સેન્સેક્સ ૬૪૬ પૉઇન્ટ અને નિફ્ટી ૧૭૧ પૉઇન્ટ વધી ૧૧૪૦૦ને પાર

11 September, 2020 12:44 PM IST  |  Mumbai | Mumbai correspondent

સેન્સેક્સ ૬૪૬ પૉઇન્ટ અને નિફ્ટી ૧૭૧ પૉઇન્ટ વધી ૧૧૪૦૦ને પાર

પ્રતીકાત્મક તસવીર

બુધવારે અમેરિકન શૅરબજારમાં વેચવાલીનો દોર અટકી ગયો હતો અને એની સાથે એશિયાઈ શૅરોમાં પણ તેજી હતી. આ તેજીના સથવારે ભારતીય શૅરબજારમાં ગઈ કાલે ખરીદીનો માહોલ હતો. આઠ દિવસથી સતત ઘટી રહેલા બૅન્કિંગમાં ખરીદી નીકળતા માર્કેટ સેન્ટીમેન્ટ સુધર્યા હતા. આ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એની રીટેલ કંપની રિલાયન્સ રીટેલમાં ૪૦ ટકા હિસ્સો વિશ્વની સૌથી મોટી ઑનલાઇન રીટેલ માર્કેટિંગ કંપની ઍમેઝૉનને ૨૦ અબજ ડૉલરમાં વેચશે એવા અહેવાલથી
તેજી બળવાન બની હતી. રિલાયન્સની તેજીના ટેકાથી સેન્સેક્સ અને નિફ્ટી મહિનામાં સૌથી વધુ ઊછળી બંધ
આવ્યા હતા.
સત્રના અંતે સેન્સેક્સ ૬૪૬.૪૦ પૉઇન્ટ કે ૧.૬૯ ટકા વધી ૩૮૮૪૦.૩૨ અને નિફ્ટી ૧૭૧.૨૫ પૉઇન્ટ કે ૧.૫૨ ટકા વધી ૧૧૪૪૯.૨૫ બંધ રહ્યા હતા. ગઈ કાલની તેજીમાં રિલાયન્સ ઉપરાંત ઍક્સિસ બૅન્ક, એશિયન પેઇન્ટ અને ઇન્ફોસીસનો પણ સિંહફાળો જોવા મળ્યો હતો. વિદેશી સંસ્થાઓએ ગઈ કાલે બજારમાં નીચા મથાળે ખરીદી કરી, પણ સ્થાનિક સંસ્થાઓએ વેચવાલી જાળવી રાખી હતી. વિદેશી સંસ્થાઓએ આજે ૮૩૮ કરોડ રૂપિયાની ખરીદી કરી હતી અને સ્થાનિક સંસ્થાઓએ ૩૧૭ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા.
આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ ક્ષેત્રોમાંથી મેટલ્સ અને ફાર્મા સિવાય બધાં ક્ષેત્રોમાં વૃદ્ધિ જોવા મળી હતી. સરકારી બૅન્કો, ફાઇનૅન્શિયલ અને મીડિયામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. એક્સચેન્જ  ઉપર ૩૮ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને એક નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૮૧ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૮૪ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ પર ૧૦૯ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૫૮ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૭૭ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૦૬માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦૧.૨૭ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૯૨ ટકા વધ્યા હતા. ગુરુવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૨,૨૦,૯૨૮ કરોડ રૂપિયા વધી ૧૫૫.૨૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
રિલાયન્સ વિક્રમી સપાટીએ : ઇન્ડેક્સના ઉછાળામાં બે તૃતીયાંશ હિસ્સો
