ડૉલર સામે રૂપિયો નવા વર્સ્ટ લેવલે જતાં બજાર માઇનસ ઝોનમાં ગયું

06 February, 2025 08:04 AM IST  |  Mumbai | Anil Patel

નોકરી ડોટકૉમવાળી ઇન્ફો એજમાં સારાં પરિણામ સાથે શૅરવિભાજન જાહેર થતાં ભાવ વધ્યો

પ્રતીકાત્મક તસવીર

બજાજ ફાઇનૅન્સ ધીમા સુધારે નવા બેસ્ટ લેવલે : પરિણામની પૂર્વસંધ્યાએ સ્ટેટ બૅન્ક નરમ, સિમ્ફની નફામાંથી ખોટમાં આવતાં લથડી : નફામાં ૩૪ ટકા વૃદ્ધિ સાથે ૧૫૦ રૂપિયાના ઇન્ટરિમ છતાં પેજ ઇન્ડસ્ટ્રીઝ ૧૧૬૩ રૂપિયા બગડી: સારાં પરિણામમાં થંગમયિલ જ્વેલરી સવાદસ ટકા ઝળકી : નોકરી ડોટકૉમવાળી ઇન્ફો એજમાં સારાં પરિણામ સાથે શૅરવિભાજન જાહેર થતાં ભાવ વધ્યો : માથે રિઝલ્ટ વચ્ચે ભારતી ઍરટેલ ફ્લૅટ : રોકડું અને બ્રૉડર માર્કેટ મજબૂત

અમેરિકન ડૉલર સામે રૂપિયો લગાતાર નવા ઑલટાઇમ બૉટમ બનાવતાં ૮૭.૫૦ ભણી ધસી રહ્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૩૮ ટકા ગગડી ચૂક્યો છે ત્યારે કેટલાક પંડિતો કહે છે, સો વ્હૉટ?  જૅપનીઝ યેન જુઓ, એ પણ ડૉલર સામે ૩૭ ટકા ડાઉન થયો છે. વાત તો સાચી છે, પરંતુ જપાન ટ્રેડ-સરપ્લસ રાષ્ટ્ર છે, ભારત સતત વેપાર-ખાધમાં છે એનું શું? જ્યારે તમારું અર્થતંત્ર સતત વેપાર-ખાદ્યની સ્થિતિમાં હોય ત્યારે ચલણની વૅલ્યુ ઘટતાં તમારું આયાત-બિલ વધવા માંડે છે. ભારત જેવા આયાત ઉપર અલવંબન ધરાવતા દેશ માટે કરન્સી ડેપ્રિશિયેશન ઘાતક છે, આર્થિક અવદશાને આમંત્રણ છે એ આ બબુચકોને કોણ સમજાવશે? એમાંય આપણાં નાણાપ્રધાન નિર્મલાતાઈની તો વાત જ નિરાલી છે. તેઓ તો કહે છે કે રૂપિયો કેવળ ડૉલર સામે નબળો પડ્યો છે, બાકીની કરન્સી સામે સ્ટેબલ છે પછી ચિંતા શું કામ કરવી? હકીકત એ છે કે માત્ર ડૉલર સામે જ નહીં, કેનેડિયન ડૉલર, યુરો, ઑસ્ટ્રેલિયન ડૉલર, ન્યુ ઝીલૅન્ડ ડૉલર, સિંગાપોર ડૉલર, સ્વીસ-ફ્રાન્સ, બ્રિડિશ પાઉન્ડ સહિત સંખ્યાબંધ કરન્સી સામે રૂપિયો નબળો પડ્યો છે. ચાલુ કૅલેન્ડર વર્ષના એકાદ મહિનામાં જ આ બધાં ચલણ સામે રૂપિયો સવાથી અઢી ટકા ધોવાયો છે. અભણ સરકારની નાણાપ્રધાનમાં ઉઠાં ભણાવવા સિવાય કશી આવડત નથી, જે આ દેશનું કમભાગ્ય છે.

જાન્યુઆરી માસની બીજી તારીખે ૧૫૦૭ કરોડની નેટ લેવાલી કર્યા પછી એકધારી વેચવાલ રહેલી FIIએ કામકાજના ૨૩ દિવસ બાદ પ્રથમ વાર મંગળવારે ૮૦૯ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી છે. બાય ધ વે, જાન્યુઆરી માસમાં તેની નેટ વેચવાલી ૮૭,૦૦૦ કરોડથી વધુની રહી છે. આ સાથે છેલ્લા ૪ માસમાં તેણે કુલ મળીને ૨.૬૪ લાખ કરોડ ઘરભેગા કરી લીધા છે. ટ્રમ્પના ટૅરિફ-વૉરના ઉધામા વચ્ચે FIIની બેરહેમ વેચવાલી બહુ નજીકમાં ડૉલરને ૯૦ રૂપિયે લઈ જશે. મોંઘવારી વધશે, કંપનીઓનાં સરવૈયા બગડશે, વેપારખાદ્ય વકરશે, આર્થિક વિકાસ વધુ ખરડાશે. બજારનું શું થશે? તમે નક્કી કરો.

