20 October, 2026 10:09 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
રિઝલ્ટના પગલે HDFC, ઍક્સિસ બૅન્ક અને ICICI બૅન્કમાં બ્રોકરેજ હાઉસિસના બુલિશ વ્યુ વચ્ચે ત્રણેય શૅર બગડીને બજારને કુલ ૪૨૧ પૉઇન્ટ નડ્યા ઃ TBZ, પી.સી. જ્વેલર્સ, સ્વર્ણ સરિતા, AJC જ્વેલ્સ, દીપ જ્વેલર્સ, મનોજ વૈભવ જેમ્સ, SMR જ્વેલ્સ, RBZ જ્વેલર્સ ઇત્યાિદ જેવા જ્વેલરી શૅરોમાં નવા ઊંચા ભાવ ઃ સારાં પરિણામ આપીને અલ્ટ્રાટેક ૩૦૮ રૂપિયા તરડાયોઃ આવક સાથે ખોટમાં પણ તગડા વધારામાં અર્બન કંપની સાડાદસ ટકા તૂટી ઃ જિયો પ્લૅટફૉર્મનું પ્રીમિયમ વધતું રહીને ૨૬૦ થઈ ગયું ઃ BSEમાં મુહૂર્ત ટ્રેડિંગ ૮ નવેમ્બરે બપોરે ૨.૨૦ વાગ્યે યોજાશે
બ્રેન્ટ ક્રૂડ વધી ૧૦૯ ડૉલર વટાવી હાલ ૧૦૮ ડૉલર ઉપર આવી ગયું છે. મોટા ભાગનાં એશિયન બજાર સપ્તાહના આરંભે માઇનસ ઝોનમાં ગયાં છે. ઇમર્જિંગ માર્કેટ તરીકેનો મોભો ગુમાવનાર ઇન્ડોનેશિયા માર્કેટ વધુ પોણાચાર ટકા ખરડાયું છે. જપાન અને તાઇવાન અડધા ટકાથી વધુ ઢીલાં હતાં. સાઉથ કોરિયા પોણાબે ટકા તથા હૉન્ગકૉન્ગ અડધો ટકો સુધર્યું છે. યુરોપ રનિંગમાં સવાથી દોઢ ટકો ડૂલ હતું. ઘરઆંગણે સળંગ ૮ સપ્તાહની ઐતિહાસિક નરમાઈને બ્રેક લગાવ્યા પછી નવા સપ્તાહની શરૂઆત બજારે નેગેટિવ ટોનથી કરી છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૨૦ પૉઇન્ટ પ્લસ, ૭૪,૮૪૯ ખૂલી છેવટે ૮૭૬ પૉઇન્ટના ઘસારામાં ૭૩,૮૫૩ તો નિફ્ટી ૨૯૪ પૉઇન્ટ બગડી ૨૨,૮૮૯ બંધ થયો છે. સેબી તરફથી એની કસીનો-સેશન કે CAS સિસ્ટમ્સને રોલબૅક કરવાની તજવીજ તથા શૅરબજાર મૂડીબજારને લગતા કરવેરાની જોગવાઈમાં રાહત આપવા સરકારની વિચારણા જેવા અહેવાલ બજારને ગઈ કાલે નવી હામ આપી શક્યા નથી. દરમ્યાન BSE તરફથી મુહૂર્ત ટ્રેડિંગનું સેશન ૮ નવેમ્બરે બપોરના ૨.૨૦થી ૩.૩૦ કલાકે નિયત કરાયું છે. ગઈ કાલે સેન્સેક્સ ઉપરમાં ૭૪,૮૫૦ નજીક જઈ નીચામાં ૭૩,૭૦૮ થયો હતો. ખાસ્સી ખરાબ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૮૪૬ શૅરની સામે ૨૭૧૬ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪.૬૯ લાખ કરોડ ઘટીને હવે ૪૬૭.૯૩ લાખ કરોડ રહ્યું છે. સેન્સેક્સ નિફ્ટીની સવા ટકા જેવી નબળાઈ સામે તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં ગયા છે. ITમાં ૧.૪ ટકા, FMCGમાં દોઢ ટકા, કૅપિટલ ગુડ્સમાં એક ટકા, ફાઇનૅન્સ ઇન્ડેક્સ સવા ટકો, હેલ્થકૅર એક ટકો, રિયલ્ટી સવા ટકો, ડિફેન્સ એક ટકો ઘટ્યો છે. એક માત્ર પીએસયુ બૅન્ક નિફ્ટી પ્લસ થયો છે.
