યુદ્ધના ગોકીરા વચ્ચે નિફ્ટી નામ પૂરતો નરમ, પાકિસ્તાની બજાર ૩૫૧૯ પૉઇન્ટ પટકાયું

05 May, 2025 07:05 AM IST  |  Mumbai | Anil Patel

સેન્સેક્સ આગલા બંધથી ગઈ કાલે ૮૩ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૮૦,૩૭૧ ખૂલી છેવટે ૪૬ પૉઇન્ટના મામૂલી ઘટાડે ૮૦,૨૪૨ બંધ થયો છે.

પ્રતીકાત્મક તસવીર

એથર એનર્જીનો ઇશ્યુ દોઢ ગણા પ્રતિસાદમાં પૂરો થયો, ટૅન્કઅપનું લિસ્ટિંગ ધારણાથી સારું ગયું :બજાજ-ટ્‍વિન્સની ખુવારી બજારને ૧૫૫ પૉઇન્ટ અને ઇન્વેસ્ટર્સને ૩૫,૯૫૬ કરોડ રૂપિયામાં પડી :બજાજ ગ્રુપના તમામ શૅર રેડ ઝોનમાં બંધ :પરિણામ પાછળ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝમાં સવાનવ ટકાનો કડાકો :નફામાંથી ખોટમાં આવેલી તાતાની તેજસ નેટ સતત છઠ્ઠા દિવસે ડાઉન :નફાવૃદ્ધિના જોશમાં વિશાલ મેગામાર્ટ ૧૦ ટકાની તેજીની સર્કિટમાં બંધ

યુદ્ધ-યુદ્ધ-યુદ્ધનો શોરબકોર વધી રહ્યો છે. મેઇન સ્ટ્રીમ મીડિયા તો ૨૪/૭ યુદ્ધ જવરમાં મસ્ત છે. કેટલાક તો રાત્રે બે-ત્રણ વખત ઊઠીને મોબાઇલ ચેક કરવા માંડ્યા છે. પાકિસ્તાન છે કે પછી પતી ગયું? નરેન્દ્ર મોદીએ સેનાને છૂટો દોર આપી દીધો હોવાના અહેવાલ છે, તમારે જે કરવું હોય તે કરો. વૉર થશે? ખરેખર, વૉર થશે? જાણકારો કહે છે, કશુંક તો થશે. કેટલાક એને છમકલું કહેશે તો કેટલાક એને યુદ્ધમાં ખપાવશે. આ છાણે વીંછી ચડાવ્યો છે તો પછી એનો ઉતાર તો શોધવો પડશેને... આ માહોલ અને ગુરુવારની રજાનો તાલ જોતાં બુધવારે ઘરઆંગણે બજાર નહીંવત નેગેટિવ બાયસ સાથે બંધ થયું છે. ડેરિવેટિવ્ઝ એક્સપાયરીને લઈ શૉર્ટ ક્વરિંગ પણ એમાં કામ કરી ગયું છે. હવે શુક્રવારે બજાર કેવી ચાલ પકડે છે એ મહત્ત્વનું રહેશે.

સેન્સેક્સ આગલા બંધથી ગઈ કાલે ૮૩ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૮૦,૩૭૧ ખૂલી છેવટે ૪૬ પૉઇન્ટના મામૂલી ઘટાડે ૮૦,૨૪૨ બંધ થયો છે. નિફ્ટી તો માત્ર પોણાબે પૉઇન્ટની પીછેહઠમાં ૨૪,૩૩૪ હતો. શૅરઆંક ઉપરમાં ૮૦,૫૨૫ તથા નીચામાં ૭૯,૮૭૯ થયો હતો. સામે સ્મૉલકૅપ પોણાબે ટકા, મિડકૅપ પોણો ટકો અને બ્રૉડર માર્કેટ અડધો ટકો બગડ્યું હતું. બન્ને બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ નરમ હતાં. રિયલ્ટી પોણાબે ટકા, ટેલિકૉમ એક ટકો તથા નિફ્ટી ફાર્મા અડધો ટકો પ્લસ રહી સામા પ્રવાહે હતા. નિફ્ટી મીડિયા દોઢ ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી સવાબે ટકા, પાવર અને યુટિલિટીઝ એક ટકા નજીક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કૅપિટલ ગુડ્સ અને ફાઇનૅન્સ બેન્ચમાર્ક પોણા ટકા આસપાસ ડૂલ થયા છે. આઇટીમાં અડધા ટકાની નબળાઈ હતી. માર્કેટ બ્રેડ્થ ખાસ્સી ખરાબ હતી. NSEમાં વધેલા ૬૩૧ શૅર સામે ૨૨૨૮ જાતો ઘટી છે. બજારનું માર્કેટકૅપ ૨.૯૦ લાખ કરોડના ઘટાડે ૪૨૩.૨૫ લાખ કરોડ નજીક રહ્યું છે.