દરમ્યાન, બુધવારે મોટા ભાગનાં એશિયન બજાર ઘટ્યાં છે. તાઇવાન દોઢ ટકો તો સાઉથ કોરિયા એક ટકાથી વધુ પ્લસ હતું. થાઇલૅન્ડ અને હૉન્ગકૉન્ગ એક ટકો તથા ઇન્ડોનેશિયા પોણો ટકો નરમ હતું. લુનાર-વેકેશન બાદ ખૂલેલું ચાઇનીઝ માર્કેટ પોણા ટકા નજીક ઢીલું હતું. બિટકૉઇન નહીંવત ઘટાડે ૯૭,૩૯૨ ડૉલર ચાલતો હતો. બ્રેન્ટ ક્રૂડ એકાદ ટકો ઘટી ૭૬ ડૉલર નીચે આવી ગયું છે. દેશ-વિદેશમાં સોનું નવા બેસ્ટ લેવલે પહોંચ્યું છે.

આગલા દિવસના ૧૪૦૦ પૉઇન્ટના ઉછાળા પછી સેન્સેક્સ આગલા બંધથી ૧૨૦ પૉઇન્ટ ઉપર, ૭૮,૭૦૪ ખૂલી ગઈ કાલે ૩૧૨ પૉઇન્ટના ઘટાડે ૭૮,૨૭૧ તથા નિફ્ટી ૪૩ પૉઇન્ટની પીછેહઠમાં ૨૩,૬૯૬ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ સેન્સેક્સ ઉપરમાં ૭૮,૭૩૫ થયા બાદ ધીમા ઘસારે નીચામાં ૭૮,૨૧૬ દેખાયો હતો. રોકડું અને બ્રૉડર માર્કેટ સારું રહેતાં માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ હતી. NSEમાં વધેલા ૧૯૬૯ શૅર સામે ૮૫૭ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૧.૬૮ લાખ કરોડના ઉમેરામાં ૪૨૭.૧૯ લાખ કરોડ નોંધાયું છે. બહુમતી સેક્ટોરલ પ્લસ હતા. એનર્જી, હેલ્થકૅર, મેટલ, ઑઇલ-ગૅસ, સ્મૉલકૅપ, નિફ્ટી મીડિયા સવાથી પોણાબે ટકા તો પીએસયુ બૅન્ક નિફ્ટી એક ટકો મજબૂત હતો. સામે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, FMCG અને રિયલ્ટી ઇન્ડેક્સ સવાથી પોણાબે ટકા કપાયા છે.

નબળાં પરિણામે ડી-રેટિંગમાં એશિયન પેઇન્ટ્સ ઝંખવાયો

નિફ્ટી ખાતે ONGC ત્રણ ટકા અને હિન્દાલ્કો ત્રણ ટકા નજીક વધીને મોખરે હતા. અપોલો હૉસ્પિટલ સવાબે ટકા તો ભારત પેટ્રો બે ટકા મજબૂત થયા છે. સેન્સેક્સમાં અદાણી પોર્ટ્સ દોઢ ટકા પ્લસ તો ઇન્ડ્સઇન્ડ બૅન્ક સવા ટકા નજીક અપ હતા. અન્યમાં કોલ ઇન્ડિયા ૧.૭ ટકા, ભારત ઇલેક્ટ્રિક દોઢ ટકો, અદાણી એન્ટર એક ટકો, HDFC બૅન્ક તથા તાતા મોટર્સ એક ટકા નજીક સુધર્યા છે. આગલા દિવસની હીરો લાર્સન પોણાબે ટકા માઇનસ થઈ છે. રિલાયન્સ અડધા ટકાથી વધુ ઢીલો થયો છે. બજાજ ફાઇનૅન્સ ૮૫૮૭ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી સાધારણ સુધારે ૮૫૧૦ નજીક હતો.