નિફ્ટીમાં JSW સ્ટીલ બે ટકા તો સેન્સેક્સમાં સ્ટેટ બૅન્ક એકાદ ટકો વધી ટૉપ ગેઇનર બની છે. ONGC ૧.૪ ટકા, આઇશર ૦.૯ ટકા, લાર્સન એક ટકા નજીક નિફ્ટીમાં પ્લસ હતી. સેન્સેક્સમાં અદાણી પોર્ટ્સ એક ટકો અને લાર્સન અડધો ટકો સુધરી હતી. નિફ્ટી ૪.૨ ટકા અને સેન્સેક્સ ૩.૯ ટકા ગગડી ઍક્સિસ બૅન્ક ટૉપ લૂઝર બની છે. અન્યમાં તાતા મોટર્સ પૅસેન્જર ૩ ટકા, ઇન્ફોસિસ ૨.૭ ટકા, બજાજ ફાઇનૅન્સ અઢી ટકા. અપોલો હૉસ્પિટલ ૨.૪ ટકા, અલ્ટ્રાટેક ૨.૮ ટકા, ટ્રેન્ટ ૨.૪ ટકા ડાઉન હતી. રિલાયન્સ અડધા ટકા જેવા ઘટાડે ૧૨૦૨ થઈ છે. TCS નામપૂરતી તો ટેક મહિન્દ્ર અડધો ટકો નરમ હતી. ભારતી ઍરટેલ પોણાબે ટકા નજીકના ઘટાડે ૧૮૭૩ થઈ છે. મેક્સ હેલ્થકૅર ૮૨૮ની ૨૮ માસની બૉટમ બનાવી ૧.૯ ટકા ગગડી ૮૨૯ બંધ આવી છે.
તગડા પરિણામ પાછળ HDCL વૉલ્યુમ સાથે ઉપલી સર્કિટે બંધ
પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝ એના પાલઘર ખાતેના યુનિટનું વિસ્તરણ કરી રહી છે. ઇજિપ્ત ખાતેનો એનો નવો પ્લાન્ટ વર્ષાન્તે કાર્યરત થશે એવા અહેવાલ છે. શૅર ગઈ કાલે ૩૪ ગણા કામકાજે ઉપરમાં ૨૩૫ થઈ ૯.૯ ટકાની તેજીમાં ૨૨૬ બંધ થયો છે. અર્બન કંપનીની ત્રિમાસિક આવક ૪૧.૪ ટકા વધીને ૫૩૭ કરોડ થઈ છે. એની સાથે નેટ લૉસ પણ ૫૯ કરોડથી વધીને ૧૮૨ કરોડને વટાવી ગઈ છે. એમાં શૅર પાંચ ગણા કામકાજે સાડાદસ ટકા તૂટી ૧૪૨ની અંદર બંધ રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ્સની ત્રિમાસિક આવક ૧૮.૮ ટકા વધીને ૨૩,૨૯૫ કરોડ તથા નફો ૨૧.૪ ટકા વધીને ૧૪૯૪ કરોડ આવ્યો છે. માર્જિન સુધરી ૧૬ ટકા જોવાયું છે, પરંતુ શૅર લગભગ બમણા કામકાજે નીચામાં ૧૦,૫૫૫ થઈ પોણાત્રણ ટકા કે ૩૦૮ રૂપિયા તરડાઈ ૧૦,૬૨૦ બંધ આવ્યો છે.
