બૅન્કિંગના ભારમાં શૅરબજાર નરમ, ચાર બૅન્ક-શૅર ૩૫૬ પૉઇન્ટ નડ્યા

29 April, 2026 08:49 AM IST  |  Mumbai | Anil Patel

મારુતિ સુઝુકી નબળા રિઝલ્ટમાં ૩૩૪ રૂપિયા ઘટીને બંધ : માથે પરિણામ વચ્ચે અદાણી પોર્ટ્‍સ અને અદાણી પાવર સતત નવા શિખરે, અદાણી એન્ટરપ્રાઇઝિસ મજબૂત : બહેતર રિઝલ્ટ સાથે શૅરદીઠ ૨૪૦ રૂપિયા ડિવિડન્ડ છતાં અલ્ટ્રાટેક ઘટાડામાં : ડૉલર સામે રૂપિયો ૯૪.૫૦ની પાર થયો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મધ્યપૂર્વના મામલે આ વીક-એન્ડમાં શાંતિમંત્રણા માટે મળવાનો ટ્રમ્પે નિર્દેશ આપ્યો છે. ઈરાન તરફથી એમાં હાજર રહેવાની તૈયારી સાથે નવી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. એ અનુસાર અમેરિકા નેવલ બ્લૉકેડ સહિતના અંકુશ હટાવી લે તો હોર્મુઝ ખાડી જહાજોની અવરજવર માટે ખુલ્લી મૂકવાની તેણે તૈયારી બતાવી છે. ટ્રમ્પે આ પ્રસ્તાવ વિશે ડિફેન્સ-ટીમ સાથે વાતચીત કરી નિર્ણય લેવાશે એવી જાણ કરી છે. આ સમગ્ર ઘટનાક્રમને પગલે હૉપ ફૅક્ટર રાબેતા મુજબ ધબકતું રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ જોકે ૧૦૪ ડૉલર પર દેખાયું છે. સાઉથ કોરિયન કૉસ્પી ઇન્ડેક્સ ૬૭૧૩ના નવા શિખરે જઈને સાધારણ વધીને ૬૬૪૧ હતો. અન્યથા જપાન સવા ટકો, થાઇલૅન્ડ સાધારણ, હૉન્ગકૉન્ગ ૧.૧ ટકા, ઇન્ડોનેશિયા અડધો ટકો, તાઇવાન-ચાઇના તથા સિંગાપોર નજીવા નરમ હતા. યુરોપ રનિંગમાં નહીંવતથી અડધો ટકો સુધર્યું હતું. ડૉલર સામે રૂપિયો ૯૪.૨૦ના આગલા બંધ સામે ૯૪.૫૮ થઈ ૯૪.૫૨ જોવા મળ્યો છે. બિટકૉઇન વધુ એકાદ ટકો ઘસાઈને ૭૬,૬૫૭ ડૉલર ચાલતો હતો.

સેન્સેક્સ આગલા બંધથી ૨૦૮ પૉઇન્ટ જેવો નરમ, ૭૭,૦૯૫ નીચે ખૂલી છેવટે ૪૧૭ પૉઇન્ટ ઘટીને ૭૬,૮૮૭ તથા નિફ્ટી ૯૭ પૉઇન્ટ ઘટીને ૨૩,૯૯૬ બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૭૭,૪૯૩ તથા નીચામાં ૭૬,૭૪૧ થયો હતો. નબળી માર્કેટ-બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૨૪૯ શૅરની સામે ૧૭૧૫ જાતો ઘટી છે. આગલા દિવસે ૬.૪૨ લાખ કરોડ વધેલું માર્કેટ કાલે ૧.૧૯ લાખ કરોડ ઘટીને ૪૬૬.૯૩ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.

