શૅરબજાર, બિટકૉઇન અને કૉમોડિટીઝમાં જોરદાર તેજી: ડૉલરમાં મંદી

30 November, 2020 11:10 AM IST  |  Mumbai | Biren Vakil

શૅરબજાર, બિટકૉઇન અને કૉમોડિટીઝમાં જોરદાર તેજી: ડૉલરમાં મંદી

પ્રતીકાત્મક તસવીર

કોરોના વૅક્સિનની ૯૫ ટકા સફળતા પછી ઇમર્જન્સી ઉપયોગને ક્વિક મળી જતાં અને ડોનલ્ડ ટ્રમ્પે પરોક્ષ રીતે હાર સ્વીકારી લેતાં ડાઉ અને નૅસ્ડેકે તેજીનાં નવાં શિખરો સર કર્યાં છે. કોરોના કેસ કૂદકેભૂસકે વધી રહ્યા છે, પણ રિસ્ક ઑન એસેટ્સ એટલે કે શૅરબજાર, બિટકૉઇન, કૉમોડિટીઝ વગેરેનો મૂડ ઊડે દિલ બેફિકરે જેવો છે. વૈશ્વિક બજારો પાછળ ભારતીય શૅરબજારોમાં પણ તેજી છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વૉર્ટર માટે જીડીપી વિકાસદર નેગેટિવ ૭.૫ ટકા આવતાં એટલે કે છ માસથી નેગેટિવ જીડીપી આવતાં ભારત ટેક્નિકલી રિસેસનમાં પ્રવેશ્યું છે. મંદીની સાથે મોંઘવારી-ફુગાવો પણ સતત વધતો જતો હોવાથી હાલની મંદી સ્ટેગફલેશન યાને મંદીજન્ય ફુગાવો છે. જોકે બજારો બેપરવા છે. અમેરિકામાં કોરોના કેસ રોજિંદા બે લાખથી વધુ છે. ભારતમાં પણ નાઇટ કરફ્યુ જેવાં નિયંત્રણો અમુક રાજ્યોમાં આવ્યાં છે. જોકે ડાઉની જેમ લોકલ સેન્સેક્સ પણ ઊડે દિલ બેફિકરે મૂડમાં છે. બજારને હરખાવા માટે ઘણાં કારણો છે. સૌથી પહેલું તો ટ્રમ્પે વાઇટ હાઉસ છોડવા હા પાડી દીધી એ મોટો હાશકારો છે. વૅક્સિનેશન શરૂ થતાં જ ઇકૉનૉમીમાં ફુલ અનલૉકડાઉન આવતાં ઍરલાઇન્સ, પ્રવાસન, મનોરંજન ઉદ્યોગ ધમધમશે એવી આશાએ એટલે કે રિવેન્જ રિકવરીની આશાએ પણ બજારોનો મૂડ અપબીટ છે. અમેરિકામાં રાજનીતિની વાત કરીએ તો જો બાઇડને પોતાની કૅબિનેટ બનાવવાનું શરૂ કરી દીઇું છે. ટ્રેઝરી સચિવ ફેડના માજી ચૅરમૅન જેનેટ યેલેનનું નામ ટૉપ પર છે. વિદેશમંત્રી તરીકે બ્લિન્કેનનું નામ છે. નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર તરીકે જેક સુલિવાનનું નામ છે. યેલેન વૉલ સ્ટ્રીટનો ચાહીતો ચહેરો છે. નાણાસચિવ યેલેન અને ફેડ ચૅરમૅન પોવેલની કેમેસ્ટ્રી મૅચ થાય એવી છે અને બેઉનો ઝોક મૉનિટરી પૉલિસી મામલે માર્કેટ ફ્રેન્ડલી હોવાને કારણે શૅરબજાર અત્યારે સર્વોચ્ચ સપાટીએ છે. અમેરિકામાં રોજ બે લાખથી વધુ કોરોના કેસ આવે છે, પણ વ?ક્સિન હાથવેતમાં છે એવી આશાએ બજારને કોરોનાની પડી નથી. બાઇડન આવતાંની સાથે જ તોતિંગ સ્ટિમ્યુલસ આવશે એવી આશાએ તમામ સટ્ટાકીય એસેટ્સ જેવી કે શૅરબજાર, બિટકૉઇન, કૉમોડિટીઝમાં તેજી ભભૂકી છે. માત્ર ડૉલર ઇન્ડેકસ તૂટતો જાય છે.