HFCL તરફથી સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૪૩ ટકાના વધારામાં ૨૫૪૨ કરોડની આવક તથા ૪૩૪ ટકા વૃદ્ધિદર સાથે ૩૬૩ કરોડ નેટ પ્રૉફિટ હાંસલ કરાયો છે. શૅર સવાયા કામકાજે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૬૯ જેવો બંધ થયો છે. લા ટ્રાવેન્યુઝ ટેક્નૉલૉજી (લેક્સીગો)ની આવક ૧૩ ટકા વધી ૩૨૧ કરોડ થઈ છે. કંપની ૩૪૬ લાખની ચોખ્ખી ખોટમાંથી ૬૩૪૨ લાખના નેટ નફામાં આવી છે. ફ્રેશબસ નામના વર્ટિકલ્સમાં ૧૭.૪ ટકા હિસ્સો વેચવાથી ૪૦૭૦ લાખના વન-ટાઇમ ગેઇનનો પણ નફામાં મોટો ફાળો છે. શૅર ઉપરમાં ૧૬૬ થઈ પોણાનવ ટકાની તેજીમાં ૧૫૭ બંધ રહ્યો છે.
મહારાષ્ટ્ર સ્કૂટર્સનું નામ બદલીને બજાજ નિવેશ કરવામાં આવ્યું છે. શૅર દોઢ ટકો ઘટી ૧૨,૨૫૦ બંધ થયો છે. તાતા સ્ટીલના પરિણામ ૨૭મીએ જાહેર કરાશે. શૅર એક ટકો ઘટીને ૧૭૪ નીચે બંધ રહ્યા છે. ITC લિમિટેડના રિઝલ્ટ બીજી નવેમ્બરે આવશે. ભાવ પોણો ટકો ઘટી ૨૬૧ હતો. LCC પ્રોજેક્ટ્સને ૧૫૨ કરોડનો નવો ઑર્ડર મળ્યો છે. શૅર સવાબે ટકા ઘટી ૧૩૩ બંધ રહ્યો છે.
સતત ખોટ કરતી ઝેટવર્કનો ઇશ્યુ QIBની મહેરબાનીથી પાર થયો
ગઈ કાલે મેઇન બોર્ડમાં ૪ ભરણાં પૂરાં થયાં છે. સુરતની સહજાનંદ મેડિકલ એકના શૅરદીઠ ૩૪૪ના ભાવે ૪૭૫ કરોડનો પ્યૉર OFS IPO લાવી હતી એ રીટેલમાં ૩ ગણા સહિત કુલ સવાચૌદ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ઘટીને ૨૩ બોલાય છે. ઇટાલિયન મલ્ટિનૅશનલ બોનફીગલીયોલી ટ્રાન્સમિશન્સનો ૧૦ના શૅરદીઠ ૫૮૬ના ભાવનો ૨૫૩૪ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૬ ગણા સહિત કુલ ૪૬ ગણો, ઝેટવર્ક મૅન્યુફૅક્ચરિંગનો એકના શૅરદીઠ ૧૫૧ના ભાવનો ૫૦૧૨ કરોડનો IPO રીટેલમાં ૭૭ ટકા સહિત કુલ ૩.૧ ગણો તથા ટોન્બો ઇમેજિંગનો બેના શૅરદીઠ ૭૦૦ના ભાવનો ૮૫૨ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ રીટેલમાં ૩૧ ગણા સહિત કુલ ૧૩૩ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. હાલ ટોન્બોમાં પ્રીમિયમ વધીને ૫૧૫ થયું છે. બોનફીગલિયોલીમાં ૧૧૧નું તો ઝેટવર્કમાં પોણાચારનું પ્રીમિયમ છે. SME સેગમેન્ટમાં સેલ્ઝ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૭૯ના ભાવનો ૬૦ કરોડનો BSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે રીટેલમાં ૫૬ ગણા સહિત કુલ ૫૮.૫ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. છેલ્લે-છેલ્લે એમાં પચીસથી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી અત્યારે ૪૬ ચાલે છે. દરમ્યાન રિલાયન્સની સબસિડિયરી જિયો પ્લૅટફૉર્મનો શૅરદીઠ ૧૧૧૯ની અપરબૅન્ડમાં ૩૦,૨૧૩ કરોડનો મહાકાય ઇશ્યુ બુધવારે ખૂલવાનો છે ત્યારે ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ સતત વધતું રહીને હાલ ૨૬૦ થઈ ગયું છે.
જ્વેલરી શૅરની ઝમક ઓર વધી, શુગર શૅર કડવા બન્યા
ખાંડના ભાવવધારાને નાથવાના પ્રયાસ તરીકે હવે સરકારે તેલ કંપનીઓને શેરડીનો ઉપયોગ થતો હોય એવો ઇથાનૉલ નહીં ખરીદવાનું ફરમાન કર્યું છે. આના કારણે ગઈ કાલે શુગર શૅરમાં વ્યાપક નરમાઈ જોવાઈ છે. ઉદ્યોગના ૩૪માંથી ૨૮ શૅર ઘટ્યા છે જેમાં મગઘ શુગર સવાસાત ટકા, વિશ્વરાજ ૭.૨ ટકા, રેણુકા શુગર ૬.૪ ટકા, ધામપુર બાયો સવાછ ટકા, પોની ઇરોડ પોણાછ ટકા, બજાજ હિન્દુસ્તાન ૫.૬ ટકા, દ્વારકેશ પાંચ ટકા, પિકાડેલી શુગર પોણાપાંચ ટકા, ધામપુર સ્પેશ્યલિટી સાડાચાર ટકા, ધામપુર શુગર ૪.૧ ટકા, દાલમિયા શુગર પોણાચાર ટકા, બલરામપુર ચીની સાડાત્રણ ટકા કડવી બની છે. ડીસીએમ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ અઢી ગણા કામકાજે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૪૭.૭૭ બંધ આપી સામા પ્રવાહે જોવાઈ છે. કે.એમ. શુગર ૧૦.૭ ટકા ઊંચકાઈ ૩૧.૫૦ વટાવી ગઈ છે. રાવલગાવ, રાણા શુગર, મવાણા શુગર એકથી પોણાબે ટકા પ્લસ હતી.
જેમ્સ જ્વેલરી શૅરમાં બહુધા ઝમક ચાલુ રહી છે. TBZ લિમિટેડ ૭૯૮ની ઑલટાઇમ નવી હાઈ બનાવી ૧.૯ ટકા વધી ૭૭૫ થઈ છે. પી.સી. જ્વેલર્સ છઠ્ઠા દિવસની આગેકૂચમાં ૧૮.૬૬ની મલ્ટિયર-ટૉપ દેખાડી ૧૧.૪ ટકા ઝળકી ૧૮.૧૪ બંધ આવી છે. સ્વર્ણ સરિતા જ્વેલ્સ ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૪૭.૨૯ની બે વર્ષની ઊંચી સપાટીએ બંધ હતી. દીપ જ્વેલર્સ ૨૭૩ની વિક્રમી સપાટી બનાવી સાડાસાત ટકાની તેજીમાં ૨૭૦ રહી છે. SMR જ્વેલ્સ ૧૪૬ના શિખરે જઈ સવાસાત ટકા ઊછળી ૧૪૦ નજીક હતી. મનોજ વૈભવ જેમ્સ ૨૪૪ની ૧૬ માસની ટૉપ બનાવી સાડાછ ટકા વધી ૨૪૦ હતી. AJC જ્વેલ્સ ૩૫૦ના નવા બેસ્ટ લેવલે જઈ પાંચ ટકાની ઉપલી સર્કિટે ત્યાં જ રહી છે. થંગમયિલ સવા ટકો, પ્રાયોરિટી ૪.૮ ટકા, સ્કાયગોલ્ડ ૩ ટકા, લલિતા જ્વેલરી ૨.૯ ટકા, કલ્યાણ જ્વેલર્સ એક ટકો નરમ હતી.
