ટ્રમ્પ બાદ હવે બજારને અધ્ધરતાલ કરવા કાશ્મીર-પહલગામ આવ્યું

30 April, 2025 07:00 AM IST  |  Mumbai | Jayesh Chitalia

શૅરબજારની નજર હવે અમેરિકા-ટ્રમ્પ ઉપરાંત ભારત-મોદી પર પણ મંડાઈ છે, પહલગામની ઘટનાએ સવાલો અને તનાવો ઊભા કર્યા છે. આ બાબતો ઇકૉનૉમી અને માર્કેટ માટે હાનિકારક ગણાય

પહલગામ હુમલો

શૅરબજારની નજર હવે અમેરિકા-ટ્રમ્પ ઉપરાંત ભારત-મોદી પર પણ મંડાઈ છે, પહલગામની ઘટનાએ સવાલો અને તનાવો ઊભા કર્યા છે. આ બાબતો ઇકૉનૉમી અને માર્કેટ માટે હાનિકારક ગણાય. માર્કેટને અનિશ્ચિતતાનો ભય વધુ લાગતો હોવાનું સત્ય જાહેર છે, વિદેશી રોકાણકારોની નેટ ખરીદીને પગલે બજાર રિકવર થવા લાગ્યું હોવાનું જોવા મળે છે, પરંતુ આ ખરીદી ક્યાં સુધી ચાલુ રહેશે એ કળવું કઠિન છે. રોકાણકાર વર્ગે આ સત્યને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવું જોઈશે

તાજેતરમાં ટૅરિફ-યુદ્ધનાં બદલાયેલાં પરિમાણોમાં ભારતના સંજોગો ફેવરેબલ બનતાં માર્કેટમાં સારી રિકવરી નોંધાઈ હતી, બજારમાં લાર્જકૅપ સહિતના સ્ટૉક્સમાં વૃદ્ધિ થઈ હતી. ખાસ તો FIIની ખરીદીની વાપસી રિકવરીનું મહત્ત્વનું કારણ બન્યું હતું. વીતેલા સપ્તાહની શરૂઆત ફરી પૉઝિટિવ થઈ હતી અને સેન્સેક્સ તથા નિફ્ટી બન્નેએ ઊંચાઈ તરફ કૂચ કરી હતી. અમેરિકા અને ટ્રમ્પ ઢીલા પડી ગયા હોવાની ધારણા સાથે તેમ જ ફૉરેન ઇન્વેસ્ટર્સ પાછા ફર્યા હોવાની લાગણી તેમ જ ટૅરિફ-યુદ્ધમાં ભારતને બહુ જ મિનિમમ અસર થવાની શક્યતા અને સંભવિત લાભ વધુ થવાની આશાએ બજારે સકારાત્મક વળાંક લીધો હોવાની ચર્ચા હતી. જોકે સ્ટૉક્સના ભાવ વિશે હજી એ વધુ ઊંચા હોવાની વાતો થતી રહી છે. જ્યારે કે બીજી તરફ એવું પણ કહેવાય છે કે ભારતીય માર્કેટે જે કરેક્શન કરવાનું હતું એ થઈ ગયું હોવાથી માર્કેટને પાછા વળવા સિવાય કોઈ ઉપાય પણ નહોતો. યે તો હોના હી થા. આ વાતને સમર્થન આપતું હોય એમ મંગળવારે પણ બજાર સુધારાતરફી રહ્યું હતું. બુધવારે પણ રિકવરીના માર્ગે આગળ વધેલું માર્કેટ સેન્સેક્સને ૮૦,૦૦૦ પાર લઈ ગયું હતું. જોકે ગુરુવારે બજારે કરેક્શન તરફ ટર્ન લીધો અને શુક્રવારે કરેક્શન વધુ માત્રામાં આગળ વધ્યું. જોકે બંધ થતાં પહેલાં એ કરેક્શનમાં સુધારો પણ આવ્યો હતો. આમ સાત દિવસના સતત સુધારા બાદ પ્રૉફિટ-બુકિંગ અનિવાર્ય બન્યું હતું, દેશના અને ગ્લોબલ સંજોગોને ધ્યાનમાં રાખતાં રોકાણકાર વર્ગ હાલ માર્કેટના ટ્રેન્ડ બાબતે અનિશ્ચિતતા ફીલ કરે એ સહજ છે. આવા સમયમાં બજાર વધે ત્યારે પ્રૉફિટ-બુકિંગ આવતાં સમય નહીં લાગે અને બહુ ઘટશે તો નવી ખરીદીને પણ સમય નહીં લાગે એવું માની શકાય.

