01 March, 2025 07:40 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બિટકૉઇન સવા મહિનામાં ૨૭ ટકા ગગડી ૭૮૦૦૦ ડૉલરે : ફેબ્રુઆરીમાં સાડાપાંચ ટકા પ્લસની ખરાબી સાથે સેન્સેક્સ-નિફ્ટીમાં સળંગ પાંચ મહિનાની નબળાઈ, ૧૯૯૬ પછીની પ્રથમ ઘટના : FMCG, કૅપિટલ ગુડ્સ, ઑટો, પીએસયુ બૅન્ક નિફ્ટી સહિત કુલ ૯ સેક્ટોરલ વર્ષની નીચી સપાટીએ : બે ટકા નજીકના બગાડ સાથે સેન્સેક્સ-નિફ્ટીમાં આઠ મહિનાનું તળિયું : રિલાયન્સ, હીરો મોટોકૉર્પ, બજાજ ઑટો, તાતા મોટર્સ, ટીસીએસ, સ્ટેટ બૅન્ક, બ્રિટાનિયા, ડૉ. રેડ્ડીઝ લૅબ સહિત ૯૦૮ શૅરોમાં ભાવની રીતે વર્ષનું બૉટમ
ટ્રમ્પના ટૅરિફના કમઠાણમાં ૨૮ ફેબ્રુઆરીનો શુક્રવાર વિશ્વનાં તમામ અગ્રણી શૅરબજારો માટે લગભગ બ્લૅક ફ્રાઇડે પુરવાર થયો છે. આ એક પ્રકારની વૉર છે અને યુદ્ધમાં હર કોઈએ વત્તેઓછે અંશે ખુવાર થવું પડે છે. ટ્રમ્પની ટૅરિફ વૉર બીજાની સાથોસાથ ખુદ અમેરિકાનેય ભારે પડવાની છે. આર્થિક વિકાસને હાનિ થવાની છે. ટ્રમ્પના ટૅરિફના હુમલા સામે કૅનેડા, મેક્સિકો, ચાઇના સહિતના કેટલાક દેશોએ વળતો જવાબ આપવાની ધમકી આપી દીધી છે, વિશ્વગુરુ મૌન છે. નવી દિલ્હીએ ટ્રમ્પમ શરણમ ગચ્છામિના જાપ જપતાં-જપતાં ઘરઆંગણે ઑટો, ફાર્મા, ઍગ્રિકલ્ચર, કેમિકલ્સ, ઇલેક્ટ્રૉનિક્સ, મેડિકલ ડિવાઇસિસ ઇત્યાદિની આયાત પર જકાત ઘટાડવાની કવાયત શરૂ કરી દીધી છે.
ગઈ કાલે એશિયા ખાતે પાકિસ્તાન, ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકાને બાદ કરતાં તમામ શૅરબજાર માઇનસ હતાં જેમાં હૉન્ગકૉન્ગ સવાત્રણ ટકાથી વધુ, જપાન ત્રણ ટકા, સાઉથ કોરિયા સાડાત્રણ ટકા, ઇન્ડોનેશિયા સાડાત્રણ ટકા નજીક, ચાઇના બે ટકા, થાઇલૅન્ડ એક ટકો, સિંગાપોર પોણો ટકો, ઑસ્ટ્રેલિયા સવા ટકો, ફિલિપીન્સ બે ટકા, મલેશિયા પોણો ટકો કપાયું છે. તાઇવાન રજામાં હતું. યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો નીચે દેખાયું છે. શ્રીલંકાનું શૅરબજાર સાધારણ, તો ન્યુ ઝીલૅન્ડ અડધો ટકો પ્લસ હતું. પાકિસ્તાની શૅરબજાર રનિંગમાં સાંકડી વધ-ઘટે ફ્લૅટ દેખાયું છે.
બિટકૉઇનમાં ૨૦ જાન્યુઆરીએ ૧૦૯૩૫૬ ડૉલરની ઑલટાઇમ હાઈ બની હતી. તાજેતરની ખરાબીમાં બિટકૉઇન ગઈ કાલે ૭૮૦૦૦ ડૉલરની નવી મલ્ટિ મન્થ્સ બૉટમ બતાવી રનિંગમાં આશરે ૬ ટકાની ખરાબીમાં ૭૯૭૦૦ ડૉલર ચાલતો હતો. મતલબ કે હાલની તારીખે બિટકૉઇન એના શિખરથી ૨૭ ટકા કરતાં વધુ ગગડી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્રિપ્ટો કરન્સી સેગમેન્ટનું માર્કેટ કૅપ આઠ ટકા ખરડાઈ ૨.૬૩ લાખ કરોડ ડૉલરે આવી ગયું છે. છેલ્લા એક સપ્તાહમાં બિટકૉઇન ૧૯ ટકા, ઇથર ૨૪ ટકા, રિપ્પલ ૨૩.૭ ટકા, સોલાના ૨૫ ટકા, ડૉગી કૉઇન ૨૭ ટકા, કાર્ડાનો ૨૫ ટકા, લાઇટ કૉઇન ૧૨ ટકા, પોલકાડૉટ સવાદસ ટકા, મોનેરો ૧૨ ટકા, ઑફિશ્યલ ટ્રમ્પ ૩૪ ટકા, મેન્ટલ ૩૩ ટકા, BNB ૧૪ ટકા તૂટ્યો છે. બ્રેન્ટ ક્રૂડ એકાદ ટકાની નરમાઈમાં ૭૩.૪ ડૉલર હતું. કૉમેક્સ સિલ્વર દોઢ ટકો તો કૉમેક્સ ગોલ્ડ પોણો ટકો નરમ હતું.
