સેન્સેક્સમાં ૧૦૪૮ પૉઇન્ટનું ગાબડું માર્કેટ કૅપમાં ૭ લાખ કરોડ ડૂલ

14 February, 2026 07:25 AM IST  |  Mumbai | Anil Patel

IT ઇન્ડેક્સ વર્ષના તળિયે ગયો, સંખ્યાબંધ IT શૅરોમાં નવા નીચા ભાવ દેખાયા પછી નીચા મથાળે લેવાલીનો ટેકો નીકળ્યો : ગાર્મેન્ટ્સ ટેક્સટાઇલ સેક્ટરની મોટા ભાગની જાતો સતત ચોથા દિવસે માઇનસ થઈ, કેટલીક ચલણી જાતોમાં ફૅન્સી જોવા મળી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ITથી શરૂ થયેલી ખુવારી ઑલરાઉન્ડ ખરાબીમાં ફેરવાઈ છે. બજાર શુક્રવારે ૭૭૨ પૉઇન્ટ નરમ, ૮૨,૯૦૩ ખૂલી છેવટે ૧૦૪૮ પૉઇન્ટ ગગડી ૮૨,૬૨૭ તથા નિફ્ટી ૩૩૬ પૉઇન્ટ ખરડાઈ ૨૫,૪૭૧ બંધ થયો છે. આરંભથી અંત સુધી રેડઝોનમાં રહેલા માર્કેટમાં શૅરઆંક ઉપરમાં ૮૩,૦૮૦ નજીક ગયા બાદ નીચામાં ૮૩,૫૩૫ થયો હતો. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં ૨૫,૪૪૪ થયો હતો. બજારનાં તમામ સેક્ટોરલ ઘટીને બંધ હતાં. IT ઇન્ડેક્સ ૩૦,૪૩૦ના વર્ષના તળિયે ગયા પછી નીચલા મથાળે IT શૅરમાં વૅલ્યુબાઇંગનો સપોર્ટ મળતાં બાઉન્સ બૅક થઈ ૩૧,૮૨૭ બતાવી સરવાળે ૫૩૨ પૉઇન્ટ કે ૧.૭ ટકા ઘટીને ૩૧,૫૯૧ બંધ હતો. સામે મેટલ ઇન્ડેક્સ સવાત્રણ ટકા કે ૧૨૯૭ પૉઇન્ટ, રિયલ્ટી ૨.૩ ટકા, પાવર ૧.૯ ટકા, યુટિલિટીઝ ૨.૩ ટકા, ઑઇલ-ગૅસ ૧.૯ ટકા, એનર્જી બે ટકા, FMCG ૧.૭ ટકાથી વધુ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ દોઢ ટકા ડૂલ થયો છે. માર્કેટ બ્રેડ્થમાં ખરાબી વધતાં NSE ખાતે વધેલા ૭૬૬ શૅર સામે ૨૩૮૮ જાતો માઇનસ થઈ છે. બજારનું માર્કેટકૅપ ૭.૦૨ લાખ કરોડ રૂપિયા ધોવાઈને ૪૬૫.૪૬ લાખ કરોડ રહ્યું છે. ટ્રેડ-ડીલમાં અમેરિકાએ બંગલાદેશને ગાર્મેન્ટ્સ ટેક્સટાઇલમાં ઝીરો ટૅરિફની ખૈરાત કરતાં ઘરઆંગણે ગાર્મેન્ટ્સ ટેક્સટાઇલ સેક્ટરના મોટા ભાગના શૅર સતત ચોથા દિવસે ઘટ્યા છે. ગાર્મેન્ટ્સ અપૅરલ્સ ક્ષેત્રના ૩૫માંથી પચીસ શૅર ડાઉન હતા, પરંતુ સિલે​ક્ટિવ ફૅન્સીમાં ફેઝથ્રી ૧૦ ટકા, સંબંધમ ​સ્પિનિંગ મિલ્સ પોણાસાત ટકા, રાજસ્થાન ​સ્પિનિંગ ઍન્ડ વીવિંગ ૭.૭ ટકા, ગોકળદાસ એક્સપોર્ટ્સ ૮.૬ ટકા, અરવિંદ ૪ ટકા, એસ.પી. અપૅરલ્સ ૬ ટકા વધી છે.

