સોયાબીન વાયદામાં સટ્ટો રોકવા માર્જિન બમણું કરવા સોપાની માગણી

27 July, 2021 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોયાબીન વાયદો સંપૂર્ણ સટોડિયાના હાથમાઃ ભાવ સાત સેશનમાં ૨૨ ટકા વધ્યા, એક્સચેન્જને પત્ર લખ્યો

પ્રતીકાત્મક તસવીર

સોયાબીન વાયદામાં આસમાની ઊંચા ભાવને જોઈને હવે ટ્રેડ નારાજ થયું છે. દેશની અગ્રણી તેલીબિયાં સંસ્થા સોયાબીન પ્રોસેસર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સોપા)એ  એનસીડેક્સને પત્ર લખીને સોયાબીન વાયદામાં ખોટી તેજીને રોકવા જરૂરી પગલાં અને માર્જિનમાં બમણો વધારો કરવાની માગણી કરી છે. સોયાબીન વાયદો છેલ્લાં સાત જ ટ્રેડિંગ સેશનમાં ૨૨ ટકા વધી ગયો છે.

સોપાના ચૅરમૅન ડૉ. ડેવીશ જૈને એનસીડેક્સના મૅનેજિંગ ડિરેક્ટર અરુણ રાસ્તેને એક પત્ર લખીને સોયાબીનની ખોટી તેજી અંગે વાકેફ કર્યા હતા. તેમણે પત્રમાં લખ્યું છે કે સોયાબીન વાયદો સંપૂર્ણપણે સટોડિયાએ હાથમાં લઈ લીધો છે. વાયદો પ્રાઇસ ડિસ્કવરી કે હેજિંગ માટે બચ્યો નથી. સોયા પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ અને પૉલ્ટ્રી ફાર્મ કે જે સૌથી વધુ સોયા ખોળનો ઉપયોગ કરે છે એને સટ્ટાકીય પ્રવૃત્તિ વધવાને કારણે મોટો પાયે નુકસાન થયું છે.

તેમણે વધુમાં લખ્યું છે કે છેલ્લાં સાત ટ્રેડિંગ સેશનમાં જ સોયાબીન વાયદો ૨૧.૭૭ ટકા વધી ગયો છે અને ચાર વાર અપર સર્કિટ પણ લાગુ પડી ગઈ છે. સોયાબીનની સપ્લાય-ડિમાન્ડનો સિનારિયો પણ કોઈ પણ રીતે આ ભાવ સાથે મૅચ થતો નથી. એનસીડેક્સમાં કોઈ જ ફિઝિકલ સ્ટૉક પણ નથી, પરિણામે વધુ સટ્ટાની સંભાવના છે.

ઉપરોક્ત સ્થિતિમાં સોપાએ એક્સચેન્જને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી સોયાબીનના લીન સીઝનના વાયદામાં માર્જિન મની ૨૫ ટકાથી વધારીને ૫૦ ટકા કરવામાં આવે એ જરૂરી છે. આ ઉપરાંત આ સમયગાળામાં સર્કિટ લિમિટ પણ ઘટાડીને બે ટકા કરી દેવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે સોયાબીનમાં તેજીને પગલે સોયા ખોળના ભાવ પણ આસમાને પહોંચ્યા છે અને ટનના ભાવ વધીને ૭૫,૦૦૦ની ઑલટાઇમ ઊંચી સપાટી પર પહોંચ્યા છે. વરસાદ ખેંચાયો હોવાથી સોયાબીનનું વાવેતર પણ ગત વર્ષની તુલનાએ ઓછું થયું છે.

 

 

business news