✕

AI શૅરોમાં સાગમટે વેચવાલી વચ્ચે FIIની રહેમનજર થઈ, બજારમાં તેજીની બઘડાટી

07 November, 2026 08:23 AM IST  |  Mumbai | Anil Patel

ઍન્ટિ-AI ટ્રેડ ડે AI રિલેટેડ શૅરોમાં વેચવાલીનાં પોટલાં છૂટતાં અમેરિકન બજારમાં ખુવારી, નૅસ્ડૅક ૨૦૨૦ પછીના મોટા કડાકામાં સપડાયું, માર્કેટકૅપમાં આશરે ૨૩૦ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા : ચિપ્સ શૅરોની ખરાબી વકરતાં એશિયન બજારો પણ લથડ્યાં.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઍન્ટિ-AI ટ્રેડ ડે AI રિલેટેડ શૅરોમાં વેચવાલીનાં પોટલાં છૂટતાં અમેરિકન બજારમાં ખુવારી, નૅસ્ડૅક ૨૦૨૦ પછીના મોટા કડાકામાં સપડાયું, માર્કેટકૅપમાં આશરે ૨૩૦ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા : ચિપ્સ શૅરોની ખરાબી વકરતાં એશિયન બજારો પણ લથડ્યાં : AIમાં ખરડાયેલા માનસ વચ્ચે સળંગ પાંચ દિવસની લેવાલીમાં FIIએ ૩૬,૦૦૦ કરોડ રૂપિયા બજારમાં ઠાલવ્યા હોવાના અહેવાલથી ઘરઆંગણે રૅલીને નવું જોર ચડ્યું : ૬ દિવસમાં કુલ મળીને ૬૪૬૪ પૉઇન્ટ વધેલો સેન્સેક્સ સાતમા દિવસે ૮૧૮૨ પૉઇન્ટની આગેકૂચ સાથે ૮૧૦૨૮ બંધ, નિફ્ટી ૪૯૪ પૉઇન્ટ ઊછળીને ૨૫૦૩૦ થયો

અમેરિકા ખાતે મિડ-ટર્મ ઇલેક્શનમાં ડેમોક્રૅટ્સનું સ્ટીમરોલર ફરી વળતાં ઍન્ટિ-AI ટ્રેડનો નવો વેવ શરૂ થયો છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પર કડક નિયંત્રણ આવવાની દહેશત ચારેકોર ફરી વળી છે. AI રિલેટેડ શૅરોમાં વેચવાલીનાં પોટલાં છૂટ્યાં છે એમાં વિશ્વભરનાં શૅરબજારો ધરાશાયી થવા લાગ્યાં છે. અમેરિકન નૅસ્ડૅક ૧૦૦ ગુરુવારે મોડી રાત્રે ૬.૪ ટકા કે ૧૮૦૭ પૉઇન્ટ તથા નૅસ્ડૅક કમ્પોઢિટ ઇન્ડેક્સ સાડાપાંચ ટકા કે ૧૪૨૧ પૉઇન્ટ ખાબક્યો છે. ૨૦૨૦ પછીના આ મોટા કડાકામાં એનું માર્કેટકૅપ એક દિવસે લગભગ અઢી લાખ કરોડ ડૉલર (મતલબ કે ૨૩૦ લાખ કરોડ રૂપિયા થયા) સાફ થઈ ગયું હોવાનો અંદાજ છે. ડાઉ ઇન્ડેક્સ સાડાત્રણ ટકા કે ૧૮૩૩ પૉઇન્ટ ડૂલ થયો છે. અમેરિકન ખરાબી પાછળ એશિયા ખાતે ગઈ કાલે જૅપનીઝ નિક્કી ૩૮૨૮ પૉઇન્ટ કે ૬.૩ ટકાની ખુવારી સાથે હવે શૅરમાર્કેટની ઑર્બિટમાં પ્રવેશ્યું છે. સાઉથ કોરિયા ૬ ટકા, તાઇવાન સાડાચાર ટકા, થાઇલૅન્ડ સવાબે ટકા, સિંગાપોર સવાબે ટકા, હૉન્ગકૉન્ગ ૧.૪ ટકા, મલેશિયા દોઢેક ટકા ગગડ્યાં છે. યુરોપ પણ રનિંગમાં એકથી દોઢ ટકો માઇનસ રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડમાં ઊથલપાથલ છે. ૯૩ ડૉલરવાળું ક્રૂડ બાઉન્સબૅકમાં ૧૦૧ ડૉલર નજીક જઈને હાલ ૯૭ ડૉલર ચાલે છે. FII જે હમણાં સુધી આક્રમક વેચવાલીના મૂડમાં હતા તેમણે પાંચમી નવેમ્બર સુધીના છેલ્લા પાંચ દિવસમાં સતત લેવાલની ભૂમિકા સાથે કુલ મળી ૩૫,૮૦૯ કરોડ રૂપિયા બજારમાં ઠાલવ્યા છે, જેમાંથી ૧૪,૯૭૫ કરોડની નેટ ખરીદી આગલા દિવસે ગુરુવારે કરી નાખી છે. FIIના યુ-ટર્નથી બજારની વર્તમાન રૅલીને નવું જોમ મળ્યું છે. ડૉલર સામે રૂપિયો ૫૪ પૈસા ઊંચકાઈને ૯૩.૯૩ના લેવલે જોવાયો છે.