અમેરિકા કરતાં ભારતીય ઇક્વિટીનું આકર્ષણ

દરમ્યાન મોબિયસ ઇમર્જિંગ ઑપોર્ચ્યુનિટી ફન્ડના ચૅરમૅન માર્ક મોબિયસના મતે ટૅરિફ-યુદ્ધ જેવું શાંત પડશે કે માર્કેટ ફરી મૂડમાં આવી જશે એવું લાગે છે. હાલમાં ઓછું કરજ ધરાવતા અને મૂડી પર સારું વળતર આપતા તેમ જ સતત અર્નિંગ ગ્રોથ ધરાવતા સ્ટૉક્સમાં રોકાણ કરવું જોઈએ. તેમના કહેવાનુસાર અમેરિકામાં રિસેશન આવી રહ્યું છે, પરંતુ એ લાંબું ટકશે નહીં. બીજી બાજુ ગ્લોબલ ઇન્વેસ્ટર ક્રિસ વુડના અભિપ્રાય મુજબ રોકાણકારોએ અમેરિકાના સ્ટૉક્સ વેચીને બહાર નીકળવું જોઈએ અને ભારતીય સ્ટૉક્સ ખરીદવા જોઈએ. તેઓ અમેરિકા કરતાં ચીન, ભારત અને યુરોપની માર્કેટ બહેતર માને છે. વુડના મતે ટ્રમ્પ પાસે ચીન સામે ટૅરિફ વિશે લડવા મજબૂત પરિબળો નથી, જેથી તેઓ વારંવાર ચીન અને અમેરિકા વચ્ચે વાટાઘાટના ગાણાં ગાય છે. જ્યારે કે ચીન એ વાતને રદિયો આપે છે. વુડનો અભ્યાસ કહે છે કે અમેરિકન ડૉલરનો ઘટાડાતરફી ટ્રેન્ડ શરૂ થયો છે, સ્ટૉક્સના તૂટવાનું કારણ ઓવરવૅલ્યુએશન છે.

FII નેટ બાયર્સ કેમ બન્યા?

ઑક્ટોબર ૨૦૨૪થી સતત નેટ વેચવાલ રહેનાર ફૉરેન ઇન્વેસ્ટર્સ (FII)એ હાલમાં અમુક દિવસમાં (૧૫થી ૨૧ એપ્રિલ દરમ્યાન) બે અબજ ડૉલરનું ભારતીય શૅરબજારમાં રોકાણ કર્યું છે. એ પછી પણ FII રોકાણપ્રવાહ ચાલુ રહ્યો છે. અગાઉ ડિસેમ્બરમાં તેઓ નેટ બાયર્સ રહ્યા હતા. માર્ચમાં પણ તેઓ નેટ બાયર્સ બન્યા હતા. અત્યારે માર્કેટ-પ્લેયર્સની નજર FIIના ટ્રેન્ડ પર રહે છે. અમેરિકા અને ચીન વચ્ચેનો તનાવ  તેમ જ ગ્લોબલ ઇકૉનૉમિક સિચુએશન FIIના ટ્રેન્ડ માટે કારણભૂત બન્યો છે.

વિદેશી રોકાણકારો હાલ ભારતીય માર્કેટ તરફ વળ્યા હોવાનાં કારણોમાં ભારતની સ્ટેબલ પૉલિસીનો માહોલ, બહેતર વેરાનીતિ, રેટકટની આશા, વપરાશની સંભવિત વૃદ્ધિ અને મજબૂત કૉર્પોરેટ અર્નિંગ્સની પણ આશા કામ કરી રહી છે. ઑક્ટોબર ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ દરમ્યાન FII દ્વારા બે લાખ કરોડ રૂપિયાથી વધુ નેટ વેચાણ કર્યું હતું.