રિઝર્વ બૅન્ક તરફથી ઍસેટ્સ ક્લાસિફિકેશન, પ્રોવિઝનિંગ તથા ઇન્કમ રેકગ્નાઇઝેશન વિશે ઑક્ટોબર ૨૦૨૫માં જે નિયમ જાહેર કરાયા હતા એનો અમલ એપ્રિલ ૨૦૨૭થી કરવાનું નક્કી થયું છે જેમાં ECL એટલે કે એસ્પેકક્ટેડ ક્રેડિટ લૉસનાં ધોરણ પણ સામેલ છે. સરકારી બૅન્કો તરફથી આના અમલ માટે વધુ સમયની માગણી કરવામાં આવી હતી એ સ્વીકારવામાં આવી નથી. આને પગલે ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૧૪માંથી ૧૨ શૅરના ઘટાડામાં ૮૬૪ પૉઇન્ટ કે દોઢ ટકા તથા PSU બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરની બુરાઈમાં ૨.૨ ટકા ડૂલ થયો છે. યુનિયન બૅન્ક ત્રણ ટકા, કૅનેરા બૅન્ક અઢી ટકા, PNB સવાબે ટકા, બૅન્ક ઑફ બરોડા ૨.૩ ટકા, ફીનો પેમેન્ટ બૅન્ક ૨.૪ ટકા, ઉજ્જીવન બૅન્ક અઢી ટકા ડાઉન હતી. ઇન્ડેક્સ બેઝ્ડ HDFC બૅન્ક એક ટકો, ICICI બૅન્ક ૧.૮ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૯ ટકા, ઍક્સિસ બૅન્ક ૨.૭ ટકા ઘટી હતી. એ કુલ ૩૫૬ પૉઇન્ટ નડી છે.

નેસ્લે ૧૪૪૫ના નવા શિખરે જઈ નિફ્ટીમાં દોઢ ટકો વધી ૧૪૪૦ રહી છે. અહીં ONGC કોલ ઇન્ડિયા, ડૉ. રેડ્ડીઝ લૅબ, અદાણી એન્ટરપ્રાઇઝિસ બેથી પાંચ ટકા ઝળકી સુધારામાં મોખરે હતી. સેન્સેક્સ ખાતે રિલાયન્સ ૧.૭ ટકા અને ભારતી ઍરટેલ ૧.૪ ટકા પ્લસ હતા. IT ઇન્ડેક્સ ૨૨૧ પૉઇન્ટ જેવો ઘટ્યો છે. હેવીવેઇટ્સમાં HCL ટેક્નો અઢી ટકા, ઇન્ફોસિસ દોઢ ટકો, વિપ્રો ૧.૭ ટકા માઇનસ હતા. TCS નામ પૂરતો ઘટ્યો છે. ટેક મહિન્દ્ર એક ટકો પ્લસ હતી. તાતા કેમિકલ્સનાં પરિણામ ૪ મેએ છે. શૅર ગઈ કાલે ૩૦ ગણા ભારે કામકાજમાં ૮૧૮ થઈ ૧૧ ટકાના જમ્પમાં ૮૦૨ બંધ આવ્યો છે. 

બહેતર પરિણામમાં તામિલનાડુ બૅન્ક ઑલટાઇમ હાઈ

સિટી યુનિયન બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૩૧ ટકા વધીને ૭૮૬ કરોડ થઈ છે. નેટ નફો ૨૫ ટકા વધીને ૩૫૯ કરોડ વટાવી ગયો છે. પ્રોવિઝનિંગ ૫૪ ટકા વધીને ૧૨૦ કરોડ નોંધાઈ છે. શૅર ઉપરમાં ૨૯૩ બતાવી દોઢ ટકો વધીને ૨૭૬ બંધ થયો છે. AU સ્મૉલ બૅન્કે ૨૩.૩ ટકાના વધારામાં ૨૫૮૨ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પર ૬૫.૨ ટકા વૃદ્ધિદરથી ૮૩૨ કરોડ નેટ નફો હાંસલ કર્યો છે. શૅર ઉપરમાં ૧૦૬૪ દેખાડી બે ટકા ઘટીને ૧૦૨૨ હતો. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સે ૧૬ ટકાના વધારામાં ૨૯૦૩ કરોડ જેવી આવક પર ૧૪ ટકાના વધારામાં ૬૬૯ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ઉપરમાં ૯૩ વટાવી ૧.૯ ટકા ઘટીને ૮૯ હતો. નિપ્પોન લાઇફ ઇન્ડિયા ઍસેટ મૅનેજમેન્ટ દ્વારા ૩૦.૪ ટકાના વધારામાં ૭૩૯ કરોડની આવક પર ૨૮.૮ ટકાના વધારામાં ૩૮૫ કરોડ નજીકનો નેટ ત્રિમાસિક નફો દર્શાવાયો છે. ભાવ ૧૦૬૪ના શિખરે જઈ સાડાત્રણ ટકા વધી ૧૦૨૩ રહ્યો છે. તામિલનાડુ મર્કન્ટાઇલ બૅન્કે ૨૪ ટકા વધારામાં ૭૦૪ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પર ૨૮ ટકા વૃદ્ધિદરથી ૩૭૪ કરોડ જેવો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. શૅર ગઈ કાલે ૭૬૦ની ઑલટાઇમ હાઈ બતાવી ૫.૪ ટકાની મજબૂતીમાં ૭૪૦ થયો છે.