હવે પાકિસ્તાનનું કરાચી શૅરબજાર ૧,૧૪,૮૭૨ના આગલા બંધ સામે ગઈ કાલે ૧,૧૩,૯૮૫ ખૂલી ૪૨૨૦ પૉઇન્ટ પટકાઈ નીચામાં ૧,૧૦,૬૩૨ બતાવી છેવટે ૩૫૧૯ પૉઇન્ટના ધબડકામાં ૧,૧૧,૩૫૩ બંધ થયું છે. એશિયા ખાતે ચાઇના અને સાઉથ કોરિયાની સામાન્ય નરમાઈ બાદ કરતાં તમામ અગ્રણી બજાર પ્લસ હતાં. થાઇલૅન્ડ સવાબે ટકા, સિંગાપોર પોણો ટકો, જપાન અને હૉન્ગકૉન્ગ અડધો ટકો પ્લસ હતાં. યુરોપ રનિંગમાં અડધા ટકા આસપાસ ઉપર દેખાતું હતું. બિટકૉઇન ૯૫,૧૧૪ ડૉલરે મક્કમ હતો. બ્રેન્ટક્રૂડ એકાદ ટકો ઘટી ૬૪ ડૉલર ચાલતું હતું. વિશ્વબજારમાં સોનું સવા ટકો ઘટી હાજરમાં ૩૨૮૦ ડૉલર તથા વાયદામાં ૩૨૯૦ ડૉલર જોવાયું છે. ઘરઆંગણે FII એકધારી લેવાલ છે. ૨૯ એપ્રિલ સુધી કામકાજના છેલ્લા ૧૦ દિવસમાં એણે લગભગ ૩૭,૩૨૫ કરોડની નેટ લેવાલી કરી છે. વૉરના ગોકીરા વચ્ચે આ બહુ જ સૂચક છે.

વિકાસની તક સીમિત હોવાના વસવસામાં બજાજ ફાઇનૅન્સ ગગડ્યો

બજાજ ફાઇનૅન્સે ૧૬ ટકાના વધારામાં ૪૪૮૦ કરોડ નેટ પ્રૉફિટ તથા બાવીસ ટકાના વૃદ્ધિદરથી ૧૦,૮૯૪ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ દર્શાવી છે. એકંદર ધારણા ૯૯૮૫ કરોડની આવક તથા ૪૪૫૪ કરોડના નેટ પ્રૉફિટની હતી એ જોતાં પરિણામમાં કશી ખરાબી નથી. વધુમાં કંપનીએ એક શૅરદીઠ ૪ બોનસ તથા બે રૂપિયાના શૅરનું એક રૂપિયામાં વિભાજન જાહેર કર્યું છે. શૅરદીઠ ૧૨ના સ્પેશ્યલ સહિત કુલ ૪૪ રૂપિયા ડિવિડન્ડ નક્કી થયું છે. એની રેકૉર્ડ ડેટ ૩૦ મે છે. AUM (ઍસેટ્સ અન્ડર મૅનેજમેન્ટ)ના ગ્રોથ રેટનું ગાઇડન્સિસ થોડુંક કમજોર આવ્યું છે. માત્ર આટલું જ નેગેટિવ પાસુ છે. આને કંપનીના વિકાસ સંજોગો સાધારણ હોવાનું વિશ્લેષકો માની રહ્યા છે. સરવાળે શૅર સવાત્રણ ગણા વૉલ્યુમે નીચામાં ૮૫૬૦ બતાવી પાંચ ટકા કે ૪૫૩ રૂપિયા ગગડી ૮૬૩૬ બંધ આપી બજારને સર્વાધિક ૧૦૨ પૉઇન્ટ નડ્યો છે.

