✕

બજારમાં ઑલરાઉન્ડ નરમાઈની આગેકૂચ, બે દિવસમાં ૧૦.૫૧ લાખ કરોડ સાફ

23 October, 2026 09:18 AM IST  |  Mumbai | Anil Patel

બ્રેન્ટ ક્રૂડ પોણાત્રણ ટકાની મજબૂતી સાથે ૧૧૨ ડૉલર નજીક ચાલે છે. બહુમતી એશિયન બજારનો ગુરુવાર નબળો ગયો છે. હૉન્ગકૉન્ગ સવાત્રણ ટકા, ચાઇના દોઢ ટકો, સાઉથ કોરિયા સાડાત્રણ ટકા, તાઇવાન પોણાબે ટકા, સિગાપોર અડધો ટકો કટ થયું છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જિયો પ્લૅટફૉર્મના મેગા ઇશ્યુની સફળતાનાં ગુણગાન વચ્ચે રિલાયન્સ અઢી ટકા ગગડી સેન્સેક્સમાં ટૉપ લૂઝર બની : હિન્દુસ્તાન યુનિલીવર, NTPC, મારુતિ, પાવર ગ્રિડ, મૅક્સ હેલ્થકૅર અને તાતા મોટર્સ પૅસેન્જરમાં નવા નીચા ભાવ જોવાયા : નેટ લૉસમાં તગડા ઘટાડા પાછળ તાતા ટેલી ૧૯.૨ ટકાની તેજીમાં ‘એ’ ગ્રુપમાં ઝળકી : પરિણામની પૂર્વસંધ્યાએ ઇન્ફી દોઢેક ટકો ડાઉન, ક્રિસિલમાં ૨૦૪ રૂપિયાની તેજી : ડૉલર સામે સતત ૮ દિવસના સુધારા બાદ રૂપિયામાં નબળાઈ

બ્રેન્ટ ક્રૂડ પોણાત્રણ ટકાની મજબૂતી સાથે ૧૧૨ ડૉલર નજીક ચાલે છે. બહુમતી એશિયન બજારનો ગુરુવાર નબળો ગયો છે. હૉન્ગકૉન્ગ સવાત્રણ ટકા, ચાઇના દોઢ ટકો, સાઉથ કોરિયા સાડાત્રણ ટકા, તાઇવાન પોણાબે ટકા, સિગાપોર અડધો ટકો કટ થયું છે. ઇન્ડોનેશિયા એકાદ ટકો તો થાઇલૅન્ડ અડધા ટકા જેવું પ્લસ હતું. યુરોપ રનિંગમાં પોણાથી સવા ટકો ડાઉન દેખાયું છે. રિઝર્વ બૅન્કના ત્રીજા બૂસ્ટર ડોઝના પગલે સળંગ ૮ દિવસના સુધારા બાદ ડૉલર સામે રૂપિયો ૩૫ પૈસા ઘટી ૯૪.૮૨ જોવાયો છે. આંતરપ્રવાહમાં ઑલરાઉન્ડ ખરાબી છતાં મેઇન બેન્ચમાર્કમાં આગલા દિવસે થયેલા મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ ૩૬૭ પૉઇન્ટ જેવી નરમાઈમાં ૭૩,૩૪૩ ખૂલી છેવટે ૪૬૦ પૉઇન્ટ ઘટી ૭૩,૨૫૦ની અંદર તો નિફ્ટી ૧૨૪ પૉઇન્ટ ઘટી ૨૨,૬૮૮ ગઈ કાલે બંધ થયો છે. માર્કેટ નીચામાં ૭૩,૦૦૫ અને ઉપરમાં ૭૩,૭૨૧ થયું હતું. માર્કેટ બ્રેડ્થ બગડેલી જ રહી છે. NSEમાં વધેલા ૧૦૨૬ શૅર સામે ૨૫૧૨ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૩.૩૬ લાખ કરોડના વધુ ઘટાડામાં હવે ૪૫૮.૪૨ લાખ કરોડ રહ્યું છે. બન્ને બજારના તમામ સેક્ટોરલ ઘટ્યા છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ફ્લૅટ હતો. સેન્સેક્સ નિફ્ટીની અડધા ટકા જેવી નબળાઈ સામે FMCG દોઢ ટકો, કૅપિટલ ગુડ્સ ૧.૩ ટકા, IT એક ટકો, નિફ્ટી મીડિયા ૨.૪ ટકા ડૂલ થયા છે.

