રેટ હાઇકને પચાવી શૅરોમાં ઉછાળો - ડૉલર નરમ

08 May, 2023 02:54 PM IST  |  Mumbai | Biren Vakil

ભારતીય બૅન્ક શૅરો તૂટ્યા - રૂપિયો સ્ટેબલ - ૨૦૨૩માં ફેડના રેટ કટ વિશે બજાર હજી આશાવાદી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

બુધવારે ફેડે વ્યાજદરમાં પા ટકાનો વ્યાજદર વધારો કર્યો અને ફુગાવાને બે ટકા લાવવા માટેના લક્ષ્યનો પુનરુચ્ચાર કર્યો એ પછી સોનામાં અને શૅરબજારોમા મામૂલી નરમાઈ આવી. જોકે શુક્રવારે જૉબડેટા ઘણો જ મજબૂત આવતાં સોનાચાંદીમાં જેવા સેફ હેવન તૂટ્યા અને અમેરિકા તેમ જ યુરોપિયન શૅરોમાં જોરદાર ઉછાળો આવ્યો. અમેરિકામાં પ્રાદેશિક બૅન્કો તકલીફમાં છે. ક્રેડિટ ગ્રોથ ૨૫ ટકાની ટોચથી ઘટીને માઇનસ ૪ ટકા થઈ ગયો છે જે ૬૦ વરસના તળિયે છે. મોટી બૅન્કો પણ હવે ફેડ ઓવરટાઇટનિંગમાં છે અને આગળ જતાં વ્યાજદરો ઘટવા વિશે આશાવાદી બની છે. ફેડે ચાલુ વરસે વ્યાજદર ઘટાડાની આશા રાખવી નહીં એવા સંકેતો આપ્યા છે, પણ બજારને દૃઢ ભરોસો છે કે ફેડને મૉનિટરી પૉલિસીમાં પારોઠનાં પગલાં ભરવાં પડશે. બજાર જક્કી રીતે એમ માનતું થઈ ગયું છે કે જુલાઈમાં રેટ કટ આવશે. અમેરિકામાં લૅન્ડિંગ ડ્રાય થઈ ગયું છે. નૉમિનલ વ્યાજદરો અતિશય ઝડપી વધ્યા છે એટલે કૉર્પોરેટ ક્રેડિટ સ્પ્રેડમાં તણાવ દેખાય છે. કમર્શિયલ પ્રૉપર્ટીમાં નાદારીના કિસ્સા દેખાવા લાગ્યા છે. બિગ ટેક શૅરો અને લાર્જ કૅપ શૅરોમાં તેજીનો સંચાર થયો છે. નૅસ્ડૅકમાં તેજીનું કમબૅક થયું છે. ડૉલર ઇન્ડેક્સ ધીમે-ધીમે ઘસાતો જાય છે અને ૧૦૧.૫૦ આસપાસ, બાવન સપ્તાહની નીચી સપાટીએ છે. યુરોપિયન કરન્સી એકંદરે ટકેલી છે, પણ અન્ડરટોન મજબૂત છે.

રૂપિયાની વાત કરીએ તો શુક્રવારે જૉબડેટાને કારણે બૉન્ડ, કરન્સી અને શૅરબજારોમાં અફડાતફડી મોટી હતી, પણ કરન્સી બજાર બંધ હોવાથી રૂપિયામાં એની કેવી અસર આવશે એ આજે ખબર પડશે. હમાણાં-હમણાંથી બહુ રજાઓ આવે છે. એ સિવાય ઇન્ટરબૅન્ક ફૉરેક્સ બજારમાં એસએમઈ નાના કૉર્પોરેટ્સને હેજિંગ કરવું હોય તો બપોરે ૩.૩૦ પછી કામકામજ થતાં નથી. અમેરિકા ખૂલે પછી મહત્ત્વનાં ડેટા કે પૉલિસી નિવેદનો આવે ત્યારે ૩૦-૪૦ પૈસાની મૂવમેન્ટ આવતી હોય છે. બપોરે આયાત-નિકાસના જે કૉન્ટ્રૅક્ટ કર્યા હોય એને બદલે સાંજે કંઈક જુદો જ ભાવ હોય. હેજિંગ એફિશ્યન્સી વધારવા માટે સાંજે ઇન્ટરબૅન્ક બજારમાં સાત વાગ્યા સુધી સવલત હોવી જોઈએ.

