ખરાબ માર્કેટ-બ્રેડ્થ વચ્ચે બજાર નીચલા મથાળેથી ૧૮૫૫ પૉઇન્ટ વધી ગયું

17 March, 2026 09:19 AM IST  |  Mumbai | Anil Patel

રાજપૂતાના સ્ટેનલેસમાં ઍન્કર ઇન્વેસ્ટર્સે વિધડ્રૉઅલ કરતાં SEBIએ અન્ય રોકાણકારોને વિધડ્રૉઅલનો ઑપ્શન આપતાં લિ​સ્ટિંગ ઢીલમાં પડ્યું : ઇન્ફી, TCS, વિપ્રો, તાતા મોટર્સ પૅસેન્જર, ટ્રેન્ટ, ICICI બૅન્ક, HCL ટેક્નો, જેવા સેન્સેક્સ, નિફ્ટીના શૅરમાં નવાં બૉટમ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઈરાન-અમેરિકા વચ્ચેનું યુદ્ધ ત્રીજા સપ્તાહમાં પ્રવેશ્યુ છે. હવે પછી શું? એ પ્રશ્ન વધુ ઘેરો બની રહ્યો છે. હોર્મુઝ ખાડી ખુલ્લી કરવાના બહાને સાથી દેશોને જંગમાં સામેલ કરવા ટ્રમ્પે કરેલી વિનંતીનો જપાન, બ્રિટન, ફ્રાન્સ સહિત મોટા ભાગના દેશોએ અસ્વીકાર કરી દીધો છે. મોટો ભા બનાવવાના ટ્રમ્પના પેંતરામાં ચાઇના આવ્યું નથી. હોર્મુઝ ખાડી ઉપર સંપૂર્ણ અધિકાર ઈરાનનો છે એવું રોકડું પરખાવી દીધું છે. સ્પેન અને ટર્કી તો અગાઉથી જ ટ્રમ્પની વિમુખ થયેલાં છે. ઑસ્ટ્રેલિયા, ઇટલી, કૅનેડા પણ અમેરિકાથી વેગળા થઈ રહ્યાં છે. ઇવન, ગલ્ફ દેશોમાં પણ અમેરિકા વિરુદ્ધ સૂર વરતાવા માંડ્યો છે. ચીન સાથે રશિયા ખુલ્લે આમ ઈરાનના સમર્થનમાં છે. નાનકડું વિયેટનામ તેમ જ શ્રીલંકા પણ ઈરાન સાથે જણાય છે. અમેરિકાના ટેકેદાર ઘટવા લાગ્યા છે. ઘેરાયેલા અને ઘાંઘા બનેલા ટ્રમ્પ હવે શું કરે છે એ જોવું રહ્યું. બ્રેન્ટ ક્રૂડ ૧૦૦ ડૉલર ઉપર મજબૂત છે. આ લખાય છે ત્યારે રેટ અઢી ટકા વધી ૧૦૬ ડૉલર ભણી ગતિમાન છે. એશિયન બજારોએ નવા સપ્તાહની શરૂઆત મિશ્ર વલણથી કરી છે. હૉન્ગકૉન્ગ ૧.૪ ટકા, સાઉથ કોરિયા સવા ટકો, સિંગાપોર ૦.૪ ટકા સુધર્યું છે. સામે ઇન્ડોનેશિયા ૧.૮ ટકા તો જપાન, ચાઇના, તાઇવાન સાધારણ નરમ હતા. ડૉલર સામે રૂપિયો ગગડી ૯૨.૪૮ થઈ ૯૨.૩૬ આસપાસ જોવાયો છે. યુરોપ રનિંગમાં અડધા ટકા જેવું નરમ હતું. પાકિસ્તાની શૅરબજાર ઉપરમાં ૧,૫૩,૬૦૬ થયા બાદ રનિંગમાં ૪૬૪૦ પૉઇન્ટ તૂટી ૧,૪૯,૨૨૫ ચાલતું હતું. બિટકૉઇન એક ટકાના સુધારે ૭૩,૫૩૦ ડૉલર દેખાયો છે. કૉમેક્સ ગોલ્ડ સવા ટકો ઘટીને ૫૦૦૦ ડૉલર નીચે તથા ચાંદી પોણાત્રણ ટકા ઝંખવાઈ ૭૯ ડૉલરે આવી ગઈ છે.

