આ ચાર દિવસની ચાલ બનશે બજારની ભાવિ દિશાનો આધાર

20 May, 2019 11:59 AM IST  |  મુંબઈ | શૅરબજારની સાદીવાત - જયેશ ચિતલિયા

આ ચાર દિવસની ચાલ બનશે બજારની ભાવિ દિશાનો આધાર

શૅર બજાર

ગ્લોબલ ટેન્શન વચ્ચે અને એક્ઝિટ પોલના આગલા બે દિવસમાં માર્કેટે મૂડ બદલી નાખ્યો, જોકે અસલી મિજાજનો સંકેત આ સપ્તાહથી મળવાનો શરૂ થશે. ત્રણ સમીકરણ ચર્ચામાં છે. મોદી સરકારની બહુમતીમાં ઉછાળો, ઊલટી સ્થિતિમાં કડાકો અને ત્રીજી સ્થિતિમાં કન્ફયુઝન. જોકે જે હશે તે શૉર્ટ ટર્મ હશે, જેમાં ટ્રેડર્સ વધઘટના જોખમ સાથે રમી શકે, ઇન્વેસ્ટરોએ લૉન્ગ ટર્મ અભિગમ રાખવામાં જ સાર.

છેલ્લા દોઢ સપ્તાહથી સતત વૉલેટિલિટી સાથે ઘટી રહેલા બજારે એક્ઝિટ પોલ નજીક આવતાંની સાથે જ કૂદકા મારવાનું શરૂ કરી દીધું. ગયા સપ્તાહના ગુરુવાર અને શુક્રવારનો ઉછાળો તેનો પુરાવો હતો. મોદી સરકારના આશાવાદે બજારે મોટા જમ્પ માર્યા હતા. હવે આ સપ્તાહમાં પરિણામ આવી જવાનાં છે, જેથી આજથી જ માર્કેટ તેના સંકેતો આપવાનું શરૂ કરી દેશે. વધતું રહ્યું તો પરિણામ બાદ પ્રૉફિટ-બુકિંગ નક્કી. ઘટતું રહ્યું તો પરિણામ કેવું આવે છે એ જોઈને લેવાલી કે વેચવાલીનો ટ્રેન્ડ નક્કી થશે. માર્કેટને સ્થિર સરકારની આશા છે. આ આશા ફળી તો લાંબા ગાળાની તેજીનો તખ્તો સ્થપાઈ જશે. આ સમયમાં બહુ જોખમ લેવા ન માગતા હોય એવા ઇન્વેસ્ટરો માટે એસઆઇપી, એસટીપી અને ઇન્ડેક્સ ફંડ યા ઈટીએફ જેવાં સાધન બેસ્ટ રહેશે. માર્કેટ સામે પરિણામ બાદનું બીજું મોટું જોખમ ગ્લોબલ અનિશ્રિતતાનું ઊભું છે. અલબત્ત, ચોમાસાનું પરિબળ પણ અસર કરશે.

