વૈશ્વિક બજારમાં ચાંદીનો વાયદો ઉપલા મથાળેથી 8.4 ટકા ઘટ્યો

29 July, 2020 11:22 AM IST  |  Mumbai | Mumbai correspondent

વૈશ્વિક બજારમાં ચાંદીનો વાયદો ઉપલા મથાળેથી 8.4 ટકા ઘટ્યો

સિલ્વર

ચાંદીના ભાવમાં વણથંભી તેજી પર આજે ભારે પ્રૉફિટ-બુકિંગ અને સોનાના ભાવમાં જોવા મળેલા ઘટાડાની અસરથી તીવ્ર કડાકો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં વાયદો ૭ વર્ષની નવી ઊંચાઈએથી ૮.૪ ટકા ઘટ્યો હતો, તો ભારતમાં હાજરમાં ભાવ ૨૬૦૦ રૂપિયા પ્રતિ કિલો પટકાયા હતા. જોકે બજારના વિશ્લેષકો માને છે કે સોના-ચાંદીના ભાવમાં તેજી માટેનાં પૂરતાં કારણો છે અને જ્યારે ચાંદીનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે ત્યારે સોના કરતા ચાંદીના ભાવમાં તેજી આગળ વધવાની પ્રબળ સંભાવના છે.

વૈશ્વિક બજરમાં ચાંદીમાં આજે પુરબહાર તેજી હતી. એક તબક્કે કૉમેક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો ૨૬.૨૬૨ ડૉલરની એપ્રિલ ૨૦૧૩ પછીની સૌથી ઊંચી સપાટીએ હતો, પણ સોનાની સાથે ચાંદીમાં પણ જંગી પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. અમેરિકન સત્ર શરૂ થયું ત્યારે ચાંદીનો વાયદો ૧.૮૬ ટકા કે ૪૬ સેન્ટ ઘટીને ૨૪.૦૫ અને હાજરમાં ૨.૬૯ ટકા કે ૬૬ સેન્ટ ઘટીને ૨૩.૯૩ ડૉલરની સપાટી પર છે. ઉપલા મથાળેથી ચાંદી વાયદો ૮.૪ ટકા અને હાજરમાં ૯ ટકા ઘટી ગયો છે. 

આજે મુંબઈમા હાજરમાં ચાંદીના ભાવ એક તબક્કે ૬૭,૪૬૫ થયા પછી દિવસના અંતે ૧૧૮૫ ઘટીને ૬૪,૮૬૫ રૂપિયા અને અમદાવાદમાં ૬૭,૪૪૦ રૂપિયાની ઊંચી સપાટીથી નીચે પટકાઈ ૬૪,૮૪૫ રૂપિયા બંધ આવ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૬,૦૪૭ ખૂલી, ઉપરમાં ૬૭,૫૬૦ અને નીચામાં ૬૧,૫૯૭ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૯૦૬ ઘટીને ૬૩,૬૨૨ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૧૮૭૬ ઘટીને ૬૩૭૧૨ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૧૯૦૦ ઘટીને ૬૩,૬૯૯ રૂપિયા બંધ રહ્યા હતા.

business news