૬ દિવસની સળંગ રૅલીમાં ૬૪૬૪ પૉઇન્ટ વધી ગયા પછી બજારે વિક્રમ સંવત ૨૦૮૨ના આખરી દિવસે પણ તેજી આગળ વધારી છે. સેન્સેક્સ નીચામાં ૭૯,૦૧૬ અને ઉપરમાં ૮૧,૦૨૮ બતાવી ૧૭૧૮ પૉઇન્ટની મજબૂતીમાં ૮૧,૦૨૮ તથા નિફ્ટી ઉપરમાં ૨૫,૦૩૦ થઈ ૪૯૪ પૉઇન્ટ વધી ૨૫,૦૩૦ ગઈ કાલે બંધ થયો છે. આ સાથે કામકાજના છેલ્લા ૭ દિવસમાં બજાર કુલ ૮૧૮૨ પૉઇન્ટ વધી ગયું છે. સેન્સેક્સ ૧૭૧૮ પૉઇન્ટ વધવા છતાં ગઈ કાલે માર્કેટકૅપ ૧.૪૫ લાખ કરોડ વધીને ૫૦૩.૦૬ લાખ કરોડ રહ્યું છે. અર્થાત્ શુક્રવારનો દિવસ શૅર નહીં પણ સેન્સેક્સ જોઈને હરખાવાનો હતો. નબળી માર્કેટબ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૪૩૯ શૅર સામે ૨૧૪૧ જાતો ઘટી છે. BSEમાં પણ વધેલા ૧૫૭૬ શૅર સામે ૨૭૨૯ કાઉન્ટર ડાઉન હતાં.

સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૨૯ શૅરમાં મહિન્દ્ર ૬.૨ ટકાની તેજીમાં ૩૨૯૫ (નિફ્ટીમાં ૫.૧ ટકા વધીને ૩૨૮૭) બંધ આપીને ટૉપ ગેઇનર બન્યો છે. ICICI બૅન્ક ૪.૭ ટકાની મજબૂતીમાં ૧૫૬૯ના નવા શિખર સાથે સેન્સેક્સને ૪૨૨ પૉઇન્ટ ફળી છે. HDFC બૅન્ક વધુ સાડાત્રણ ટકા ઊછળીને ૭૮૭ બંધ થતાં એમાં બીજા ૩૪૮ પૉઇન્ટનો ઉમેરો થયો છે. નોંધપાત્ર વધેલા અન્ય શૅરોમાં ટાઇટન ૩.૪ ટકા, ઍક્સિસ બૅન્ક સવાત્રણ ટકા, કોટક બૅન્ક ૨.૭ ટકા, તાતા સ્ટીલ સવાબે ટકા, HDFC લાઇફ ૪ ટકા, SBI લાઇફ ૨.૮ ટકા, અદાણી પોર્ટ્સ ૨.૮ ટકા (સેન્સેક્સમાં બે ટકા), ભારતી ઍરટેલ અઢી ટકા (સેન્સેક્સમાં ૧.૭ ટકા), હિન્દાલ્કો ૨.૨ ટકાની મજબૂતી સાથે મોખરે હતી. નિફ્ટી ખાતે ૫૦માંથી ૪૫ શૅર વધ્યા છે. કસીનો-સેશનના આરંભ પૂર્વે સેન્સેક્સ ૮૦,૭૯૩ અને નિફ્ટી ૨૪,૯૩૭ હતો. કસીનો સેશનમાં બન્ને બેન્ચમાર્ક ઇન્ટ્રા-ડે હાઈ થઈ ત્યાં જ બંધ રહ્યા છે. હેવીવેઇટ રિલાયન્સ મામૂલી સુધારે ૧૩૧૮ હતી. ICICI બૅન્ક ઉપરાંત કોટક બૅન્ક, એટર્નલ અને ટેક મહિન્દ્રમાં નવાં શિખર બન્યાં છે. બોશ લિમિટેડ ૧૦ના શૅરનું બે રૂપિયામાં વિભાજન તે મજ બેની ફેસવૅલ્યુવાળા પ્રત્યેક નવા એક શૅરદીઠ ત્રણ ટકા કે ૧૬૮૫ના ગાબડામાં ૫૦,૭૬૫ બંધ થયો છે.

