06 March, 2026 08:50 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકા-ઈરાન વચ્ચેનો જંગ છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યો છે. મિસાઇલ્સના મારાની સાથોસાથ સાચા-ખોટા સમાચારની ભરમાર ચાલુ છે. અનિશ્ચિતતા અને ઉચાટનો માહોલ યથાવત્ છે. ક્યારે શું થશે એની ખબર નથી. વૉરને પગલે મોટી ખરાબી બાદ વૈશ્વિક શૅરબજારનો ગુરુવાર સારો ગયો છે. આને ટેક્નિકલ સુધારો કહેવાય કે રિલીફ રૅલી એ સમજાતું નથી. બજાર વધુ બગડવા માટે સુધર્યું હોય એવું પણ બની શકે છે. બે દિવસમાં વીસેક ટકા તૂટ્યા બાદ ગઈ કાલે સાઉથ કોરિયન માર્કેટ પોણાનવ ટકા બાઉન્સ થઈ ૫૫૮૪ બંધ થયું છે. એની પાછળ એશિયા ખાતે તાઇવાન અઢી ટકા, જપાન ૧.૯ ટકા, ઇન્ડોનેશિયા ૧.૭ ટકા, થાઇલૅન્ડ સવાબે ટકા, સિંગાપોર પોણો ટકો, ચાઇના ૦.૬ ટકો, હૉન્ગકૉન્ગ અડધા ટકા નજીક, ઑસ્ટ્રેલિયા અને મલેશિયા અડધો ટકો પ્લસ હતા.
પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧,૬૧,૪૭૬ થઈ રનિંગમાં સાડાત્રણ ટકા કે ૫૩૮૫ પૉઇન્ટ ઊંચકાઈને ૧,૬૧,૧૬૨ ચાલતું હતું. સામે યુરોપ સાધારણથી અડધા ટકાની આસપાસ પ્લસ હતું. બિટકૉઇન સુધારાની આગેકૂચમાં ૭,૧૦,૯૦૬ ડૉલર રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ પોણાત્રણ ટકા વધી ૮૪ ડૉલર નજીક ગયું છે. સોના-ચાંદી સામાન્યથી અડધો ટકો સુધારો દર્શાવતાં હતાં. ઇન્ડસ્ટ્રિયલ મેટલ્સ વાયદામાં ઝિન્ક પોણાબે ટકા, ઍલ્યુમિનિયમ પોણાત્રણ ટકા, નિકલ સાડાચાર ટકા તથા કૉપર પોણો ટકો વધ્યો છે. ડૉલર સામે આગલા દિવસે ૯૨.૩૧નું ઑલટાઇમ બૉટમ બનાવી ૯૨.૧૬ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે બાઉન્સ-બૅકમાં ૯૧.૫૦ થયો છે.
સેન્સેક્સ આગલા બંધથી ૪૧૪ પૉઇન્ટ પ્લસ ૭૯,૫૩૦ ખૂલી છેવટે ૯૦૦ પૉઇન્ટ વધી ૮૦,૦૧૬ તથા નિફ્ટી ૨૮૫ પૉઇન્ટ વધીને ૨૪,૭૬૬ ગઈ કાલે બંધ થયો છે. માર્કેટ નીચામાં ૭૯,૨૦૧ અને ઉપરમાં ૮૦,૩૦૪ થયું હતું. મુખ્યત્વે IT બાદ કરતાં લગભગ તમામ સેક્ટોરલ વધ્યાં છે. વૉરને પગલે નવા ડિફેન્સ ઑર્ડર મળવાની થીમ ચાલતાં નિફ્ટી ડિફેન્સ બેન્ચમાર્ક ૧૮માંથી ૧૬ શૅરના સથવારે અઢી ટકા ઊંચકાયો હતો. મેટલ ઇન્ડેક્સ આગલા દિવસની ખરાબી બાદ ગઈ કાલે ૧૩માંથી ૧૩ શૅરની હુંફમાં ૨.૩ ટકા વધ્યો છે. અહીં અદાણી એન્ટરપ્રાઇઝિસ ૦.૪ ટકા સુધર્યો હતો. નાલ્કો સાત ગણા વૉલ્યુમે ૬ ટકાની તેજીમાં ૩૯૬ થયો છે. પાવર, યુટિલિટીઝ, એનર્જી ઇન્ડેક્સ ૧.૮થી ૨.૪ ટકા તો કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સવાબે ટકા કે ૧૫૬૩ પૉઇન્ટ ઝળક્યો હતો. IT ઇન્ડેક્સ ૭૭માંથી ૩૭ શૅરના સુધારા વચ્ચે અડધો ટકો નરમ હતો. ઇન્ફોબીન્સ ૯.૨ ટકા, નેટવેબ ૬ ટકા, ઑનવર્ડ ટેક્નો ૩ ટકા, રામકો સિસ્ટમ ૪ ટકા બગડ્યા હતા.
