યુક્રેન ક્રાઇસિસ અને ફેડ ટાઇટનિંગની ભીતિથી શૅરો અને ક્રિપ્ટોમાં વેચવાલી

24 January, 2022 02:29 PM IST  |  Mumbai | Biren Vakil

વૈશ્વિક વ્યાજદરો બૉટમઆઉટ : બજેટ અગાઉ રૂપિયામાં સુસ્ત કારોબાર

પ્રતીકાત્મક તસવીર

બુધવારે મળનારી ફેડની બેઠકમાં અમેરિકામાં વ્યાજદર વધારાનો રોડમૅપ અને લિક્વિડિટી પાછી ખેંચવાના દિશાનિર્દેશ મળશે એવી અટકળે રિસ્ક ઑન ઍસેટ્સ જેવી કે ટેક્નૉલૉજી શૅરો, ક્રિપ્ટો કૉઇન વગેરેમાં જોરદાર વેચવાલી છે. બીટકૉઇન ૩૫,૦૦૦ ડૉલર નીચે જતો રહ્યો છે. વિવિધ ડિજિટલ કરન્સીમાં ૪૦-૮૦ ટકા સુધીનાં ગાબડાં પડ્યાં છે. રશિયાએ ડિજિટલ ઍસેટના ટ્રેડિંગ અને રોકાણ પર પ્રતિબંધ મૂકતાં બજારમાં ગભરાટ વધ્યો છે. અમેરિકી ફેડે ડિજિટલ ડૉલર વિશે જનતા પાસેથી સૂચનો મગાવ્યાં છે એ જોતાં અમેરિકામાં ડિજિટલ ઍસેટ્સ પર કોઈક નિયંત્રણ આવી શકે. હાલપૂરતું તો બજારની નજર ફેડની મીટિંગ અને યુક્રેન કટોકટી તેમ જ ક્રૂડ ઑઇલની તેજીને કારણે સર્જાયેલા ફુગાવાકારી દબાણ અને ચીનની આગામી આર્થિક નીતિઓ કેવી રહે એના પર છે. 
યુક્રેન ક્રાઇસિસ, સરહદે રશિયન દળોની જમાવટ વચ્ચે અમેરિકા અને રશિયા વચ્ચે યુક્રેન મામલે મંત્રણા હજી સુધી તો નિષ્ફળ રહી છે. યુક્રેનને નાટોમાં ન સમાવાય એવી લેખિત બાંયધરીથી ઓછું પુતિનને ખપતું નથી. અમેરિકી પ્રમુખ બાઇડને જો રશિયા યુક્રેન પર આક્રમણ કરે તો રશિયા પર આર્થિક પ્રતિબંધ લાદવાની વાત કરી છે, પણ યુક્રેનની સાથે ઊભા રહીશું એવો સધિયારો નથી આપ્યો. અફઘાનિસ્તાનમાં શર્મનાક પીછેહઠ પછી અમેરિકાનો મરતબો સાવ ખાડે ગયો છે. રશિયાએ બેલારૂસ સાથે લશ્કરી કવાયત રૂપે નૉર્થ યુક્રેનની અમુક જમીન દબોચી લેવાની ગણતરી રાખી હશે. ૨૦૧૪માં ક્રિમિયા-પૂર્વ યુક્રેનમાં જમીન દબોચી લીધી ત્યારે અમેરિકા-યુરોપ રશિયા પર હળવાં નિંયત્રણો અને આક્રમણને કડક શબ્દોમાં પગલાને વખોડી કાઢવા સિવાય કશું કરી શક્યા નહોતા. ૨૦૧૪ની તુલનામાં રશિયા આજે ઘણું વધારે કદાવર છે. યુરોપ ગૅસ માટે રશિયા પર નિર્ભર છે. ગૅસ બ્લૅકમેઇલિંગ મામલે પુતિનની ક્ષમતાથી વિશ્વ સુપેરે પરિચિત છે.