ટ્રિપલ સેન્ચુરીના કડાકા પૂરા

આગલા આખા સપ્તાહ દરમ્યાન સતત ઘટાડા બાદ ગયા સોમવારે પણ બજારે નેગેટિવ ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો. આમ તો શરૂઆત મંદ સ્વરૂપે થઈ અને સાધારણ વધઘટ ચાલતી રહી. એ પછી છેલ્લા કલાકમાં ટ્રિપલ સેન્ચુરીથી પણ વધુનો કડાકો આવ્યો હતો. સેન્સેક્સ ૩૭૨ પૉઇન્ટ અને નિફટી ૧૩૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. બજારના ઘટાડાનો આ સતત નવમો દિવસ હતો. ગ્લોબલ ટ્રેડવૉર અને ઇલેક્શન ટેન્શનની અસરે બને ચાલુ રહ્યા હતા. આ નવ દિવસમાં માર્કેટ કૅપમાં ૮.૫ લાખ કરોડ રૂપિયાનું ગાબડું પડ્યું હતું. અર્થાત્ રોકાણકારોની આટલી જંગી મૂડીનું ધોવાણ થયું હતું. મંગળવારે બજારે શરૂઆત તો ઢીલી જ કરી હતી, પણ છેલ્લા એકાદ કલાકમાં આ વખતે બજારે પૉઝિટિવ ટર્ન લીધો હતો, જેને લીધે નવ દિવસના સતત ઘટાડા બાદ સેન્સેક્સ ૨૨૭ પૉઇન્ટ અને નિફટી ૭૩ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. બજારમાં મોદી સરકારની વાપસીની આશાની હવાએ જોર પકડ્યું હતું, જોકે વિખ્યાત અર્થતંત્ર નિષ્ણાત સ્વામીનાથન અંકલેશ્વરિયાએ મંગળવારે સંપૂર્ણ બહુમતીવાળી મોદી સરકારની શક્યતાને બદલે મિશ્ર સરકારની આગાહી કરી હતી, જ્યારે કે બજાર રિકવર થવાનું એક કારણ ઘટેલા ભાવે ખરીદી વધવાનું પણ હતું. સોમવારે ઘટેલા રીટેલ ફુગાવાની જાહેરાત બાદ મંગળવારે હોલસેલ ફુગાવાનો દર પણ માર્ચની તુલનાએ નીચે આવ્યો હતો, જે સારી નિશાની ગણાય.

માર્કેટનો મૂડ બદલાયો

બુધવારે શરૂમાં સુધારો આગળ વધતો જોવાયો અને સેન્સેક્સ ૨૦૦ પૉઇન્ટ જેટલો પ્લસ પણ થઈ ગયો હતો, જે છેલ્લા એકાદ કલાકમાં વળાંક લઈને માર્કેટ ૨૦૩ પૉઇન્ટ સેન્સેક્સમાં અને ૬૫ પૉઇન્ટ નિફટીમાં ડાઉન થઈ ગયુ હતું. આ દિવસોના ઘટાડા માટે ફૉરેન ઇન્વેસ્ટરોની સતત વેચવાલી પણ કારણભૂત બની હતી. ગુરુવારે બજારમાં ઇલેક્શનની અને ટ્રેડવૉરની વૉલેટિલિટી ચાલુ રહી હતી, જેમાં બજારે ફરી વળાંક લીધો હતો, પરિણામે શરૂમાં વધુ ૨૦૦ પૉઇન્ટ માઇનસ થઈ બજાર છેલ્લા કલાકમાં એકદમથી પૉઝિટિવ બની જતાં સેન્સેક્સ ૨૭૮ પૉઇન્ટ અને નિફટી ૧૦૦ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. શુક્રવારે બજારે અત્યંત આશ્રર્યજનક વળાંક લીધો હતો, જેમાં છેલ્લા સંખ્યાબંધ દિવસોના ઘટાડા પર પાણી ફેરવી નાખ્યું હતું. નવા જુસ્સા સાથે સેન્સેક્સ સડસડાટ વધતો જઈ ૫૩૭ પૉઇન્ટ પ્લસ અને નિફટી ૧૫૦ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. આમ ગુરુવાર અને શુક્રવારે બજારે મૂડ જ સાવ બદલી નાખ્યો હતો. ઉદાસીનતા ઉત્સાહમાં ફેરવાઈ ગઈ હતી. આ સોમવારથી - આજથી બજારમાં નવાં સમીકરણો ચાલશે. એક્ઝિટ પોલ બજારની ચાલ નક્કી કરશે. અત્યારે તો મોદી નામનો આશાવાદ ફરી સક્રિય થઈ ગયો હોવાનું જોવા મળે છે.