નફામાં ૨૩ ટકાના ગાબડા સાથે નબળાં રિઝલ્ટના પગલે એશિયન પેઇન્ટ્સમાં ટાર્ગેટ પ્રાઇસમાં ઘટાડા સાથે અર્નિંગનું ડી-રેટિંગ શરૂ થયું છે. શૅર ત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૨૨૩૫ થઈ સવાત્રણ ટકાથી વધુ ખરડાઈ ૨૨૭૫ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ અઢી ટકા બગડીને ૧,૫૫,૬૦૦ હતી. પરિણામના વસવસામાં ટાઇટન પણ ત્રણ ટકા ઝંખવાઈ ૩૪૯૦ હતી. નેસ્લે સવાબે ટકા, હિન્દુસ્તાન યુનિલીવર બે ટકા, સ્ટેટ બૅન્ક ૧.૭ ટકા, ITC અને ઝોમાટો દોઢ ટકા આસપાસ, બ્રિટાનિયા બે ટકા નજીક, તાતા કન્ઝ્યુમર પોણાબે ટકા કપાયા છે. ભારતી ઍરટેલ પરિણામની પૂર્વસંધ્યાએ નહીંવત ઘટાડે ૧૬૫૯ હતી. ટૅરિફવધારાની હૂંફમાં નફો બમણો આવવાની ધારણા રખાય છે. ઇન્ફી, ટીસીએસ, HCL ટેક્નૉ જેવા હેવી વેઇટ્સની નરમાઈને લઈ આઇટી બેન્ચમાર્ક ૫૬માંથી ૪૫ શૅર વધવા છતાં નજીવો સુધર્યો છે. ઑનવર્ડ ટેક્નૉ, ડેટા મેટિક્સ, એફલી, રામકો સિસ્ટમ્સ, ઝગલ જેવા સાઇડ શૅર પાંચથી નવ ટકા ઊછળ્યા હતા.

સ્વિગીની આવકની સાથે-સાથે ખોટમાં પણ વધારો

સ્વિગી પરિણામ પૂર્વે સાડાત્રણ ગણા કામકાજે સાડાત્રણ ટકા ગગડી ૪૧૮ બંધ થયો હતો. આવક ૩૧ ટકા વધીને ૩૯૯૩ કરોડ થઈ છે સાથે-સાથે ચોખ્ખી ખોટ પણ ૫૭૪ કરોડથી વધીને ૭૯૯ કરોડે પહોંચી છે. દરમ્યાન ચાલુ મહિને સ્વિગી, ઓલા ઇલેક્ટ્રિક, NTPC ગ્રીન, કોન્કોર્ડ બાયો, જુનિયર હોટેલ્સ, સિગલ ઇન્ડિયા, ફર્સ્ટક્રાય, ટીવીએસ સપ્લાય ચેઇન, યુનીકૉમર્સ સૉલ્યુશન્સ, પ્રીમિયર એનર્જીસ, SBFC ફાઇનૅન્સ, ઇન્ટરઆર્ક બિલ્ડિંગ્સ ઇત્યાદીમાં લોક-ઇન પૂરો થતાં કુલ મળીને હાલના ભાવે લગભગ ૭૦,૦૦૦ કરોડનો માલ બજારમાં વેચાણને પાત્ર બનવાનો છે. મતલબ કે ૭૦,૦૦૦ કરોડના શૅર વેચાણમાં આવી શકે છે.

નોકરી ડોટકૉમવાળી ઇન્ફો એજનો નફો ૬૦ ટકા વધી ૨૪૨ કરોડ વટાવી ગયો છે. કંપનીએ ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન જાહેર કર્યું છે. શૅર ત્રણ ટકા વધીને ૭૯૪૩ બંધ રહ્યો છે. ઝાયડ્સ લાઇફ સાયન્સનો ત્રિમાસિક નફો ૩૦ ટકા વધવા છતાં શૅર માત્ર અડધા ટકાના સુધારે ૯૭૮ બંધ આવ્યો છે. સિમ્ફની દ્વારા ૪૧ કરોડના નફા સામે ૧૦ કરોડની નેટ લૉસ દર્શાવાઈ છે. શૅર પોણાનવ ટકા કે સવાસોના ધબડકામાં ૧૩૦૨ હતો. ફોર્સ મોટર્સનું ગત માસનું વેચાણ ૨૦ ટકા વધીને આવતાં ભાવ ઉપરમાં ૭૦૫૮ થઈ છ ટકા કે ૩૮૫ના ઉછાળે ૬૭૭૯ જોવાયો છે. એરિસ લાઇફ સાયન્સ સ્ટ્રૉન્ગ રેવન્યુ ગ્રોથમાં ૧૧.૬ ટકા કે ૧૪૩ના જમ્પમાં ૧૩૭૫ બંધ રહ્યો છે. પેજ ઇન્ડસ્ટ્રીઝે ૩૪ ટકાના વધારામાં ૨૦૪ કરોડનો ત્રિમાસિક નફો કરી શૅરદીઠ ૧૫૦ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે, પરંતુ શૅર ૪૮,૪૦૯ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૪૫,૪૮૦ થઈ અઢી ટકા કે ૧૧૬૩ રૂપિયા બગડી ૪૫,૭૯૭ બંધ થયો છે. નાયકા પરિણામ પૂર્વે અઢી ટકા ઘટી ૧૭૪ રહ્યો હતો.