બજાજ ફાઇનૅન્સમાં ૫૧.૪ ટકા હિસ્સો ધરાવતી પેરન્ટ્સ બજાજ ફીનસર્વ બમણા વૉલ્યુમે નીચામાં ૧૯૨૭ થઈ સાડાપાંચ ટકા ખરડાઈ ૧૯૫૨ના બંધમાં બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે એના લીધે સેન્સેક્સને ૫૩ પૉઇન્ટ માર પડ્યો છે. બજાજ ફીનસર્વએ ૨૧.૬ ટકાના વધારામાં ૧૧,૫૫૧ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ તથા ૧૪ ટકાના વધારામાં ૨૪૧૬ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. બજાજ ફાઇનૅન્સની ૮૮.૭૫ ટકા માલિકીની બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ સવા ટકો ઘટી ૧૨૨ હતી, જ્યારે બજાજ હોલ્ડિંગ્સ સવાત્રણ ટકા ઘટી ૧૧,૯૩૬ રહી છે. બજાજ ગ્રુપના અન્ય શૅરમાં બજાજ ઑટો અડધો ટકો ઘટી ૮૦૩૩ હતી. હરક્યુલસ હોઇસ્ટ પોણાત્રણ ટકા ઘટી ૧૫૧, મહારાષ્ટ્ર સ્કૂટર્સ સવાબે ટકા ઘટીને ૧૧,૪૭૮, મુકંદ સવા ટકો ઘટીને ૯૯, બજાજ ફાઇનૅન્સ સવાત્રણ ટકા ઘટી ૫૪૨, બજાજ કન્ઝ્યુમર ૨.૮ ટકા ઘટી ૧૬૬ તથા બજાજ હિન્દુસ્તાન ૩.૬ ટકા ગગડી ૧૯ બંધ થઈ છે.

ડિફેન્સ શૅર નોંધપાત્ર ઘટાડામાં, માઝગાવ ડૉક અપવાદ

બજાર બંધ થવાના સમયે આઇઓસી દ્વારા ૫૦ ટકાના વધારામાં ૭૨૬૫ કરોડ નેટ પ્રૉફિટ દર્શાવાતાં શૅર ૧૪૦ નજીક જઈ એક ટકો વધી ૧૩૭ બંધ થયો છે. વેદાન્તએ માર્ચ ક્વૉર્ટરમાં ૧૫૪ ટકાના વૃદ્ધિદરથી ૩૪૮૩ કરોડ ચોખ્ખો નફો કર્યો છે, પણ શૅર નહીંવત વધીને ૪૧૭ હતો. પારસ ડિફેન્સ પરિણામ તથા શૅર વિભાજન માટેની બોર્ડ મીટિંગ પૂર્વે છ ગણા વૉલ્યુમે ૧૪૬૯ની નવ માસની ટૉપ બનાવી નીચામાં ૧૩૦૫ થઈ અડધા ટકાના ઘટાડે ૧૩૩૧ રહ્યો છે. અન્ય ડિફેન્સ શૅરમાં હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ત્રણ ટકા, ઍક્સિસ કેડ્સ ૩.૬ ટકા, કોચિન શિપયાર્ડ ચાર ટકા, ગાર્ડન રિચ અઢી ટકા, ભારત ડાયનેમિક્સ બે ટકા, ડીસીએક્સ ઇન્ડિયા ચાર ટકા, આઇડિયા ફોર્જ ૩.૫ ટકા, ભારત ઇલે. સવા ટકા, ભારત અર્થમૂવર્સ અઢી ટકા, નાઇબ લિમિટેડ પાંચ ટકા, એસ્ટ્રા માઇક્રોવેવ ત્રણ ટકા, ડેટા પેટર્ન્સ ૪.૧ ટકા, એમટાર ટેક્નૉલૉઝિસ ચાર ટકા, ઝેન ટેક્નૉલૉઝિસ ૪.૪ ટકા, અવાન્ટેલ બે ટકા, સોલર ઇન્ડ. સવાબે ટકા, સિકા ઇન્ટરપ્લાન્ટ સાત ટકા, યુનિમેક ઍરોસ્પેસ ત્રણ ટકા ડાઉન હતી. માઝગાવ ડૉક ૩૧૫૦ની નવી ટૉપ બનાવી એક ટકાની આગેકૂચમાં ૩૦૫૮ રહી છે.

