શૅરબજારમાં ઘટાડો અવિરત:૧૨ વર્ષ પછી પહેલી વાર સતત સાત અઠવાડિયા ઘટાડો

04 April, 2020 10:49 AM IST  |  Mumbai Desk

શૅરબજારમાં ઘટાડો અવિરત:૧૨ વર્ષ પછી પહેલી વાર સતત સાત અઠવાડિયા ઘટાડો

ગુરુવારે સાંજે ક્રૂડ ઑઇલના ઉછાળા બાદ અમેરિકા અને પછી આજે એશિયાની બજારોમાં તેજી જોવા મળી હતી. આની સાથે ભારતીય બજાર પણ વૃદ્ધિ સાથે ખૂલ્યાં હતાં, પણ પછી બૅન્કિંગ, નાણાં સંસ્થાઓની આવેલી તીવ્ર વેચવાલી વચ્ચે બજાર આજે પણ ઘટીને બંધ આવ્યાં હતાં. આ સાથે સેન્સેક્સ અને નિફ્ટી સતત સાતમા સાપ્તાહિક ઘટાડા સાથે બંધ આવ્યા છે જે જુલાઈ ૨૦૦૮ પછીની ભારતીય બજાર માટેનો સૌથી લાંબો સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે. આજે પણ વિદેશી સંસ્થાઓએ વેચવાલી ચાલુ રાખી હતી. 

સત્રના અંતે સેન્સેક્સ ૬૭૪.૩૬ પૉઇન્ટ કે ૨.૩૯ ટકા ઘટી ૨૭૫૯૦.૯૫ અને નિફ્ટી ૧૭૦ પૉઇન્ટ કે ૨.૦૬ ટકા ઘટી ૮૦૮૩.૮૦ની સપાટીએ બંધ આવ્યા હતા. ઇન્ડેક્સ હેવીવેઇટમાં એક્સીસ બૅન્ક ૯.૧૬ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૮.૦૧ ટકા, એચડીએફસી ૫.૩૬ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૯૫ ટકા અને ઇન્ફોસિસ ૨.૧૨ ટકા ઘટીને બંધ આવ્યા હતા.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઉપર આજે ફાર્મા અને એફએમસીજી સિવાય બધા ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સૌથી વધુ ઘટાડો બૅન્કિંગ, ઑટો અને નાણાકીય સેવાઓમાં જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૬ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૨૭ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૬૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૧૪ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૨૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૧૯૫ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૭૬ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૩૨માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૧.૦૩ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૧૭ ટકા ઘટ્યા હતા. શુક્રવારે બૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઈઝેશન ૧,૮૪,૭૨૬ કરોડ ઘટી ૧૦૮.૪૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
સતત સાતમા સપ્તાહે ઘટાડો, બૅન્ક નિફ્ટી પણ ઘટ્યા
સાપ્તાહિક રીતે નિફ્ટી ૬.૭ ટકા અને સેન્સેક્સ ૭.૫ ટકા ઘટીને બંધ આવ્યા હતા. બૅન્ક નિફ્ટી આ સપ્તાહમાં ૧૩.૬ ટકા ઘટીને બંધ આવ્યો હતો. બૅન્ક નિફ્ટી છેલ્લાં ૧૨ વર્ષમાં પ્રથમ વખત છ સપ્તાહથી સતત ઘટી રહ્યો છે. નિફ્ટી મિડ કૅપ ઇન્ડેક્સ ૩.૮ ટકા ઘટીને બંધ આવ્યો છે અને સ્મોલ કૅપ ઇન્ડેક્સ પણ ૨.૩ ટકા ઘટીને બંધ આવ્યો હતો. બન્ને ઇન્ડેક્સ સતત છ અઠવાડિયાંથી ઘટી રહ્યા છે. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ સતત
૧૧મા સપ્તાહે ઘટીને બંધ આવ્યો છે. સામે નિફ્ટી એફએમસીજી ૩.૫ ટકા અને નિફ્ટી ફાર્મા ૮ ટકા સપ્તાહમાં વધ્યા છે.

