આખલા-રીંછની બે દિવસની ખેંચતાણ બાદ બજાર રિલાયન્સના જોરે વધ્યું

12 February, 2021 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખલા-રીંછની બે દિવસની ખેંચતાણ બાદ બજાર રિલાયન્સના જોરે વધ્યું

પ્રતીકાત્મક તસવીર

બે દિવસની ખેંચતાણના અંતે આખરે ગુરુવારે બજારમાં આખલાઓનું જોર ફરી દેખાયું હતું. વૈશ્વિક માર્કેટના સુધરેલા માનસની અસરરૂપે તથા હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ૪ ટકાની વૃદ્ધિને પગલે એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ગુરુવારે ૨૨૨.૧૩ (૦.૪૩ ટકા) વધીને ૫૧,૫૩૧.૫૨ બંધ રહ્યો હતો. એફઍન્ડઓ સેગમેન્ટની સાપ્તાહિક એક્સપાયરીએ પણ બજારને વધવામાં મદદ કરી હતી. નિફ્ટી ૧૫,૧૫૦ની સપાટી તોડી શક્યો હતો. આ ઇન્ડેક્સ દિવસના અંતે ૬૬.૮૦ પૉઇન્ટ (૦.૪૪ ટકા) વધીને ૧૫,૧૭૩.૩૦ બંધ રહ્યો હતો.

રોકાણકારોએ ગુરુવારે સ્ટૉક-સ્પેસિફિક ખરીદી હતી. બીએસઈ પર બ્રૉડર માર્કેટમાં સ્મૉલ કૅપ બેન્ચમાર્ક કરતાં વધુ એટલે કે ૧.૦૬ ટકા વધ્યા હતા. મિડ કૅપમાં બેન્ચમાર્ક જેટલી જ અર્થાત્‌ ૦.૪૫ ટકાની વૃદ્ધિ થઈ હતી. એસઍન્ડપી બીએસઈ ૨૫૦ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧.૨૫ ટકા વધ્યો હતો.

દિવસની ધીમી શરૂઆત બાદ રેન્જ બાઉન્ડ વધ-ઘટ થઈ હતી અને પછીથી રિલાયન્સ, બજાજ ફાઇનૅન્સ અને હિન્દુસ્તાન યુનિલીવરે ઇન્ડેક્સને વધારવામાં મદદ કરી હતી. સેન્સેક્સ ૫૧,૧૬૫.૮૪ પૉઇન્ટ ખૂલીને ઉપરમાં ૫૧,૫૯૨.૪૫ અને નીચામાં ૫૧,૧૫૭.૩૧ સુધી ગયો હતો. આમ દિવસ દરમ્યાન ૪૩૫ પૉઇન્ટનો ઉતાર-ચડાવ થયો હતો.

રિલાયન્સ ૪ ટકા અને સન

ફાર્મા ૨.૬૨ ટકા વધ્યા

બીએસઈ પર રિલાયન્સ ૪.૦૭ ટકા વધીને ૨૦૫૫.૫૫ બંધ રહ્યો હતો. અન્ય વધેલા મુખ્ય સ્ટૉક્સમાં સન ફાર્મા (૨.૬૨ ટકા), બજાજ ફાઇનૅન્સ (૧.૬૦ ટકા), પાવરગ્રિડ (૧.૫૯ ટકા), નેસલે ઇન્ડિયા (૧.૪૫ ટકા), ભારતી ઍરટેલ (૧.૪૧ ટકા), હિન્દુસ્તાન યુનિલીવર (૧.૧૯ ટકા), એચસીએલ ટેક (૧.૧૬ ટકા), ટેક મહિન્દ્ર (૧.૦૭ ટકા) વધ્યા હતા. ઘટેલા શૅરોમાં ટાઇટન (૨.૫૦ ટકા), લાર્સન ઍન્ડ ટૂબ્રો  (૧.૪૩ ટકા), એચડીએફસી બૅન્ક (૦.૭૦ ટકા) અને આઇટીસી (૦.૫૩ ટકા) સામેલ હતા.

બીએસઈ પર વૉલ્યુમની દૃષ્ટિએ મોખરે રહેનારા સ્ટૉક્સમાં રિલાયન્સ, સ્ટેટ બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, આઇટીસી, ટાઇટન, એચડીએફસી બૅન્ક, ભારતી ઍરટેલ, એચસીએલ ટેક અને બજાજ ફિનસર્વ સામેલ હતા.

નિફ્ટી૫૦ના મુખ્ય વધેલા સ્ટૉક્સ હિન્દાલ્કો (૫.૫૧ ટકા), અદાણી પોર્ટ્સ (૨.૩૨ ટકા) અને ગેઇલ (૨.૧૦ ટકા) હતા. ઘટેલા શૅરોમાં આઇશર મોટર્સ (૨.૫૬ ટકા), તાતા મોટર્સ (૧.૨૨ ટકા) અને કોલ ઇન્ડિયા (૧.૦૫ ટકા) હતા.

એફઆઇઆઇની નેટ

૯૪૪ કરોડની ખરીદી

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ - એફઆઇઆઇ)એ ગુરુવારે ૯૪૪.૩૬ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી. તેમની કુલ ખરીદી ૫૬૨૭.૭૧ કરોડ અને કુલ વેચાણ ૪૬૮૩.૩૫ કરોડ રૂપિયા હતા.

