કન્સોલિડેશનની ધારણા ખોટી ઠરાવીને સેન્સેક્સની છલાંગ

16 February, 2021 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કન્સોલિડેશનની ધારણા ખોટી ઠરાવીને સેન્સેક્સની છલાંગ

પ્રતીકાત્મક તસવીર

કન્સોલિડેશનની ધારણાઓને ખોટી ઠરાવીને શૅરબજાર ફરી વધવા લાગી ગયું છે. બૅન્કિંગ અને નાણાકીય શૅરોના જોરે સોમવારે એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ૬૦૯.૮૩ પૉઇન્ટ (૧.૧૮ ટકા) વધીને ૫૨,૧૫૪.૧૩ની નવી ઉપલી સપાટીએ બંધ રહ્યો હતો. ભારતમાં કોરોનાના કેસ સતત ત્રણ દિવસથી નેટ વધી રહ્યા હોવા છતાં એકંદરે એનું વૃદ્ધિનું પ્રમાણ ઓછું છે ત્યારે બીજી બાજુ બજેટને કારણે મળેલો વેગ હજી અકબંધ છે અને વિદેશી પરિબળો પણ સાનુકૂળ છે. આ ઉપરાંત દેશનો ફુગાવાનો દર નિયંત્રણ હેઠળ દેખાય છે અને ઔદ્યોગિક વૃદ્ધિ થઈ રહી છે. વળી અમેરિકામાં
આર્થિક પૅકેજ બાબતે આશાવાદ અકબંધ છે અને વૈશ્વિક બજારોમાં નવી-નવી ઉપલી સપાટીઓ રચાઈ રહી છે. આથી બજારને વધવા માટે પૂરતાં કારણો મળી ગયાં છે.
નિફ્ટી૫૦ ઇન્ડેક્સમાં સોમવારે ૧૫૧.૪૦ પૉઇન્ટ (૧ ટકો)નો વધારો થઈને ૧૫,૩૧૪.૭૦ની નવી સર્વોચ્ચ સપાટી આવી હતી. બ્રૉડર માર્કેટમાં સ્મૉલ કૅપ સ્ટૉક્સ ઇન્ડેક્સ કરતાં ઓછા પ્રમાણમાં વધ્યા હતા. એનએસઈના
મુખ્ય ઇન્ડેક્સની ૧ ટકાની વૃદ્ધિ
સામે સ્મૉલ કૅપ ૧૦૦ ઇન્ડેક્સ
૦.૪૨ ટકા વધ્યો હતો, જ્યારે મિડ કૅપ ૫૦ ઇન્ડેક્સમાં ૧.૭૯ ટકાની વૃદ્ધિ થઈ હતી.
એફઆઇઆઇની નેટ ખરીદી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સોમવારે કૅશ સેગમેન્ટમાં ૧૨૩૪.૧૫ કરોડ રૂપિયાની નેટ ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ નેટ ૧,૦૪૮.૫૫ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું.
નિફ્ટી બૅન્કમાં ૩.૩૨ ટકાની વૃદ્ધિ
એનએસઈના સેક્ટોરલ ઇન્ડાઇસિસમાંથી નિફ્ટી બૅન્ક સૌથી વધુ એટલે કે ૩.૩૨ ટકા વધ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં ૨.૮૭ ટકાની વૃદ્ધિ થઈ હતી. નિફ્ટી ઑટો ૦.૪૦ ટકા, નિફ્ટી એફએમસીજી ૦.૦૯ ટકા અને નિફ્ટી રિયલ્ટી ૧.૫૦ ટકા વધ્યા હતા. ઘટેલા ઇન્ડાઇસિસમાં નિફ્ટી આઇટી (૦.૩૬ ટકા), નિફ્ટી મીડિયા (૦.૩૧ ટકા), નિફ્ટી મેટલ (૦.૪૭ ટકા) અને નિફ્ટી ફાર્મા (૦.૩૨ ટકા) સામેલ હતા.