સેન્સેક્સના ૩૦માંથી બે શૅર ગઈ કાલે પ્લસ હતા. બજાજ ફાઇનૅન્સ ૨.૪ ટકાની આગેકૂચમાં ૧૦૨૪ બંધ આપી બન્ને બજારમાં મોખરે હતી. આઇશર તેજી જાળવી રાખતાં ૮૧૧૯ની નવી ટૉપ બનાવી દોઢ ટકા કે ૧૨૨ રૂપિયા વધી ૮૦૬૫ થઈ છે. SBI લાઇફ ઉપરમાં ૨૦૪૪ થઈ ૦.૬ ટકા વધીને ૨૦૩૪ બંધ થતાં માર્કેટકૅપ ૨.૦૪ લાખ કરોડ નજીક ગયું છે. સ્ટેટ બૅન્ક ઉપરમાં ૧૨૦૧ બતાવી અડધો ટકો વધી ૧૧૯૯ બંધ થતાં એમાં બંધની રીતે નવી ટૉપ બની છે. હિન્દાલ્કો પોણાછ ટકા ગગડી ૯૦૯ બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લૂઝર બની છે. સેન્સેક્સ ખાતે હિન્દુસ્તાન યુનિલિવર ૪.૪ ટકા કે ૧૦૫ રૂપિયા ગગડી ૨૩૦૫ તથા એટર્નલ ૪.૨ ટકા તૂટી ૨૮૫ બંધ હતી. HDFC બૅન્ક ૧.૬ ટકા ઘટી ૯૦૫ બંધમાં બજારને સર્વાધિક ૧૯૧ પૉઇન્ટ નડી છે. રિલાયન્સે ૨.૧ ટકાની ખુવારીમાં ૧૪૧૯ બંધ આપી એમાં ૧૭૧ પૉઇન્ટનો ઉમેરો કર્યો છે. જિયો ફાઇનૅન્સ દોઢ ટકો ઘટી ૨૬૩ હતી. NTPC, મહિન્દ્ર, એશિયન પેઇન્ટ્સ, ભારત ઇલે. નેસ્લે, શ્રીરામ ફાઇનૅન્સ દોઢથી બે ટકા માઇનસ થઈ છે. તો તાતા સ્ટીલ, ટાઇટન, પાવરગ્રીડ, કોલ ઇન્ડિયા, ટાઇટન બેથી અઢી ટકા ગગડી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૩.૪ ટકા અને ONGC ૩.૨ ટકા ડૂલ થઈ હતી. અદાણી પોર્ટ્સ સવાબે ટકા નરમ હતી.

મજેદાર રિઝલ્ટમાં સરકારની ૫૧.૩ ટકા માલિકીની એ​ન્જિનિયર્સ ઇન્ડિયા ૧૧.૬ ટકા ઊછળી ૨૦૨ બંધમાં એ-ગ્રુપમાં ઝળકી છે. ગોકળદાસ એક્સપોર્ટ્સ ૮.૬ ટકા, લિન્ડે ઇન્ડિયા ૬.૯ ટકા કે ૪૪૨ રૂપિયા, સિગ્નેચર ગ્લોબલ ૩.૯ ટકા, ઇંગરસોલરેન્ડ ૫.૩ ટકા મજબૂત હતી. સ્પાઇસ જેટ નફામાંથી ભારે ખોટમાં સરી પડતાં ૧૭ ટકા તૂટી ૧૭નીચે બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. મુથૂટ ફાઇનૅન્સનો નફો ૯૫ ટકા વધીને ૨૫૫૬ કરોડ આવવા છતાં શૅર ૧૧ ગણા કામકાજમાં નીચામાં ૩૫૩૩ બતાવી ૧૧.૮ ટકા કે ૪૭૯ રિયા લથડી ૩૫૯૦ બંધ થયો છે. અગાઉની સુવેન ફાર્મા એટલે કે હાલની કોહેન્સ લાઇફ સાયન્સ ૧૧.૩ ટકા તૂટી ૩૧૧ના બંધમાં નવા તળિયે ગઈ છે.

