28 March, 2026 08:09 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઈરાન-વૉરને લઈ યુદ્ધવિરામના મામલે હાલ તો મૂસાભાઈના વા અને પાણીની સ્ટાઇલમાં ટ્રમ્પની વાતો ચાલુ છે. નવા ગતકડામાં ઈરાનના એનર્જી સેટઅપ્સ પર હુમલો કરવાની તારીખ લંબાવીને ૧૦ દિવસની કરી નાખી છે. વૉરની અર્થતંત્ર પરની માઠી અસરને લઈ અમેરિકન ફેડના અધિકારીઓએ બોલવાનું શરૂ કર્યું છે. રૉઇટર્સના છેલ્લા સર્વેમાં અમેરિકા ખાતે ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ સૌથી નીચે, ૩૬ ઉપર આવી ગયો છે. મેકવાયરવાળા કહે છે કે યુદ્ધ જૂન સુધી ચાલ્યું તો પછી ક્રૂડમાં બૅરલદીઠ ૨૦૦ ડૉલરનો ભાવ નક્કી છે. હાલ ક્રૂડ પોણા ટકાના સુધારામાં ૧૦૩ ડૉલર નજીક ચાલી રહ્યું છે. એશિયન શૅરબજારો શુક્રવારે પ્રમાણમાં સાંકડી વધ-ઘટે મિશ્ર વલણમાં રહ્યાં છે. ચાઇના અને થાઇલૅન્ડ અડધા ટકા આસપાસ તો સિંગાપોર અને હૉન્ગકૉન્ગ સાધારણ પ્લસ હતાં. સામે ઇન્ડોનેશિયા સવા ટકા નજીક, તાઇવાન પોણા ટકા નજીક, જપાન અને સાઉથ કોરિયા ૦.૪ ટકા ડાઉન હતાં. યુરોપ ખાતે લંડન ફુત્સી ફ્લૅટ હતો. અન્ય યુરોપિયન બજાર સાધારણથી અડધો ટકો નરમ હતા. દોઢ ટકાના વધારામાં હાજર સોનું ૪૪૪૧ ડૉલર તથા કૉમેક્સ ગોલ્ડ ૪૪૭૫ ડૉલર અને ચાંદી બે ટકા સુધરી ૬૯ ડૉલર પર જોવા મળી છે. બિટકૉઇન અડધો ટકો ઘટી ૬૮,૩૯૬ ડૉલર હતો. લાગે છે કે ૨૦૨૫-’૨૬નું વર્ષ ડૉલર સામે ૯૫ના રૂપિયા સાથે પૂરું થવાનું છે. ડૉલર સામે રૂપિયો ગઈ કાલે ૯૪.૭૯ના નવા ઑલટાઇમ તળિયે જઈ ૯૪.૭૨ આસપાસ ચાલતો હતો.
સેન્સેક્સ આગલા બંધથી ૩૮૯ પૉઇન્ટની પીછેહઠમાં ૭૪,૮૮૪ નીચે ખૂલી છેવટે ૧૬૯૦ પૉઇન્ટ બગડી ૭૩,૫૮૩ તથા નિફ્ટી ૪૮૭ પૉઇન્ટ ઘટી ૨૨,૮૧૯ બંધ થયો છે. શૅર આંક ઉપરમાં ૭૪,૯૦૫ તથા નીચામાં ૭૩,૫૩૪ થયો હતો. કંગાળ માર્કેટ-બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૫૦૫ શૅર સામે ૨૮૧૪ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૮.૮૬ લાખ કરોડ ઘટી ૪૨૨.૧૫ લાખ કરોડ થયું છે. સેન્સેક્સ નિફ્ટીના સવાબે ટકા ઘટાડા સામે રિયલ્ટી ઇન્ડેક્સ ૩.૧ ટકા, PSU બૅન્ક નિફ્ટી ૩.૯ ટકા, બૅન્ક નિફ્ટી ૨.૭ ટકા, કૅપિટલ ગુડ્સ ૨.૩ ટકા, ઑટો ઇન્ડેક્સ ૨.૯ ટકા, ફાઇનૅન્સ ૨.૭ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અઢી ટકા, નિફ્ટી ડિફેન્સ અઢી ટકા ઘટ્યો છે. IT ઇન્ડેક્સ પૉઇન્ટ જેવો અડધો ટકો ઘટ્યો છે. જોકે એના ૮૦માંથી ૭૦ શૅર માઇનસ હતા.