sમાર્કેટ બ્રેડ્થ મજબૂત રહી છે. NSEમાં વધેલા ૨૨૧૦ શૅર સામે ૧૦૩૯ કાઉન્ટર માઇનસ હતા. માર્કેટકૅપ ૫.૭૨ લાખ કરોડ વધીને ૪૫૨.૯૦ લાખ કરોડ થયું છે. ડિફેન્સ સેગમેન્ટમાં માઝગાવ ડૉક ૧૮ ગણા કામકાજે ઉપરમાં ૨૪૧૨ વટાવી સાડાઆઠ ટકા ઊછળી ૨૩૫૨, કોચીન શિપયાર્ડ ૩.૫ ટકા વધી ૧૪૪૭ તથા ગાર્ડનરિચ ૪.૬ ટકા ઊંચકાઈને ૨૪૨૦ બંધ થઈ છે. ડેટા પૅટર્ન્સ ૩૪૧૬ની ઑલટાઇમ હાઈ બનાવી ૭.૬ ટકા કે ૨૩૭ રૂપિયાના જમ્પમાં ૩૩૬૦ હતી. ભારત ઇલેક્ટ્રિક ત્રણ ટકા, DCX ઇન્ડિયા ૩.૮ ટકા, એસ્ટ્રામાઇક્રો ૩.૬ ટકા, મિશ્ર ધાતુ નિગમ દોઢ ટકો, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ અડધો ટકો, ભારત ડાયનામેટિક્સ અઢી ટકા, ભારત ફોર્જ અઢી ટકા વધી છે.
નિફ્ટી ખાતે હિન્દાલ્કો ઉપરમાં ૯૮૭ વટાવી ૩.૬ ટકા ઊછળી ૯૫૫ બંધમાં ઝળકી છે. સેન્સેક્સ ખાતે ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૪૬૮ના બેસ્ટ લેવલે જઈ ત્રણ ટકાની મજબૂતીમાં ૪૬૦ હતી. રિલાયન્સ ઉપરમાં ૧૩૯૯ થઈ ૩.૩ ટકાના બાઉન્સ-બૅકમાં ૧૩૯૦ બંધ આપીને સર્વાધિક ૨૫૩ પૉઇન્ટ ફળી છે. જિયો ફાઇનૅન્શિયલ પોણો ટકો સુધરીને ૨૪૩ રહી છે. બે દિવસમાં દસેક ટકાની ખુવારી બાદ લાર્સન સરેરાશ કરતાં ૩૫ ટકા કામકાજમાં ઉપરમાં ૪૦૭૨ થઈ ૩.૯ ટકા વધી ૪૦૩૩ બંધ આવી છે. વૉરને પગલે વિશ્વબજારમાં કોલસાના ભાવ વધી જતાં કોલ ઇન્ડિયા નિફ્ટી ખાતે ઉપરમાં ૪૫૮ બતાવી ૩.૩ ટકાની તેજીમાં ૪૪૯ હતી. અન્યમાં NTPC ૩.૪ ટકા, અદાણી પોર્ટ્સ ૪.૫ ટકા, પાવરગ્રિડ ૨.૩ ટકા, સનફાર્મા ૧.૮ ટકા, JSW સ્ટીલ ૨.૯ ટકા, મારુતિ બે ટકા, મહિન્દ્ર અઢી ટકા, ડૉ. રેડ્ડીઝ લૅબ ૧.૭ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ત્રણેક ટકા, ઇન્ડિગો પોણાત્રણ ટકા વધી હતી.
