દેશમાં સ્ટીલના ભાવ માર્ચ સુધીમાં ઘટીને ૬૦,૦૦૦ થશે : ક્રિસિલ

11 May, 2022 05:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એપ્રિલમાં ભાવ વધીને ઑલટાઇમ હાઈ ૭૬,૦૦૦ સુધી જઈ આવ્યા

દેશમાં સ્ટીલના ભાવ માર્ચ સુધીમાં ઘટીને ૬૦,૦૦૦ થશે : ક્રિસિલ

દેશમાં સ્ટીલની તેજી હવે ઓસરવા લાગી છે અને આગામી દિવસોમાં તબક્કા વાર એમાં ઘટાડો જોવા મળશે. અગ્રણી રેટિંગ એજન્સી ક્રિસિલે પોતાના એક અહેવાલમાં જણાવ્યું હતું કે ભારતીય સ્ટીલના ભાવ માર્ચ મહિના સુધીમાં ઘટીને ૬૦,૦૦૦ રૂપિયાની સપાટી સુધી પહોંચે એવી સંભાવના રહેલી છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને-એપ્રિલમાં સ્ટીલના ભાવ વધીને પ્રતિ ટન ૭૬,૦૦૦ રૂપિયાની ઑલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
ક્રિસિલે જણાવ્યું હતું કે સ્ટીલના ભાવ હજી પણ ઊંચી સપાટી પર છે, કારણ કે વૈશ્વિક સ્તરે પુરવઠાની કમી ખાસ કરીને ચીનમાં લૉકડાઉન અને યુક્રેન-રશિયાની વૉરને પગલે કાચા માલના ભાવ ઊંચા બોલાઈ રહ્યા છે. જ્યાં સુધી કાચા માલો ઘટશે નહીં ત્યાં સુધી ભાવ ઝડપથી નીચે આવે એવા સંજોગો નથી, પરંતુ આ કારણો ડિસ્કાઉન્ટ થયા બાદ બજારો ઘટવા લાગશે.
આગામી મહિનાથી ચોમાસું શરૂ થવાની સાથે જ માગ ઘટવા લાગશે અને સ્ટીલના ભાવમાં પણ ઘટાડાની શરૂઆત થવા લાગશે.
એજન્સીના સહયોગી નિયામક કૌસ્તવ મઝુમદારના જણાવ્યા અનુસાર ચોમાસા અને ઓછી નફાકારક નિકાસને કારણે નબળી માગની સીઝનની શરૂઆતનો અર્થ એ છે કે સ્થાનિક સ્ટીલના ભાવ ઘટવાના શરૂ થવા જોઈએ અને આખરે માર્ચ ૨૦૨૩ સુધીમાં ૬૦,૦૦૦ રૂપિયા પ્રતિ ટન તરફ ભાવ પહોંચે એવી ધારણા છે. જોકે એમ છતાં કોરોના મહામારી પહેલાંના સ્તર કરતાં ઊંચા હશે.
ફ્લૅટ સ્ટીલના ભાવ ૨૦૨૧-૨૨માં ૫૦ ટકાથી વધુ વધ્યા બાદ આ નાણાકીય વર્ષમાં ૩-૫ ટકા વધી શકે છે. એજન્સીના ડિરેક્ટર હેતલ ગાંધીએ તર્ક આપ્યો હતો કે જાન્યુઆરી-માર્ચમાં માગમાં સાધારણ ઘટાડો હોવા છતાં, ઊંચા ઇનપુટ ખર્ચ અને વિક્રમી નિકાસને કારણે સ્ટીલના ભાવમાં વધારો થયો હતો.
ઉપરાંત, વૈશ્વિક અને ભારતીય સ્ટીલ વચ્ચેનો ભાવફરક એક સમયે ૧૫,૦૦૦ રૂપિયા પ્રતિ ટન જેવો હતો, જે હવે ફ્લૅટ જેવો થઈ ગયો છે. બીજી તરફ નિકાસ પરનું પ્રીમિયમ મેની શરૂઆતમાં ૭૫ ડૉલર પ્રતિ ટન જેટલું વધી ગયું છે.

business news