માર્કેટ ઇઝ પિન્કઃ દિવાળી પહેલાં બજાર તેજીના મૂડમાં...

21 October, 2019 09:29 AM IST  |  મુંબઈ | શેરબજારની સાદી વાત-જયેશ ચિતલિયા

માર્કેટ ઇઝ પિન્કઃ દિવાળી પહેલાં બજાર તેજીના મૂડમાં...

જાણો માર્કેટના હાલચાલ

ગયા સોમવારે માર્કેટે પૉઝિટિવ આરંભ કર્યો અને ત્યારબાદ વધઘટ કરતો સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટ સુધી ઉપર પણ જઈ આવ્યો હતો, જો કે પછીથી કરેક્શન શરૂ થતાં અંતમાં સેન્સેક્સ માત્ર ૮૭ પૉઇન્ટ પ્લસ અને નિફટી માત્ર ૩૬ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. આનું એક કારણ પ્રોફિટ બુકિંગ પણ હતું. ગ્લોબલ સ્તરે બ્રેક્ઝિટ સમસ્યાના નવેસરથી સંકેતની અને બીજિંગ (ચીન)ના ડેટા નબળાં જાહેર થવાની ચિંતા પણ બજાર પર હતી. ગયા સોમવારે એક મહત્ત્વની ઘટનાના ભાગરૂપે આઇઆરસીટીસી (ઈન્ડિયન રેલવે કેટરિંગ અૅન્ડ ટુરિઝમ કૉર્પોરેશન)ના આઇપીઓનું લિસ્ટિંગ ૧૩૯ ટકા ઊંચા ભાવે થયું હતું જે નોંધપાત્ર સફળતા ગણી શકાય. મંગળવારે બજારે ફરી વાર પૉઝિટિવ ટ્રેન્ડ સાથે ઉછાળો દર્શાવ્યો હતો. સેન્સેક્સ ૨૯૨ પૉઇન્ટ અને નિફ્ટી ૮૭ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. આમ મુખ્યત્ત્વે બૅન્ક અને એફએમસીજી સ્ટૉક્સને કારણે રિકવરીનો દોર સતત ત્રીજા દિવસે ચાલુ રહ્યો હતો. ૨૦૧૯માં ચીનનો વિકાસદર છેલ્લાં ૨૯ વરસના નીચા સ્તરે એવા ૬.૨ ટકાના દરે રહ્યો હતો, જે ૨૦૨૦માં પણ ઘટીને ૫.૯ ટકા અંદાજાયો હતો.
ફોરેન ઇન્વેસ્ટર્સની લેવાલી આવી
બુધવારે બજારે હળવી પૉઝિટિવ શરૂઆત કરી હતી. જો કે એ પછી સાધારણ વધઘટ સાથે બજાર અંતમાં પ્લસ બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૯૨ પૉઇન્ટ વધીને ૩૮,૫૯૮ અને નિફટી ૩૬ પૉઇન્ટ વધીને ૧૧,૪૬૪ બંધ રહ્યા હતા. મહત્ત્વની વાત એ હતી કે સળંગ ચોથા દિવસે બજાર પૉઝિટિવ રહ્યું હતું. એક તરફ બૅન્કો પ્રત્યેની ચિંતા વધતી જાય છે અને બીજી તરફ શૅરબજાર રિકવર થતું જાય એ થોડી નવાઈની વાત ચોક્કસ ગણાય, જો કે આ વખતે લાંબા સમય બાદ ફોરેન ઇન્વેસ્ટરોની લેવાલી કામ કરી ગઈ હતી. ગુરુવારે પણ બજારે સકારાત્મક શરૂઆત કર્યા બાદ સેન્સેક્સે ૪૫૩ પૉઇન્ટનો અને નિફટીએ ૧૨૨ પૉઇન્ટનો ઉછાળો દર્શાવ્યો હતો. શુક્રવારે બજારની રિકવરીનો છઠ્ઠો દિવસ હતો, શરૂઆત પૉઝિટિવ થયા બાદ સેન્સેક્સ સતત વધતો રહ્યો હતો, જે અંતમાં ૨૪૬ પૉઇન્ટ પ્લસ થઈ ૩૯,૩૦૦ આસપાસ અને નિફ્ટી ૭૫ પૉઇન્ટ પ્લસ થઈ ૧૧,૬૬૧ બંધ રહ્યા હતા. આમ સપ્તાહ દરમ્યાન માર્કેટ કેપમાં અગાઉના કરેક્શન સામે નોંધપાત્ર રિકવરી થઈ ગઈ હતી. પૉઝિટિવ કારણો ચાલુ રહેતા રિકવરીનો દોર ચાલુ રહ્યો હતો.
આ સપ્તાહમાં પ્રોફિટ બુકિંગ કે વધુ બાઈંગ?
આ સપ્તાહ દિવાળી પહેલાંનું સપ્તાહ છે, જેથી ક્યાંક નફો બુક થાય અને સિલેક્ટિવ નવી ખરીદી થવાની ધારણા મુકાય છે. અર્થતંત્રને રિકવર થતા સમય લાગશે એ વાતને બજારે સ્વીકારી લીધી છે, જ્યારે કે લાંબા ગાળે સુધારાની આશા હજી અકબંધ છે. નાણાપ્રધાને આર્થિક સુધારા સતત ચાલુ રહેવાનું કહ્યું છે. તહેવારોની મોસમ હોવાથી માગ અને વપરાશ વધવાની આશા છે. કંપનીઓનાં ક્વાર્ટલી પરિણામ પણ એકંદરે સારાં રહ્યાં છે. આગામી પરિણામ વધુ સુધરવાની આશા વધી રહી છે. ફોરેન ઇન્વેસ્ટરોની ખરીદીએ પણ બળ આપ્યું છે. બાકીનાં પરિબળો પણ બજારના સુધારા માટે કારણ બન્યા છે.
નાણાં ખાતા તરફથી લોન-મેળા