જ્વેલરી અને મૂડીબજાર લક્ષી શૅરો લાઇમલાઇટમાં

એન્જલવનનો ક્લાયન્ટ બેઝ ગત મહિને ૪૭ ટકા વધતાં આવકવેરામાં રાહતના પગલે થનારી બચત મૂડીબજારમાં આવવાની થીમ પાછળ ગઈ કાલે સ્ટૉક બ્રોકિંગ તેમ જ કૅપિટલ માર્કેટ ઇન્ટરમિડિયેટરી સ્ટૉક ડિમાન્ડમાં હતા. મોતીલાલ ઓસ્વાલ સવાનવ ટકા, સેન્ટ્રમ કૅપિટલ ૧૩ ટકા, પ્રુડેન્ટ કૉર્પોરેટ પોણાનવ ટકા, નિપ્પોન લાઇફ સાડાઆઠ ટકા, કેમ્સ સાડાછ ટકા, IIFL કૅપિટલ પોણાછ ટકા, નુવામાં સાડાપાંચ ટકા, ૩૬૦ વન પાંચ ટકા, કેફીન ટેક પોણાપાંચ ટકા, એડલવાઇસ પોણાપાંચ ટકા મજબૂત બન્યા હતા. બૅન્ક નિફ્ટી ૧૮૫ પૉઇન્ટ જેવો સામાન્ય વધ્યો છે, પણ પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના સથવારે એક ટકો પ્લસ હતો. ૪૧માંથી ૩૧ શૅર બૅન્કિંગમાં વધ્યા હતા. ફીનો પૅમેન્ટ બૅન્ક, જનસ્મૉલ બૅન્ક, ઉત્કર્ષ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, RBL બૅન્ક, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, કૅનેરા બૅન્ક, આઇઓબી ત્રણથી પાંચ ટકા ઊછળી હતી. સ્ટેટ બૅન્ક પરિણામની પૂર્વસંધ્યાએ પોણાબે ટકા ઘટીને ૭૬૬ બંધ થઈ છે.

થંગમયિલ જ્વેલરી પરિણામની ઝમકમાં ચાર ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૨૨૮ વટાવી ગયો છે. સોનાનો ભાવ ૮૬,૦૦૦ બોલાયો છે. આ ભાવે નવી માગ નથી, પણ જ્વેલરી શૅર એકંદર લાઇમલાઇટમાં છે. ગઈ કાલે મનોજ વૈભવ, વર્યા ક્રીએશન, સ્કાય ગોલ્ડ, ટીબીઝેડ, આરબીઝેડ જ્વેલર્સ, પીસી જ્વેલર્સ, ઉદય જ્વેલ્સ, કેડીડીએલ, મોતીસન્સ જેવાં કાઉન્ટર્સ સાડાચારથી છ ટકા વધ્યાં છે. કલ્યાણ જ્વેલર્સ સાધારણ સુધારે ૫૬૭ હતો.

દરમ્યાન SME સેગમેન્ટમાં કેન એન્ટરપ્રાઇઝિસ પ્રથમ દિવસે બે ગણા નજીક તો એમ્વીલ હેલ્થકૅર એક ગણો ભરાયો છે. ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ બીજા દિવસના અંતે કુલ ૪૫ ગણો છલકાયો છે. હાલ ગ્રે માર્કેટમાં ચામુંડામાં ૧૧, એમ્બીલમાં પાંચ તથા કેન એન્ટરપ્રાઇઝિસમાં ૩૦ના પ્રીમિયમ બોલાય છે. મેઇન બોર્ડમાં બૅન્ગલોરની એજેક્સ એન્જિનિયરિંગ એકના શૅરદીઠ ૬૨૯ની અપર બૅન્ડમાં ૧૨૬૯ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ ૧૦મીએ કરવાની છે. ગ્રે માર્કેટમાં ૩૯થી પ્રીમિયમ શરૂ થયું છે.

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex columnists