટેકના શૅર અમેરિકામાં એક કંપનીમાં હિસ્સો વધારતાં ૭.૭૧ ટકા વધ્યા હતા. તાતા સ્ટીલની એક પેટા કંપની સાથે સમજૂતી કરાર કરતાં નવ ભારત વેન્ચરના શૅર ૩.૦૭ ટકા વધ્યા હતા. નવી દવાના અમેરિકામાં વેચાણની પરવાનગી મળતાં એલેમ્બિકના શૅર ૨.૧૪ ટકા વધ્યા હતા. નવી મુંબઈમાં નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ લૉન્ચ કરતાં લાર્સન ઍન્ડ ટુબ્રોના શૅર એક ટકા વધ્યા હતા.

business news