નિફ્ટી ખાતે ONGC ઉપરમાં ૨૮૫ થઈ ૪.૪ ટકા ઊંચકાઈ ૨૮૨ બંધમાં ઝળકી છે. સેન્સેક્સમાં TCS અડધો ટકો સુધરી ૨૩૯૦ હતી. એનાં વાર્ષિક પરિણામ ૯ એપ્રિલે આવશે. વિપ્રો સવા ટકો વધી ૧૯૧ હતી. કોલ ઇન્ડિયા ૦.૩ ટકા સુધરી છે. નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ ૫.૫ ટકા ગગડી ૯૦૪ હતી. તાતા મોટર્સ પૅસેન્જર ૪.૬ ટકા તૂટી છે. રિલાયન્સ ૧૩૪૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૪.૬ ટકાની ખરાબીમાં ૧૩૪૮ બંધ આપી સેન્સેક્સને ૩૬૮ પૉઇન્ટ નડ્યો છે. જિયો ફાઇનૅન્સ બે ટકા ઘટી ૨૩૨ હતી. અન્યમાં ઇન્ડિગો ૪.૫ ટકા, એટર્નલ પોણાચાર ટકા, અદાણી પોર્ટ્સ ૨.૮ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ ૩.૪ ટકા, હિન્દુ યુનિલીવર ૨.૯ ટકા, એશિયન પેઇન્ટ્સ પોણાત્રણ ટકા, ટ્રેન્ટ સવાબે ટકા, લાર્સન સવાબે ટકા, તાતા સ્ટીલ ૧.૭ ટકા ડાઉન હતી.
HEG લિમિટેડ ૭૨ ગણા કામકાજે ૫૯૦ નજીક જઈ ૧૪.૩ ટકા ઊછળી ૫૬૪ બંધમાં એ-ગ્રુપમાં ઝળકી છે. ગ્રેફાઇટ ઇન્ડિયા ૭.૬ ટકાના જમ્પમાં ૬૪૦ હતી. સુપ્રીમ પેટ્રોકેમ આઠ ગણા વૉલ્યુમે ૧૦૬ રૂપિયા કે ૧૫.૯ ટકાની તેજીમાં ૭૭૫ બંધ આપી એ-ગ્રુપમાં બેસ્ટ ગેઇનર બની છે.
પાર્ટ્સ સપ્લાયર્સ તરફથી કેટલાક પ્રશ્ન ઊભા થતાં તાતા મોટર્સની બ્રિટિશ સબસિડિયરી જૅગ્વાર લૅન્ડરોવરનો પ્લાન્ટ કામચલાઉ ધોરણે બંધ કરવાની ફરજ પડી છે. ગઈ કાલે તાતા મોટર્સ પૅસેન્જરનો શૅર ૩૦૧ની ૩૪ મહિનાની નવી બૉટમ બનાવી ૪.૭ ટકા ગગડી ૩૦૩ બંધ થયો છે. તાતા મોટર્સ પોણો ટકો ઘટી ૪૨૭ રહી છે. ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ ૨૦માંથી ૧૯ શૅરની ખરાબીમાં નીચામાં ૫૩,૭૮૪ થઈ ૨.૮ ટકા કે ૧૫૪૬ પૉઇન્ટ ખરડાઈ ૫૩,૮૭૧ બંધ હતો. મારુતિ સુઝુકી ૨.૩ ટકા, અશોક લેલૅન્ડ ૪.૭ ટકા, હ્યુન્દાઈ મોટર્સ ૩.૮ ટકા, આઇશર ૨.૭ ટકા, હીરો મોટોકૉર્પ પોણાત્રણ ટકા, મહિન્દ્ર ૨.૮ ટકા, TVS મોટર્સ ૨.૭ ટકા, બજાજ ઑટો દોઢ ટકો ડૂલ થઈ છે. ઓલા ઇલેક્ટ્રિક ૧.૮ ટકા વધી ૨૪.૨૭ હતી. ટાયર અને રબર પ્રોડક્ટ્સ સેક્ટરના ૧૬માંથી ૧૪ શૅર ડાઉન હતા. મોદી રબર દોઢ ટકા વધી છે. વામશી રબર ૧૧.૮ ટકા તૂટીને ૩૭ હતી. ઇન્ડાગ રબર સાડાત્રણ ટકા વધી ૯૨ થઈ છે.
બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૪ શૅરના બગાડમાં ૨.૭ ટકા કે ૧૪૩૩ પૉઇન્ટ તથા PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના ધબડકામાં ૩.૯ ટકા ધોવાયો છે. બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી ૩૬ શૅર માઇનસ હતા. IDBI બૅન્ક ૪.૮ ટકા, બૅન્ક ઑફ બરોડા ૪.૭ ટકા, પંજાબ સિંધ બૅન્ક ૪.૨ ટકા, PNB ૪.૫ ટકા, કૅનેરા બૅન્ક સાડાચાર ટકા, ઇસફ બૅન્ક સાડાપાંચ ટકા, DCB ૪.૫ ટકા ખરડાઈ હતી. જેફરીઝ તરફથી અથનુ ચક્રવર્તીના રાજીનામા પછી HDFC બૅન્કમાંથી ટોટલ એક્ઝિટ લેવાઈ છે. નીતિમતા અને મૂલ્યનિષ્ઠાનો સવાલ HDFC બૅન્કની ૭૪.૨ ટકા માલિકીની HDB ફાઇનૅન્શિયલ ૫૮૫ના ઑલટાઇમ તળિયે જઈ સાડાત્રણ ટકા તૂટી ૫૯૦ રહી છે. ૨૪ જૂનમાં એનો IPO ૭૪૦ના ભાવે આવ્યો હતો. સ્ટેટ બૅન્ક ૩.૮ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક દોઢ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૪ ટકા ડાઉન હતી. ICICI બૅન્ક બે ટકા ગગડીને ૧૨૩૪ હતી. બજાજ ફાઇનૅન્સ ૪.૩ ટકા તથા બજાજ ફિનસર્વ ૨.૯ ટકા ઘટી છે. બજાજ હાઉસિંગ ૭૫ના વર્સ્ટ લેવલે જઈ ૪.૩ ટકા તૂટી ૭૬ રૂપિયા નજીક બંધ થઈ છે.
ધૂરંધર 2ની ધમાધમી છે. આઠ દિવસમાં ગ્લોબલ કલેક્શન ૧૧૦૦ કરોડ વટાવી ગયું છે, પરંતુ PVR આઇનોક્સનો શૅર ઉપરમાં ૯૬૧ થયા પછી નીચામાં ૯૨૫ થઈ દોઢ ટકો ઘટી ૯૩૯ બંધ થયો છે. ગઈ કાલે ફિલ્મનિર્માણ અને વિતરણ બિઝનેસમાં પ્રવૃત્ત મોટા ભાગના શૅર ડૂલ થયા હતા. પ્રીતીશ નન્દી કમ્યુનિકેશન્સ ૧૭ના વર્સ્ટ લેવલે જઈ ૮.૮ ટકા તૂટી ૧૮ થઈ છે. મધુવીર કૉમ ૧૮ નેટવર્ક્સ પાંચ ટકા, મીડિયા વન પાંચ ટકા, UFO મૂવીઝ ૭ ટકા, VR ફિલ્મ્સ પોણો ટકો, મુક્તા આર્ટ્સ પોણો ટકો, ટિપ્સ ફિલ્મ્સ એક ટકો, પૂજા એન્ટરટેઇનમેન્ટ્સ દોઢ ટકો, સિનેલાઇન ૫.૯ ટકા, પૅનોરૅમા ૭.૮ ટકા ડાઉન હતી. બાલાજી ટેલિફિલ્મ્સ નીચામાં ૭૪ થઈ ૫.૪ ટકા તૂટી ૭૫.૬૦ રહી છે. મુકેશ અંબાણીની નેટવર્ક્સ૧૮ લગભગ પોણાછ વર્ષની બૉટમ ૨૮.૬૫ બતાવી ૬ ટકા તૂટી ૨૯ નજીક થઈ છે. શેમારુ એન્ટરપ્રાઇઝ ૭૭નું ૫૮ મહિનાનું તળિયું દેખાડી ૧૫.૨ ટકા લથડી ૭૮ હતી. સારેગામા પોણો ટકા ઘટી છે. NDTV ૭.૫ ટકા તૂટીને ૬૪ના તળિયે રહી હતી. ઝી એન્ટરપ્રાઇઝિસ ૨.૭ ટકા ખરડાઈને ૭૪ હતી. નિફ્ટીનો મીડિયા ઇન્ડેક્સ ૧૦માંથી ૮ શૅરની નરમાઈમાં સવા ટકો સાફ થયો છે. પ્રાઇમ ફોકસ ૧.૯ ટકા વધી છે. સનટીવી નેટવર્ક ૪.૭ ટકા બગડી ૫૮૦ હતી.