સેન્સેક્સ આગલા બંધથી ૪૧૦ પૉઇન્ટ નીચે, ૭૪૨૦૨ ખૂલી છેવટે ૧૪૧૩ પૉઇન્ટના કડાકામાં ૭૩૧૯૮ બંધ થયો છે અને નિફ્ટી ૪૨૦ પૉઇન્ટ કપાઈને ૨૨૧૨૫ની અંદર આવી ગયો છે. આરંભથી અંત સુધી માઇનસમાં રહેલા માર્કેટમાં શૅરઆંક ઉપરમાં ૭૪૨૮૨ તથા નીચામાં ૭૩૧૪૧ થયો હતો. બજારમાં ગઈ કાલની ખરાબી આઠ મહિનાની સૌથી મોટી ખુવારી છે. આ સાથે વીકલી ધોરણે સેન્સેક્સ ૨૧૧૩ પૉઇન્ટ કે ૨.૮ ટકા તથા નિફ્ટી ૬૭૧ પૉઇન્ટ કે ૨.૯ ટકા ડૂલ થયા છે. ફેબ્રુઆરીમાં સેન્સેક્સ ૪૩૦૨ પૉઇન્ટ કે સાડાપાંચ ટકા અને નિફ્ટી ૧૩૮૩ પૉઇન્ટ કે ૫.૯ ટકા બગડ્યા છે. આ સાથે સળંગ પાંચમા મહિને બજાર ડાઉન થયું છે જે નવેમ્બર ૧૯૯૬ પછીનાં ત્રીસેક વર્ષની પ્રથમ ઘટના છે.
એન્ટ્રીની સાથે જ જિયો ફાઇનૅન્શ્યલ નિફ્ટીમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો
સેન્સેક્સ નિફ્ટી ખાતે HDFC બૅન્ક ૧.૯ ટકા વધી ૧૭૩૧ના બંધમાં ટૉપ ગેઇનર હતી એને લીધે બજારને ૨૦૬ પૉઇન્ટનો ફાયદો થયો છે. HDFC બૅન્કે બજારને ૨૦૬ પૉઇન્ટ જેટલું વધુ બગડવામાંથી બચાવ્યું છે. કેમ કે સેન્સેક્સ ખાતે બાકીના ૨૯ શૅર ઘટ્યા છે. નિફ્ટીમાં શ્રીરામ ફાઇનૅન્સ પોણાબે ટકા, કોલ ઇન્ડિયા દોઢ ટકો, ટ્રેન્ટ એક ટકો, તો હિન્દાલ્કો સાધારણ સુધર્યો હતો. બાકીના ૪૫ શૅર ઘટ્યા છે.
જિયો ફાઇનૅન્શ્યલ માટે નિફ્ટીમાં એન્ટ્રી દુખદાયી નીવડી છે. શૅર ૨૦૭ના ઑલટાઇમ તળિયે જઈ ૬.૪ ટકા લથડીને ૨૦૮ નીચેના બંધમાં નિફ્ટીમાં ટૉપ લૂઝર બન્યો છે. સેન્સેક્સમાં ટેક મહિન્દ્ર સવા ટકો તૂટીને ૧૪૮૯ના બંધમાં ટૉપ લૂઝર હતી. ઇન્ફોસિસ સવાચાર ટકાની ખરાબીમાં ૧૬૮૮ બંધ આપીને બજારને ૨૩૭ પૉઇન્ટ નડ્યો છે. ટીસીએસ ૩૪૫૭નું ઐતિહાસિક બૉટમ નોંધાવી સાડાત્રણ ટકા ગગડી ૩૪૮૪ થયો છે. અન્યમાં ઇન્ડસઇન્ડ બૅન્ક સાડાપાંચ ટકા, મહિન્દ્ર સવાપાંચ ટકા, ભારતી ઍરટેલ પોણાપાંચ ટકા, ટાઇટન સવાચાર ટકા, નેસ્લે પોણાચાર ટકા, મારુતિ સાડાત્રણ ટકા, HCL ટેક્નૉ સાડાત્રણ ટકા, સનફાર્મા અને ઝોમાટો સવાત્રણ ટકા, અલ્ટ્રાટેક ત્રણ ટકા, વિપ્રો પોણાછ ટકા, તાતા કન્ઝ્યુમર ૪.૪ ટકા, બજાજ ઑટો ૪ ટકા, આઇશર સવાત્રણ ટકા લથડી છે.