ઍક્સિસ બૅન્ક ૬.૨૧ ટકા વધ્યો
એનએસઈ પર વધેલા બૅન્કિંગ સ્ટૉક્સમાં ‍ઍક્સિસ બૅન્ક (૬.૨૧ ટકા) સૌથી વધુ વૃદ્ધિ પામ્યો હતો. ત્યાર બાદ આરબીએલ બૅન્ક (૫.૬૧ ટકા), આઇસીઆઇસીઆઇ બૅન્ક (૪.૧૬ ટકા), સ્ટેટ બૅન્ક (૩.૯૬ ટકા), આઇડીએફસી ફર્સ્ટ (૩.૭૪ ટકા), ઇન્ડસઇન્ડ બૅન્ક (૩.૦૮ ટકા), ફેડરલ બૅન્ક (૨.૭૭ ટકા), એચડીએફસી બૅન્ક (૨.૭૨ ટકા), પંજાબ નૅશનલ બૅન્ક (૨.૧૯ ટકા) અને કોટક બૅન્ક (૨ ટકા) વધ્યા હતા.
ચોલાફિનમાં ૧૩ ટકાની વૃદ્ધિ
નાણાકીય સેવાઓના વધેલા સ્ટૉક્સમાં ચોલામંડલમ ફાઇનૅન્સ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની (૧૩.૩૩ ટકા), પિરામલ એન્ટરપ્રાઇઝિસ (૭.૨૩ ટકા), મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ફાઇનૅન્સ (૬.૬૦ ટકા), શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનૅન્સ (૫.૬૭ ટકા), પાવર ફાઇનૅન્સ કૉર્પોરેશન (૩.૭૬ ટકા) અને એચડીએફસી (૨.૫૧ ટકા) સામેલ હતા.
સેન્સેક્સના ૧૯ સ્ટૉક્સ વધ્યા હતા, જેમાં ઓએનજીસી (૧.૪૪ ટકા), નેસ્લે ઇન્ડિયા (૧.૨૪ ટકા), ભારતી ઍરટેલ (૧.૨૪ ટકા), લાર્સન ઍન્ડ ટૂબ્રો (૧.૧૦ ટકા) સામેલ હતા. એનએસઈ પર નિફ્ટી ૫૦ના ૨૮ શૅર વધ્યા હતા. ઘટેલામાં એસબીઆઇ લાઇફ (૨.૨૯ ટકા), એચડીએફસી લાઇફ (૨.૦૫ ટકા), ડૉ. રેડ્ડી (૧.૭૭ ટકા), તાતા સ્ટીલ (૧.૪૦ ટકા) અને ટીસીએસ (૧.૩૧ ટકા) મુખ્ય હતા.
રોકાણકારોની સંપત્તિમાં ૧.૨૩ લાખ કરોડ રૂપિયાનો વધારો
બીએસઈ પર સોમવારે માર્કેટ કૅપ ૨૦૫.૧૫ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે શુક્રવારે ૨૦૩.૯૨ લાખ કરોડ રૂપિયા હતું. આમ, એક દિવસમાં એમાં ૧.૨૩ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
બીએસઈના સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં ફાઇનૅન્સ ૨.૭૧ ટકા, હેલ્થકૅર ૦.૬૮ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૦.૯૦ ટકા, ટેલિકૉમ ૦.૮૮ ટકા, યુટિલિટીઝ ૦.૨૪ ટકા, ઑટો ૦.૪૪ ટકા, કૅપિટલ ગુડ્સ ૦.૬૯ ટકા, પાવર ૦.૫૮ ટકા અને રિયલ્ટી ૧.૪૬ ટકા વધ્યા હતા, જ્યારે એનર્જી ૦.૨૬ ટકા, એફએમસીજી ૦.૦૫ ટકા, આઇટી ૦.૬૨ ટકા, કન્ઝ્‍યુમર ડ્યુરેબલ્સ ૦.૫૬ ટકા, મેટલ ૦.૪૩ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ ૦.૩૩ ટકા અને ટેક ૦.૪૨ ટકા ઘટ્યા હતા.