નાણાં ખાતાએ માગ અને વપરાશ વધારવા માટે લોન-મેળાનો આરંભ કરી દીધો હોવાથી માત્ર નવ જ દિવસમાં ૮૧ હજાર કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ છૂટું કરાયું હતું. જાહેર ક્ષેત્રની બૅન્કોએ નવા સાહસિકોને ૩૪ હજાર કરોડ રૂપિયાથી વધુ લોન આપી હતી. સરકારે કંપનીઓને મધ્યમ અને લઘુ એકમોના આશરે ૪૦,૦૦૦ કરોડ જેટલી રકમનાં બાકી લેણાં ભરપાઈ કરવાની સૂચના આપી હતી. જેને પગલે પ્રવાહિતા વધવાની અને આ નાના-મધ્યમ એકમોને રાહત થવાની આશા રખાઈ છે. પરિણામે માગ વધે અને વપરાશ વધે, જેથી કંપનીઓનું વેચાણ વધે. આમ એક રીતે જોઈએ તો લોન-મેળા મારફતે સરકારે લહાણી શરૂ કરી કહેવાય. જો કે આ ધિરાણ નિયમબધ્ધ અને પાત્રતાનાં ધોરણોનું પાલન કરીને અપાયા હોવાનો દાવો છે. સરકાર આ લોન-મેળા કાર્યક્રમનો બીજો દોર ૨૧ ઑકટોબરથી શરૂ કરવાની છે, જ્યારે બરાબર દિવાળીના દિવસોનો સમય હશે.
મૂડીધોવાણ કરનારી કંપનીઓ
આ એક જ વરસમાં જે કંપનીઓએ રોકાણકારોનાં નાણાંનું જબરદસ્ત ધોવાણ કર્યું છે તેમાં આશરે ડઝનેક કંપનીઓ ધ્યાન ખેંચે છે. આ કંપનીઓના કડવા અનુભવમાંથી રોકાણકારો હવે ઊંચા દેવાંબોજ હેઠળની કંપનીઓ અને મૅનેજમેન્ટ-ગવર્નન્સ સમસ્યા ધરાવતી કંપનીઓથી દૂર રહેવાનું પસંદ કરવા લાગ્યા છે. જેમાં આંશરે ૭૦થી ૯૦ ટકા મૂડીધોવાણ થયું છે એવી કંપનીઓમાં દિવાન હાઉસિંગ ફાઈનાન્સ, કોક્ષ ઍૅન્ડ કિંગ્સ, મેકલોડ રસેલ ઈન્ડિયા, અનિલ અંબાણી ગ્રુપની કેટલીક (આર.કોમ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર, રિલાયન્સ પાવર) કંપનીઓ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, જેટ એરવેઝ, કૉફી ડે, એટલાસ જ્વેલરી, મનપસંદ બિવરેજીસ, સિન્ટેકસ પ્લાસ્ટિક, અરવિંદ, યસ બૅન્ક, સિમ્પલેકસ ઈન્ફ્રાસ્ટ્રકચર, એવરેડી ઈન્ડ., જૈન ઈરિગેશન સિસ્ટમ, એસઆરઇઆઇ ઇન્ફ્રાસ્ટ્રકચર ફાઇ., શંકરા બિલ્ડિંગ, મોનેટ ઈસ્પાત, તેજસ નેટવર્ક, ઇન્ડિયાબુલ્સ વેન્ચર, વોડાફોન આઇડિયા, ઝી મીડિયા કૉર્પોરેશન વગેરેનો સમાવેશ થાય છે.
પ્રમોટર્સના ગિરવી મુકાતા શૅર્સ
કહેવાય છે કે કેટલાક પ્રમોટરો પોતાના શૅર બૅન્કો પાસે ગિરવી મૂકી નાણાં ઊભાં કરે છે અને પછી તે નાણાંનો ઉપયોગ શૅરના ભાવ ઊંચકાવવા કરે છે, આ ઉપરાંત પણ શૅર પ્લેજિંગ (ગિરવી મૂકવાના)ના નામે કેટલીક ગેરરીતિ પણ થતી હોવાનું ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે, જેનો પ્રમોટર્સ ગેરલાભ લેતા હોવાનો પણ આક્ષેપ વારંવાર થતો રહ્યો છે. હવે સેબી, આરબીઆઇ, ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ઑથોરિટીઝ અને પીએફઆરડીએ (પેન્શન રેગ્યુલેટરી ઑથોરિટીઝ) સંયુકત રીતે ઉપાય કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ વિષયમાં એક નિયમન માળખું વિચારાઈ રહ્યું છે. કંપનીઓ ઘણીવાર આનું કૉમ્પ્લેકસ માળખું રચીને ગેરલાભ લેતા હોય છે. જેની સંબંધિત શૅરોના ભાવ પર અસર થતી હોવાથી સેબી આ મામલે વધુ પગલાં ભરવા વિચારે છે.
એ ગ્રુપના સ્ટૉક્સ પર મહત્તમ ધ્યાન
તાજેતરના એક આંચકાજનક અહેવાલ મુજબ ઈન્વેસ્ટરો એ ગ્રુપ સિવાયની કંપનીઓના શૅરમાંથી પોતાનો રસ ઓછો કરી રહ્યા છે. ચોંકાવનારા આંકડા કહે છે, હાલ બજારના માર્કેટ કેપિટલાઇઝેશનનો ૯૩ ટકા હિસ્સો એ ગ્રુપ ધરાવે છે, જ્યારે કે બી ગ્રુપનો હિસ્સો માંડ પાંચ ટકા રહ્યો છે અને અન્ય કેટેગરીઝમાં તો એક ટકા કરતાં પણ ઓછો સ્ટૉક છે. આનો સ્પષ્ટ અર્થ એ થાય કે બજારમાં એ ગ્રુપના સ્ટૉક્સનું વર્ચસ્વ સતત વધતું જાય છે. વીસ વરસ પહેલાં આ હિસ્સો ૭૪ ટકા હતો તે હવે વધીને ૯૩ ટકા પહોંચી ગયો છે. જેમાં સતત સોદા પડતા હોય, પ્રવાહિતા મહત્તમ હોય એવા માત્ર ૪૭૯ જેટલા સ્ટૉક્સ છે. આમ રોકાણનું ફોકસ મહત્તમ મર્યાદિત સ્ટૉક્સમાં આવી ગયું છે. બાકીના ભાવિ હાલ તો અમુક અંશે અધ્ધર ગણાય. રોકાણકારો આ સત્યનો સંકેત જલદી સમજી લે એ તેમના હિતમાં છે.
સમજવા જેવી વાત
રાતોરાત લખપતિ બની જવાની ઈચ્છા સાથે શૅરબજારમાં સોદા કરશો તો રાતોરાત લાખો રૂપિયા ગુમાવવાની તૈયારી પણ રાખવી પડશે.