તાતા મોટર્સ સળંગ ૯મા દિવસની નબળાઈમાં સવાચાર ટકા તૂટી ૬૨૦ના બંધમાં મલ્ટિયર તળિયે ગઈ છે. સ્ટેટ બૅન્કે સવાબે ટકાની બૂરાઈમાં ૬૮૮ બંધ આપી વર્ષનું નવું બૉટમ બનાવ્યું છે. રિલાયન્સ ૧૧૯૩ની નવી નીચી સપાટી નોંધાવી અડધો ટકો ઘટીને ૧૨૦૦ નજીક રહી છે. આગલા દિવસનો હીરો બજાજ ફાઇનૅન્સ પોણાબે ટકા અને બજાજ ફિનસર્વ પોણાત્રણ ટકા ડાઉન હતા. એશિયન પેઇન્ટ્સ દોઢ ટકો ઘટી ૨૧૮૦ના મલ્ટિયર તળિયે ગઈ છે.
BSE લિમિટેડ ખરાબીમાં ૫૨૯ રૂપિયા વધુ ખરડાયો
BSE ખાતે ગઈ કાલે ૪૦૮૨ શૅરમાં સોદા પડ્યા હતા, એમાંથી ૯૦૮ શૅર વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નીચી સપાટીએ ગયા છે. એમાં અદાણીની એસીસી, અદાણી ગ્રીન, NDTV, તથા સાંઘી ઇન્ડસ્ટ્રીઝ સામેલ છે. મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ફાઇનૅન્શ્યલ, નેટવર્ક૧૮, આલોક ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રા, ડૅન નેટવર્ક, સ્ટર્લિંગ-વિલ્સનમાં નવા નીચા ભાવ દેખાયા છે. તાતા ગ્રુપની તાતા મોટર્સ, તાતા ટેલિ, તાતા કેમિકલ્સ, તાતા કમ્યુનિકેશન્સ, તાતા ઍલેક્સી, તાતા ટેક્નૉલૉજીઝ પણ એમાં સામેલ છે. ઓલા ઇલેક્ટ્રિક ૫૬ની અંદર ઑલટાઇમ તળિયે ગઈ છે. એલઆઇસી ૭૨૯નું નવવું બૉટમ દેખાડીને નજીવા ઘટડે ૭૪૦ હતી.
અન્ય જાણીતા કે ચલણી શૅરોમાં આરતી ડ્રગ્સ, આરતી ઇન્ડસ્ટ્રીઝ, એબીબી, એન્ડ્રુયલ, અનુહ ફાર્મા, અપોલો ટાયર્સ, એપટેક, બજાજ ઑટો, બજાજ કન્ઝ્યુમર, બજાજ ઇલેક્ટ્રિક, ભેલ, ભારત પેટ્રો, બૉશ લિમિટેડ, બ્રિટાનિયા, કૅનેરા બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, સેરા સૅનિટરી, ચેન્નઈ પેટ્રો, કૉન્કૉર, સીએન્ટ, ડીસીબી બૅન્ક, DCX ઇન્ડિયા, દિલ્હીવરી, ડિશટીવી, ડીએલએફ, ડૉ. રેડ્ડીઝ લૅબ, ઇક્વિટાસ બૅન્ક, એફડીસી, ફિનોલેક્સ કેબલ, ગેઇલ, જીઈ શિપિંગ, જીઆઇસી હાઉસિંગ, GMDC, GNFC, ગોવા કાર્બન, ગ્રાઇન્ડવેલ નૉર્ટન, ગુજરાત ગૅસ, HFCL, સ્ટરલાઇટ ટેક્નૉ, હેડલબર્ગ સિમેન્ટ, હીરો મોટર્સ, હિન્દુસ્તાન કૉપર, ઇન્ડોકો રેમેડીઝ, ઇન્ફીબીમ, ઇરકૉન ઇન્ટર, IRFC, IRCTC, જયકૉર્પ, જેકે ટાયર્સ, જેકે લક્ષ્મી, જેકે પેપર, કેઆરબીએલ, કર્ણાટક બૅન્ક, લેટન્ટ વ્યુ, મન ઇન્ફ્રા, મહિન્દ્ર લાઇફ, મહિન્દ્ર લૉજિસ્ટિક્સ, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, MRPL, MRF, MMTC, મોબિક્વિક, નાટકો ફાર્મા, નેક્ટર લાઇફ, ONGC, ઑઇલ ઇન્ડિયા, ફાઇઝર, પરાગ મિલ્ક, પિડિલાઇટ, રેલટેલ, આરસીએફ, આરઈસી લિમિટેડ, રેમન્ડ, રેણુકા શુગર, આરઆર કેબલ, સોનાટા સૉફ્ટવેર, સતલજ જલ વિદ્યુત, એસટીસી, ટેક્સમા કોરેલ, થેમિસ મેડિ, ટીમલીઝ, ટીટીગર રેલ, તામિલનાડુ બૅન્ક, વાલચંદનગર, વારિ ટેક્નૉ, વારિ રિન્યુએબલ, વ્હર્લપૂલ સહિત અનેક જાતો નવા નીચા તળિયે ગઈ છે.