વિશ્વગુરુ તરીકે પોતાની જાતને અવારનવાર બિરદાવતાં આપણી હાલત બાવાનાં બેઉ બગડ્યાં જેવી છે, બીજાની દયા-માયા ઉપર ગુજારો થઈ રહ્યો છે. ટ્રમ્પે મંજૂરી આપી એટલે રશિયાથી ક્રૂડ લઈ રહ્યા છીએ તો ઈરાને છુટ આપી એટલે હોર્મુઝ ખાડીમાંથી LPGનાં બે જહાજ છૂટાં થયાં છે. બે જહાજ ભરીને LPG આવશે એટલે એનાથી આપણો માંડ દોઢ-બે દિવસ ઓછો થશે. પછી શું? કંઈ નહીં, ફરી ઈરાન સાથે ભીક્ષા-મંત્રણા યોજીશું. ઍની વે, શૅરબજાર પર આવીએ. સેન્સેક્સ આગલા બંધથી ૧૫૦ પૉઇન્ટ જેવો નરમ, ૭૪,૪૧૬ નજીક ખૂલીને છેવટે ૯૩૯ પૉઇન્ટ ઊંચકાઈ ૭૫,૫૦૩ તથા નિફ્ટી ૨૫૮ પૉઇન્ટ વધી ૨૩,૪૦૯ બંધ થયો છે. નરમ ખૂલ્યા બાદ સેન્સેક્સ નીચામાં ૩૩,૯૫૦ બતાવી ત્યાંથી ૧૮૫૫ પૉઇન્ટ ઊછળીને ઉપરમાં ૭૫,૮૦૫ થયો હતો. માર્કેટ બ્રેડ્થ બગડેલી રહી છે. NSEમાં વધેલા ૧૧૧૨ શૅર સામે ૨૧૪૨ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૭૫,૦૦૦ કરોડ વધીને હવે ૪૩૦.૫૭ લાખ કરોડ થઈ ગયું છે. ૨૦૨૬ના આરંભે, ૨ જાન્યુઆરીએ માર્કેટકૅપ ૨૮૧.૨૫ લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ હતું. એ ધોરણે લગભગ અઢી મહિનામાં રોકાણકારોના ૫૦.૬૮ લાખ કરોડ રૂપિયા હોમાઈ ગયા છે.

સેન્સેક્સ નિફ્ટીના સવા ટકા જેવા વધારા સામે સોમવારે ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ ૨.૩ ટકા, પાવર ઇન્ડેક્સ ૦.૬ ટકા, યુટિલિટીઝ ૦.૩ ટકા, એનર્જી બેન્ચમાર્ક ૧.૪ ટકા, હેલ્પકૅર ઇન્ડેક્સ ૧.૧ ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ એકાદ ટકા કે ૬૧૩ પૉઇન્ટ, નિફ્ટી મીડિયા અડધા ટકો, નિફ્ટી-મીડિયા અડધો ટકો, નિફ્ટી-ફાર્મા સવા ટકો, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ પોણો ટકો ઘટ્યો છે. IT ઇન્ડેક્સ ૨૭,૬૫૦ની ૨૦૨૩ની ૮ મે પછીની બૉટમ બનાવી ૬૫ પૉઇન્ટ નરમ હતો. બૅન્ક નિફ્ટી ૬૫૫ પૉઇન્ટ વધ્યો હતો. પીએસયુ બૅન્ક નિફ્ટી અડધો ટકો સુધર્યો છે.

નોવસ લૉયલ્ટી ૧૪૬ રૂપિયાના ભાવથી આજે SME ઇશ્યુ કરશે

આજે મંગળવારે હરિયાણાના ગુડગાંવ ખાતેની નોવસ લૉયલ્ટી ૧૦ના શૅરદીઠ ૧૪૬ની અપરબૅન્ડમાં ૧૨ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૬૦૧૫ લાખ રૂપિયાનો BSE SME  ઇશ્યુ લાવશે. ઇશ્યુમાં QIB પોર્શન ૪૭ ટકા તથા રીટેલ પોર્શન ૩૩ ટકા છે. માર્કેટમેકર માટે સાડાપાંચ ટકા પોર્શન છે. ૨૦૧૧માં સ્થપાયેલી આ કંપની ટેક્નૉલૉજી ડ્રીવન હોવાનો દાવો કરે છે. એ મુખ્યત્વે છે. કૉમર્સ, ફિનટેક, સૉફ્ટવેર, બૅન્કિંગ, FMCG, રિયલ્ટી જેવાં સેક્ટરમાં લૉયલ્ટી તથા રિવૉર્ડ્સ સૉલ્યુશન્સ પૂરું પાડે છે. કંપની અને કસ્ટમર વચ્ચેની રિલેશનશિપમાં લૉયલ્ટી અને રિવૉર્ડ્સ સંબંધી સિસ્ટમ્સ ઉપલબ્ધ કરે છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર લગભગ ઝીરો છે. કંપનીએ ગયા વર્ષે ૪૨ ટકા વધારામાં ૧૦,૪૬૩ લાખની આવક ઉપર ૨૧ ટકા વૃદ્ધિદરમાં ૩૫૮ લાખ નેટ નફો કર્યો છે. ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં આવક ૭૧૪૩ લાખ તથા નેટ નફો ૫૮૦ લાખ બતાવ્યો છે. દેવું ૬૬૪ લાખ છે. ઇશ્યુ બાદ ઇક્વિટી ૧૨૨૫ લાખથી વધીને ૧૫૫૫ લાખ થશે. ગયા વર્ષની કમાણી પ્રમાણે ઇશ્યુ પ્રાઇસ ૬૩.૨૦નો અતિ ઊંચો પીઇ બતાવે છે. ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં સુપર પ્રૉફિટ બતાવી ઇશ્યુ પ્રાઇસ ૧૬.૫૪ના પીઇ સાથે વૅલ્યુએશન આકર્ષક હોવાનો આભાસ કંપનીએ ઊભો કર્યો છે.

પીઅર ગ્રુપમાં આ કંપની જેવી જ એક અન્ય કંપની પેલાટ્રો લિમિટેડ છે. બૅન્ગલોરની આ કંપની સપ્ટેમ્બર ૨૦૨૪માં ૧૦ના શૅરદીઠ ૨૦૦ના ભાવથી ૫૬ કરોડનો NSE SME ઇશ્યુ લાવી હતી જે બાવીસ ગણો ભરાયો હતો. ૨૦૨૪ની ૨૪ સપ્ટેમ્બરે લિસ્ટિંગના દિવસે ભાવ ૨૮૯ નજીક બંધ થયો હતો. ૨૦૨૪ની ૩૦ ડિસેમ્બરે ભાવ ૫૬૦ના બેસ્ટ લેવલે ગયો હતો. એ દિવસે ભાવ ૫૬૦ના બેસ્ટ લેવલે ગયો હતો. હાલ ભાવ ૨૯૫ જેવો છે. શૅર ૧૯.૬ના પીઇ ઉપર મળે છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૯૩ છે. કંપનીએ ગયા વર્ષે ૮૫૭૭ લાખની આવક ઉપર ૧૧૮૯ લાખ નેટ નફો કર્યો છે. નોવસ લૉયલ્ટીમાં હાલ ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ બોલાતું નથી.

HDFC બૅન્ક અને ICICI બૅન્ક વધતાં બજારને ૪૧૬ પૉઇન્ટનો લાભ

સેન્સેક્સ નિફ્ટી ખાતે ગઈ કાલે ઇન્ફોસિસ, TCS, KCL ટેક્નો તાતા મોટર્સ પૅસેન્જર, HDFC લાઇફ, ટ્રેન્ટ તથા ICICI બૅન્ક નવા ઐતિહાસિક તળિયે ગયા છે. ઇન્ફી ૧૨૨૫ની ૩૫ મહિનાની બૉટમ બતાવી પરચૂરણ સુધારામાં ૧૨૪૯, TCS ૨૩૬૬ની સાડાપાંચ વર્ષની નીચી સપાટી નોંધાવી નજીવો ઘટી ૨૪૦૮, HCL ટેક્નો ૧૨૭૫ની પોણાબે વર્ષની બૉટમ દેખાડીને નહીંવત્ વધીને ૧૩૨૯, ટ્રેન્ટ ૩૪૨૯ની બે વર્ષની સૌથી નીચી સપાટીએ જઈને ૩ ટકા ઊછળી ૩૫૯૫, ICICI બૅન્ક ૧૨૪૦નું વર્ષનું નવું તળિયું બનાવી દોઢ ટકા વધીને ૧૨૭૩, વિપ્રો ૧૯૩ નીચે ૨૮ મહિનાનું વર્સ્ટ લેવલ બતાવી ૧.૩ ટકા ઘટીને ૧૯૫, તાતા મોટર્સ પૅસેન્જર ૩૦૭ની ૩૫ મહિનાની નીચી સપાટી દેખાડી નજીવો ઘટી ૩૧૪ બંધ રહી છે. HDFC લાઇફ ૧૩ મહિનાના તળિયે જઈ સહેજ વધીને ૬૨૬ હતી.

અલ્ટ્રાટેક ૪.૨ ટકા કે ૪૪૭ રૂપિયા બાઉન્સ થઈ ૧૧૦૫૫ બંધમાં બન્ને બજારમાં ઝળકી છે. મહિન્દ્ર ૨.૯ ટકા, ગ્રાસિમ ૩.૩ ટકા, બજાજ ફાઇનૅન્સ ૨.૮ ટકા, હિન્દાલ્કો સવા ટકા, બજાજ ઑટો ૨.૨ ટકા, JSW સ્ટીલ ૨.૪ ટકા, બજાજ ફિનસર્વ ૧.૯ ટકા, એટર્નલ ૨.૮ ટકા, ITC ૨.૨ ટકા, આઇશર સવા ટકા જેવી પ્લસ હતી. HDFC બૅન્ક ૨.૯ ટકા સુધરી ૮૪૦ બંધમાં બજારને ૩૦૩ પૉઇન્ટ ફળી છે. રિલાન્યસ એક ટકો સુધરીને ૧૩૯૫ હતી.

ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૨.૩ ટકા બગડી ૪૨૯ બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર હતી. મેક્સ હેલ્થકૅર બે ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૨ ટકા, પાવરગ્રીડ એક ટકા, કોલ ઇન્ડિયા દોઢ ટકા, NTPC ૦.૬ ટકા, સનફાર્મા સવા ટકો, ડૉ. રેડ્ડી લૅબ સવા ટકો, સિપ્લા ૧.૧ ટકા, ભારતી ઍરટેલ પોણો ટકો કપાઈ છે. સ્ટેટ બૅન્ક ૧.૯ ટકા, કોટક બૅન્ક ૦.૬ ટકા, ઍક્સિસ બૅન્ક દોઢ ટકા, મારુતિ ૧.૩ ટકા, તાતા સ્ટીલ બે ટકા, ઇન્ડિગો ૧.૪ ટકા સુધરી હતી.

એક ટકાનો QIB પોર્શન ૧૩ ગણો છલકાયો, ઇનોવિઝનનો ઇશ્યુ ભરાયો

મેઇન બોર્ડમાં અમદાવાદી GSP ક્રૉપ સાયન્સિસ ૧૦ના શૅરદીઠ ૩૨૦ની અપરબૅન્ડમાં ૧૬૦ કરોડની OFS સહિત કુલ ૪૦૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે લાવી છે. ભરણું પ્રથમ દિવસે રીટેલમાં ૧૦ ટકા સહિત કુલ ૫૦ ટકા ભરાયું છે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ બોલાતું નથી. નવી દિલ્હીની ઇનોવિઝનનો ૧૦ના શૅરદીઠ ૫૧૯ની અપરબૅન્ડ પ્રમાણે ૩૧૯ કરોડનો ઇશ્યુ ગઈ કાલે પાંચમા દિવસના અંતે રીટેલમાં ૨૯ ટકા સહિત કુલ સવા ગણો ભરાયો છે. નબળો રિસ્પૉન્સ મળતાં આ ઇશ્યુની તારીખ લંબાવી ૧૭ માર્ચ કરાઈ છે. ઇશ્યુ પ્રાઇસ પણ ઘટાડાઈ છે. ભરણાને પહેલેથી જ ખાસ્સો નબળો પ્રતિસાદ છે, પરંતુ ઇશ્યુને પાર પાડવાની સોપારી મળી હોય એ રીતે ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ એકાએક ૭૩થી શરૂ થઈને ૬૬ બોલાયું હતું. ત્યાર બાદ બીજા દિવસે રેટ ઝીરો થઈ ગયો હતો. ઇશ્યુ ફ્લૉપ થયા પછી ભાવ ઘટાડીને મુદત લંબાવાઈ એ દિવસે ફરી ૭નું પ્રીમિયમ શરૂ થઈ ઉપરમાં ૨૦ બોલાયું હતું. હાલ રેટ ૧૭ ચાલે છે. દરમ્યાન ગુજરાતના હાલોલની રાજપૂતાના સ્ટેનલેસ ૧૦ના શૅરદીઠ ૧૨૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં બેથી શરૂ થઈ ઉપર ૩ થવા બાદ છેલ્લે બોલાતા ૪ના પ્રીમિયમ સામે અરજી પરત ખેંચવાની તારીખ ૧૬ માર્ચ જાહેર થતાં બૅન્ગલોરની ઍપ્સિસ ઍરોકૅમનું લિસ્ટિંગ બુધવારે થવાનું છે. હાલ પ્રીમિયમ ૧૮ ચાલે છે.

ફાઇવ પૈસા કૅપિટલ બે શૅરદીઠ એકના પ્રમાણમાં શૅરદીઠ ૩૦૦ના ભાવે રાઇટમાં મંગળવારે એક્સ રાઇટ થશે. ભાવ ગઈ કાલે નીચામાં ૨૮૯ થઈ ૩.૩ ટકા ઘટીને ૨૯૧ હતો. મહારાષ્ટ્રની ઍપેક્સ શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ભાવો ભાવ રાઇટમાં ૨૦મીએ એક્સ રાઇટ થવાની છે. શૅર ઉપર ૧૨૧ થઈ અઢી ટકા વધીને ૧૧૮ હતો. મેટ્રોપોલીસ શૅરદીઠ ૩ના બોનસમાં ૨૦મીએ બોનસ બાદ થશે. ભાવ દોઢ ટકા વધી ૧૮૩૨ હતો.