યુએસ-ચીન ટ્રેડવૉર નૉટ ઓવર

યુએસ-ચીન વચ્ચેનું વેપારયુદ્ધ ઉગ્ર બનતું જાય છે, જેને લીધે વિશ્વનાં અન્ય માર્કેટ સહિત ભારતીય માર્કેટ પણ તૂટી રહ્યું હતું, આમાં વળી ઇલેક્શન રિઝલ્ટનું જોરદાર પરિબળ ભળવાનો સમય સાવ જ નજીક આવી ગયો છે. આ ચૂંટણીપરિણામ પૉઝિટિવ પણ આવ્યું તોય ગ્લોબલ અસરથી તે સાવ વંચિત રહી શકશે નહીં, પરંતુ આ સંજોગોમાં ભારતીય માર્કેટ જે પ્રમાણે ઘટ્યુબં હતું તેને ધ્યાનમાં લેતાં લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીની તક ઊભી થઈ એવું માનવામાં અતિશયોકિત નથી. હકીકતમાં માર્કેટમાં કરેક્શનનો સમય પાકી જ ગયો હતો, તેને નક્કર કારણો મળી ગયાં એ જુદી વાત છે. યુએસ-ચીન વેપારયુદ્ધની એક નેગેટિવ અસર રૂપિયા પર પણ થવાની શક્યતા ઊભી છે. જોકે યુએસ-ચીન વેપારયુદ્ધની ચિંતા ટળી ગઈ નથી એ યાદ રાખવાનું રહેશે.

ચૂંટણીનો ઇતિહાસ શું કહે છે?

ઇતિહાસ કહે છે કે શૅરબજારને ચૂંટણી સાથે બહુ લગાવ કે લાગણી હોતી નથી. એ ભલે ચૂંટણીના દિવસોમાં વધઘટ કર્યા કરે, પણ એની આ સ્થિતિ લાંબી ચાલતી નથી. સરકાર કોઈની પણ આવે, તે લાંબા સમય સુધી એક સ્થિતિમાં રહેતું નથી. ૨૦૦૪માં જ્યારે ભાજપની સરકાર સત્તા પર આવી નહીં ત્યારે શરૂમાં માર્કેટ ઘટ્યુબં, પરંતુ એ પછીના સમયમાં માર્કેટે અદ્ભુત સારી કામગીરી બજાવી અને ૨૫ વરસનું બેસ્ટ વળતર આપ્યું હતું. યસ, ૫૫ ટકા રિટર્ન આપ્યું હતું. ૨૦૦૯માં કૉંગ્રેસ સત્તા પર આવી ત્યારે પણ ટૂંકા ગાળામાં થોડી ધમાલ હતી. ઇન શૉર્ટ, ચૂંટણી કે તેનાં પરિણામ અને સરકારમાં પરિવર્તન જેવી બાબતોને બજાર લાંબો સમય તેના માઇન્ડ પર લેતું નથી. બલકે, ઇકૉનૉમી અને કૉર્પોરેટ અર્નિંગ્સ-કામગીરી અને તેનાં ફંડામેન્ટલ્સને વધુ ધ્યાનમાં રાખી તેની ચાલ યા દિશા બનાવે છે.