છેલ્લા કેટલાક દિવસથી નિતનવી ટૉપ બતાવી રહેલી BSE લિમિટેડ ગઈ કાલે ૨૮૨ રૂપિયા કે સવાચાર ટકાની ખરાબીમાં ૬૩૫૯ બંધ આવી છે. MCX બે ટકાના બગાડમાં ૬૧૦૦ હતી. વિશાલ મેગામાર્ટનો ત્રિમાસિક નફો ૮૮ ટકા વધી ૧૧૫ કરોડ વટાવી જતાં ભાવ ૯ ગણા વૉલ્યુમે ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૧૮ ઉપર બંધ થયો છે. નફામાંથી ચોખ્ખી ખોટમાં આવેલી તાતા ગ્રુપની તેજસ નેટવર્ક સતત છઠ્ઠા દિવસની નરમાઈમાં નીચામાં ૬૯૬ થઈ પોણાચાર ટકાની ખરાબીમાં ૭૦૨ બંધ હતી.

અક્ષયતૃતીયાએ જ્વેલરી શૅરમાં ઝમક ન આવી

બુધવાર અને અખાત્રીજ કે અક્ષયતૃતીયા આ વેળા જેમ-જ્વેલરી શૅરોને ખાસ ફળી નથી. ઉદ્યોગના ૬૨માંથી માત્ર ૧૭ શૅર ગઈ કાલે સુધર્યા છે જેમાં કોઉરા ફાઉન ડાયમંડ આઠ ટકા, સરૂપ ઇન્ડ. પાંચ ટકા, મેનબ્રો ઇન્ડ. પાંચ ટકા, કરન વૂસીન પોણાપાંચ ટકા, યૉર્ક એક્સપોર્ટ્સ સવાચાર ટકા, યુરો ગોલ્ડ સવાબે ટકા, ઝોડિયાક જેઆરડી દોઢ ટકા, ગોલ્ડિયમ ઇન્ટર. એક ટકો વધી હતી. સામે રેટેજીઓ અને સેન્કો ગોલ્ડ પાંચ-પાંચ ટકા, રાધિકા જ્વેલ સવાચાર ટકા, ટીબીઝેડ સાડાત્રણ ટકા, રાજેશ એક્સપોર્ટ્સ સાડાત્રણ ટકા, યુએચ ઝ્વેરી સાડાત્રણ ટકા, પીસી જ્વેલર્સ સાડાત્રણ ટકા, મનોજ વૈભવ સવાત્રણ ટકા, KDDL સવાત્રણ ટકા, વૈભવ ગ્લોબલ સવાત્રણ ટકા, આશાપુરી ગોલ્ડ અઢી ટકા, RBZ જ્વેલર્સ બે ટકા, કલ્યાણ જ્વેલર્સ-ટાઇટન-રેનેસાં ગ્લોબલ સાધારણ ઝંખવાયા છે.

પ્રાઇમરી માર્કેટમાં ટૅન્કઅપ એન્જિનિયર્સ ૧૦ના શૅરદીઠ ૧૪૦ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટ ખાતે ૧૩ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૭૫ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૮૪ નજીક બંધ થતાં અત્રે ૩૧.૩ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળી ગયો છે. મેઇન બોર્ડમાં એથર એનર્જીનો એકના શૅરદીઠ ૩૨૧ના ભાવનો ૨૯૮૧ કરોડનો ઇશ્યુ આખરી દિવસે માત્ર દોઢ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ગ્રે માર્કેટમાં એક રૂપિયો પ્રીમિયમ સંભળાય છે. અમદાવાદી આઇવેર સપ્લાય ચેઇનનો ૯૫ના ભાવનો ૨૭૧૩ લાખનો ઇશ્યુ કુલ ત્રણ ગણો છલકાઈ પૂરો થયો છે. પ્રીમિયમ બેનું છે. અરુણયા ઑર્ગેનિક્સ એક ગણાથી વધુ તો કેનરિક ઇન્ડ. ૪૯ ટકા ભરાયો છે. કેનરિક ૬ મેએ અને અરુણયા બીજી મેના રોજ બંધ થશે. બીજી મેના રોજ વેગન્સ લર્નિંગ ૧૦ના શૅરદીઠ ૮૨ની અપર બૅન્ડમાં ૩૮૩૮ લાખનો BSE SME ઇશ્યુ કરશે.