જિયો પ્લૅટફૉર્મના મહાકાય ઇશ્યુની ભારે સફળતાના ગુણગાન વચ્ચે ગઈ કાલે રિલાયન્સ સવાયા કામકાજે ૨.૬ ટકા ગગડી ૧૧૭૬ના બંધમાં સેન્સેક્સમાં ટૉપ લુઝર બની છે. એના લીધે બજારને ૧૭૫ પૉઇન્ટનો માર પડ્યો છે. નિફ્ટીમાં આ શૅર બે ટકા ઘટી ૧૧૮૪ ઉપર બંધ હતો. ત્યાં નેસ્લે ૨.૮ ટકા ઘટી ૧૧૯૦ના બંધમાં ટૉપ લુઝર હતી. ઇન્ડેક્સ બેઝ્ડ જાતોમાં તાતા મોટર્સ પૅસેન્જર ૨૬૮ની સાડાત્રણ વર્ષની બૉટમ બનાવી ૨.૭ ટકા ગગડી ૨૬૯, પાવર ગ્રિડ ૨૪૪ની પોણાત્રણ વર્ષની નીચી સપાટી નોંધાવી પોણાબે ટકા ઘટીને ૨૪૭, હિન્દુસ્તાન યુનિલીવર ૧૮૧૧ની સવાસાત વર્ષની નીચી સપાટીએ જઈ અડધો ટકો ઘટી ૧૮૩૫, મૅક્સ હેલ્થકૅર ૭૯૭નું ૨૯ માસનું તળિયું દેખાડી પોણો ટકો ઘટી ૮૧૩, મારુતિ સુઝુકી ૧૦,૯૮૪ (NSEમાં ૧૧,૧૭૦) તો NTPC ૨૯૭ની ૨૦ માસની બૉટમ બતાવી સાધારણ ઘટાડે ૩૦૨ નજીક બંધ રહી છે.

બજાજ ફાઇનૅન્સ પોણાબે ટકા જેવા સુધારામાં બન્ને બજારમાં ઝળકી છે. સિપ્લા ૧.૩ ટકા, ICICI બૅન્ક પોણો ટકો, સ્ટેટ બૅન્ક અડધો ટકો, અલ્ટ્રાટેક દોઢ ટકો, સનફાર્મા અડધો ટકો અપ હતી. HDFC બૅન્ક નવા વર્સ્ટ લેવલની તૈયારીમાં હોય એમ ૧.૯ ટકા ઘટી ૬૯૩ થઈ છે. ટ્રેન્ટ દોઢ ટકો, એશિયન પેઇન્ટ્સ ૧.૪ ટકા, HDFC લાઇફ ૨.૧ ટકા, ITC ૧.૩ ટકા, TCS એક ટકા, મહિન્દ્ર એક ટકા, ભારત ઇલેક્ટ્રિક ડાઉન હતી. પરિણામની પૂર્વસંધ્યાએ ઇન્ફોસિસ ૧.૪ ટકા ઘટી ૧૧૫૧ રહી છે. તાતા ટેલી સર્વિસિસની આવક સવાઆઠ ટકા વધી ૩૦૯ કરોડ થઈ છે. નેટ લૉસ ૩૨૧ કરોડથી ઘટી ૫૯ કરોડે આવી ગઈ છે. શૅર ૩૨ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે જઈ ૧૯.૨ ટકા ઊછળી ૩૮.૨૫ બંધ થયો છે. ક્રિસિલ પરિણામની પૂર્વસંધ્યાએ ઉપર ૪૮૨૨ થઈ સાડાચાર ટકા કે ૨૦૪ની તેજીમાં ૪૭૮૮ બંધ થઈ છે.