વૉરની એક રસપ્રદ આડઅસર જાણવા મળી છે. ઑઇલ-ગૅસમાં ભાવવધારાની સાથે સપ્લાય ચેઇન ખોરવાઈ જતાં ભારતીય કૉન્ટ્રાસેપ્ટિવ માર્કેટ તકલીફમાં આવ્યું છે. કાચા માલમાં ભાવવધારા સાથે અછતની સ્થિતિથી દેશની કૉન્ડોમ ઉત્પાદક કંપનીઓ ચિંતામાં પડી હોવાના અહેવાલ છે. કૉન્ડોમ બનાવવા માટે જરૂરી કાચા માલમાં સિલિકૉન ઑઇલ તથા એમોનિયામાં ભાવવધારો તેમ જ સપ્લાયના ધાંધિયા શરૂ થયા છે. કૉન્ડોમ પણ મોંઘાં થવાની તૈયારીમાં છે. ગઈ કાલે ક્યુપિડનો શૅર ૩ ગણા વૉલ્યુમે ઉપરમાં ૮૭ થઈ ૪.૮ ટકા વધી ૮૪ હતો. આનોન્દિતા મેડિકેર ૭૧૮ વટાવી બે ટકા ઘટી ૭૦૪ હતો.
ગઈ કાલે ૪ ભરણાં પૂરાં થયાં છે. મેઇનબોર્ડની પાવરિકા લિમિટેડ પાંચના શૅરદીઠ ૩૯૫ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૧૧૦૦ કરોડનો IPO લાવી હતી એ રીટેલમાં ૧૪ ટકા સહિત કુલ દોઢ ગણો પ્રતિસાદ મેળવવામાં સફળ થતાં ભરણું હેમખેમ પાર પડ્યું છે. હૈદરાબાદી સાઈ પેરન્ટલ્સનો પાંચના શૅરદીઠ ૩૯૨ના ભાવનો ૪૦૯ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૨ ટકા સહિત કુલ ૧.૧ ગણો ભરાયો છે. દિલ્હીની અમીરચંદ જગદીશકુમાર એક્સપોર્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૨૧૨ના ભાવનો ૪૪૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં દોઢ ગણા સહિત કુલ ૩.૪ ગણો ભરાઈને પૂરો થયો છે. હાલ પાવરિકામાં દોઢ રૂપિયા, સાઈ પેરન્ટલ્સમાં ઝીરો તથા અમીરચંદમાં ૩ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. અંધેરી-ઈસ્ટની હાઇનેસ માઇક્રોઇલેક્ટ્રૉનિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવનો બાવીસ કરોડનો BSE SME ઇશ્યુ એના આખરી દિવસે રીટેલમાં ૧૮૩ ગણા સહિત કુલ ૧૯૩ ગણો ભરાયો છે. પ્રીમિયમ ઘટીને ૨૫ રૂપિયા થયું છે.
નવી મુંબઈની વિવિડ ઇલેક્ટ્રોમેકનો ૧૦ના શૅરદીઠ ૫૫૫ રૂપિયાની મારફાડ અપરબૅન્ડ સાથે ૧૩૧ કરોડનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૬૧ ટકા ભરાયો છે. લીડ મૅનેજર હૅમ સિક્યૉરિટીઝ હોવા છતાં આ ભરણામાં ગ્રેમાર્કેટ ખાતે પહેલેથી કોઈ જ કામકાજ નથી. જયપુરની એમિઆક ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો ૩૨ કરોડનો BSE SME IPO ગઇકાલે પ્રથમ દિવસે રીટેલમાં સોમવારે કોલઇન્ડિયાની સબસીડીયરી સેન્ટ્રલ માઇન પ્લાનિંગ તથા અમદાવાદી સ્પેશ્યલિટી મેડિસિન્સનું લિસ્ટિંગ થશે. હાલ સેન્ટ્રલ માઇનમાં ગ્રેમાર્કેટમાં ૮ રૂપિયા તેમ જ સ્પેશ્યલિટી મેડિસિન્સમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે.
હિન્દ રેક્ટિફાયર્સ શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થતાં ગઈ કાલે ઉપરમાં ૭૯૫ બતાવી સવાદસ ટકા તૂટી ૭૧૦ બંધ થઈ છે. બૅન્ગલોરની ટ્રાઇટન વાલ્ટસ એક શૅરદીઠ ત્રણ બોનસ તથા મુંબઈની IIB ઇન્ફ્રાસ્ટ્રક્ચર શૅરદીઠ એક બોનસમાં સોમવારે એક્સ-બોનસ થવાની છે. ટ્રાઇટન વાલ્વ્સ ગઈ કાલે નીચામાં ૩૩૮૫ થઈ સવા ટકો વધી ૩૪૩૨ તથા IRB ઇન્ફ્રા ઉપરમાં ૪૨ થઈ અડધો ટકો ઘટીને ૪૧ બંધ થઈ છે. આવાક્સ એપેરલ્સ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થઈ છે. ગઈ કાલે સોદા ન થતાં આગલા ભાવે ૩૩૦ બંધ હતો. ગુજરાત કોટેક્સ એક શૅરદીઠ ૬ના પ્રમાણમાં પાંચના શૅરદીઠ પાંચના ભાવે રાઇટમાં સોમવારે એક્સ-રાઇટ થશે. શૅર ગઈ કાલે અડધો ટકો ઘટીને ૮.૭૨ બંધ હતો.
સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી લીટરદીઠ ૧૦ રૂપિયા ઘટાડવામાં આવી છે. આને લીધે હવે પેટ્રોલ પર એક્સાઇઝ લીટરે ત્રણ રૂપિયા તથા ડીઝલમાં તે લગભગ ઝીરો થઈ જાય છે. વિશ્વબજારમાં ક્રૂડ મોંઘું બની ગયું છે. સામે ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના વેચાણભાવ વધારવાની સરકારે છૂટ આપી નથી. એનાથી તેલ-કંપનીઓ પર મોટો બોજ પડ્યો છે. આ બોજ હળવો કરવા એક્સાઇઝ ઘટાડવામાં આવી છે. સરકારના આ પગલાની અસરમાં તેલ-કંપનીના શૅર પ્રારંભિક સુધર્યા હતા, પણ આ સુધારો ટક્યો નહોતો. ગઈ કાલે હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઉપરમાં ૩૫૭ થઈ એક ટકો ઘટીને ૩૪૧, ભારત પેટ્રોલિયમ ૨૯૮ વટાવ્યા બાદ પોણો ટકો ઘટી ૨૮૨, ઇન્ડિયન ઑઇલ ૧૪૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ બે ટકા ગગડી ૧૩૮ બંધ થઈ છે. ચેન્નઈ પેટ્રો ૧૦૨૮ થયા બાદ સાડાચાર ટકા ગગડી ૯૫૮ તો MRPL ૧૯૦ નજીક જઈ પાંચ ટકા તૂટી ૧૭૭ રહી છે. ગાંધાર ઑઇલ ૫.૪ ટકા તૂટી હતી. ONGC ૪.૩ ટકા વધી ૨૮૨ થઈ છે. ઑઇલ ઇન્ડિયા દોઢ ટકો સુધરી ૪૭૮ હતી. ગુજરાત ગૅસ ચાર ટકા ગગડી છે. અદાણી ટોટલ દોઢ ટકો પ્લસ હતી.