મ્યુચ્યુઅલ ફન્ડ માર્ગે સિલ્વર અને ઑટો સેક્ટરમાં રોકાણની ખાસ તક

13 January, 2022 02:32 PM IST  |  Mumbai | Jayesh Chitalia

ગ્લોબલ માર્કેટ્સ, ઓમાઇક્રોન, ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટ, લિક્વિડિટી, જૉબડેટા વગેરે પરિબળોને લીધે યુએસ માર્કેટ હાલ ચિંતામાં અને મૂંઝવણમાં મુકાયું છે, જેની અસર આપણી માર્કેટ પર થઈ શકે

પ્રતીકાત્મક તસવીર

ગયા વખતે આપણે હનુમાન દાદાને યાદ કરી ઈટીએફ-એકસચેન્જ ટ્રેડેડ ફન્ડની ચર્ચા કરી હતી.  ગ્લોબલ માર્કેટ્સ, ઓમાઇક્રોન, ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટ, લિક્વિડિટી, જૉબડેટા વગેરે પરિબળોને લીધે યુએસ માર્કેટ હાલ ચિંતામાં અને મૂંઝવણમાં મુકાયું છે, જેની અસર આપણી માર્કેટ પર થઈ શકે. ૨૦૨૨ આપણી માર્કેટ માટે તેજીમય રહેશે તો પણ વૉલેટિલિટી તો અવશ્ય બતાવશે ત્યારે મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ વધુ સલામત કહી શકાય. 
સિલ્વરમાં રોકાણની તક અજમાવાય
બીજી તરફ મ્યુચ્યુઅલ ફન્ડ હવે વધુ વરાઇટી તરફ વળી રહ્યાં છે. તાજેતરમાં આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ સિલ્વર ઈટીએફ લૉન્ચ કર્યું છે, જે ચાંદીમાં યુનિટ સ્વરૂપે રોકાણની તક ઑફર કરે છે. અત્યાર સુધી આપણા દેશમાં ગોલ્ડ ઈટીએફ ઘણાં રહ્યાં છે, જ્યારે કે સિલ્વર ઈટીએફ નવી પ્રોડક્ટ અને નવી ઍસેટ છે. આ ઑફર તાજેતરમાં જ ખૂલી છે. આમાં તમે ફિઝિકલ નહીં, બલકે ડિમેટ સ્વરૂપે સિલ્વરમાં રોકાણ કરી શકો છો, જેનું શૅરબજાર પર ટ્રેડિંગ પણ થયા કરશે, જેથી એમાં પ્રવાહિતા પણ સતત ઉપલબ્ધ રહેશે. ઇક્વિટી સિવાયના વિકલ્પમાં આ એક હટકે વિકલ્પ ચોક્કસ ગણાય. સોનામાં રોકાણ ભરપૂર થતું હોય છે, જ્યારે સિલ્વર પણ રોકાણપાત્ર સાધન-ઍસેટ  છે. સિલ્વરનો વપરાશ દાગીના સહિત ઔદ્યોગિક હેતુસર પણ થાય છે, જેથી એની માગ રહેતી હોય છે. સિલ્વર ઇન્ફ્લેશન સામે પણ રક્ષા આપે છે. સિલ્વરનો ઉપયોગ સોલાર પૅનલ, મેડિકલ સાધનો, સ્વીચિસ અને સૅટેલાઇટ્સમાં પણ થાય છે, જે દર્શાવે છે કે સિલ્વર કેટલી ઉપયોગી ધાતુ છે. રિસ્ક મૅનેજમેન્ટ તરીકે એ હેજિંગમાં પણ કામ આવે છે. સિલ્વરને પોર્ટફોલિયોમાં ચોક્કસ પ્રમાણમાં (પાચેક ટકા) ઉમેરી શકાય.
ઑટો આધારિત ઈટીએફ
આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલે એક ઈટીએફ તાજેતરમાં ઑટો આધારિત ઑફર કર્યું છે. આ ઉપરાંત નિપ્પોન ઇન્ડિયાએ પણ ઑટો આધારિત ઈટીએફ લૉન્ચ કર્યું છે. આ માટે તેમણે બન્નેએ નિફ્ટી ઑટો ઇન્ડેક્સને ધ્યાનમાં લીધો છે. અર્થાત્ આ ઈટીએફ માત્ર ઑટો અને એ સાથે સંબંધિત ઑટો ઍન્સિલિયરી કંપનીઓના સ્ટૉક્સમાં  ઇન્વેસ્ટમેન્ટ કરશે. આને સેક્ટરલ ફન્ડ કહે છે, જેમાં સેક્ટર સંબંધિત જોખમ હોય છે તેમ જ સેક્ટરની તેજી કામ કરી જાય તો લાભ પણ એ મુજબ થાય છે. જોકે ફાઇનૅન્શિયલ પ્લાનર વર્ગ મોટે ભાગે સેક્ટર ફન્ડ કે સ્કિમને વધુ જોખમી ગણે છે.
ઑટો સેક્ટર સામે પડકાર
અને તક
કોવિડના કપરા સમયમાં ઑટો સેક્ટર બહુ જ ટફ ટાઇમમાંથી પસાર થયું, પરંતુ ઇકૉનૉમી રિકવરી સાથે એમાં વેચાણ સ્પીડ પકડતું ગયું, જેથી ઑટોનું આકર્ષણ વધ્યું. જોકે હાલ જ્યારે આ ઈટીએફ લૉન્ચ થયાં ત્યારે ફરી વાર કોરોનાનો બુરો સમય આવી ગયો છે. સરકાર તરફથી નિયંત્રણો શરૂ થયાં છે, જે લૉકડાઉનના પગલા સુધી જઈ શકે છે. આવા સમયમાં ઑટો ડિમાન્ડ ઘટી શકે છે, જેની અસર ઑટો ઇન્ડેકસ પર પડે એ સહજ છે. અલબત્ત, ઑટો સેક્ટર સામે હજી ઘણા પડકાર છે, જ્યારે કે બીજી તરફ તકો છે, જેમ કે ઇલેક્ટ્રિકલ વાહનો એ મોટી તક છે, ગ્રામ્ય વિસ્તારોની ડિમાન્ડ પણ તક છે. 
નાના રોકાણકારો જોખમથી
દૂર રહે
થોડો વખત પહેલાં યુટીઆઈ ટ્રાન્સપોર્ટેશન ઍન્ડ લૉજિસ્ટિક ફન્ડ બહાર આવ્યું હતું, જેમાં પણ ઑટો કંપનીઓનો સમાવેશ થયો હતો. હાલ ભલે એમાં પડકાર હોય, પણ ગણતરીપૂર્વકના જોખમ સાથે લાંબે ગાળે વળતર પણ ઊંચું મળી શકવાની આશા રહે છે. જોકે અહીં એક ચેતવણી કે સલાહ આપવી આવશ્યક લાગે છે કે નાનો અને જોખમ નહીં લઈ શકતો વર્ગ આવા સેક્ટરલ ફન્ડથી દૂર રહે, એને બદલે ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફન્ડ પર પસંદગી ઉતારે એ સારું. દરમ્યાન મ્યુચ્યુઅલ ફન્ડ્સ હાલના સંજોગો અને અનિ‌શ્ચિતતાને ધ્યાનમાં રાખી ડિફેન્સિવ સ્ટૉક્સ તરફ વળવા લાગ્યા છે. તેઓ આઇટી અને ફાર્મા સેક્ટરને વધુ પ્રાધાન્ય આપે છે.

business news