અદાણી ટોટલ ગૅસ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં સાડાસોળ ટકા વધારામાં ૧૬૯૪ કરોડની આવક પર ૯ ટકા જેવા વધારામાં ૧૬૮ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. શૅર પોણાત્રણ ટકા વધીને ૬૫૪ થયો છે. અદાણી પાવર પરિણામની પૂર્વસંધ્યાએ ૨૨૫ની નવી ટૉપ દેખાડીને અઢી ટકા વધી ૨૨૩ હતી. અદાણી એનર્જી ૧૪૬૩ની નવી ઊંચી સપાટીએ જઈ ૧૪૩૫ના લેવલે ફ્લૅટ રહી છે. 

નવા સૂત્રધારની વરણીની તેજીમાં કોહેન્સ લાઇફ મજબૂત

આવક-નફામાં ૧૫ ટકા જેવા વધારા સાથે શૅરદીઠ ૬ના ડિવિડન્ડમાં આગલા દિવસે સાતગણા વૉલ્યુમના ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૫૮૪ ટકા ઘટીને ૫૬૦ થઈ છે. તો અગાઉ સુવેન ફાર્મા તરીકે ઓળખાતી કોહેન્સ લાઇફ સાયન્સ નવા CEO તથા ચૅરમૅન તરીકે ઉમંગ વોહરાની નિમણૂકના અહેવાલથી આગલા દિવસે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૩૩ બંધ થયા બાદ ગઈ કાલે સવાચૌદ ટકા વધીને ૪૯૪ થયો છે. નબળા પરિણામ સાથે ડિવિડન્ડ ટાળતાં MRPL સાડાસાત ટકા તૂટીને ૧૭૨ના બંધમાં એ-ગ્રુપ ખાતે ટૉપ લૂઝર બન્યા પછી વળતા દિવસે ઉપર ૧૭૮ થઈ પોણો ટકો સુધરીને ૧૭૪ રહી છે.

ફીનિક્સ મિલ્સે માર્ચ ક્વૉર્ટરમાં ૨૧.૩ ટકા વધારામાં ૧૨૩૩ કરોડની આવક પર ૫૦ ટકા વૃદ્ધિદરથી ૪૦૩ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ગઈ કાલે ઉપર ૧૮૩૪ થઈ ૨.૪ ટકા ઘટી ૧૭૬૧ હતો. પંજાબ સિંધ બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૧૩ ટકા ઘટી ૯૭૫ કરોડ થઈ છે, પણ ચોખ્ખો નફો ૩૫ ટકા વધી ૪૨૨ કરોડની નજીક ગયો છે. શૅર સવાબે ટકા ઘટીને ૨૫ થયો છે. તાતાની રાલિઝ ઇન્ડિયાની ત્રિમાસિક આવક ૬ ટકા વધી ૪૫૬ કરોડ થઈ છે. નેટ લૉસ ૩૨ કરોડથી ઘટી ૧૫ કરોડ રહી છે. શૅર ઉપરમાં ૨૮૩ બતાવી નજીવો સુધરી ૨૬૧ હતો. જિન્દલ સોની ત્રિમાસિક આવક સવાઆઠ ટકા ઘટીને ૪૬૩૩ કરોડ તથા નેટ નફો ૫૨ ટકા ગગડીને ૧૩૯ કરોડ આવ્યો છે. શૅર નીચે ૨૨૪ બતાવી ૧.૮ ટકા ઘટી ૨૪૦ થયો છે. રોસારી બાયોટેક દ્વારા સવાઅઢાર ટકા વધારામાં ૬૮૫ કરોડ આવક પર ૩૩.૪ ટકા વૃદ્ધિદરથી ૪૬ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર પોણાઆઠ ટકા તૂટીને ૪૬૭ રહ્યો છે. 