કોર ફૉર એન્જિનિયર્સ ૯૩ના ભાવે આજે SME IPO લાવશે 

આજે, શુક્રવારે એ ભરણાં બંધ થવાનાં છે. એક SME IPO નવો ખૂલવાનો છે. મૈસૂરની કોર ફૉર એન્જિનિયર્સ ૧૦ના શૅરદીઠ ૯૩ની અપરબેન્ડમાં કુલ ૫૫ કરોડનો BSE SME ઇશ્યુ આજે લાવશે. ઇશ્યુમાં માર્કેટમેકર્સ માટે ૭ કરોડના શૅર અનામત છે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૧૪માં સ્થપાયેલી આ કંપની રેલવે, પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, વૉટર સપ્લાય તથા વેસ્ટ વૉટર ટ્રીટમેન્ટ જેવા સેક્ટર્સને આવરી લેતી એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન તેમ જ કમિશનિંગ (EPCC)ને લગતી સેવા પૂરી પાડે છે. ગત વર્ષે ૧૬૫ ટકા વધારામાં ૯૧૭૯ લાખની આવક ઉપર ૨૨૫ ટકા વૃદ્ધિદરથી ૧૨૩૭ લાખ નેટ નફો બતાવ્યા પછી કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં ૪૫૭૭ લાખની આવક તથા ૬૧૭ લાખ નફો દર્શાવ્યો છે. દેવું વધતું રહી ૪૦૫૭ લાખ થઈ ગયું છે.

ઇશ્યુમાંથી ૪૦૪૮ લાખ વર્કિંગ કૅપિટલમાં તો ૪૧૨ લાખ નવી કૉર્પોરેટ ઑફિસ બનાવવા ખર્ચાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ બોલાતું નથી. 
દરમ્યાન જિયો પ્લૅટફૉર્મનો ૧૦ના શૅરદીઠ ૧૧૧૯ના ભાવનો ૩૦,૨૧૩ કરોડનો મેગા ઇશ્યુ બીજા દિવસના અંતે રીટેલમાં દોઢ ગણા, HNIમાં ૫.૫ ગણા સહિત કુલ ૫.૨ ગણો ભરાઈ ચૂક્યો છે. QIB પોર્શન પણ છલકાયો છે. ઇશ્યુ ખૂલવાના આગલા દિવસે ૨૭૩ના બેસ્ટ લેવલે ગયેલું પ્રીમિયમ ઘટાડાની ચાલમાં હાલ ૨૪૪ થયું છે. ગુરુગ્રામની પારસ હેલ્થકૅરનો એકના શૅરદીઠ ૬૯૩ના ભાવનો ૧૪૫૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે રીટેલમાં ૧.૪ ગણા સહિત કુલ ૩૬ ટકા ભરાયો છે. ગ્રેમાર્કેટમાં ઉપરમાં એક તબક્કે ૯૬ થયેલું પ્રીમિયમ ગગડતું રહી અત્યારે ૧૩ થઈ ગયું છે. 

ફ્યુઝન સીએક્સમાં નામપૂરતો લિસ્ટિંગ ગેઇન મળ્યો 

ગઈ કાલે કલકત્તાની ફ્યુઝન સીએક્સ એકના શૅરદીઠ ૨૮૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૫૫થી શરૂ થઈ નીચે ૧૦ થયા બાદ છેલ્લે બોલાતા ૧૪ના પ્રીમિયમ સામે ૨૯૨ ખૂલી ૨૯૦ નીચે બંધ થતાં ૦.૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૭૦૨ કરોડનો આ IPO રીટેલમાં ૬ ગણા સહિત કુલ ૪.૭ ગણો ભરાયો હતો. થાણેના બેલાપુર CBDની રાવિતા એન્જિનિયરિંગ પાંચના શૅરદીઠ ૧૧૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૨થી શરૂ થઈ છેલ્લે એક રૂપિયે આવી ગયેલા પ્રીમિયમ સામે NSEમાં ભાવોભાવ ૧૧૨ ખૂલી ૧૧૪ નજીક બંધ આવતાં દોઢ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આજે, શુક્રવારે મેઇન બોર્ડમાં સહજાનંદ મેડિકલ, ટેન્બો ઇમેઝિંગ, ઝેટવર્ક મૅન્યુફૅક્ચરિંગ તથા બોનફિગ્લીયોલી ટ્રાન્સમિશન અને SME કંપની શેલ્ઝ ઇન્ડિયાનું લિસ્ટિંગ થવાનું છે. હાલ ગ્રેમાર્કેટ ખાતે સહજાનંદમાં ૧૫નું, ટોન્બોમાં ૪૩૮નું, ઝેટવર્કમાં ઝીરોનું, બોનફિગ્લીયોલીમાં ૭૭નું અને શેલ્ઝમાં પાંચનું પ્રીમિયમ ચાલે છે. 