TCS સવાપાંચ વર્ષના અને ઇન્ફી ૩૨ મહિનાના તળિયે પહોંચ્યાં

IT ઇન્ડેક્સ ગઈ કાલે ૭૭માંથી ૬૪ શૅરની બૂરાઈમાં ૩૦,૪૩૦ની વર્ષની બૉટમ બનાવી ૧.૭ ટકા કે ૫૩૨ પૉઇન્ટ વધુ ખરડાઈ ૩૧,૫૯૧ બંધ થયો છે. ૧૪ મ​હિના પહેલાં ૨૦૨૪ની ૧૩ ડિસેમ્બરે આંક ૪૫,૭૯૨ નજીક વિક્રમી સપાટીએ ગયો હતો. નિફ્ટી IT બેન્ચમાર્ક નીચામાં ૩૧,૨૨૩ બતાવી ૧.૪ ટકા કે ૪૭૯ પૉઇન્ટ બગડી ૩૨,૬૮૧ બંધ રહ્યો છે. મહિનામાં ૧૨.૭ ટકાનું ધોવાણ થયું છે. ઇન્ફોસિસ ૧૨૮૧ની લગભગ ૩૨ મહિનાની બૉટમ બતાવી સવા ટકો ઘટીને ૧૩૬૯ બંધમાં બજારને ૫૫ પૉઇન્ટ નડ્યો છે. TCS સવાબે ગણા કામકાજે ૨૫૭૯ની ઑક્ટોબર ૨૦ પછી સવાપાંચ વર્ષની નીચી સપાટી નોંધાવી ૨.૨ ટકા ઘટી ૨૬૯૨ બંધ રહેતાં બજારને ૫૧ પૉઇન્ટનો માર પડ્યો છે. HCL ટેક્નો ૧.૪ ટકાના ઘટાડે ૧૪૫૫ હતી. ટેક મહિન્દ્ર ૧૪૬૪ની ઇન્ટ્રા-ડે બૉટમ બનાવી નજીવી ઘટીને ૧૫૩૫ રહી છે. વિપ્રો ૨૦૯ની જૂન-૨૦૨૪ પછીની બૉટમ દેખાડી ૨.૨ ટકા ઘટીને ૨૧૪ થઈ છે. લાટિમ કે LTM લિમિટેડ ૪૯૯૦ની ઇન્ટ્રા-ડે નીચી સપાટી નોંધાવી ૧.૬ ટકાની નબળાઈમાં ૫૧૨૬ રહી છે,

સાઇડ શૅરમાં IT ઇન્ડેક્સમાં જેનેસિસ ઇન્ટરનૅશનલ ૨૮૫ની ૩૦ મહિનાની નીચી સપાટી નોંધાવી ૧૧.૩ ટકા તૂટી ૩૦૦ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. લાર્સન ટેક્નૉલૉજીઝ ૩૪૯૧નું ૩૪ મહિનાનું તળિયું દેખાડી પાંચ ટકા કે ૧૯૦ રૂપિયા ગગડી ૩૫૧૨ હતી. શૅર વર્ષ પહેલાં ૫૧૮૨ નજીક હતો. અન્યમાં રેટગેઇન ૪.૩ ટકા, બિરલા સૉફ્ટ આઠ ટકા, કંસોલ્વ્સ ૫.૬ ટકા, આઇરિશ રેગટેક ૩.૮ ટકા, સે​ન્સિસ ટેક્નૉલૉજી ૪.૮ ટકા, ન્યુજેન સૉફ્ટવેર ૫.૬ ટકા, કોફૉર્જ ટકા, બ્લૅક બૉક્સ સાડાછ ટકા, સિલ્વરટચ ટેક્નૉલૉજીઝ ૪.૭ ટકા, ઝગલ ૬.૧ ટકા, ઇન્ટલેક્ટ ડિઝાઇન ૪.૪ ટકા, ઑનવર્ડ ૬.૧ ટકા, સાસ્કેન સાડાછ ટકા, રામકો સિસ્ટમ્સ ૪.૩ ટકા ગગડી હતી. એક્સેલ્યા, સિએન્ટ, ઇમુદ્રા ફર્સ્ટસોર્સ, હૅપીએસ્ટ માઇન્ડ, હેક્સાવેર, KPIT ટેક્નો, માસ્ટેક, ન્યુજેન સૉફ્ટવેર, ઓરેકલ, સોનાટા સૉફ્ટવેર, તાતા ટેક્નૉલૉજીઝ જેવા અન્ય IT શૅરોમાંય ગઈ કાલે નવા નીચા ભાવ જોવાયાં છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ નીચામાં ૫૨૧૮ થયા બાદ બાઉન્સ બૅકમાં ૫૫૩૬ બતાવી અડધો ટકો વધી ૫૪૭૬ રહી છે. માઇન્ડટેક ચારટકા અને હેક્સાવેર ૩ ટકા વધી છે.