ઍમેઝૉન સાથે સ્પર્ધામાં ઊતરવાના બદલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની રિટેલ કંપનીમાં ૪૦ ટકા હિસ્સો આપશે અને લગભગ ૨૦ અબજ ડૉલરની મૂડી ઊભી કરશે એવા સમાચાર વચ્ચે ભારતની સૌથી મોટી કંપનીના શૅરમાં ગઈ કાલે પાંચ મહિનાનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ભારતના કૉર્પોરેટ ઇતિહાસમાં આટલો મોટો સોદો થયો નથી એનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ગઈ કાલે રિલાયન્સના શૅર એક તબક્કે ૮.૪૫ ટકા વધી પોતાની ઇતિહાસની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી દિવસના અંતે ૭.૧૦ ટકા વધી ૨૩૧૪.૬૫ રૂપિયા બંધ રહ્યા હતા. સેન્સેક્સના ૬૪૬ પૉઇન્ટના ઉછાળામાં એકલા રિલાયન્સનો હિસ્સો ૪૪૮ પૉઇન્ટ અને નિફ્ટીના ૧૭૧ પૉઇન્ટમાં કંપનીનો હિસ્સો ૧૧૮ પૉઇન્ટનો રહ્યો હતો.
આઠ સત્રની વેચવાલી બાદ બૅન્કિંગમાં ખરીદી
આઠ સત્રમાં નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૧૨.૮ ટકા ઘટ્યો હતો. આર્થિક મંદી, મોરેટોરિયમમાં વ્યાજ પર વ્યાજનો કેસ કે અન્ય પરિબળથી સતત વેચવાલીના દબાણ વચ્ચે બૅન્કિંગ શૅરોમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પણ ગઈ કાલે નીચા મથાળે વેલ્યુ બાઇંગ આવ્યું હોવાથી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૨.૪૬ ટકા વધ્યો હતો. આ ઉપરાંત, નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ પણ ૦.૯૯ ટકા વધ્યો હતો.
સરકારી બૅન્કોમાં બૅન્ક ઑફ ઇન્ડિયા ૮.૫ ટકા, જમ્મુ ઍન્ડ કાશ્મીર બૅન્ક ૪.૧૧ ટકા, કેનેરા બૅન્ક ૩.૧૨ ટકા, બૅન્ક ઑફ બરોડા ૨.૭૧ ટકા, ઇન્ડિયન બૅન્ક ૨.૫૯ ટકા, યુકો બૅન્ક ૨.૩૩ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૨.૦૨ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૯ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૧.૮૩ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૧.૮૨ ટકા, યુનિયન બૅન્ક ૧.૭૭ ટકા અને ઇન્ડિયન ઓવરસીઝ ૦.૯૮ ટકા વધ્યા હતા.
ખાનગી બૅન્કોમાં આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૪.૭૬ ટકા, ઍક્સિસ બૅન્ક ૩.૬૫ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૫૮ ટકા, આરબીએલ બૅન્ક ૨.૫૧ ટકા, સિટી યુનિયન બૅન્ક ૨.૩૪ ટકા, બંધન બૅન્ક ૧.૬૩ ટકા, આ‍ઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૦૬ ટકા, ફેડરલ બૅન્ક ૦.૩૯ ટકા વધ્યા હતા. સામે એચડીએફસી બૅન્ક ૦.૪૧ ટકા અને કોટક મહિન્દ્રા ૦.૪૩ ટકા ઘટ્યા હતા
અન્ય શૅરોમાં વધઘટ
રીઅલ એસ્ટેટમાં માગ પરત આવી રહી છે. આ ઉપરાંત આર્થિક સુધારણા કારણે પેઇન્ટની માગ વધશે એવી આશા વચ્ચે પેઇન્ટ બનાવવા માટેના કાચા માલ ક્રૂડ ઑઇલમાં ઘટાડો થતાં એશિયન પેઇન્ટના શૅર દિવસમાં વિક્રમી ૨૦૮૭.૭૫ રૂપિયાની સપાટી થઈ સત્રના અંતે ૪.૨૫ ટકા વધી ૨૦૬૨.૯૦ રૂપિયા બંધ રહ્યા હતા. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા હિસ્સો ખરીદ્યો હોવાની જાહેરાત સાથે કન્ટ્રોલ પ્રિન્ટના શૅર ૪.૦૨ ટકા વધ્યા હતા. બિહારમાં ૧૯૦૫ કરોડ રૂપિયાનો ઑર્ડર મળતાં દિલીપ બીલ્ડકોનના શૅર ૬.૮૦ ટકા વધ્યા હતા. પ્રેફરન્સ ઇશ્યુ લાવવાની જાહેરાત સાથે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગના શૅર ૩.૨૮ ટકા ઘટી ૧૯૪.૫૫ રૂપિયા બંધ આવ્યા હતા. કેન્દ્ર સરકારના ઑફર ફૉર સેલ અંગે અત્યારે કોઈ ચર્ચા નથી એવી સ્પષ્ટતા કરતાં આઇઆરસીટીસીના શૅર ૧.૫૮ ટકા વધ્યા હતા.

business news reliance sensex nifty