સોનાટા સૉફ્ટવેર કામકાજના ૧૪ દિવસમાં ૪૮ ટકા વધી ગયો

મારુતિ સુઝુકી દોઢા વૉલ્યુમે ઉપરમાં ૧૨,૩૨૦ થઈ ત્રણ ટકા કે ૩૬૦ રૂપિયા વધી ૧૨,૨૦૭ના બંધમાં સેન્સેક્સમાં ટૉપ ગેઇનર હતી. ભારતી ઍરટેલ સવાબે ટકા અને પાવર ગ્રીડ ૧.૧ ટકા વધી છે. નિફ્ટીમાં HDFC લાઇફ ચાર ટકાની મજબૂતીમાં ૭૪૪ બંધ આપી મોખરે હતી. અન્યમાં SBI લાઇફ બે ટકા, સનફાર્મા દોઢ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર પોણો ટકો, મહિન્દ્ર અડધો ટકો, લાર્સન અડધો ટકો પ્લસ હતા. HDFC બૅન્ક પોણો ટકો વધી ૧૯૨૪ના બંધમાં બજારને સર્વાધિક ૧૦૧ પૉઇન્ટ ફળી છે. રિલાયન્સ અડધા ટકાની આગેકૂચમાં ૧૪૦૮ હતી. રિલાયન્સનો ભાવ સાતેક મહિનાની ટોચે જતાં મુકેશ અંબાણી લગભગ ૧૦૦ અબજ ડૉલરની નેટવર્થ સાથે વિશ્વના ૧૬મા નંબરના ધનકુબેર બની ગયા છે.

સેન્સેક્સ-નિફ્ટી ખાતે નબળાઈમાં બજાજ ટ્વીન્સ મોખરે હતી. ત્યાર પછી તાતા મોટર્સ ૩.૨ ટકા બગડી ૬૪૪ હતી. એનાં રિઝલ્ટ ૧૩મીએ છે. સ્ટેટ બૅન્કનાં પરિણામ ૩ મેએ આવશે, શૅર ત્રણેક ટકા ખરડાઈ ૭૮૮ હતો. અલ્ટ્રાટેક પોણાબે ટકા, ટ્રેન્ટ ચાર ટકા કે ૨૧૯ રૂપિયા, અદાણી એન્ટર સવા ટકો, એશિયન પેઇન્ટ્સ સવા ટકો, ભારત ઇલે. એકાદ ટકા ઘટ્યો છે. ટીસીએસ સવા ટકો નરમ, ઇન્ફી નહીંવત પ્લસ હતો.

સોનાટા સૉફ્ટવેર તેજીની ચાલમાં ૧૨.૬ ટકા ઊછળી ૪૨૩ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળક્યો હતો. ચાલુ મહિને, ૭મી એપ્રિલે અહીં ૨૮૬ની મલ્ટિયર બૉટમ બની હતી. સિયેટ પરિણામના જોશમાં નવ ગણા વૉલ્યુમે ઉપરમાં ૩૩૬૦ નજીક જઈ ૮.૩ ટકા કે ૨૫૪ રૂપિયાના ઉછાળે ૩૩૧૫ થયો છે. ગો ફૅશન્સ સાડાસાત ટકા, આરઆર કેબલ સાડાપાંચ ટકા તથા ગ્રિવ્સ કૉટન ૫.૩ ટકા મજબૂત હતી. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો નફો ૫૬.૨ ટકા ગગડતાં ભાવ ૯.૩ ટકાના કડાકામાં ૪૬૧ હતો. શૉપર્સ સ્ટૉપ ૭.૬ ટકા, ફાઇવસ્ટાર બિઝનેસ છ ટકા, સારેગામા સવાછ ટકા અને વેસ્ટલાઇફ ફૂડ વર્લ્ડ પોણાઆઠ ટકા બગડી હતી. સિયેટની હૂંફમાં MRF દોઢ ટકા કે ૨૦૦૬ રૂપિયા, અપોલો ટાયર્સ ૩.૪ ટકા, જેકે ટાયર્સ એક ટકા વધ્યા હતા.

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex