ડિમાન્ડ પરતનો આશાવાદ, વિદેશી ફન્ડસની ખરીદી: સેન્સેક્સ, નિફ્ટી ઊછળ્યા

29 May, 2020 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિમાન્ડ પરતનો આશાવાદ, વિદેશી ફન્ડસની ખરીદી: સેન્સેક્સ, નિફ્ટી ઊછળ્યા

પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક બજારોમાં બુધવારે અમેરિકા અને ગઈ કાલે યુરોપ અને એશિયાઈ બજારોમાં તેજીનો દોર જોવા મળ્યો હતો તથા એના સહારે ભારતમાં પણ તેજી જોવા મળી હતી. બજારમાં અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી કરતાં લૉકડાઉન ખૂલવાનો આશાવાદ વધારે જોવા મળી રહ્યો છે. જપાનની સરકારે વધુ એક પૅકેજની જાહેરાત કરી છે અને યુરોપમાં ઍરલાઇન્સ શરૂ થઈ રહી હોવાથી વિમાની-સેવાઓ અને પ્રવાસનની તેજી છે.

બે દિવસથી બૅન્કિંગ, મેટલ્સ અને ફાઇનૅન્શિયલ સર્વિસ બાદ આજે ઑટો કંપનીઓમાં ખરીદી જોવા મળી હતી. લૉકડાઉન ખૂલી રહ્યો હોવાથી માગ ફરી જીવિત થઈ રહી છે એવા અહેવાલો વચ્ચે શૅરબજારમાં તેજીનો સેન્ટિમેન્ટ બન્યો હતો. નિફ્ટી ૯૫૦૦ની નજીક અને સેન્સેક્સ ૩૨,૦૦૦ને પાર જોવા મળ્યા હતા. આમ છતાં, શૅરબજારમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત વાયદાની સિરીઝમાં બન્ને બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઘટીને બંધ આવ્યા હતા.

ગઈ કાલે કેટલીક પસંદગીની બૅન્કો અને ઑટો કંપનીઓમાં વિદેશી ફંડ્સની ખરીદી હોવાનું બજારનાં સુત્રોએ જણાવ્યું હતું. બહુ લાંબા સમય પછી આજે વિદેશી ફંડ્સ દ્વારા આક્રમક રીતે ૨૩૫૪ કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. સામે સ્થાનિક સંસ્થાઓએ બુધવારની જંગી ખરીદી બાદ ગઈ કાલે સાવચેતી સાથે ૧૪૫ કરોડ રૂપિયા રોક્યા હતા.  સત્રના અંતે સેન્સેક્સ ૫૯૫.૩૭ પૉઇન્ટ કે ૧.૮૮ ટકા વધી ૩૨,૨૦૦.૫૯ અને નિફ્ટી ૧૭૫.૧૫ પૉઇન્ટ કે ૧.૮ ટકા વધી ૯૪૯૦.૧૦ની સપાટીએ બંધ રહ્યા હતા. નિફ્ટીના આજના ઉછાળામાં એચડીએફસી, એચડીએફસી બૅન્ક, રિલાયન્સ, લાર્સન ઍન્ડ ટુબ્રો અને આઇસીઆઇસીઆઇ બૅન્કનો ૧૨૧ પૉઇન્ટનો હિસ્સો હતો. આ પાંચ કંપનીઓના કારણે સેન્સેક્સ ૪૩૫ પૉઇન્ટ ઊછળ્યો હતો.

ગઈ કાલે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં ૧૧ ક્ષેત્રોમાંથી આજે સરકારી બૅન્કો સિવાય બધામાં ઉછાળો જોવા મળ્યો હતો. સૌથી વધુ વૃદ્ધિ ઑટો, મીડિયા, મેટલ્સ અને ખાનગી બૅન્કોમાં જોવા મળી હતી. એક્સચેન્જ પર ૧૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૯ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૨૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૯૪ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.  બીએસઈ પર ૪૦ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૬૫ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૮૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૭૫માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧.૪૨ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૩૪ ટકા વધ્યા હતા. ગુરુવારે બીએસઈનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧,૯૦,૪૭૬ કરોડ વધી ૧૨૫.૫૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.

ઉછાળા પછી પણ મે સિરીઝમાં સેન્સેક્સ, નિફ્ટી ઘટ્યા

બજારમાં જોવા મળી રહેલા બે દિવસના ઉછાળા પછી પણ મે મહિનાની વાયદાની સિરીઝમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સિરીઝમાં સેન્સેક્સ ૪.૫ ટકા અને નિફ્ટી ૩.૭૫ ટકા ઘટીને બંધ આવ્યા છે. છેલ્લા પાંચ મહિનામાં આ ચોથી વખત વાયદાની સિરીઝમાં બજાર ઘટીને બંધ આવ્યા છે. મે સિરીઝમાં ક્ષેત્રોમાં જોઈએ તો નિફ્ટી પીએસયુ બૅન્ક ૧૫.૩ ટકા, નિફ્ટી બૅન્ક ૧૧ ટકા, રીઅલ એસ્ટેટ ૭.૮ ટકા, મિડ કૅપ કંપનીઓ ૨.૮ અને સ્મૉલ કૅપ કંપનીઓ ૨.૭ ટકા ઘટી છે. સામે, નિફ્ટી ઑટો ૩.૬ અને ફાર્મા ઇન્ડેક્સ ૧.૫ ટકા વધક્ષને બંધ આવ્યા છે.

માગ પરત આવી રહી હોવાની આશાએ ઑટોમાં ખરીદી

લૉકડાઉન ખૂલી ગયા પછી ગ્રાહકોને આકર્ષવા સારી ધિરાણની સ્કીમ સાથે માગ પરત ફરશે એવી આશાએ ઑટો કંપનીઓમાં ખરીદી જોવા મળી રહી છે. ઑટો કંપનીઓની સાથે ટાયર અને ઑટો પાર્ટ્સ બનાવતી કંપનીઓમાં પણ તેજી છે. જોકે, અગ્રણી રીસર્ચ એજન્સી ક્રિસિલના આજના અહેવાલ અનુસાર ઑટો કંપનીઓની માગમાં ઘટાડો થશે અને કંપનીઓની ઉત્પાદન ક્ષમતા ૫૦ ટકાથી નીચે જશે એવી આગાહી કરવામાં આવી છે. આજે નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૩.૬૫ ટકા વધ્યો હતો. આઇશર મોટર્સ ૭.૩૪ ટકા વધી ૧૬,૦૬૫ રૂપિયા, મધરસન સુમી ૬.૫૨ ટકા વધી ૯૨.૨૫ રૂપિયા, ભારત ફોર્જ ૬.૨૩ ટકા વધી ૩૦૬.૩ રૂપિયા, હીરો મોટોકોર્પ ૫.૧૮ ટકા વધી ૨૨૮૮.૩૦ રૂપિયા, મારુતિ સુઝુકી ૩.૯૨ ટકા વધી ૫૪૫૦ રૂપિયા, બૉશ લિમિટેડ ૩.૫૯ ટકા વધી ૯૭૭૦ રૂપિયા, અપોલો ટાયર ૩.૫૯ ટકા વધી ૯૭.૮૫ રૂપિયા, તાતા મોટર્સ ૩.૦૮ ટકા વધી ૮૭.૧૫ રૂપિયા, ટીવીએસ મોટર ૨.૬૯ ટકા વધી ૩૩૧.૭૫ રૂપિયા, અશોક લેલૅન્ડ ૨.૫૫ ટકા વધી ૪૪.૩૦ રૂપિયા, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ ૧.૨૮ ટકા વધી ૧૫૮ રૂપિયા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ૧.૦૪ ટકા વધી ૪૩૭ રૂપિયા અને બજાજ ઑટો ૦.૮૭ ટકા વધી ૨૬૦૩ રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.

ખાનગી બૅન્કોમાં ગઈ કાલે પણ ખરીદી જળવાઈ રહી

ગયા સપ્તાહે ભારે પ્રૉફિટ બુકિંગના કારણે નિફ્ટી બૅન્ક ૮.૩ ટકા ઘટ્યો હતો પણ બુધવારે એ ૭.૨૮ ટકા અને ગઈ કાલે વધુ ૨.૪૫ ટકા વધ્યો હતો. ખાનગી બૅન્કોનો ઇન્ડેક્સ બુધવારની ૭.૪૬ ટકાની વૃદ્ધિ બાદ ગઈ કાલે ૨.૭૯ ટકા વધ્યો હતો. આમ છતાં મે સિરીઝમાં બન્ને ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ આવ્યા છે. ગઈ કાલે એચડીએફસી બૅન્ક ૪.૮૫ ટકા વધી ૯૪૭.૫૦ રૂપિયા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૪.૧૫ ટકા વધી ૩૮૪.૨૫ રૂપિયા,, ફેડરલ બૅન્ક ૩.૬૬ ટકા વધી ૪૨.૪૫ રૂપિયા, સિટી યુનિયન બૅન્ક ૩.૪૮ ટકા વધી ૧૨૯.૩૫ રૂપિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૧૬ ટકા વધી ૩૨૫.૭૫ રૂપિયા, ઍક્સિસ બૅન્ક ૧.૦૧ ટકા વધી ૩૯૦.૯ રૂપિયા, કોટક મહિન્દ્ર બૅન્ક ૦.૭૬ ટકા વધી ૧૨૨૬.૭૫ રૂપિયા, બંધન બૅન્ક ૦.૬૪ ટકા વધી ૨૨૦.૫૫ રૂપિયા વધ્યા હતા. સામે આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૧.૪૭ ટકા ઘટી ૨૦.૧ રૂપિયા અને આરબીએલ બૅન્ક ૧.૬૧ ટકા ઘટી ૧૧૬.૨૫ રૂપિયા બંધ રહ્યા હતા.

ત્રીજા દિવસે મેટલ્સમાં

આગળ વધતી તેજી

વૈશ્વિક રીતે વધુ ને વધુ દેશો લૉકડાઉનમાંથી બહાર આવી રહ્યા છે. ચીનમાં પણ એપ્રિલ પછી આર્થિક પ્રવૃત્તિ ફરી આગળ વધી રહી હોવાથી મેટલ્સની માગ વધશે એવી ધારણાએ આજે મેટલ્સ કંપનીઓના ભાવમાં વૃદ્ધિ જોવા મળી હતી. નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ મંગળવારે ૨.૬૮ ટકા, બુધવારે ૨.૫૬ ટકા અને ગઈ કાલે ૨.૪૦ ટકા વધ્યો હતો. મેટલ્સ કંપનીઓમાં રત્નમણી ૬.૧૨ ટકા વધી ૮૬૭ રૂપિયા, વેલસ્પન કોર્પ ૪.૮૪ ટકા વધી ૫૮.૫ રૂપિયા, નૅશનલ મિનરલ્સ ૪.૬૬ ટકા વધી ૭૮.૫૫ રૂપિયા, જિન્દાલ સ્ટીલ ૪.૩૯ ટકા વધી ૧૨૦.૧ રૂપિયા, હિન્દાલ્કો ૩.૭૯ ટકા વધી ૧૩૮.૩૫ રૂપિયા, વેદાન્ત ૨.૫૬ ટકા વધી ૯૦.૧૫ રૂપિયા, હિન્દુસ્તાન ઝિન્ક ૨.૫૫ ટકા વધી ૧૬૮.૯૫ રૂપિયા, હિન્દુસ્તાન કોપર ૨.૧૭ ટકા વધી ૨૫.૯૫ રૂપિયા, કોલ ઇન્ડિયા ૨.૧૪ ટકા વધી ૧૩૩.૬ રૂપિયા, તાતા સ્ટીલ ૨.૦૭ ટકા વધી ૨૯૩.૯ રૂપિયા અને સ્ટીલ ઑથોરિટી ૧.૩૫ ટકા વધી ૩૦.૦૫ રૂપિયા બંધ રહ્યા હતા.

અન્ય કંપનીઓમાં વધઘટ

માર્ચ ક્વૉર્ટરમાં પરિણામ જાહેર કરનારી કંપનીઓમાં યુનાઇટેડ સ્પીરીટનો નફો ૫૨.૫ ટકા ઘટી જતાં શૅરનો ભાવ ૨.૪૫ ટકા ઘટ્યો હતો. રેડિકો કહેતાનો નફો ૨૦.૨ ટકા ઘટ્યો હતો પણ વેચાણ ૧૧.૭ ટકા વધ્યું હોવાથી શૅરના ભાવ ૧.૨૬ ટકા વધ્યા હતા. ૧૪૬.૫૯ કરોડ રૂપિયાની ખોટ જાહેર કરી હોવા છતાં આદિત્ય બિરલા ફેશન રીટેલના શૅર ૯.૫૩ ટકા વધ્યા હતા. એક નવી દવા અંગેના માર્કેટિંગના હક્ક અંગે કરાર કરતાં સન ફર્માના શૅર ૧.૯૩ ટકા વધ્યા હતા.

business news