IT હેવીવેઇટ્સમાં ટેક મહિન્દ્ર સવા ટકો, TCS નજીવો, HCL ટેક્નૉલૉજીઝ પોણો ટકો ઘટી છે. વિપ્રો ૧૯૩ની નવી મલ્ટિયર બૉટમ બનાવી ૧૯૬ના લેવલે યથાવત્ હતી. ઇન્ફોસિસ નજીવી નરમ હતી. લાટિમ કે લાર્સન માઇન્ડ ટ્રી દોઢ ટકો ડાઉન હતી. એટર્નલ નહીંવત્ ઘટીને ૨૪૦ રહી છે. સ્ટેટ બૅન્ક ૦.૩ ટકા ઘટીને ૧૧૭૧ હતી. ICICI બૅન્ક ૦.૪ ટકાની નરમાઈમાં બજારને ૩૧ પૉઇન્ટ નડી છે. HDFC લાઇફ નજીવી, ONGC સાધારણ, ઍક્સિસ બૅન્ક નજીવી, હિન્દુસ્તાન યુનિલીવર ૦.૪ ટકા માઇનસ હતી. દાવત ફેમ એલીટ ફૂડ્સ ૭૮ ગણા કામકાજે ૪૪૦ વટાવીને ૧૭.૪ ટકાના ઉછાળે ૪૩૨ બંધમાં એ-ગ્રુપ ખાતે ઝળકી છે. ગુજરાત ગૅસ ૪.૬ ટકા ગબડી છે. આગલા દિવસે ફૅન્સીમાં રહેલા શુગર શૅર ગઈ કાલે બહુધા ઘટ્યા છે. ઉદ્યોગના ૩૫માંથી ૩૨ જાતો માઇનસ હતી.
તાજેતરમાં લિસ્ટેડ થયેલા IPOમાં મેઇનબોર્ડ ખાતે ગઈ કાલે ક્લીનમૅ!ક્સ એન્સિરો ઉપર ૮૯૮ થઈ ૩.૪ ટકા ગગડી ૮૨૮ રહી છે. શ્રીરામ ટ્વિસ્ટેક્સ ૬૬ની વર્સ્ટ બૉટમ બનાવી પાંચ ટકા તૂટી ત્યાં જ હતી. ગોદિયમ IVF ઍન્ડ વુમન હેલ્થ પર ૮૧ વટાવી દોઢ ટકો ઘટી ૭૯ બંધ આવી છે. એકૉર્ડ ટ્રાન્સફૉર્મર ઉપર ૫૪ થઈ સવાત્રણ ટકા ઘટીને ૫૨, કિઆસા રીટેલ ૧૦૫નો સૌથી નીચો ભાવ દેખાડી પાંચ ટકા તૂટી ત્યાં જ, મોબિલાઇઝ ઍપ લૅબ ૬૧ના વર્સ્ટ લેવલે જઈ પાંચ ટકા તૂટી ત્યાં જ તથા મણિલમ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ૫૫ થઈ અઢી ટકા ઘટી ૫૩ રહી છે. યશતેજ ઇન્ડસ્ટ્રીઝ ૬૫ના ઑલટાઇમ તળિયે જઈ પાંચ ટકા તૂટી ત્યાં જ તો ફૅક્ટલ ઇન્ડસ્ટ્રીઝ ૨૧૬ના આગલા લેવલે યથાવતત્ હતી. સવાઅગિયાર ટકાનો લિસ્ટિંગ ગેઇન આપી ૪૧૪ નજીક બંધ રહેલી PNGS રેવા ડાયમન્ડ જ્વેલરી વળતા દિવસે ૪૧૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૧૦.૫ ટકા તૂટી ૩૭૦ બંધ હતી.