મેગ્મા ફિનકૉર્પમાં ઉપલી સર્કિટ, ૮ સત્રમાં ભાવ લગભગ બમણો

મુંબઈસ્થિત નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની મેગ્મા ફિનકૉર્પમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ દર પૂનાવાલાના નિયંત્રણ હેઠળની રાઇઝિંગ સન હોલ્ડિંગ્સ કંપનીએ ૬૦ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી એને પગલે મેગ્માના સ્ટૉકને ગુરુવારે ૧૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. નોંધનીય છે કે આ સ્ટૉક પહેલી ફેબ્રુઆરી બાદ સતત વધ્યો છે. પહેલી ફેબ્રુઆરીએ એનો બંધ ભાવ

૪૭.૧૫ રૂપિયા હતો, જે ૮ ટ્રેડિંગ સત્રોમાં લગભગ બમણો થઈને ગુરુવારે ૯૩.૪૦ બંધ રહ્યો હતો. ગુરુવારનો બંધ એનો બાવન સપ્તાહનો ટોચનો ભાવ હતો.

કોલ ઇન્ડિયાએ જાહેર કરેલાં ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામ મુજબ એનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૨૧ ટકા ઘટ્યો હોવાની અસર તળે સ્ટૉકના ભાવમાં ગુરુવારે ઘટાડો આવ્યો હતો. એનાથી વિપરીત હિન્દાલ્કોએ સ્ટૅન્ડઅલોન ચોખ્ખા નફામાં ૭૬ ટકાની વૃદ્ધિ જાહેર કરતાં સ્ટૉકના ભાવમાં ૫.૫ ટકાનો ઉછાળો આવ્યો હતો.

બીએસઈ પર ટર્નઓવરની દૃષ્ટિએ સૌથી વધુ સક્રિય શૅરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૩૯,૩૯૧.૩૭ કરોડ રૂપિયા), આઇડિયા (૨૧,૨૮૩.૨૯ કરોડ), તાતા મોટર્સ (૧૩,૯૬૬.૧૭ કરોડ), ડીએલએફ (૧૧,૯૭૭.૭૪ કરોડ) અને એમઆરએફ (૭,૦૪૦.૮૦ કરોડ) સામેલ હતા. ગ્રુપ ‘એ’માંથી વીમાર્ટ અને સદ્ભાવ એન્જિનિયરિંગમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં બેઝિક મટીરિયલ્સ ૧.૧૬ ટકા, સીડીજીએસ ૦.૧૦ ટકા, એનર્જી ૩.૧૩ ટકા, એફએમસીજી ૦.૭૯ ટકા, હેલ્થકૅર ૦.૨૨ ટકા, ટેલિકૉમ ૧.૬૩ ટકા, યુટિલિટીઝ ૧.૧૯ ટકા, મેટલ ૧.૦૩ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૧.૫૨ ટકા અને ટેક ૦.૧૮ ટકા વધ્યા હતા, જ્યારે ફાઇનૅન્સ ૦.૦૨ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૧૯ ટકા, ઑટો ૦.૪૧ ટકા, બૅન્કેક્સ ૦.૦૬ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૯૭ ટકા, કન્ઝ્‍યુમર ડ્યુરેબલ્સ ૦.૪૩ ટકા, પાવર ૦.૦૧ ટકા અને રિયલ્ટી ૦.૧૮ ટકા ઘટ્યા હતા.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે કુલ ૩,૦૫,૭૬૪.૯૯ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૭૦,૬૮૮ સોદાઓમાં ૨૬,૧૨,૮૨૧ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૭,૭૪,૧૮૦ કૉન્ટ્રૅક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સમાં ૮.૩૧ કરોડ રૂપિયાના ૪૭ સોદામાં ૭૦ કૉન્ટ્રૅક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કોલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૪૪,૩૭૪ સોદામાં ૧૬,૯૮,૧૫૫ કૉન્ટ્રૅક્ટ સાથે ૨,૧૧,૯૮૩.૪૯ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૨૬,૨૬૭ સોદામાં ૯,૧૪,૫૯૬ કૉન્ટ્રૅક્ટ સાથે ૯૩,૭૭૩.૧૯ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

વિદેશી વહેણ

બુધવારના યુરોપિયન બજારના વૃદ્ધિના વલણની અસર ભારતીય બજાર પર થઈ હતી. અમેરિકામાં નૅસ્ડૅકમાં ૦.૨૫ ટકાનો મામૂલી ઘટાડો થયો હતો. ગુરુવારે અમેરિકન બજારમાં ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટનું ટ્રેડિંગ વૃદ્ધિ દર્શાવતું હતું.

બજાર કેવું રહેશે?

વિશ્લેષકોના મતે અમેરિકન બજારોમાં વધારો થવાના સંકેત હોવાથી ભારતમાં પણ વૃદ્ધિતરફી વલણ રહેશે. જોકે શુક્રવારે દેશના મુખ્ય મેક્રો ઇકૉનૉમિક આંકડાઓ અર્થાત્‌ ઔદ્યોગિક વૃદ્ધિદર, ગ્રાહક ભાવાંક અને જથ્થાબંધ ભાવાંક જાહેર થવાના હોવાથી બજાર પર

એની અસર રહેશે. નિફ્ટી ૧૫,૨૫૦ની ઉપર બંધ રહેશે તો આંક વધુ ઉપર જવાની શક્યતા ઊભી થશે. ટૂંકા ગાળામાં કન્સોલિડેશનની સંભાવના પણ છે.

business news