ટેલિગ્રામ ચૅનલ દ્વારા સ્ટૉક માર્કેટમાં ગેરરીત, સેબીએ છ વ્યક્તિઓ સામે જારી કર્યો મનાઈહુકમ

14 January, 2022 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેબીએ ટેલિગ્રામ ઍપનો ઉપયોગ કરીને સ્ટૉક્સની ખરીદીની ભલામણ કરવાના કિસ્સામાં છ વ્યક્તિઓને સિક્યૉરિટીઝ માર્કેટમાં કામ કરવાની મનાઈ ફરમાવી છે.

પ્રતીકાત્મક તસવીર

સેબીએ ટેલિગ્રામ ઍપનો ઉપયોગ કરીને સ્ટૉક્સની ખરીદીની ભલામણ કરવાના કિસ્સામાં છ વ્યક્તિઓને સિક્યૉરિટીઝ માર્કેટમાં કામ કરવાની મનાઈ ફરમાવી છે. તેમને ગેરરીતિપૂર્ણ વ્યવહારો દ્વારા કમાયેલા ૨.૮૪ કરોડ રૂપિયા પાછા આપવાનો આદેશ પણ આપવામાં
આવ્યો છે.  
જેમની સામે આદેશ અપાયો છે એ વ્યક્તિઓમાં હિમાંશુ મહેન્દ્રભાઈ પટેલ, રાજ મહેન્દ્રભાઈ પટેલ, જયદેવ ઝાલા, મહેન્દ્રભાઈ બેચરદાસ પટેલ, કોકિલાબેન મહેન્દ્રભાઈ પટેલ અને અવનિ કિરણકુમાર પટેલનો સમાવેશ થાય છે. 
બુલરન૨૦૧૭ નામની ટેલિગ્રામ ચૅનલના લગભગ ૫૨,૦૦૦ સબસ્ક્રાઇબર્સ હતા. આ ચૅનલ હિમાંશુ, રાજ અને જયદેવ ચલાવતા હતા. તેઓ સ્મૉલ કૅપ સ્ટૉક્સની ખરીદી બાબતે ભલામણો કરતા હતા, એમ સેબીએ એના ૩૭ પાનાંના વચગાળાના આદેશમાં જણાવ્યું છે. 
આ ત્રણે વ્યક્તિઓએ કરેલા ટ્રેડિંગનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે તેઓ ટેલિગ્રામ ચૅનલ પરથી ભલામણ કરતાં પહેલાં સંબંધિત સ્ક્રિપમાં ઓળિયાં ઊભાં કરી લેતા હતા. લોકો એમાં ટ્રેડિંગ કરવા લાગે ત્યારે તેઓ પોતાનાં ઓળિયાં સૂલટાવી દઈને મોટો નફો કમાતા હતા. 
હિમાંશુ, રાજ અને જયદેવ વિરુદ્ધ પાકા પુરાવા એકઠા કરવા માટે સેબીએ ગયા વર્ષે પહેલી ડિસેમ્બરે તેમની ઝડતી લીધી હતી અને ડિજિટલ ડિવાઇસ જપ્ત કર્યાં હતાં. આ ગેરરીતિમાં સંપૂર્ણ પટેલ પરિવાર સંડોવાયેલો હતો. તેમણે પ્રોહિબિશન ઑફ ફ્રોડ્યુલન્ટ ઍન્ડ અનફેર ટ્રેડ પ્રૅક્ટિસિસ નોર્મ્સનો ભંગ કર્યો હોવાનું સેબીએ જણાવ્યું છે અને યોગ્ય સમયગાળા સુધી સિક્યૉરિટીઝ માર્કેટમાં કામકાજ કરવા માટે તેમના પર પ્રતિબંધ મૂક્યો છે.

business news