શ્રી અધિકારી બ્રધર્સ અર્થાત્ એક્વિલોન નેક્સસ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૪ વટાવી અંતે ત્યાં જ બંધ હતી. સિલ્વર ટચ ટેક્નૉલૉજીઝ શૅરદીઠ એક બોનસ તેમ જ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ-બોનસ તથા એક્સ-સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ૧૩૭૫ થઈ ચારેક ટકા વધી ૧૩૬૩ હતો. LKP ફાઇનૅન્સ એક શૅરદીઠ ચાર બોનસમાં આજે એક્સ-બોનસ થશે. ભાવ ઉપર ૯૯૦ થઈ દોઢ ટકો ઘટી ૯૬૬ હતો. મીરા ઇન્ડસ્ટ્રીઝમાં ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજન માટે શુક્રવારની રેકૉર્ડ ડેટ છે. શૅર ઉપરમાં ૬૭ જઈ સવા ટકો વધીને ૬૬.૪૮ રહ્યો છે.
આજે શુક્રવારે ઓડિશાની શ્રીનિવાસ પ્રધાન કન્સ્ટ્રક્શન્સ ૧૦ના શૅરદીઠ ૯૮ની અપરબૅન્ડમાં ૪ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૨૦ કરોડનો NSE SME IPO કરવાની છે. ૨૦૨૦માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૧૫૪ ટકા વધારામાં ૮૯૭૩ લાખની આવક પર ૮૫ ટકા વૃદ્ધિદરથી ૬૫૯ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં આવક ૪૫૬૩ લાખ અને ચોખ્ખો નફો ૪૧૧ લાખ થયો છે. દેવું દોઢ વર્ષમાં ૧૮૮ લાખથી વધીને ૧૭૧૭ લાખ થયું છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર ચારથી છ રૂપિયા જેવી છે. હાલ ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઝીરો છે.
મેઇનબોર્ડમાં પુણેની સેડમેક મેક્ટ્રૉનિક્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૫૨ના ભાવનો અતિ મોંઘો ૧૦૮૭ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૪૭ ટકા ભરાયો છે. પ્રીમિયમ ૧૩૦થી શરૂ થઈ ઝીરો થયા પછી ગ્રેમાર્કેટમાં ૧૭ રૂપિયાનું ડિસ્કાઉન્ટ બોલાતું હતું. ત્યાંથી રેટ ૫૫ થઈ હાલ બે રૂપિયા પ્રીમિયમ બોલાય છે. SME સેગમેન્ટમાં ગઈ કાલે રાજસ્થાનના ભિલવાડા ખાતેની ચક્કી આટા વેચતી કંપની એલ્ફિન ઍગ્રો ઇન્ડિયાનો પાંચના શૅરદીઠ ૪૭ના ભાવનો ૨૫૦૩ લાખનો BSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧૪ ટકા સહિત કુલ ૪૮ ટકા ભરાયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી.
ગઈ કાલે અંધેરીની યાપ ડિજિટલ ૧૦ના શૅરદીઠ ૧૪૫ની ઇશ્યુ પ્રાઇસ તથા એક જ દિવસ બોલાયેલા ૪ના પ્રીમિયમ બાદ ઝીરો થઈ ગયેલા રેટ સામે ગઈ કાલે NSEમાં ૧૨૬ ખૂલી ૧૩૩ બંધ થતાં આઠ ટકા લિસ્ટિંગ લૉસ અહીં મળી છે. મેઇનબોર્ડમાં રાજકોટની ઓમ્નિટેક એન્જિનિયરિંગ પાંચના શૅરદીઠ ૨૨૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૦ના ડિસ્કાઉન્ટમાંથી ઝીરો થયેલા પ્રીમિયમ સામે ૨૦૫ ખૂલી ૨૦૫ બંધ થતાં એમાં ૯.૬ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. સ્ટ્રાઇડર્સ ઇમ્પૅક્સનું લિસ્ટિંગ આજે થવાનું છે.