દરમ્યાન ૧૩.૪ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૩૦૭ બંધ થયેલી એચ.ડી. ફાયર પ્રોટેક્ટ ગઈ કાલે ૨૭૬નું વર્સ્ટ લેવલ બતાવી ૯.૯ ટકા ગગડીને ૨૭૭ બંધ આવી છે. વૈભવ વ્યાપાર જે બે ટકા જેવી લિસ્ટિંગ લૉસમાં ૫૩ નીચે બંધ થઈ હતી એ ગઈ કાલે ઉપરમાં ૫૪ થઈ અડધો ટકો સુધરી ૫૩ હતી. ઇન્દોરની પેશ્વા વ્હીટ ૧૦ના શૅરદીઠ ૧૦૧ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧ ઑક્ટોબરે લિસ્ટિંગમાં ૯૫ બંધ રહ્યા પછી ગગડતી રહી ગઈ કાલે ૩૭ની ઑલટાઇમ બૉટમ બનાવી ૯.૯ ટકા તૂટી ૩૭ ઉપર બંધ થઈ છે. ૫૪ કરોડનો આ ઇશ્યુ QIBમાં ૧૭૭ ગણો, રીટેલમાં પોણાબે ગણો, HNIમાં ૩૫ ટકા સહિત કુલ પોણાત્રણ ગણો ભરાયો હતો.

પરિણામ પ્રોત્સાહક છતાં KEI ઇન્ડસ્ટ્રીઝ ૩૬૦ રૂપિયા ડૂલ 

રાજસ્થાનના ભિવાડી ખાતેની ટાઇટન બાયો. ટેક ૪ શૅરદીઠ એક બોનસમાં આજે બોનસ બાદ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૪૧ નજીક જઈ છેવટે નજીવી ઘટી ૪૧૯ બંધ રહ્યો છે. અગાઉ એક્ઝોનોબલ ઇન્ડિયા તરીકે ઓળખાતી JSW ડ્યુલક્સ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે નીચામાં ૨૮૫ બતાવી દોઢ ટકો વધી ૩૦૩ થઈ છે. અગાઉ ઇન્ડિયન બ્રાઇટ સ્ટીલ કંપની તરીકે જાણીતી મુંબઈની આઝાદ ઇન્ડિયા મોબિલિટી ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ-સ્પ્લિટ થવાની છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૮૩ વટાવી એક ટકો ઘટી ૮૨ રહ્યા છે.

ઝોમૅટો ફેમ એટર્નલ લિમિટેડે ૭૭.૬ ટકાના વધારામાં ૨૪,૧૩૮ કરોડની આવક ઉપર ૯૨ ટકા વૃદ્ધિદર સાથે ૧૨૫ કરોડ નેટ નફો કર્યો છે. શૅર પાંચ ગણા વૉલ્યુમે ૩૧૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ નીચામાં ૩૦૩ થઈ સવાબે ટકા ઘટી ૩૦૫ બંધ રહ્યો છે. હરીફ સ્વિગી લિમિટેડ રિઝલ્ટ પૂર્વે ૨૦૭ના ઑલટાઇમ તળિયે જઈ પાંચ ટકા તૂટી ૨૧૧ રહી છે. શૅર વર્ષ પૂર્વે, ૩૧ ઑક્ટોબરે ૪૩૪ના બેસ્ટ લેવલે હતો. ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટની ત્રિમાસિક આવક ૩૧ ટકા વધી ૩૯૮ કરોડ તથા નફો ૪૩ ટકા વધી ૧૮૫ કરોડ આવતાં શૅર ૪ ગણા કામકાજે ૧૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૫૨ વટાવી ત્યાં જ બંધ થયો છે.