રૂપિયામાં આમ તો સ્ટેબિલિટી છે. ડૉલર તૂટતો જાય છે. બીજી બાજુ યુરોપિયન કરન્સીઓ પાઉન્ડ અને યુરો મજબૂત થતા જાય છે. રૂપિયો છેલ્લા કેટલાક સમયથી ૮૧.૬૫-૮૨.૮૦ વચ્ચે મર્યાદિત રેન્જમાં છે. ડીડૉલરાઇઝેશનનાં વેવ અને અંદાજે ૧૮ દેશો સાથે રુપીમાં બાયલેટરલ ટ્રેડની સમજૂતી અને રશિયાથી રુપી-રૂબલ ટ્રેડમાં કિફાયતી ભાવે ક્રૂડ તેલને ખરીદવાને કારણે ભારત નોંધપાત્ર મામલામાં ડૉલરની બચત કરી શક્યું છે. રશિયા-ભારત વચ્ચેના વેપારમાં રશિયા પાસે મોટા પ્રમાણમાં ભારતીય રૂપિયા જમા થઈ ગયા છે અને હવે રશિયા એમ કહે છે કે અમને રૂપિયાને બદલે કોઈ અન્ય કરન્સી આપો. છેલ્લા ૧૧ મહિનામાં ભારતની રશિયામાં નિકાસ ૨.૮ અબજ ડૉલર થઈ છે અને આયાત ૪૧.૫૬ અબજ ડૉલર થઈ છે. રશિયામાંથી ભારતમાં ક્રૂડની આયાત છ ગણી વધી છે. જો રશિયા રૂપિયાને બદલે અન્ય કરન્સીમાં ટ્રેડ સેટલ કરવાનો આગ્રહ રાખે તો રુપી ટ્રેડમાં ઇન્ટરનૅશનલાઇઝેશનની પ્રોસેસ પર કોઈ અસર થાય કે કેમ એ અનુમાનનો વિષય છે. શુક્રવારે ભારતીય બૅન્ક નિફ્ટીમાં કડાકો અને શૅરબજાર પણ નરમ હતું. રૂપિયા માટે હાલ પૂરતું ૮૨.૦૫-૮૨.૨૦-૮૨.૩૭ રેઝિસ્ટન્સ અને ૮૧.૬૫-૮૧-૪૮-૮૧.૩૭ સપોર્ટ લેવલ છે. ભારતની ફૉરેક્સ રિઝર્વ ઘણી સારી છે, પણ જિયોઇકૉનૉમિક્સ, જિયોપૉલિટિક્સ, ચોમાસું અને અમેરિકાની ક્રેડિટ ક​ન્ડિશન વૉચ રાખવાં જેવાં ટ્રિગર છે.

એશિયાની વાત કરીએ તો ચીનમાં આર્થિક સુધારો ઘણો કમજોર છે. મેન્યુ સેક્ટરમાં સ્લોડાઉન દેખાય છે. કૉપર, ક્રૂડ અને સ્ટીલમાં નરમાઈ જોતાં ઔદ્યોગિક ઉત્પાદનમાં સ્લોડાઉન વરતાય છે. યુકેમાં ફરી રાજકીય અસ્થિરતાનાં એંધાણ દેખાય છે. સ્થાનિક સિવિક ચૂંટણીઓમાં શાસક પક્ષનો દેખાવ ઘણો નબળો રહ્યો છે. યુરોપ એકંદરે સ્ટેબલ છે. શૅરબજારો, ફૅશન બ્રૅન્ડ્સ, લાર્જ કૅપ શૅરોમાં મજબૂતી છે.

શૉર્ટ ટર્મ ટ્રેડિંગ રેન્જ-ડૉલર રુપી ૮૧.૪૮-૮૨.૩૭, પાઉન્ડ રુપી ૧૦૨.૨૦-૧૦૪.૨૦, યુરો રુપી ૮૯.૭૦-૯૧.૩૦, યેન ૦.૬૦.૨૦-૬૨૨૦, યુરો ડૉલર ૧.૦૮૫૦-૧.૧૧૫૦, પાઉન્ડ ડૉલર ૧.૨૪૮૦-૧.૨૭૮૦, યેન ૧૩૨-૧૩૭, ડૉલેક્સ ૧૦૦-૧૦૨.૫૦, બીટકૉઇન ૨૭૨૦૦-૩૦૩૦૦, ગોલ્ડ ૧૯૯૩-૨૦૭૮.

business news indian rupee share market stock market