અગાઉ સ્મિફસ કૅપિટલ માર્કેટ્સ તરીકે ઓળખાતી હાલની નેક્સોમ કૅપિટલ માર્કેટ્સ બે શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૭૫ના ભાવથી રાઇટ ઇશ્યુમાં ગઈ કાલે એક્સ-રાઇટ થતાં ઉપરમાં ૯૧ નજીક જઈ ૮.૪ ટકા ગગડીને ૭૯ બંધ થઈ છે. ૧૦ના શૅરની બુક-વૅલ્યુ ૨૬૩ છે. છેલ્લે બોનસ ડિસેમ્બર ૧૯૯૪માં આપ્યું હતું. ઇન્દોરની વોવન બૅન્ગ્સ બનાવતી અગાઉ ઇન્દ્ર ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખાતી બ્લુગૉડ એન્ટરટેઇનમેન્ટ ૪૭ શૅરદીઠ ૯ શૅરના પ્રમાણમાં એકના શૅરદીઠ ત્રણના ભાવથી શુક્રવારે એક્સ-રાઇટ થવાની છે. શૅર ગઈ કાલે ૧.૭ ટકા વધી ૩.૬૦ હતો. એકના શૅરની બુક-વૅલ્યુ ૮૬ પૈસા છે.
BSEને એના સેન્સેક્સ નેક્સ્ટ ૩૦ ઇન્ડેક્સ માટે સેબી તરફથી ડેરિવેટિવ્ઝ શરૂ કરવાની મંજૂરી મળી છે. BSE લિમિટેડનો શૅર ગઈ કાલે ઉપરમાં ૨૭૮૨ થઈ પાંચ ટકા ઊછળીને ૨૭૬૧ રહ્યો છે. MCXનો ભાવ ઉપરમાં ૨૫૭૩ થઈ ૩.૩ ટકા વધી ૨૫૬૦ હતો. અમેરિકા-ઈરાન વચ્ચેની વૉરને કારણે કોલસાના વૈશ્વિક ભાવમાં કરન્ટ આવતાં ઘરઆંગણે કોલ ઇન્ડિયા ૪ ગણા કામકાજે ઉપરમાં ૪૫૮ બતાવી ૩.૪ ટકા વધી ૪૫૦ થઈ છે. ભારત કોકિંગ કોલ ઉપરમાં ૩૪.૩૧ થઈ દોઢ ટકો ઘટી ૩૩ હતી. રામકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ તરફથી ૧૪૦૨ કરોડનો કૉન્ટ્રૅક્ટ મળતાં શૅર ૫૯૭ ગણા જંગી વૉલ્યુમ સાથે ઉપરમાં ૫૦૩ થઈ ૧૧.૬ ટકાની તેજીમાં ૪૮૦ બંધ આવ્યો છે. વૉરને કારણે ક્રૂડની સપ્લાય ખોરવાતાં MRPL દ્વારા માર્ચ અને એપ્રિલ માટે પેટ્રોલ કે ગૅસોલિનની નિકાસના કરાયેલા તમામ કરાર ફોક કરવામાં આવ્યા છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૦૨ થઈ ૨.૭ ટકા વધી ૧૯૬ બંધ થયો છે. ચેન્નઈ પેટ્રોલિયમ ઉપરમાં ૧૦૫૪ થઈ પોણો ટકો ઘટીને ૯૯૨ રહી છે. IOC અડધો ટકો પ્લસ હતી.