એનર્જી સેક્ટરમાં વ્યાપક ખુઆરી વચ્ચે MRPLમાં ઉછાળો

ઑઇલ-ગૅસ તથા એનર્જી સેક્ટરમાં વ્યાપક ખરાબીમાં MRPL સવાછ ગણા કામકાજે ઉપરમાં ૨૧૦ થઈ ૧૬.૨ ટકાની તેજીમાં ૨૦૭ બંધ આપી એ-ગ્રુપમાં ઝળકી છે. ચેન્નાઇ પેટ્રો ૭.૭ ટકા મજબૂત હતી. સામે હિન્દુ. ઑઇલ એકસ્પ્લોરેશન ૧૨.૫ ટકા, અદાણી ટોટલ ૬.૭ ટકા, IRM એનર્જી પોણા છ ટકા, આઇઓસી ૪.૭ ટકા, હિન્દુ. પેટ્રો ૩.૭ ટકા, ભારત પેટ્રો ૪.૪ ટકા લથડી હતી. આઇટીઆઇ લિમિટેડ ૨૧૩ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૨૮૯ થઈ ૧૩.૮ ટકાના ઉછાળે ૨૭૬ હતી. તેજસ નેટ ૫.૪ ટકા ઊંચકાઈ છે. સારેગામાં ઇન્ડિયા ૫.૨ ટકાના જોશમાં ૩૫૮ થઇ છે. IDBI બૅન્કમાં ડાઇવેસ્ટમેન્ટ ઢીલમાં પડતાં શૅર ૧૬.૫ ટકા તૂટી ૭૭ હતો. બંધન બૅન્કની પ્રમોટર્સ બંધન ફાઇનૅન્સ સર્વિસિસ એનો હિસ્સો વેચવા અપવા તો પબ્લિક ઇશ્યુ લાવવા સક્રિય બની હોવાના અહેવાલમાં બંધન બૅન્ક ત્રણ ગણા કામકાજે નીચામાં ૧૫૪ થઈ ૭.૫ ટકા તૂટી ૧૬૨ થઇ છે. બૅન્કિંગના ૪૧માંથી ૧૬ શૅર પ્લસ હતા. સિટી યુનિયન બૅન્ક ૩.૩ ટકા, CSB બૅન્ક ૮.૩ ટકા, HDFC બૅન્ક ૨.૯ ટકા વધીને મોખરે હતી. ફિનો પેમેન્ટ બૅન્ક ૧૩૬ના વર્સ્ટ લેવલે જઈને ૧૭.૨ ટકાના કડાકામાં ૧૪૦ થઈ છે. પાંચેક મહિના પહેલાં ૨૧ ઑક્ટોબરે શૅર ૩૩૯ની ટોચે હતો. સૂર્યોદય બૅન્ક વધુ સાડાચાર ટકા બગડી છે.

ઇન્ડક્શન કુકર્સની તેજીમાં આવેલી TTK પ્રેસ્ટિજ ગઈ કાલે નીચામાં ૪૮૪ થઈ ૯.૪ ટકા ગગડીને ૪૯૨ રહી છે. બટર ફ્લાય ગાંધીમતી ૪.૩ ટકા ડૂલ હતી. વૉરની અસરમાં જીઇ શિપિંગ ૫.૬ ટકા ખરડાઈ ૧૩૭૯ હતી. સીમેક ૩.૩ ટકા, શિપિંગ કૉર્પોરેશન ૨.૪ ટકા, શ્રીજી શિપિંગ ૩.૯ ટકા ઘટી છે. MCX નીચામાં ૨૪૪૧ થઈને બાઉન્સ બૅકમાં ૨.૪ ટકા વધીને ૨૫૫૭ થઈ છે. BSE લિમિટેડ પણ ૨૭૭૭ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૨૮૮૮ બતાવી ૨.૪ ટકા વધીને ૨૮૬૨ હતી. NSDL ૮૫૪ના ઑલટાઇમ તળિયે જઈને સવા ટકો ઘટી ૮૫૭ રહી છે. CDSL ૦.૭ ટકા સુધરી ૧૧૮૪ હતી. 

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange iran israel united states of america