હિન્દાલ્કો પોણાછ ટકા ખરડાઈને નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોર્મર

હિન્દાલ્કોની આવક ૧૪ ટકા વધીને ૬૬,૫૨૧ કરોડ થઈ છે, પણ નફો ૪૫ ટકા ગગડી ૨૦૪૯ કરોડ નોંધાયો છે. ૨૬૧૦ કરોડની વન ટાઇમ પ્રોવિઝન નફામાં ઘટાડાનું કારણ બની છે. શૅર નીચામાં ૯૦૧ થઈ પોણાછ ટકા બગડી ૯૦૯ બંધ થયો છે. કોલ ઇન્ડિયાએ સવાપાંચ ટકા ઘટાડામાં ૩૪,૯૨૪ કરોડ આવક ઉપર ૧૬ ટકા જેવા ઘટાડામાં ૭૧૫૭ કરોડ નેટ નફો કર્યો છે. ભાવ નીચામાં ૪૦૮ બતાવી અઢી ટકા ગગડી ૪૦૯ બંધ આવ્યો છે. ONGC તરફથી બાવીસ ટકા વધારામાં ૧૧,૯૪૬ કરોડનો નેટ નફો દર્શાવી શૅરદીઠ સવાછ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર થયું છે. એની રેકૉર્ડડેટ ૧૮ ફેબ્રુઆરી છે. શૅર ગઈ કાલે નીચામં ૨૬૬ બતાવી ૩.૨ ટકા ઘટી ૨૬૭ બંધ થયો છે.

પૂર્વાન્કારાની આવક ૩૧૮ કરોડથી ઊછળીને ૧૦૬૯ કરોડ થતાં કંપની ૯૨ કરોડની નેટલૉસમાંથી ૬૦ કરોડના ચોખ્ખા નફામાં આવી છે. શૅર ૭૯ ગણા જંગી કામકાજે ૨૮૩ની ઇન્ટ્રા-ડે હાઈ બાનાવી પોણો ટકો સુધરી ૨૫૭ રહ્યો છે. ઇંગરસોલરેન્ડની આવક ૧૯.૪ ટકા વધીને ૪૫૫ કરોડ થઈ છે, નફો સાડાસાત ટકા ઘટી ૭૨ કરોડ નીચે ગયો છે. શૅરભાવ ૧૩૦ ગણા કામકાજે ઉપરમાં ૩૮૩૯ થઈ ૫.૩ ટકા વધીને ૩૭૨૫ બંધ હતો. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન્સ કે HCCની આવક ૮ ટકા ઘટીને ૯૨૫ કરોડ થઈ છે, પરંતુ કંપની ૩૯ કરોડની નેટલૉસમાંથી ૮ કરોડના નેટ નફામાં આવી છે. શૅર જોકે નીચામાં ૧૯.૬૬ થઈ દોઢ ટકો ઘટીને ૧૯.૮૨ હતો.

સ્ટેઇડર ઇલે​ક્ટ્રિકની આવક ૨૦ ટકા વધીને ૧૦૨૯ કરોડ થઈ છે, પણ નફો સવા ૧૨ ટકા ઘટીને ૯૭ કરોડ થયો છે. શૅર નીચામાં ૭૮૨ થયા બાદ ૩ ટકા વધીને ૮૧૪ હતો. ઇ​ન્ડિયન હ્યુમ પાઇપ્સની આવક ૨૬ ટકા જેવી ઘટીને ૨૮૨ કરોડ થઈ છે. નફા માર્જિન પોણાદસ ટકાથી ઘટીને પોણાઆઠ ટકા નોંધાયું છે. આમ છતાં નફો ૧૪ કરોડથી ઊછળી ૬૧ કરોડ વટાવી ગયો છે. શૅર જોકે સાત ગણા કામકાજમાં નીચામાં ૩૬૬ થઈ ૮.૪ ટકા તૂટીને ત્યાં જ બંધ થયો છે. 