 કેબલ કંપની KEI ઇન્ડસ્ટ્રીઝે ૩૮ ટકા વધારામાં ૩૭૭૬ કરોડ આવક ઉપર ૨૯ ટકા વધારામાં ૨૬૨ કરોડ નેટ નફો મેળવ્યો છે. માર્જિન એક ટકો વધી ૧૦ ટકા થયું છે છતાં શૅર ૧૦ ગણા કામકાજે ૩૭૫૦ની અંદર જઈ ૮.૫ ટકા કે ૩૬૦ રૂપિયા ખરડાઈ ૩૮૮૦ થયો છે. ફિનોલેક્સ કેબલ્સ ૫.૩ ટકા ગગડી ૧૧૩૯ તો આરઆર કેબલ અઢી ટકા ઘટીને ૨૨૭૧ બંધ હતો.

ડિજિટલ સર્ટિફિકેશનમાં ગરબડ પાછળ ઈ-મુદ્રા વધુ ૨૦ ટકા લથડી 

ડિજિટલ સર્ટિફિકેશન ઇકો સિસ્ટમ્સ ક્ષેત્રે પ્રવૃત્ત ઈ-મુદ્રાની કામગીરીમાં બેદરકારી તથા ગરબડ ગોટાળા બહાર આવતાં શૅર બૅક-ટુ-બૅક ૨૦ ટકાના કડાકામાં ૩૪૫ની ૪૧ માસની બૉટમ બનાવી ત્યાં જ બંધ થયો છે. પીસી જ્વેલર્સની આવક ૨૮ ટકા વધી ૧૦૫૪ કરોડ તથા ચોખ્ખો નફો ૫૮ ટકા વધી ૩૩૧ કરોડ નજીક ગયો છે. કંપની ડેટફ્રી થઈ છે. ભાવ ગઈ કાલે ૨૦.૧૭ની સાડાઆઠ વર્ષ કરતાં વધુની ઊંચી સપાટી બનાવી ૨.૩ ટકા ઘટી ૧૮ બંધ આવ્યો છે. મોટા ભાગના જ્વેલરી શૅર ગઈ કાલે પણ ઝંખવાયા છે. SMR જ્વેલ્સ ૧૦ ટકા, સ્વર્ણ સરિતા ૧૦ ટકા, સિમંધર ઇમ્પેક્સ ૭.૮ ટકા, મોતીસન્સ જ્વેલર્સ સાડાચાર ટકા, રાધિકા જ્વેલસ પાંચ ટકા, ઉદય જ્વેલરી ૪.૭ ટકા, રાજેશ એક્સપોર્ટ્સ પાંચ ટકા, મનોજ વૈભવ જેમ્સ ૪.૪ ટકા, RBZ જ્વેલર્સ પાંચ ટકા, TBZ અઢી ટકા, ડીપી આભૂષણ ૩.૩ ટકા, થંગમયિલ જ્વેલરી બે ટકા, કલ્યાણ જ્વેલર્સ ૪.૮ ટકા, સેન્કો ગોલ્ડ ૪.૩ ટકા, ટાઇટન અડધો ટકો, દીપ જ્વેલર્સ ૩ ટકા, પ્રાયોરિટી જ્વેલ્સ દોઢ ટકા ડાઉન હતી. 

અદાણી ગ્રીનનો નફો ૧૬ ટકા વધીને ૭૪૭ કરોડ આવ્યો છે, પરંતુ જૂન ક્વૉર્ટરના મુકાબલે નફો ૨૪ ટકા ઘટ્યો છે. સરવાળે શૅર સતત પાંચમા દિવસની નરમાઈમાં નીચામાં ૧૨૧૧ થઈ અંતે પોણો ટકો ઘટી ૧૨૪૮ થયો છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ બે ટકા ઘટીને ૨૫૪૨, અદાણી પોર્ટ્સ ૦.૪ ટકા વધી ૧૭૫૬, અદાણી પાવર ૧.૧ ટકા ઘટી ૧૮૫, અદાણી એનર્જી અઢી ટકા ૧૨૯૩, અદાણી ટોટલ એક ટકો ઘટી ૫૫૩, NDTV ૨.૨ ટકા ઘટી ૬૧, સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ૩ ટકા બગડી ૧૧૩૨ બંધ હતી. ACC બે ટકા પ્લસ તથા અંબુજા સિમેન્ટ્સ પોણો ટકો નરમ હતી.