રાજકીય પંડિતો એમ પણ માને છે કે બાઇડન વહીવટીતંત્ર ડોનલ્ડ ટ્રમ્પની તુલનાએ ઓછું લડાયક હશે. વૈશ્વિક આગેવાન દેશો સાથે સંબંધ સુધારવા અને ઇકૉનૉમી સુધારવા પર ધ્યાન આપશે. જોકે હું માનું છું કે નવું વહીવટીતંત્ર કદાચ વધુ લડાયક હશે. બાઇડન ટીમમાં કમસે કમ ૩૦-૪૦ ટકા લોકો કૅરિયર પૉલિટિશ્યન છે. ડિફેન્સ કે સીઆઇએ - ડિપ સ્ટેટ સાથે સંકળાયેલા લોકો છે. વિદેશનીતિ - લશ્કરી નીતિ મામલે ટ્રમ્પ વાણીથી લડાયક હતા, પણ તેમનો વહેવાર અમેરિકાનું મિલિટરી એન્ગેજમેન્ટ ઘટાડવાનો હતો. ડેમોક્રૅટસ આવતાં અમેરિકાનું મિલિટરી એન્ગેજમેન્ટ ઘટવાને બદલે વધશે. વખતના વાજા વખતે વાગશે. ઘરઆંગણે રૂપિયાની વાત કરીએ તો સ્ટેગફલેશનની કોઈ જ અસર રૂપિયા પર દેખાતી નથી. શૅરબજારમાં વિદેશી રોકાણનો પ્રવાહ વધતો જાય છે. સરકાર વિદેશી મૂડીરોકાણ આકર્ષવા સ્માર્ટ સિટી, શહેરીકરણ, આંતરમાળખામાં રોકાણ વધારવા ધારે છે, ગ્લોબલ લિક્વિડિટી બૂમ અને ફિસ્કલ એક્સપાન્સનનો લાભ ભારતને મળે તો વપરાશી માગ સુધરે, ધિરાણખર્ચ ઘટે તો કૉર્પોરેટ નફાકારકતા સુધરે. રૂપિયો હાલમાં ખૂબ ટાઇટ રેન્જમાં છે. લાંબા સમયથી ૭૩.૫૦-૭૪.૫૦ વચ્ચે અથડાઈ રહ્યો છે. આગામી સમયમાં બજારમાં નાતાલનો હોલીડે મૂડ રહેશે અને ગ્લોબલ ફંડ-મૅનેજરો ઓછા ઍક્ટિવ હશે. હવે બજારની નજર વૅક્સિન, સ્ટિમ્યુલસ અને બાઇડન કૅબિનેટની શપથવિધિ પર છે. યુરોપમાં કોરોના કેસ વધ્યા છે, પણ તબક્કા વાર અનલૉકડાઉન શરૂ થવાની આશા છે. વૅક્સિનેશન શરૂ થાય પછી લૉકડાઉનનો ખતરો ટળે. યુરોપની બેઉ કરન્સીમાં ધીમો સુધારો છે. યુરો ૧.૧૯૬૦ છે અને પાઉન્ડ ૧.૩૩૩૦ છે. ડોલેક્સ એક વરસમાં ૧૦૩થી ઘટીને ૯૧.૫૦ થયો છે. અમેરિકામાં દેવું અને બજેટખાધમાં વિક્રમી વધારો છે. બેકારી ફરી વધી રહી છે એ જોતાં ડોલેક્સ ૮૭-૮૮ થશે એવી અટકળે યેન, યુરો, પાઉન્ડ અને યુઆન મજબૂત થતાં જાય છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

business news