બેઝ મેટલમાં ધૂમ તેજી : નિકલ ૧૦ વર્ષની અને ટીન ઑલટાઇમ હાઈ સપાટીએ

15 January, 2022 04:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોપર વાયદો ૧૨ સપ્તાહની ટોચે ૧૦,૦૦૦ ડૉલરને પાર થયોઃ માગમાં વધારો અને સપ્લાય ઘટવાને પગલે મેટલમાં તેજી

પ્રતીકાત્મક તસવીર

લંડન મેટલ એક્સચેન્જ ખાતે તમામ પ્રકારના બેઝ મેટલમાં ઝડપી ઉછાળો આવ્યો છે અને ભાવ આસમાને પહોચ્યા છે. એક તરફ કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે અને બીજી તરફ કેટલાક મેટલમાં પુરવઠાખાંચો, ઇન્વેન્ટરીમાં મોટો ઘટાડો અને ચીન દ્વારા પણ રિફાઇનિંગ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવાથી તમામ બેઝમેટલમાં સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને નિકલ વાયદો ૧૦ વર્ષની ટોચે તો ટીન વાયદામાં ઑલટાઇમ ઊંચી સપાટી જોવા મળી હતી. કોપર વાયદો પણ ૧૦,૦૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયો હતો. આગામી દિવસોમાં એ પણ નવી ટોચે પહોંચે એવી સંભાવના ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.
ચીનમાં ઇકૉનૉમીનો ગ્રોથ વધી રહ્યો હોવાથી અને નિકલનો પુરવઠો ખોરવાયો હોવાથી આના ભાવ ૧૦ વર્ષની  ટોચે પહોંચ્યા છે. લંડન મેટલ એક્સચેન્જ ખાતે નિકલ વાયદો ૪.૪ ટકા વધીને ૨૨,૭૪૫ ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો, જે ઑગસ્ટ ૨૦૧૧ બાદના સૌથી ઊંચા ભાવ હતા. ઍનલિસ્ટો કહે છે કે નિકલ વાયદામાં ૨૧,૦૦૦ ડૉલરની સપાટી પાર થઈ હોવાથી સટ્ટાકીય ઉછાળો આવ્યો છે. ચીનમાં પ્રૉપર્ટી માર્કેટમાં મંદી આવી છે અને એની ગ્રોથ પર અસર પડી છે, પરિણામે સરકાર પ્રૉપર્ટી સેક્ટરને ઉપર લાવવા માટે કેટલીક મદદો જાહેર કરી શકે છે, જેનો ફાયદો કેટલાક મેટલને મળી શકે એમ છે. ચીનમાં તો નિકલ વાયદો ઑલટાઇમ હાઈ ૧,૬૨,૩૪૦ યુઆન પર ટ્રેડ કરી રહ્યો છે.
લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર વાયદો ૩.૫ ટકા વધીને ૧૦,૦૫૯ ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો, જે ઑક્ટોબર ૨૦૨૧ બાદની સૌથી ઊંચી સપાટી છે.
લંડન મેટલ એક્સચેન્જમાં નિકલનો સ્ટૉક પાંચ મહિનાનાં તળિયે ૯૯,૦૦૦ ટનની નજીક પહોંચ્યો છે. એલ્યુમિનિયમ વાયદામાં ૦.૨ ટકાનો વધારો થઈને ૨૯૭૪.૫૦ ડૉલર અને લીડ વાયદો ૧.૯ ટકા વધીને ૨૩૪૪ ડૉલરની સપાટી પર પહોંચ્યો હતો.
લંડન ટીન વાયદો ઑલટાઇમ હાઈ ૪૧,૬૦૦ ડૉલર પર પહોંચ્યો છે.
બેઝ મેટલમાં તેજીનાં મુખ્ય કારણોમાં સપ્લાય-ગેપ છે અને માગનો વધારો છે. ૨૦૨૧ના કૅલેન્ડર વર્ષમાં પણ કોપરમાં ૨૫.૭ ટકાની તેજી આવ્યા બાદ ૨૦૨૨માં અત્યાર સુધીમાં ભાવ બે ટકા વધ્યા છે. એલ્યુમિનિયમ વાયદાએ ૨૦૨૧માં સૌથી શ્રેષ્ઠ ૪૨ ટકાનું રિટર્ન આપ્યું હતું, જે પણ ચાલુ વર્ષે પાંચ ટકા વધ્યો છે, જ્યારે નિકલ વાયદો ૨૦૨૧માં ૨૬.૧ ટકા અને આ વર્ષે અત્યાર સુધીમાં ૫.૨ ટકા વધ્યો છે. ઝીંક વાયદામાં ગત વર્ષે ૩૧ ટકા અને આ વર્ષે બે ટકાની તેજી આવી ચૂકી છે.
વિશ્વમાં બેઝ મેટલની બજારમાં તેજી ચાલુ વર્ષે પણ માર્ચ મહિના સુધી ચાલુ રહે એવી સંભાવના છે. કોરોના વાઇરસની આ ત્રીજી લહેર માર્ચ આસપાસ પૂરી થયા બાદ સપ્લાયમાં વધારો થશે તો બેઝ મેટલમાં તેજીને બ્રેક લાગી શકે છે. અમેરિકા વ્યાજદર વધારશે એની અસર પણ જોવાશે.

business news