બૉન્ડ બજારોની વાત કરીએ તો લાંબા અરસા પછી અમેરિકામાં ૧૦ વરસના યિલ્ડ ૧.૯૦ સુધી પહોંચ્યા. જર્મનીમાં પણ બૉન્ડ યિલ્ડ ત્રણ વરસ પછી પહેલી વાર પૉઝિટિવ થયા. બજારની નજર ૨૦૨૨માં વ્યાજદર વધારો કેવો અને કેટલો ઝડપી રહે એના પર છે. એક વર્ગ માને છે કે આ વરસે ત્રણ વ્યાજદર વધારા આવશે. એક લૉજિક એવું પણ છે કે ફેડ પહેલો વ્યાજદર વધારો ૫૦ બેસિસ પૉઇન્ટ જેવો મોટો કરીને વેઇટ ઍન્ડ વૉચ અભિગમ સાથે થોડી વાર હૉલ્ડ પર જતી રહે. એ પછીનાં પગલાં ડેટા આધારીત હોય. 
દરમિયાન યુરોપ અને અમેરિકામાં હવે માસ્ક મેન્ડેટ, વૅક્સિન મેન્ડેટ ફગાવાઈ રહ્યા છે અથવા હળવા થઈ રહ્યા છે. યુરોપ માટે હાલમાં યુક્રેન ક્રાઇસિસ, ગૅસની વિક્રમી તેજીથી સર્જાયેલું ઊર્જાસંકટ, બેલારૂસ પર પ્રતિબંધોથી ખાતરની તેજી ચિંતાનું કારણ છે. ઇમર્જિંગ યુરોપમાં યુક્રેન ક્રાઇસિસને કારણે રશિયન રૂબલ, હંગેરી ફોરીન્ટ, પોલિશ ઝલોટી વગેરે દબાણમાં છે. નોર્ડિક કરન્સી જેવી કે સ્વિડિશ ક્રોના પર પણ બાલ્ટિક ક્રાઇસિસની અસરે નરમાઈ છે.
એશિયામાં ચીને બૅક-ટુ-બૅક બીજી વાર વ્યાજદર ઘટાડ્યા છે. આર્થિક મંદીના અસરથી ચાઇના સ્ટિમ્યુલસ આપી રહ્યું છે. અમેરિકાનો ઝોક ક્વૉન્ટિટિવ ટાઇટનિંગનો છે. ચીનનો ઝોક મૉનિટરી ઇઝિંગ તરફી છે. આમ નાણાબજારોમાં પોલરાઇઝેશનની સ્થિતિ ઉદભવશે. રૂપિયાની વાત કરીએ તો  અંદાજે બે માસથી રૂપિયો ૭૪-૭૫ની રેન્જમાં સ્થિર છે. બજારની નજર બજેટ પર છે. ચીનમાં વિન્ટર ઑલિમ્પિક અને લુનાર હૉલિડે પછી યુઆન નરમ પડી શકે છે. વ્યાજદરો મામલે હવે યુરોપમાં પણ નેગેટિવ યિલ્ડનો યુગ આથમતો દેખાય છે. યુરો માટે ૨૦૨૨ કદાચ કમબૅક સ્ટોરી બનશે. ચીની પ્રૉપર્ટીની મંદી, અમેરિકી ટ્રેઝરી યિલ્ડ, યુરોપનું ઊર્જા સંકટ, વૈશ્વિક ફુગાવો, ભારતના આવનારા બજેટમાં રાજકોષિય શિસ્ત, સપ્લાય ચેઇન ડિસરપશન, અમેરિકામાં શ્રમિકોની અછત, ફેડની નાણાનીતિ એમ અનેક પરિબળો વચ્ચે કરન્સી અને બૉન્ડ બજારો કન્ફ્યુઝ છે. માત્ર એક વાત નિશ્ચિત છે કે વૈશ્વિક વ્યાજદરો બૉટમઆઉટ થઈ ચૂક્યા છે. વ્યાજદરોમાં વધારામાં અમેરિકા, સાઉથ કોરિયા, થાઇલૅન્ડ વગેરેમાં દરો વધવાતરફી રહેશે. બ્રાઝિલ અને લેટિન અમેરિકામાં પણ વ્યાજદરો વધવાતરફી રહેશે. ભારતમાં પણ કમસે કમ બે વ્યાજદર વધારા ૨૦૨૨માં નિશ્ચિત છે.

business news