ઇન્ડિયન હોટેલ્સ પરિણામ પાછળ દોઢ વર્ષની ઊંચી સપાટીએ

ચેન્નઈ પેટ્રોલિયમે જૂન ક્વૉર્ટરના મુકાબલે બમણાથી વધુ, ૨૨૭૧ કરોડનો ત્રિમાસિક નફો હાંસલ કરી શૅરદીઠ પચીસનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. એની રેકૉર્ડ ડેટ ૩૦ ઑક્ટોબર રખાઈ છે. શૅર ગઈ કાલે અઢી ગણા કામકાજે ઉપર ૧૪૮૧ થઈ પોણો ટકો વધી ૧૪૫૦ રહ્યા છે. ઇન્ટ્રા-ડેમાં ભાવ નીચામાં ૧૩૭૮ થયો હતો. જેકે બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પાંચ ટકા વધી ૧૫૦૨ કરોડ તથા નફો સાડાદસ ટકા વધી ૫૪૬ કરોડ આવ્યો છે. શૅર ૧૪૨ થયા બાદ ૦.૯ ટકા ઘટી ૧૩૪ થયો છે. હૅવેલ્સ ઇન્ડિયાની આવક ૩૪.૬ ટકા વધીને ૬૪૧૭ કરોડ થઈ છે. નફો માત્ર ૧૧.૪ ટકા વધી ૩૫૩ કરોડ નોંધાયો છે. માર્જિન ઘટ્યું છે. શૅર જોકે ઉપરમાં ૧૧૯૦ બતાવી અડધો ટકો સુધરી ૧૦૭૫ થયો છે. 

ઇન્ડો સોલર લિમિટેડની આવક ૨૩ ટકા ઘટી ૧૫૫ કરોડ થતાં નફો ૮૯ ટકા ધોવાઈ પાંચ કરોડે આવી ગયો છે. શૅર બે ટકા ઘટી ૨૦૦ નીચે ગયો છે. મહિન્દ્ર ફાઇનૅન્સની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ સાડાબાર ટકા વધી ૨૫૬૩ કરોડ થઈ છે. નફો ૬૧ ટકા ઊછળી ૯૦૯ કરોડ નોંધાયો છે, પરંતુ શૅર ૨૬૮ની ૧૪ માસની બૉટમ બનાવી ત્રણેક ટકા ગગડી ૨૮૯ હતો. ઇન્ડિયન હોટેલ્સની આવક ૨૧.૭ ટકા વધી ૨૪૮૪ કરોડ તથા નફો ૨૨.૬ ટકા વધી ૩૫૦ કરોડ આવતાં ભાવ સવાપાંચ ગણા કામકાજે ૭૯૫ની દોઢ વર્ષની ટોચે જઈ ૪.૨ ટકા ઊંચકાઈ ૭૮૩ વટાવી ગયો છે. વેલસ્પન લીવિંગની આવક ૨૩.૭ ટકા વધીને ૨૪૦ કરોડ થઈ છે પણ કંપની ૫૨૦ લાખના નફામાંથી ૪૫૦ લાખની ચોખ્ખી ખોટમાં આવી છે. શૅર જોકે એક ટકો સુધરી ૨૧૪ હતો. નબળા પરિણામનો વસવસો જાળવી રાખતાં SML મહિન્દ્રા બૅક-ટુ-બૅક ૧૦ ટકાની નીચલી સર્કિટ મારી ૫૫૧ના કડાકામાં ૪૯૬૩ બંધ આવી છે.

share market stock market finance news nifty bombay stock exchange national stock exchange sensex business news reliance