મધરસન સુમી સિસ્ટમ્સ લિમિટેડની સારી નાણાકીય કામગીરીને અનુલક્ષીને આ શૅરમાં તેજી યથાવત્‌ રહેતાં સોમવારે બીએસઈ પર સ્ટૉક ૬.૮૨ ટકા વધીને ૨૧૦.૭૦ની નવી ઉપલી સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમ્યાન એમાં ૨૨૧ની નવી ટોચ બની હતી.
ભારતી ઍરટેલની વ્યૂહાત્મક યોજનાઓ તથા પેટા કંપનીઓમાં શૅરહોલ્ડિંગના માળખામાં ફેરફાર કરવા બાબતે કંપનીના બોર્ડમાં ૧૭ ફેબ્રુઆરીએ ચર્ચા થવાની હોવાથી એને અનુલક્ષીને સ્ટૉક વધ્યો હતો. એનએસઈ પર એનો બંધ ભાવ ૧.૨૫ ટકા વધીને ૫૯૩.૫૫ બંધ રહ્યો હતો.
ડેરિવેટિવ્ઝ રિપોર્ટ
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે કુલ ૨,૭૭,૫૩૭.૯૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૮,૮૧૭ સોદાઓમાં ૨૫,૦૦,૯૭૯ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૭,૮૪,૫૨૦ કૉન્ટ્રૅક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સમાં ૮.૫૨ કરોડ રૂપિયાના ૪૧ સોદામાં ૭૧ કૉન્ટ્રૅક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કોલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૨૩,૬૨૧ સોદામાં ૧૦,૧૨,૪૫૫ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૨૭,૧૮૪.૫૮ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૪૫,૧૫૫ સોદામાં ૧૪,૮૮,૪૫૩ કૉન્ટ્રૅક્ટ સાથે ૧,૫૦,૩૪૪.૮૦ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.
વૈશ્વિક વહેણ
એસજીએક્સ નિફ્ટીના નજીવા ઘટાડાને બાદ કરતાં અમેરિકન, યુરોપિયન અને એશિયન બજારોમાં તમામ મુખ્ય ઇન્ડેક્સ ઊંચે બંધ રહ્યા છે. નિક્કી ૨૨૫ અને કોસ્પીમાં અનુક્રમે ૧.૯૧ ટકા અને ૧.૫૦ ટકાની વૃદ્ધિ થઈ છે.
ટેક્નિકલ દૃષ્ટિએ
ગયા સપ્તાહે રેન્જ-બાઉન્ડ હિલચાલ થયા બાદ સોમવારે નવા સપ્તાહના પ્રથમ સત્રની શરૂઆત જ ઉછાળા સાથે થઈ હતી. નિફ્ટી ૧૦૦ પૉઇન્ટ ઊંચા ગૅપ સાથે ખૂલ્યો હતો અને સતત વધતો ગયો હતો. નિફ્ટીમાં રચાયેલી નાની પૉઝિટિવ કૅન્ડલ સૂચવે છે કે આશરે ૧૫,૫૦૦ની મહત્ત્વની સપાટીએ રેઝિસ્ટન્સ છે. સપોર્ટની સપાટી ૧૫,૨૦૦ રહેશે. એક નિષ્ણાતના મતે રેઝિસ્ટન્સ ૧૫,૪૭૦ અને સપોર્ટ ૧૫,૨૪૩ની સપાટીએ છે.
બજાર કેવું રહેશે?
બજારમાં તેજીનું વલણ મજબૂતીભર્યું હોવાથી હાલમાં આખલો મચક આપે એવું લાગતું નથી. અહીંથી હવે મોટો ઉછાળો આવવાની શક્યતા ઓછી હોવાનું વિશ્લેષકો કહે છે. જોકે બજાર અત્યાર સુધી અનેક અંદાજોને ખોટા પાડી ચૂક્યું હોવાથી અટકળો બાંધવાનું મુશ્કેલ બને છે. ઇન્ડેક્સ વધવા છતાં વૉલ્યુમ ઘટ્યું હોવાથી ટ્રેડરોને આક્રમક નહીં બનવાની સલાહ આપવામાં આવી છે.

business news