નાની-મોટી જાણવા જેવી વાત
વિશ્વ બૅન્કે પણ ભારતના જીડીપી દરનો અંદાજ અગાઉના ૭.૫ ટકાની સામે ઘટાડીને હવે ૬ ટકા કર્યો છે.

બૅન્કોમાં થતાં કૌભાંડ કેમ રિઝર્વ બૅન્કને બહુ મોડેથી ખબર પડે છે એવા સવાલ રિઝર્વ બૅન્ક સામે ઊભા થયા છે.

રિઝર્વ બૅન્ક નોન-બૅન્કિંગ ફાઇનેન્સ કંપનીઝની પ્રવાહિતા અને બેડ લોન્સ બાબતે સમીક્ષા કરી રહી છે.

સેબી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ માટેની માર્ગરેખામાં સુધારા કરવા ધારે છે, જેમાં ખાસ કરીને પી-નોટ્સ (પાર્ટિસિપેટરી નોટ્સ) સંબંધમાં જે ખામી હજી છે તેને દૂર કરવાનું પણ લક્ષ્ય છે.

મ્યુચ્યુઅલ ફંડસ ખાનગી ક્ષેત્રની બૅન્ક માટે હજી બુલિશ છે, જેથી તેમણે પોતાનો હિસ્સો આ બૅન્કોમાં વધાર્યો છે.

એચડીઆઇએલના પ્રમોટર વાધવાન ગ્રુપે પીએમસી બૅન્કના દેવાંને ચૂકવવા માટે પોતાની એસેટસ વેચવા રિઝર્વ બૅન્કને પત્ર લખ્યો છે. આ કંપનીને કારણે જ બૅન્ક ક્રાઈસિસમાં આવી હોવાનો આક્ષેપ છે.

સરકારે ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનના ખાનગીકરણને લીલી ઝંડી આપતાં હવે ઑઈલ અૅન્ડ નેચરલ ગૅસ કોર્પોરેશન માટે પણ ખાનગી ભાગીદાર લાવવાના દરવાજા ખુલ્લા કર્યા છે.

સેબીની સ્પષ્ટતા મુજબ ઈન્સાઈડર ટ્રેડિંગના નિયમ માત્ર પબ્લિકને જ નહીં, બલકે પ્રમોટર્સને પણ લાગુ પડે છે.

business news