પરિણામનો કરન્ટ જાળવી રાખતાં રિલાયન્સ વધુ પોણાબે ટકા પ્લસ

સરકારની ૬૩ ટકા માલિકીની કોલ ઇન્ડિયા દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં પોણાછ ટકાના વધારામાં ૪૬,૪૯૦ કરોડની આવક પર ૧૧.૨ ટકા વધારામાં ૧૦,૮૩૯ કરોડ નેટ નફો મેળવી શૅરદીઠ સવાપાંચ રૂપિયા આખરી ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર ગઈ કાલે ઉપર ૪૭૪ થઈ ત્રણેક ટકા વધી ૪૬૭ બંધ હતો. તાતાની ટ્રેન્ટ દ્વારા બે શૅરદીઠ એક બોનસ માટે ૨૯ મેની રેકૉર્ડ ડેટ નક્કી થઈ છે. શૅર નજીવો ઘટી ૪૨૫૪ રહ્યા છે. પોણાબાર અબજ ડૉલરમાં અમેરિકન ફાર્મા કંપની ઑર્ગોનનને હસ્તગત કરવાની ડીલમાં આગલા દિવસે ૭ ટકા ઊછળી બન્ને બજારમાં ટૉપ ગેઇનર બનેલી સનફાર્મા વળતા દિવસે ઉપરમાં ૧૭૬૪ થઈ પોણો ટકો સુધરી ૧૭૪૮ રહી છે. સિપ્લા અડધો ટકો ઘટીને ૧૩૧૦ તો ડૉ. રેડ્ડીઝ લૅબ દોઢ ટકો વધીને ૧૩૫૫ હતી. મારુતિ સુઝુકી નફામાં સાડાછ ટકાના ઘટાડામાં અઢી ટકા બગડીને ૧૨,૮૯૨ હતી.

નબળા માર્જિન સાથે નફામાં ઘટાડા વચ્ચે સ્ટ્રૉન્ગ રેવન્યુ ગ્રોથની થીમમાં આગલા દિવસે ૨.૯ ટકા વધીને બજારને ૨૧૯ પૉઇન્ટ ફળેલી રિલાયન્સ ગઈ કાલે ઉપર ૧૩૯૩ બતાવી ૧.૭ ટકા વધીને ૧૩૮૯ થઈ છે. તો ડલ પરિણામમાં ત્રણ ટકા બગડી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બનેલી ઍક્સિસ બૅન્ક ૨.૭ ટકા ઘટીને ૧૨૮૯ હતી. માથે પરિણામ વચ્ચે અદાણી એન્ટરપ્રાઇઝિસ ચારેક ટકા વધી ૨૪૧૧ થઈ છે. અદાણી પોર્ટ્સ ઉપરમાં ૧૬૪૮ બતાવી અડધો ટકો ઊંચકાઈ ૧૬૩૬ હતી. ૪૧ ટકા વધારામાં ૩૦૧૪ કરોડના નેટ નફા સાથે સારાં પરિણામ અને બ્રોકરેજ હાઉસના બુલિશ-વ્યુ વચ્ચે સાડાત્રણ ટકા બગડી ૯૭૫ અંદર બંધ આપીને નિફ્ટીમાં ટૉપ લૂઝર બનેલી શ્રીરામ ફાઇનૅન્સ ગઈ કાલે નીચામાં ૯૪૯ થઈ સવાબે ટકા ઘટી ૯૫૩ રહી છે. જિયો ફાઇનૅન્સ ઉપર ૨૫૬ નજીક જઈ ૧.૧ ટકાની પીછેહઠમાં ૨૫૧ થઈ છે.