BSE લિમિટેડ નીચામાં ૪૫૫૧ થઈ સવાદસ ટકા કે ૫૨૯ રૂપિયાના કડાકામાં ૪૬૩૪ થઈ ગઈ છે. ભાવ સપ્તાહમાં ૧૯.૫ ટકા તૂટ્યો છે. ૨૦ જાન્યુઆરીએ ભાવ ૬૧૩૩ના બેસ્ટ લેવલે ગયો હતો.
ગયા મહિને બજારમાં રોકાણકારોના ૪૦ લાખ કરોડ સાફ થયા
ફેબ્રુઆરીમાં બજાર ૫.૬ ટકા જેવું ગગડ્યું એમાં માર્કેટકૅપની રીતે રોકાણકારોના ૪૦ લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે. બજારનું માર્કેટકૅપ ગઈ કાલે ૯.૦૯ લાખ કરોડ રૂપિયાના ધોવાણમાં ૩૮૪.૦૧ લાખ કરોડ રહ્યું છે જે ૩૧ જાન્યુઆરીએ ૪૨૪.૦૨ લાખ કરોડ રૂપિયા હતું. બજારની ઑલરાઉન્ડ ખરાબીને લઈને માર્કેટ બ્રેડ્થમાં મોકાણ રહી છે. NSEમાં વધેલા ૪૯૦ શૅરની સામે ૨૪૧૪ શૅર ઘટ્યા છે. સેન્સેક્સ-નિફ્ટી વર્ષના તળિયે નથી ગયા, પરંતુ ગઈ કાલે ઑટો, કૅપિટલ ગુડ્સ, એનર્જી, ઑઇલ-ગૅસ, FMCG, પીએસયુ ઇન્ડેક્સ, નિફ્ટી મીડિયા, રિયલ્ટી તેમ જ પીએસયુ બૅન્ક નિફ્ટી જેવાં ૯ સેક્ટોરલ એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી નીચી સપાટીએ ગયાં હતાં.
તમામ સેક્ટોરલ લાલ થયાં છે. સેન્સેક્સ-નિફ્ટીની ૧.૯ ટકાની ખરાબી સામે આઇટી ઇન્ડેક્સ ૪.૧ ટકા કે ૧૫૯૧ પૉઇન્ટ, ઑટો ઇન્ડેક્સ પોણાચાર ટકા કે ૧૮૨૯ પૉઇન્ટ, ટેલિકૉમ ઇન્ડેક્સ ચાર ટકા, FMCG ઇન્ડેક્સ અઢી ટકા, ટેક્નૉલૉજી ઇન્ડેક્સ સવાચાર ટકા, ઑઇલ-ગૅસ બેન્ચમાર્ક અઢી ટકા, પાવર ઇન્ડેક્સ સવાબે ટકા, હેલ્થકૅર ઇન્ડેક્સ સવાબે ટકા, યુટિલિટીઝ બે ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સવાબે ટકા, નિફ્ટી મીડિયા ત્રણ ટકા, પીએસયુ બૅન્ક નિફટી પોણાત્રણ ટકા, નિફટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૪ ટકા, પીએસયુ બેન્ચમાર્ક પોણાત્રણ ટકા, સ્મૉલકૅપ તથા મિડકૅપ સવાબે ટકા, બ્રૉડર બે ટકાથી વધુ ડૂલ થયું છે. બૅન્ક નિફ્ટી પોણો ટકો નરમ હતો. જોકે એના ૧૨માંથી ૧૦ શૅર ઘટ્યા છે અને બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી ફક્ત ૪ શૅર સુધર્યા છે. બંધન બૅન્ક ત્રણ ટકા વધીને ૧૪૧ હતી.