મુંબઈની ગાર્મેન્ટ કંપની ફ્રૅક્ટલ ઇન્ડસ્ટ્રીઝ ૨૧૬ના ભાવે સોમવારે ઇશ્યુ કરશે

સોમવારે મુંબઈના અંધેરી-ઈસ્ટની ગાર્મેન્ટ્સ કંપની ફ્રૅક્ટલ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ૨ ૧૬ની અપરબૅન્ડમાં ૪૯ કરોડનો BSE SME IPO કરવાની છે. ગયા વર્ષે ૧૭૧ ટકા વધારામાં ૮૫૫૧ લાખની આવક ઉપર કંપનીએ ૨૩૨ ટકા વૃદ્ધિદરથી ૭૫૪ લાખ નફો બતાવ્યો છે. બાય ધ વે, એનાં બે વર્ષ પહેસાં ૨૦૨૨-’૨૩માં કંપનીની આવક આનાથી પણ વધુ ૮૮૯૧ લાખ હતી છતાં ત્યારે ચોખ્ખો નફો ૨૬૬ લાખ થયો હતો. ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં આવક ૪૭૩૩ લાખ અને નફો ૬૭૮ લાખ કર્યો છે. દેવું ૨૪૬૩ લાખનું છે. ઇશ્યુમાંથી ૩૬૫૦ લાખ વર્કિંગ કૅપિટલ માટે વપરાશે, બાકીનાં નાણાંનું શુ કરાશે એ કહેવાયું નથી. પ્રમોટર્સની શૅરદીઠ પડતર બહુધા ૯૧ પૈસા છે. ઇશ્યુ બાદ ઇ​ક્વિટી વધીને ૭૮૫ લાખ થશે. ગયા  વર્ષના સુપર નફા પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૨૨.૫૦નો ઊંચો પીઇ સૂચવે છે. ગ્રેમાર્કેટમાં પાંચથી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ત્યાં જ છે.

મરુશિકા ટેક્નૉલૉજીનો ૧૦ના શૅરદીઠ ૧૧૭ની ઇશ્યુ પ્રાઇસ સાથે આશરે ૨૭ કરોડનો NSE SME ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ ૭૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ શરૂ થયું નથી. ગઈ કાલે SME કંપની બાયોપૉલ કેમિકલ્સ ૧૦ના શૅરદીઠ ૧૦૮ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થઈ છેલ્લે એક થઈ ગયેલા પ્રીમિયમ સામે ગઈ કાલે NSEમાં ૧૧૧ ખૂલી ૧૦૫ બંધ થતાં ૨.૩ ટકા લિ​સ્ટિંગ લૉસ ગઈ છે. નવી દિલ્હીની પાન એચ. આર. સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૭૮ની ઇશ્યુ પ્રાઇસ અને ઝીરો પ્રીમિયમ સામે BSE ખાતે ૭૮ ઉપર ખૂલી ૭૮ બંધ થતાં એમાં ઝીરો લિ​સ્ટિંગ ગેઇન મળ્યો છે.

મુંબઈના ગોરેગામની ફ્રૅક્ટલ ઍનલિટિક્સ તથા નવી દિલ્હીની આય ફાઇનૅન્સનું લિ​સ્ટિંગ સોમવારે થવાનું છે. ફ્રૅક્ટલ ઍનલિટિક્સમાં ગ્રેમાર્કેટમાં પ્રીમિયમની શરૂઆત ૧૮૦ રૂપિયાથી થઈ હતી, રેટ સતત ગગડતા રહ્યા છે. હાલ પ્રીમિયમના સ્થાને એમાં ૨૦નું ડિસ્કાઉન્ટ બોલાય છે. શેડોફૅક્સ ટેક્નૉલૉજીઝ તથા એમાગી મીડિયા લૅબ્સની જેમ આનું લિ​સ્ટિંગ પણ ડિસ્કાઉન્ટમાં જવાની આશંકા છે.