યસ બૅન્કનો નફો ૬૫ ટકા વધ્યો, શૅર બગડીને દોઢ વર્ષના તળિયે
હેવીવેઇટ્સ અગ્રણી ખાનગી બૅન્ક HDFC તરફથી સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં એકંદર ધારણાં મુજબનાં પરિણામ જાહેર થયાં છે. સ્ટૅન્ડ અલોન ધોરણે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પોણાદસ ટકા વધી ૩૪,૫૧૯ કરોડ તથા નફો પોણાપાંચેક ટકા વધી ૧૯,૫૧૦ કરોડ આવ્યો છે. માર્જિન પ્રેશરમાં જોવાયું છે. બર્નસ્ટેન દ્વારા ભારે બુલિશ વ્યુમાં ૧૧૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ અપાયું છે. સિટીવાળાએ ૯૭૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૮૮૦ કરી છે. ગોલ્ડમૅન સાક્સે ૮૬૧ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બાયનું રેટિંગ જાળવી રાખ્યું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૭૩૫ નજીક જઈ નીચામાં ૭૦૭ બતાવી ૨.૩ ટકા ઘટી ૭૧૧ બંધ આપી બજારને ૨૧૨ પૉઇન્ટ નડ્યો છે. ICICI બૅન્ક સ્ટૅન્ડ અલોન ધોરણે પોણાઅઢાર ટકા વધારામાં ૨૫,૩૩૯ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ સાથે ૨૦ ટકા વૃદ્ધિદરથી ૧૪,૮૪૩ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. ગોલ્ડમૅન સાક્સે તગડા બુલિશ વ્યુ સાથે ૨૦૨૫ની ટાર્ગેટ પ્રાઇસથી લેવાની ભલામણ કરી છે. જેપી મૉર્ગને ૧૩૩૫ની ટાર્ગેટ પ્રાઇસ વધારી ૧૮૦૦ કરી છે. નોમુરા ૧૭૪૦, જેફરીઝ ૧૮૫૦, સિટી ૧૭૭૦ તથા બર્નસ્ટેન ૧૮૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ રહ્યા છે. શૅર સવાયા વૉલ્યુમે ઉપરમાં ૧૪૧૨ થઈને નીચામાં ૧૩૭૮ દેખાડી એક ટકા ઘટીને ૧૩૮૨ના બંધમાં બજારને ૮૯ પૉઇન્ટ માર પડ્યો છે. ઍક્સિસ બૅન્ક પોણાબાર ટકા વધારામાં ૧૫,૩૭૧ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૩૭.૬ ટકાના વધારામાં ૭૦૦૩ કરોડ નેટ પ્રૉફિટ મેળવ્યો છે. નફામાં મોટા વધારા માટે લોઅર બેઝ ઇફેક્ટ કામ કરી ગઈ છે. અગાઉના સપ્ટેમ્બર ૨૦૨૫ના ક્વૉર્ટરમાં બૅન્કે અગ્રીમ ધિરાણને લગતી વન-ટાઇમ પ્રોવિઝન કરતાં નફાને અશર થઈ હતી. નુવામાએ ૧૬૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી ઍક્સિસ બૅન્કમાં બુલિશ વ્યુ આપ્યો છે. જોકે શૅર નીચામાં ૧૨૨૫ થઈ ૩.૯ ટકા ગગડી ૧૨૩૭ બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ઘટાડામાં આગળ રહ્યો છે. એના લીધે બજારને ૧૧૯ પૉઇન્ટનો માર પડ્યો છે.