બૅન્કિંગ શૅરોમાં ભારે વેચવાલી
મૂડીઝ અને ફિચ દ્વારા બૅન્કિંગ અને નાણાકીય સેવાઓનું ક્રેડિટ રેટિંગ ઘટાડવામાં આવ્યું હોવાથી બૅન્કિંગ શૅરોમાં આજે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી બૅન્ક સતત છ સપ્તાહથી ઘટીને બંધ આવી રહ્યો છે. આજે નિફ્ટી બૅન્ક ૫.૨૭ ટકા અને છેલ્લા બે દિવસમાં ૯.૯૦ ટકા ઘટીને બંધ આવ્યો છે.
સરકારી બૅન્કોમાં કૅનેરા બૅન્ક ૬.૮૧ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૫.૯૨ ટકા, બૅન્ક ઑફ બરોડા ૪.૮૮ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૨.૬૨ ટકા, આંધ્ર બૅન્ક ૧.૪૨ ટકા અને સેન્ટ્રલ બૅન્ક ૧.૧૪ ટકા ઘટીને બંધ આવ્યા હતા. ખાનગી બૅન્કોમાં એક્સીસ બૅન્ક ૯.૧૬ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૮.૪૯ ટકા, બંધન બૅન્ક ૬.૮ ટકા, સિટી યુનિયન બૅન્ક ૩.૬૭ ટકા, ફેડરલ બૅન્ક ૩.૫૧ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૨.૦૧ ટકા અને એચડીએફસી બૅન્ક ૧.૯૫ ટકા ઘટીને બંધ આવ્યા હતા. આ ઉપરાંત બચત ખાતા અને ડિપોઝિટ રેટમાં ઘટાડો કર્યા બાદ આઇસીઆઇસીઆઇ બૅન્કના શૅર ૮.૦૧ ટકા ઘટીને બંધ આવ્યા હતા. એવી જ રીતે માર્ચના અંતે બૅન્ક ડિપોઝિટ આઠ ટકા ઘટી હોવાની જાહેરાત કરનાર આરબીએલ બૅન્કના શૅર પણ ૧૫.૫૩ ટકા ઘટી ગયા હતા.
ફાર્મા શૅરોમાં ખરીદી નીકળી
સતત ઘટાડાની વચ્ચે ફાર્મામાં નવી ખરીદી જોવા મળી રહી છે. આજે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ ૪.૭૭ ટકા વધીને બંધ આવ્યો હતો જે આગલા બે સત્રમાં ૨.૦૯ ટકા ઘટ્યો હતો.
સન ફાર્મા આજે ૯.૪૨ ટકા, ગ્લેનમાર્ક ૪.૬૩ ટકા, વોખાર્ટ ૪.૧૦ ટકા, કેડિલા હેલ્થ ૩.૬૨ ટકા, ડૉ. રેડ્ડીઝ ૧.૭૬ ટકા, ડીવીઝ લેબ ૧.૧૭ ટકા, ગ્લેક્સો ૧.૦૯ ટકા અને એબોટ ઇન્ડિયા ૧.૦૩ ટકા વધ્યા હતા.
ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ લુપીનના શૅર આજે ૧૩.૦૫ ટકા વધ્યા હતા. અમેરિકન ડ્રગ રેગ્યુલેટરના ઇન્સ્પેકશનમાં કંપનીના પ્લાન્ટમાં કોઈ વાંધો મળ્યો નથી. સિપ્લાના શૅર પણ આજે ૮.૬૦ ટકા વધ્યા છે. કંપનીના શ્વાસની એક દવાના ત્રીજા તબક્કાના સફળ પરીક્ષણના કારણે ભાવ વધ્યા હતા.
અન્ય શૅરોમાં વધ-ઘટ
માર્ચમાં વાહનોનું વેચાણ ૪૨.૪ ટકા ઘટ્યું હોવાથી હીરો મોટોકોર્પના શૅર આજે ૩.૩૯ ટકા ઘટ્યા હતા. બજાજ ઑટોનું વેચાણ ૩૮ ટકા ઘટી ગયું હતું અને શૅર આજે ૧.૫૫ ટકા ઘટીને બંધ આવ્યા છે. તાતા મોટર્સનું વેચાણ ૮૭ ટકા ઘટીને આવ્યા હોવાથી શૅરના ભાવ ૩.૯૦ ટકા ઘટ્યા હતા. આઇશરના શૅર પણ ૨.૫૭ ટકા ઘટ્યા હતા, કારણ કે કંપનીના રોયલ એનફિલ્ડનું વેચાણ ૪૧ ટકા ઘટીને આવ્યું હતું. આવી જ રીતે વેચાણ ૫૫ ટકા ઘટ્યું હોવાથી ટીવીએસ મોટર્સના શૅર ૯.૩૪ ટકા ઘટીને બંધ આવ્યા હતા.
જિન્દાલ સ્ટીલના શૅર આજે ૧૦.૧૫ ટકા ઘટ્યા હતા. કંપનીનું વેચાણ ૨૦૧૯-૨૦માં ૧૦ ટકા વધ્યું હોવા છતાં આગામી દિવસોમાં સ્ટીલની માગ ઘટી જશે એવી ધારણાએ શૅર ઘટ્યા હતા.

business news coronavirus covid19