એ​ન્જિનિયર્સ ઇન્ડિયા તગડા કામકાજે ૧૧.૬ ટકાની તેજીમાં ૨૦૨ બંધ રહ્યું

લુપિન લિમિટેડે ૨૬.૪ ટકા વધારામાં ૭૧૦૧ કરોડની આવક ઉપર ૩૩.૪ ટકા વધારામાં ૧૧૮૦ કરોડ નેટ પ્રૉફિટ કર્યો છે. ભાવ ૨૨૨૩ થઈ અડધો ટકો ઘટીને ૨૧૯૯ બંધ થયો છે. અન્ય ફાર્મા કંપની બાયોકોન લિમિટેડે ૯ ટકા વધારામાં ૪૧૭૩ કરોડ આવક ઉપર ૪૭૫ ટકાના તગડા વધારામાં ૧૪૪ કરોડ ચોખ્ખો નફો બતાવ્યો છે. શૅર ઉપરમાં ૩૮૨ થઈ પોણો ટકો વધીને ૩૭૮ બંધ થયો છે. ઍરલાઇન્સ કંપની સ્પાઇસ જેટની ત્રિમાસિક આવક ૧૪ ટકા વધીને ૧૩૪૫ કરોડ થઈ છે. કંપની ૨૦ કરોડના નફામાંથી ૨૬૨ કરોડની જંગી ખોટમાં આવી ગઈ છે. શૅર ૧૬.૮૦ની જુલાઈ ૨૦૧૫ પછીના તળિયે જઈ ૧૬.૭ ટકા તૂટી ૧૭ બંધ રહ્યો છે. ૩ જૂન ૧૯માં ભાવ ૧૫૭ નજીક ઑલટાઇમ હાઈ થયો હતો. વર્ષની ટૉપ ૫૭ નજીકની છે જે ૨૮ એપ્રિલે બની હતી. મામા અર્થફેમ હોનાસા કન્ઝ્યુમરે સવાસોળ ટકા વધારામાં ૬૦૨ કરોડ આવક ઉપર ૯૩ ટકાના વૃદ્ધિદરથી ૫૦ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. જેફરીઝ તરફથી ૫૦૦ની અપગ્રેડેડ ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ જારી થયો છે. ભાવ ઉપરમાં ૩૧૯ વટાવી પોણો ટકો વધીને ૩૦૧ થયો છે.

સરકારની ૬૨.૪ ટકા માલિકીની ઇન્ડિયન રેલવે કેટરિંગ કે આઇઆરસીટીસી દ્વારા સવા અઢાર ટકા વધારામાં ૧૪૪૯ કરોડ આવક ઉપર સાડાપંદર ટકા વધારામાં ૩૯૪ કરોડ નેટ નફો બતાવ્યો છે. શૅર ઉપરમાં ૬૩૨ વટાવી અંતે અડધો ટકો સુધરીને ૬૧૮ રહ્યો છે. ભારત ફૉર્જની ત્રિમાસિક આવક ૩૪૭૫ કરોડથી વધીને ૪૩૪૩ કરોડ થઈ છે, નફો ૨૮ ટકાના વૃદ્ધિદરમાં ૨૭૩ કરોડ આવ્યો છે. શૅર ૧૭૮૪ની ૨૦ મહિનાની ટૉપ બનાવી સામાન્ય સુધારે ૧૭૩૯ રહ્યા છે. સરકારી કંપની એ​ન્જિનિયર્સ ઇન્ડિયાએ ૫૮ ટકાના વધારામાં ૧૨૧૦ કરોડ આવક ઉપર અગાઉના ૧૦૯ કરોડ સામે ત્રણેક ગણો, ૩૪૭ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. શૅર ૪૮ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૨૧૦ થઈ ૧૧.૬ ટકાની તેજીમાં ૨૦૨ બંધ રહ્યું છે. તાતા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સની આવક સવાબાર ટકા વધીને ૨૮૪૨ કરોડ તથા નેટનફો ૫૫ ટકા વધીને ૯૦૩ કરોડ થયો છે. ભાવ જોકે નીચામાં ૬૮૪ થઈ દોઢ ટકો ઘટીને ૭૦૦ બંધ આવ્યો છે.

business news sensex nifty share market stock market bombay stock exchange national stock exchange