સર્વિસ સેક્ટરની ઍક્ટિવિટી ૧૨ વર્ષની ટોચે પહોંચી છે

04 March, 2023 01:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેબ્રુઆરીનો સર્વિસ પીએમઆઇ ઇન્ડેક્સ વધીને ૫૯.૪ થયો

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

દેશમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ ફેબ્રુઆરીમાં ૧૨ વર્ષની ટોચે પહોંચ્યો છે, જે અનુકૂળ માગની સ્થિતિ અને નવા સ્યાવસાયિક લાભોને કારણે વધ્યો છે, એમ માસિક સર્વેમાં જણાવાયું હતું.

સિઝનલી ઍડ્જસ્ટેડ એસઍન્ડપી ગ્લોબલ ઇન્ડિયા સર્વિસિસ પીએમઆઇ બિઝનેસ ઍક્ટિવિટી ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૫૭.૨થી વધીને ફેબ્રુઆરીમાં ૫૯.૪ થયો હતો, જે ૧૨ વર્ષનો સૌથી વધુ છે. સતત ૧૯મા મહિને આ દર ૫૦ની ઉપર રહ્યો છે. ૫૦ની ઉપરનો આંક સારી સ્થિતિનો નિર્દેશ કરે છે.

એસઍન્ડપી ગ્લોબલ માર્કેટના ઇકૉનૉમિક્સ અસોસિયેટ ડિરેક્ટર પોલિઆના ડી લિમાએ જણાવ્યું હતું કે સર્વિસ સેક્ટરે જાન્યુઆરીમાં ગુમાવેલી વૃદ્ધિની ગતિ પાછી મેળવી હતી, જે ૧૨ વર્ષ માટે આઉટપુટમાં સૌથી તીવ્ર વિસ્તરણ બતાવે છે, કારણ કે માગની સ્થિતિસ્થાપકતા અને સ્પર્ધાત્મક કિંમત નીતિઓને કારણે વેચાણમાં વધારો થવાથી આ દર વધ્યો છે.

કિંમતના મોરચે, ખર્ચના દબાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, કારણ કે લગભગ અઢી વર્ષમાં ઇન્પુટના ભાવ સૌથી ધીમી ગતિએ વધ્યા હતા અને આઉટપુટ સેક્ટરનો ફુગાવો ૧૨ મહિનાની નીચી સપાટીએ નરમ પડ્યો હતો.

business news