ચાંદી ભારતમાં 3400 રૂપિયા ઊછળી સાત વર્ષની ઊંચી સપાટીએ

22 July, 2020 12:25 PM IST  |  Mumbai | Mumbai correspondent

ચાંદી ભારતમાં 3400 રૂપિયા ઊછળી સાત વર્ષની ઊંચી સપાટીએ

ચાંદી

વૈશ્વિક બજારમાં સોનાની પાછળ ચાંદીના ભાવમાં જોરદાર તેજીનો પ્રારંભ થયો છે. ગઈ કાલે વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ ૨૧ ડૉલરની સપાટી પાર કરી ચાર વર્ષની ઊંચી સપાટીએ, જ્યારે ભારતમાં ૫૭,૫૦૦ રૂપિયા થઈ સાત વર્ષની ઊંચી સપાટીએ જોવા મળી છે. જાણકારો માની રહ્યા છે કે સોનાની જેમ ચાંદીમાં પણ તેજીનો આ દોર હજી લાંબો ચાલી શકે છે.

ચાલુ કૅલેન્ડર વર્ષમાં ચાંદીના ભાવ ૧૭.૯૨૧ ડૉલર પ્રતિ ઔંસ સામે ગઈ કાલે ૨૧.૩૮૭ ડૉલર પ્રતિ ઔંસ થયા છે એટલે કે ૩.૪૬૬ ડૉલર કે ૧૯.૩૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. ભાવ છેલ્લાં આઠ સપ્તાહથી સતત વધી રહ્યા છે. ભારતમાં ચાંદીનો ભાવ હાજર બજારમાં ડિસેમ્બર ૨૦૧૯ના અંતે ૪૭,૬૪૦ રૂપિયા પ્રતિ કિલો મુંબઈ ખાતે અને અમદાવાદના ભાવ ૪૭,૬૯૦ રૂપિયા હતા. ગઈ કાલના ભાવે ભારતમાં ચાંદીમાં ૨૦.૭ ટકાનો વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં આવેલા જોરદાર ઉછાળાના પગલે મુંબઈ ખાતે ગઈ કાલે હાજરમાં ચાંદી ૩૪૦૦ રૂપિયા ઊછળી ૫૭,૫૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૩૯૫ ઊછળી ૫૭,૪૬૫ રૂપિયા પ્રતિ કિલો બંધ આવી છે.

વૈશ્વિક બજારમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો ગઈ કાલે ૬.૦૩ ટકા વધી ૨૧.૪૧ ડૉલર અને હાજરમાં ૫.૦૬ ટકા વધી ૨૦.૯૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો આ ભાવ ૨૦૧૬ પછી નથી જોવા મળ્યો, જ્યારે ભારતમાં ૨૦૧૩ પછીના સૌથી ઊંચા ભાવ છે. દરમિયાન, ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૫૪,૮૦૨ ખૂલી, ઉપરમાં ૫૫,૬૮૮ અને નીચામાં ૫૪,૮૦૨ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૬૧૯ વધીને ૫૫,૬૨૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૧૫૪૯ વધીને ૫૫,૬૦૩ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૧૫૫૮ વધીને ૫૫,૬૦૯ રૂપિયા બંધ રહ્યા હતા.

ચાંદીમાં તેજી કેમ જોવા મળી રહી છે?

એક તરફ કોરોના વાઇરસ અને આર્થિક મંદીની દહેશતની જેમ ચાંદીમાં પણ સેફ હેવન રોકાણ આવે એ સ્વાભાવિક છે, પણ ચાંદીને એની સાથે આર્થિક પ્રવૃત્તિઓ ફરી બેઠી થઈ રહી છે એનો પણ ટેકો છે. ચાંદીની કુલ માગમાં સૌથી વધુ ફાળો સોલર પૅનલ્સ, ઇલેક્ટ્રોનિક્સ જેવી ચીજોનો છે. આ ઉપરાંત, ફાઇ-જી મોબાઇલ ટેક્નૉલૉજી હબમાં પણ એનો ઉપયોગ થાય છે એટલે એના ભાવમાં તેજી જોવા મળી રહી છે. કોરોનાની વૅક્સિનના પ્રયોગ સફળ થઈ રહ્યા છે, ચીનમાં આર્થિક પ્રવૃત્તિ ફરી પાટે ચડી રહી છે એથી આ સફેદ ધાતુને વધારે બળ મળી રહ્યું છે.

૨૦૦૮માં જે રીતે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો એવો જ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. એક તબક્કે ભાવમાં ઘટાડો આવ્યા બાદ એ ૫૦ ડૉલર પ્રતિ ઔંસની નજીક, ઐતિહાસિક ઊંચી સપાટીએ ૨૦૧૧માં પહોંચ્યા હતા. આજે ભાવ ૨૦ ડૉલર પ્રતિ ઔંસની ઉપર છે અને એ ૨૦૧૬ પછીનો સૌથી મોટો વધારો છે. સોનાની જેમ ચાંદીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં પણ સતત ૧૨ સપ્તાહથી નવું રોકાણ આવી રહ્યું છે અને વિક્રમી સ્તરે પહોંચ્યું છે.

ચાંદીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં જૂન મહિનાના અંતે ૯૨.૫ કરોડ ઔંસનો સ્ટૉક થયો છે જે વિશ્વની કુલ ચાંદીના ૧૪ મહિનાના ઉત્પાદન જેટલો છે. સિલ્વર ઇન્સ્ટિટ્યુટના અંદાજ અનુસાર કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ના પ્રથમ છ મહિના ૧૯.૬ કરોડ ઔંસની ખરીદી ઈટીએફ દ્વારા કરવામાં આવી છે જે અત્યાર સુધીના ૧૪.૯ કરોડના ૨૦૦૯ના વાર્ષિક પ્રવાહ કરતાં પણ વધારે છે. સિટી બૅન્કે તાજેતરમાં જ આગાહી કરી છે કે ચાંદીના ભાવ આગામી છથી ૧૨ મહિનામાં ૨૫ ડૉલર અને શક્ય છે કે ૩૦ ડૉલરની સપાટી સુધી પહોંચી શકે. 

business news