અન્ય બૅન્કિંગ શૅરમાં જના સ્મૉલ ફાઇનૅન્સ બૅન્કનાં પરિણામ ૨૩મીએ છે. બૅન્કમાં ઇક્વિટી સ્ટેક લેવા ફેડરલ બૅન્ક તલપાપડ નથી એવી ફેડરલ બૅન્ક તરફથી વાત વહેતી થતાં જન સ્મૉલ બૅન્કનો ભાવ ગઈ કાલે ૧૦ ગણા કામકાજે નીચામાં ૪૨૪ થઈને ૧૨.૬ ટકા ખરડાઈ ૪૨૯ બંધ આવ્યો છે. યુનિયન બૅન્કની ત્રિમાસિક નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૨૦.૨ ટકા વધી ૧૦,૭૬૫ કરોડ થઈ છે. નફો ૩૧ ટકા ઊછળી ૫૭૮૧ કરોડ નોંધાયો છે. શૅર પાંચેક ગણા વૉલ્યુમે ઉપર ૧૮૩ થઈ પાંચ ટકાની મજબૂતીમાં ૧૮૦ બંધ થયો છે. IDBI બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૨૯ ટકા વધી ૪૨૨૮ કરોડ તથા નફો ૩૯ ટકા ઘટીને ૨૨૦૫ કરોડ થયો છે. NSDLના શૅર વેચાણમાંથી ૧૬૯૯ કરોડની વન-ટાઇમ આવક થઈ હતી. એના લીધે અગાઉ નફો વધુ આવ્યો હતો. શૅર ઉપર ૮૫ નજીક જઈ સવાબે ટકા ઘટી ૮૨ થયો છે. યસ બૅન્કે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૨૨.૭ ટકા વધારામાં ૨૮૨૨ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૬૫ ટકા વૃદ્ધિદરથી ૧૦૮૦ કરોડ નેટ નફો બતાવ્યો છે. સુપ્રીમ કોર્ટ તરફથી ૮૪૧૫ કરોડના AT-1 બૉન્ડના મામલે બૉન્ડધારકોની તરફેણમાં મુંબઈ હાઈ કોર્ટે આપેલા ચુકાદાને જાળવી રખાયો છે, પરંતુ બૅન્કે પરિણામમાં એની જોગવાઈ કરી નથી. જો આ જોગવાઈ કરાય તો બૅન્કની નેટ લૉસ આ વખતે ૫૨૧૭ કરોડ થવા જાય છે. શૅર ગઈ કાલે ૬ ગણા કામકાજે ૧૬.૮૪ની દોઢ વર્ષની બૉટમ બનાવી ૩.૯ ટકા બગડી ૧૬.૮૯ બંધ રહ્યો છે.
સેન્ટ્રલ બૅન્કની ત્રિમાસિક નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૨૬.૩ ટકા વધીને ૪૧૪૬ કરોડ તથા નેટ પ્રૉફિટ ૨૧.૧ ટકાના વધારામાં ૧૪૬૯ કરોડ આવ્યો છે. શૅર અઢી ગણા કામકાજે ઉપરમાં ૩૨ નજીક જઈ ૩૧ના લેવલે યથાવત હતો. ગઈ કાલે સ્ટેટ બૅન્ક ૧.૧ ટકા વધી ૯૭૨ હતી. પરિણામ પાંચ નવેમ્બરે આવશે. કોટક મહિન્દ્ર બૅન્કના પરિણામ ૨૩મીએ છે. શૅર ગઈ કાલે નીચામાં ૪૩૯ અંદર જઈ પોણો ટકો ઘટી ૪૪૨ હતો. બૅન્ક નિફ્ટી ગઈ કાલે ૦.૬ ટકા ડાઉન હતો. સામે પીએસયુ બૅન્ક નિફ્ટી અઢી ટકા વધ્યો છે. પંજાબ નૅશનલ બૅન્ક દ્વારા ૧૧ ટકા વધારામાં ૧૧,૬૦૧ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર અગાઉના ૪૯૦૪ કરોડ સામે આ વેળા ૫૫૩૨ કરોડ નેટ નફો દર્શાવાતાં ભાવ પોણાછ ગણા કામકાજે ઉપર ૧૨૫ વટાવી ૪.૮ ટકાના જમ્પમાં ૧૨૧ ઉપર બંધ થયો છે.