ONGC ૧૯ મહિનાની ટોચે જઈ નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર

અલ્ટ્રાટેક સિમેન્ટ્સ દ્વારા ૧૨ ટકા વધારામાં ૨૫૭૯૯ કરોડની આવક પર ૨૦ ટકાના વધારામાં ૨૯૮૩ કરોડ નેટ પ્રૉફિટ મેળવી શૅરદીઠ ૨૪૦ રૂપિયાનું તગડું ડિવિડન્ડ જાહેર થયું છે. શૅર ઉપરમાં ૧૨,૩૦૦ થયા બાદ નીચામાં ૧૧,૭૯૦ બતાવી ૧.૬ ટકા ઘટીને ૧૧,૮૧૬ બંધ થયો છે. ONGC ૩૦૨ની ૧૯ મહિનાની ઊંચી સપાટી બનાવી ૫.૪ ટકા વધી ૩૦૧ થઈ છે. એકંદર ઢીલા બજારમાં ગઈ કાલે એનર્જી ઇન્ડેક્સ પોણાબે ટકા પ્લસ હતો. ઑઇલ ઇન્ડિયા ૪.૫ ટકા, હિન્દુસ્તાન ઑઇલ એક્સ્પ્લોરેશન ૫.૬ ટકા, ગુજરાત ગૅસ ૧.૬ ટકા, ચેન્નઈ પેટ્રોલિયમ ૭.૫ ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ એક ટકો વધ્યો હતો. ભારત પેટ્રો ૧.૭ ટકા, ઇન્ડિયન ઑઇલ અડધો ટકો, હિન્દુસ્તાન પેટ્રો ૦.૪ ટકા નરમ હતી.

મેટલ ઇન્ડેક્સ ૪૩,૩૦૦ની ઑલટાઇમ હાઈ દેખાડી ૨૦૮ પૉઇન્ટ વધીને ૪૨૯૨૩ તો કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૭૮,૨૪૫ની નવી વિક્રમી સપાટી હાંસલ કરી ૩૩૪ પૉઇન્ટ વધીને ૭૭,૯૪૨ રહ્યો છે. હિન્દાલ્કો ૧૦૭૯ના શિખરે જઈને સવા ટકો વધી ૧૦૭૪, તાતા સ્ટીલ ૨૧૮ના બેસ્ટ લેવલે જઈ પોણો ટકો વધી ૨૧૫, લૉઇડ્સ મેટલ્સ ૧૭૬૨ની ટૉપ હાંસલ કરી સવા ટકો વધીને ૧૭૫૧, JSW સ્ટીલ ૧૩૦૬ની નવી ટોચે જઈ ૧૨૮૩ના લેવલે યથાવત્ બંધ હતો. વેદાન્તા અડધો ટકો નરમ થઈ છે. કિર્લોસ્કર એન્જિન, સિમેન્સ એનર્જી, ડેટા પૅટર્ન્સ, વારિ એનર્જીઝ, કાર્બોરેન્ડમ યુનિવર્સલ, કોચીન શિપયાર્ડ, ભેલ, પૉલિકૅબ જેવી જાતો કૅપિટલ ગુડ્સમાં એકથી ત્રણેક ટકા પ્લસ હતી. પાવર તથા યુટિલિટીઝ બેન્ચમાર્ક પણ નવી ઐતિહાસિક ટૉપ બનાવી ૦.૪ ટકા સુધારામાં હતા. અતહીં JSW એનર્જી, તાતા પાવર, NHPC, અદાણી પાવર સવાથી અઢી ટકા, પીટીસી ઇન્ડિયા ૫.૪ ટકા, ઇકો રીસાઇક્લિંગ ૧૦ ટકા, ઑરિયેન્ટ ગ્રીન પાવર ૧૩.૫ ટકા, વાટેક વાબેગ સવા ટકો મજબૂત બની છે. એન્વિરો ઇન્ફ્રા ત્રણ ટકા વધી હતી. સામે NTPC ગ્રીન, આઇનોક્સ ગ્રીન, GMR પાવર બે-અઢી ટકા ડાઉન થઈ છે. 

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange