અમેરિકામાં ફુગાવાનો આંક અંદાજ કરતાં નીચો રહ્યો હોવાથી આજે શૅરબજારમાં વૃદ્ધિની સંભાવના

11 August, 2022 05:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએસઈ આઈપીઓ ઇન્ડેક્સ ૦.૭૮ ટકા ઘટ્યો હતો અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૧.૦૨ ટકા વધ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ચીન અને અમેરિકાના ફુગાવાના આંકડાઓએ સમગ્ર વિશ્વનાં શૅરબજારોના શ્વાસ અધ્ધર રાખ્યા છે. ચીનમાં ફુગાવો વધવાને પગલે હૅન્ગસૅન્ગમાં બે ટકાનો ઘટાડો થયો હતો અને હવે અમેરિકામાં ફુગાવાના આંકડાની રાહ જોવાઈ રહી છે. આથી યુરોપિયન બજારો ઉપરાંત ભારતીય બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. આવા સંજોગોમાં શૅરબજારને સ્થાનિક સ્તરે વધવા કે ઘટવા માટે કોઈ પરિબળ નહીં મળતાં તેજીને હવે થાક લાગ્યો છે. અમેરિકાના ફુગાવાના આંકડા કેવા આવે છે એની પ્રતીક્ષામાં બજાર બુધવારે ફ્લૅટ બંધ રહ્યું હતું. જો અમેરિકામાં ફુગાવો વધશે તો ફેડરલ રિઝર્વે એને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં મોટો વધારો કરવાનું ટાળવું પડશે એવું મનાય છે. અમેરિકામાં જૂન મહિનામાં ફુગાવાનો દર ૯.૧ ટકા રહ્યો હતો. જુલાઈમાં એમાં સહેજ ઘટાડો થઈને દર ૮.૭ ટકા રહેશે એવું સર્વેક્ષણોમાં જણાઈ આવ્યું છે. એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૩૫.૭૮ પૉઇન્ટ (૦.૦૬ ટકા) ઘટીને ૫૮,૮૧૭.૨૯ તથા નિફ્ટી૫૦ ઇન્ડેક્સ ૯.૬૫ પૉઇન્ટ (૦.૦૬ ટકા) વધીને ૧૭,૫૩૪.૭૫ બંધ રહ્યો હતો. સેન્સેક્સના ૧૭ સ્ટૉક્સમાં ઘટાડો અને ૧૩માં વધારો થયો હતો, જ્યારે નિફ્ટીમાં ૩૦ સ્ટૉક્સ વધ્યા હતા અને ૨૦ ઘટ્યા હતા. એનએસઈ પર ટોચના વધેલા સ્ટૉક્સમાં હિન્દાલ્કો (૪.૪૪ ટકા), કોલ ઇન્ડિયા (૨.૦૪ ટકા), યુપીએલ (૧.૯૮ ટકા), તાતા સ્ટીલ (૧.૮૭ ટકા) અને અપોલો હૉસ્પિટલ (૧.૮૨ ટકા) સામેલ હતા. ઘટેલા ટોચના સ્ટૉક્સ હતા બજાજ ફાઇનાન્સ (૨.૬૦ ટકા), ઓએનજીસી (૧.૯૦ ટકા), એચસીએલ ટેક (૧.૪૫ ટકા), અદાણી પોર્ટ્સ (૧.૩૯ ટકા) અને એશિયન પેઇન્ટ્સ (૧.૩૧ ટકા). 

નિફ્ટીના મૂલ્યની દૃષ્ટિએ સૌથી વધુ સક્રિય સ્ટૉક્સમાં આઇસીઆઇસીઆઇ બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, રિલાયન્સ, એચડીએફસી બૅન્ક અને હિન્દાલ્કો તથા વૉલ્યુમની દૃષ્ટિએ ટોચના સક્રિય સ્ટૉક્સમાં તાતા સ્ટીલ, હિન્દાલ્કો, આઇસીઆઇસીઆઇ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને ઓએનજીસી સામેલ હતા. બ્રોડ બેઝ્ડ ઇન્ડાઇસિસમાં બીએસઈ ૫૦ ઇન્ડેક્સ ૦.૦૬ ટકા, બીએસઈ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૦૧ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૦.૦૧ ટકા વધ્યા હતા, જ્યારે બીએસઈ મિડ કૅપ ૦.૧૩ ટકા, બીએસઈ સ્મૉલ કૉપ ૦.૧૦ ટકા, બીએસઈ ૨૦૦ ઇન્ડેક્સ ૦.૦૧ ટકા, બીએસઈ ૫૦૦ ઇન્ડેક્સ ૦.૦૧ ટકા અને બીએસઈ ઑલ કૅપ ૦.૦૨ ટકા ઘટ્યા હતા.

બીએસઈ આઈપીઓ ઇન્ડેક્સ ૦.૭૮ ટકા ઘટ્યો હતો અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૧.૦૨ ટકા વધ્યો હતો.

સેક્ટરલ ઇન્ડાઇસિસમાં બેઝિક મટીરિયલ્સ ૦.૮૭ ટકા, એનર્જી ૦.૧૭ ટકા, ફાઇનૅન્સ ૦.૦૬ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૬૧ ટકા, ઑટો ૦.૦૭ ટકા, બૅન્કેક્સ ૦.૦૧ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૨૯ ટકા, અને મેટલ ૧.૮૭ ટકા વધ્યા હતા, જ્યારે સીડીજીએસ ૦.૪૮ ટકા, એફએમસીજી ૦.૪૫ ટકા, હેલ્થકૅર ૦.૧૩ ટકા, આઇટી ૦.૯૭ ટકા, ટેલિકૉમ ૦.૪૬ ટકા, યુટિલિટીઝ ૦.૧૭ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૫૭ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૦.૧૭ ટકા, રિયલ્ટી ૦.૭૯ ટકા અને ટેક ૦.૬૮ ટકા ઘટ્યા હતા. બીએસઈ પર ગ્રુપ એમાં વધેલામાં બીએફ યુટિલિટીઝ, ફાઇન ઑર્ગેનિક્સ, કૉફી ડે અને તાતા કેમિકલ્સ મોખરે હતા, જ્યારે આ જ ગ્રુપમાં ઘટેલા મુખ્ય સ્ટૉક્સ એવરેસ્ટ કૅન્ટો, સિક્વન્ટ, ગ્લોબસ સ્પિરિટ, નાટકો ફાર્મા અને મનાલી પેટ્રો હતા. એક્સચેન્જમાં કિર્લોસ્કર ન્યુ, કિર્લોસ્કર ફેરો, ઝેનસાર ટેક, વેસ્ટલાઇફ અને તાતા કેમિકલ્સમાં કામકાજમાં ઉછાળો આવ્યો હતો. ફાઇન ઑર્ગેનિક ૧૫.૮૩ ટકા વધીને ૬,૭૪૨ રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો.

business news united states of america china inflation share market national stock exchange stock market bombay stock exchange nifty