વિદેશી રોકાણપ્રવાહની ગતિવિધિ

એક વાત એ પણ નોંધવી રહી કે તાજેતરના દિવસોમાં અમેરિકાનો ડૉલર ઇન્ડેક્સ પણ નોંધપાત્ર ઘટ્યો છે. ડૉલર નબળો પડે ત્યારે વ્યાજદરો પણ ઘટે, જેના પરિણામે મૂડીપ્રવાહ ભારત જેવા ઊભરતા દેશો તરફ વધુ જવા લાગે છે. જોકે આ વખતે અમેરિકાનું બૉન્ડ યીલ્ડ (વળતર) વધવા છતાં ડૉલર નબળો પડ્યો છે. આ માટે ટૅરિફ-યુદ્ધનું પરિબળ જવાબદાર બન્યું છે. જ્યારે કે ભારતમાં બીજી બાજુ રિઝર્વ બૅન્કના પ્રવાહિતાતરફી પગલાને લીધે અને મજબૂત મૅક્રોઇકૉનૉમિક ડેટાને પરિણામે ભારતીય બજાર આકર્ષક બન્યું છે. ગ્લોબલ રોકાણપ્રવાહ ભારત તરફ વહેવાનું અને વિદેશી રોકાણકારોની શરૂ થયેલી નેટ ખરીદીનું કારણ પણ આ જ છે. અલબત્ત, વિદેશી રોકાણપ્રવાહની ગતિવિધિ ટ્રમ્પ-ટૅરિફ અને ગ્લોબલ વેપાર-સંજોગોને આધારે રહેશે. આમ તો આ પ્રવાહ પણ સંજોગોને આધારે બદલાયા કરવાની શક્યતા ઊભી જ રહેશે એ સમજીને રોકાણ પ્લાન કરવું હિતાવહ રહેશે.

BSEનું માર્કેટકૅપ પાંચ ટ્રિલ્યન ડૉલરને પાર
સપ્તાહ દરમ્યાન બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)નું માર્કેટકૅપ ફરી એક વાર પાંચ ટ્રિલ્યન ડૉલરને પાર કરી ગયું. હાલ અમેરિકા, ચીન, જપાન અને હૉન્ગકૉન્ગ માત્ર આ ચાર બજારો પાંચ ટ્રિલ્યન ડૉલરથી વધુ માર્કેટકૅપ ધરાવે છે, જેમાં ભારતીય સ્ટૉક એક્સચેન્જનો પુનઃ ઉમેરો થયો. અગાઉ ભારતીય બજારનું માર્કેટકૅપ કડાકામાં નીચે ઊતરીને ૪.૫ ટ્રિલ્યન ડૉલર થઈ ગયું હતું, જે છેલ્લા પંદરેક દિવસમાં રિકવર થઈને પાંચ ટ્રિલ્યન ડૉલરને પાર કરી ગયું. આ પહેલાં BSEનું માર્કેટકૅપ જાન્યુઆરીમાં પાંચ ટ્રિલ્યન ડૉલર ઉપર નોંધાયું હતું. BSEના શૅરમાં બોનસ જાહેર થવાને લીધે પણ આ શૅર આકર્ષક બન્યો હોવાનું બજારમાં ચર્ચાય છે. 

એક રસપ્રદ વાત
વર્ષ ૨૦૦૫માં સેન્સેક્સ ૭૦૦૦ પૉઇન્ટ હતો, જ્યારે સોનાનો ભાવ (દસ ગ્રામના) પણ ૭૦૦૦ રૂપિયા હતો, ૨૦૨૫માં સેન્સેક્સ ૭૯,૭૫૦ પૉઇન્ટ થયો અને સોનું એક લાખ રૂપિયા. માનો યા ન માનો, વિશ્વની સોનાની અનામતમાંથી ૧૧ ટકા સોનું ભારતીય મહિલાઓ પાસે છે.

વિશેષ ટિપ
માર્કેટમાં ઇમોશનલ નહીં, પ્રૅ​ક્ટિકલ અભિગમ જ ચાલે. ઇમોશન્સના આધારે લીધેલો નિર્ણય હાનિકારક બની શકે છે. હાલ શૅરબજારને અસર કરતાં પરિબળો રોકાણકારોને ઇમોશન્સ તરફ વધુ ખેંચે છે. એથી જ સજાગતા અનિવાર્ય બને છે.

Tarrif united states of america stock market share market sensex nifty donald trump narendra modi Pahalgam Terror Attack terror attack indian economy business news bombay stock exchange