ચાંદીએ ૯ વર્ષ જૂની ઐતિહાસિક સપાટી તોડી, ભાવ ૭૬૧૫૦ રૂપિયા

07 August, 2020 09:22 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

ચાંદીએ ૯ વર્ષ જૂની ઐતિહાસિક સપાટી તોડી, ભાવ ૭૬૧૫૦ રૂપિયા

ચાંદીના ભાવ 9 વર્ષની ઐતિહાસિક સપાટીએ

અમેરિકામાં રોજગારીના આંકડા બુધવારે ધારણા કરતાં નબળા આવ્યા હતા. ડૉલર સતત ત્રીજા દિવસે ઘટી ગયો છે. અમેરિકામાં સરકાર અને વિરોધીઓ વચ્ચે ઑગસ્ટમાં પૂર્ણ થઈ રહેલી નાગરિકોને કોરોના સામેની સહાય પૂર્ણ થઈ રહી છે અને એને લંબાવવા વિશે કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. કોરોનાના નવા કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એટલે રોકાણનું સ્વર્ગ કહેવાતા સોના-ચાંદીના ભાવમાં તેજીનો દાવાનળ જોવા મળી રહ્યો છે. સોનું વિક્રમી સપાટીએ છે, ચાંદીના ભાવ ૭ વર્ષની ઊંચી સપાટીએ છે. આજે ભારતમાં ચાંદીના ભાવ ૯ વર્ષ જૂની ઐતિહાસિક ઊંચી સપાટી પાર કરીને ૭૬,૦૦૦ રૂપિયાની સપાટીને પાર કરી ગયા છે.
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ સતત પાંચમા દિવસે પણ વધીને એક પછી એક નવી ઐતિહાસિક ઊંચી સપાટી તરફ આગળ વધી રહ્યા છે. બજારમાં એવી ચર્ચા છે કે સોનું હવે નજીકના ભવિષ્યમાં ૨૧૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પાર્ક કરી જશે. બુધવારે ૧.૪૨ ટકા વધ્યા પછી આજે ન્યુ યૉર્ક ખાતે સોનું ઑક્ટોબર વાયદો ૧.૧૯ ટકા કે ૨૧.૪૫ ડૉલર વધી ૨૦૬૧.૩૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. સોનું ડિસેમ્બર વાયદો ૧.૧૩ ટકા કે ૨૩.૨૦ ડૉલર વધી ૨૦૭૨.૫૦ ડૉલર અને હાજરમાં ૦.૯૯ ટકા કે ૨૦.૨૨ ડૉલર વધી ૨૦૫૮.૩૪ ડૉલરની ઊંચી સપાટી પર છે.
દરમ્યાન ચાંદીમાં નવી ૭ વર્ષની ઊંચી સપાટી વૈશ્વિક બજારમાં જોવા મળી છે. મંગળવારે ૬.૬૦ ટકા, બુધવારે ૩.૩૧ ટકા વધ્યા પછી આજે ચાંદીનો ભાવ વધુ ૫.૬ ટકા ઊછળ્યો છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૨૮.૫૩ ડૉલરની ૭ વર્ષની ઊંચી સપાટી પાર કરી ગયો હતો. અત્યારે ચાંદી વાયદો ૫.૩૪ ટકા કે ૧.૪૪ ડૉલર વધી ૨૮.૩૩ ડૉલર અને હાજરમાં ૪.૬૬ ટકા કે ૧.૨૬ ડૉલર વધી ૨૮.૨૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.
ભારતમાં હાજર બજારમાં સોનું ૫૮,૦૦૦ રૂપિયાને પાર
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં જોવા મળી રહેલી વૃદ્ધિ વચ્ચે આજે ભારતમાં પણ હાજર અને વાયદામાં સોનું વધ્યું હતું. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૭૧૫ વધી ૫૮,૦૫૦ અને અમદાવાદમાં ૬૯૫ વધી ૫૮,૦૧૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની વધુ એક ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ આવ્યું હતું.
એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૫૨૬૫ ખૂલી, ઉપરમાં ૫૫૬૮૯ અને નીચામાં ૫૫૨૪૧ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૫૫૩ વધીને ૫૫૬૫૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૧૧ વધીને ૮ ગ્રામદીઠ ૪૫૧૮૮ અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૫૭ વધીને ૧ ગ્રામદીઠ ૫૬૬૧ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૭૩ વધીને બંધમાં ૫૫૮૨૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ભારતમાં ચાંદીની ૭૬૩૫૦ રૂપિયાની ઐતિહાસિક ઊંચી સપાટી
વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં જોવા મળી રહેલા તેજીના દાવાનળ વચ્ચે આજે ભારતમાં ચાંદીના ભાવ ઈતિહાસની સૌથી ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. અત્યારસુધી ભારતમાં ચાંદીનો સૌથી ઊંચો ભાવ ૨૦૧૧ની ૨૫ એપ્રિલે ૭૫,૦૨૫ પ્રતિ કિલો નોંધાયો હતો. આજે ભારતમાં ભાવ એનાથી વધી ગયા છે. આજે મુંબઈ ખાતે હાજરમાં ચાંદી ૨૭૮૫ વધી ૭૬,૧૫૦ રૂપિયા પ્રતિ કિલો અને અમદવાદમાં ૨૭૬૦ વધી ૭૬,૧૧૫ રૂપિયા બંધ રહી હતી. ૧ જુલાઈ પછી વૈશ્વિક બજારના પગલે ભારતમાં ચાંદીના ભાવમાં ૨૪,૭૭૫ રૂપિયા કે ૪૮ ટકા વધ્યા છે.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૭૨૫૬૦ ખૂલી, ઉપરમાં ૭૫૪૨૦ અને નીચામાં ૭૨૫૧૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૧૫૦ વધીને ૭૫૦૪૩ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૩૦૨૬ વધીને ૭૪૯૧૪ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૨૯૯૨ વધીને ૭૪૮૬૬ રૂપિયા બંધ રહ્યા હતા.
ડૉલર સામે ભારતીય રૂપિયો સ્થિર
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ધિરાણનીતિની સમીક્ષામાં વ્યાજદર સ્થિર રાખતાં ભારતીય રૂપિયો ડૉલર સામે આજે બુધવારની સપાટીએ સ્થિર બંધ આવ્યો હતો. બુધવારે ૭૪.૯૪ બંધ રહેલો રૂપિયો ડૉલરની વૈશ્વિક બજારમાં નબળાઈ અને શૅરબજારની તેજી સાથે ૭૪.૮૨ની સપાટીએ ખૂલ્યો અને વધીને ૭૪.૭૭ થયો હતો. ક્રૂડ ઑઇલના ઊંચા ભાવ અને રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરતાં તેમ જ ફુગાવો ઊંચો રહેશે એવું આંકલન કરતાં રૂપિયો ગબડી ૭૪.૯૬ થઈ દિવસના અંતે ફરી ૭૪.૯૪ની સપાટીએ બંધ આવ્યો હતો. ભારતીય અર્થતંત્ર નબળું પડી રહ્યું છે અને ફુગાવો વધી રહ્યો હોવા છતાં વ્યાજદર ન ઘટતાં ફૉરેક્સ માર્કેટમાં નિરાશા જોવા મળી હતી. ડૉલર સિવાય રૂપિયો આજે બ્રિટિશ પાઉન્ડ, યુરો અને જૅપનીઝ યેન સામે પણ નરમ
પડ્યો હતો.

business news