ફૉરેન ઇન્વેસ્ટરોનો ટ્રેન્ડ

એક અભ્યાસ મુજબ ફૉરેન ઇન્વેસ્ટરોએ ભારતીય ઇãકવટીમાં એક્સપોઝર વધારવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. જયારથી મોદી સરકાર પુન: સત્તા પર આવશે એવા સંકેત વહેતા થયા અને એવો માહોલ દેખાતો થયો ત્યારથી આ સ્થિતિ જોવાઈ રહી છે. ફૉરેન ર્પોટફોલિયો ઇન્વેસ્ટર્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સનો માર્કેટમાં રસ વધી રહ્યો છે. ફૉરેન ઇન્વેસ્ટરો લાર્જ કૅપ સ્ટૉક્સ પર અને મ્યુચ્યુઅલ ફંડ્સ મિડ-કૅપ સ્ટૉક્સ પર વધુ ધ્યાન આપી રહ્યાં છે. જોકે છેલ્લા અમુક દિવસોમાં તેમની વેચવાલી પણ જોરથી આવી અને તેઓ મે મહિનામાં સાવચેતી વધારતા થઈ ગયાં હતાં. જોકે તેમની દૃષ્ટિએ આગામી દિવસોમાં બજાર તૂટવાની સંભાવના પણ ઊભી છે. ખાસ કરીને ગ્લોબલ ટ્રેડવૉરને કારણે. યુએસએ અને ચીન આ બે મહાસત્તાઓના વેપારયુદ્ધમાં વૈશ્વિક બજારો પર અસર થયા વિના રહેશે નહીં એ હકીકતને ધ્યાનમાં રાખી સંખ્યાબંધ ફંડ મૅનેજર્સ દ્વારા સંભવિત કડાકા સામે અત્યારથી પ્રોટેક્શનની નીતિ ઘડી લીધી છે. આ સંભાવના આગામી ત્રણ મહિના માટે છે, પણ હવે પછી તેમનો ખરો ટ્રેન્ડ લાંબા ગાળા માટે જોવાશે.

બજારની નજર ૨૩ મે પર

વર્તમાન સમયમાં ચિંતાની કોઈ મુખ્ય બાબત હોય તો એ છે કે મુખ્ય અર્થતંત્ર બહુ સારી સ્થિતિમાં નથી. જ્યાં સુધી આ દશા હોય ત્યાં સુધી માર્કેટની દિશા બનવી કઠિન છે. અલબત્ત, સરકાર મોદીની જ પાછી આવી તો આશા એ રહેશે કે આર્થિક સુધારાની ગતિ અને સ્થિતિ વેગવાન રહી શકશે. વાસ્તવમાં આશાવાદ મોદી સરકારની વાપસીના આધારે ઊભો છે, જો રખેને આમાં કંઈ ઊંધું યા અવળું થયું તો માર્કેટને તૂટતા સમય નહીં લાગે. વધુપડતી અપેક્ષા માર્કેટને નિરાશ પણ વેગથી કરશે. આમ તો બધાની નજર ૨૩ મે પર ગોઠવાઈ ગઈ છે.

સ્ટૉક સ્પેસિફિક

સરકાર રેલવે ખાતાના સાહસ રાઇટ્સની ઑફર ફૉર સેલ લાવીને ૭૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનું આયોજન કરે છે.

એચડીએફસી સિક્યૉરિટીઝના અહેવાલ મુજબ ભાજપ સરકાર પુન: સત્તા પર આવશે તો સ્મૉલ અને મિડ-કૅપ શૅરો વધુ પ્રમાણમાં ચાલશે.

યસ બૅન્કમાં કંઈક રંધાઈ રહ્યું હોવાનું ચર્ચાય છે. રિઝવર્‍ બૅન્કની તેના પર નજર છે. રોકાણકારોએ સમજીને રોકાણ કરવું.

જેટ ઍરવેઝનાં હજી કોઈ ઠેકાણાં પડ્યાં નથી.

બજાજ ગ્રુપની કંપનીઓની સારી કામગીરીએ થોડી આશા વધારી છે.

આ પણ વાંચો : શૅરબજારમાં સ્પ્રિંગ જેવો ઉછાળો: રૂપિયામાં મિશ્ર વલણ : મક્કમ ડૉલર

ખાનગી ક્ષેત્રની ચોક્કસ બૅન્કોમાં આકર્ષણ વધ્યું છે.

સ્મૉલ અને મિડ-કૅપ સ્ટૉક્સમાં ૨૦૧૮ અને ૨૦૧૯નો અત્યાર સુધીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેથી પરિણામ બાદ માર્કેટ ચાલ્યું તો સુધારો શરૂ, અન્યથા ઘટાડો ચાલુ.

business news sensex bombay stock exchange national stock exchange