નફો સાડાચાર ટકા ઘટતાં થર્મેક્સ ૫૮૦ રૂપિયા તૂટી ૩ વર્ષના તળિયે

તાતા ગ્રુપની ટાઇટન દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૪ ટકાના વધારા સાથે ૨૧,૪૩૦ કરોડની આવક પર ધારણા કરતાં તગડો, ૧૧૪ ટકાના વૃદ્ધિદરમાં ૨૩૯૩ કરોડનો ચોખ્ખો નફો દર્શાવાયો છે. શૅર ગઈ કાલે ત્રણગણા કામકાજમાં ઉપર ૫૦૧૩ બતાવી ૩.૪ ટકા વધી ૪૯૯૪ બંધ થયો છે. ભારતી ઍરટેલ તરફથી પોણાસત્તર ટકા વધારામાં ૬૦,૮૮૭ કરોડની આવક પર ૩૧ ટકા વધારામાં ૮૮૮૭ કરોડ નેટ પ્રૉફિટ મેળવી અપેક્ષા કરતાં સારાં પરિણામો રજૂ થયાં છે. દેવું ૧.૨૬ લાખ કરોડથી ઘટીને ૮૮ ૨૭૭ કરોડ રહ્યું છે. શૅર ગઈ કાલે ઉપર ૨૧૨૦ દેખાડી ૧.૭ ટકા વધી ૨૦૯૬ બંધ થયો છે. ONGC દ્વારા ૩૨.૮ ટકા વધારામાં ૪૩,૮૭૫ કરોડની ત્રિમાસિક આવક પર ૫૭ ટકા વધારામાં ૧૫,૪૮૮ કરોડનો નેટ પ્રૉફિટ બતાવાયો છે. જોકે જૂન ક્વૉર્ટરનો નફો ૧૭,૦૩૪ કરોડ હતો એ સંદર્ભમાં પ્રૉફિટ ઘટ્યો છે. શૅર નીચે ૨૨૫ થઈ પોણો ટકો ઘટી ૨૩૨ બંધ થયો છે.

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝે સાડાપંદર ટકાના વધારામાં ૫૫૯૮ કરોડની આવક તથા સવાદસ ટકાના વધારામાં ૭૨૧ કરોડ નેટ નફો કર્યો છે. એકંદર ધારણા ૫૪૪૩ કરોડની આવક અને ૭૨૦ કરોડના નફાની હતી. માર્જિન ૧.૪ ટકા ઘટી ૧૮.૩ ટકા રહ્યું છે. શૅર ઉપરમાં ૫૦૯૭ દેખાડી સવાચાર ટકા તૂટી ૪૭૯૦ થયો છે. થર્મેક્સ લિમિટેડે ૧૧.૪ ટકા વધારામાં ૨૭૫૬ કરોડની આવક પર સાડાચાર ટકાની પીછેહઠમાં ૧૧૫ કરોડ ચોખ્ખો નફો કર્યો છે. ગ્રોસ લેવલે નફો સાડાતેર ટકા વધી ૧૯૪ કરોડ થયો છે. શૅર ૨૬૭૦ના ૩ વર્ષના તળિયે જઈને ૧૭.૫ ટકા લથડી ૨૭૪૨ બંધ આવ્યો છે. ગોડફ્રે ફિલિપ્સે ૪ ટકા વધારામાં ૧૩૪૨ કરોડની આવક પર ૩૭.૭ ટકાની ખરાબીમાં ૧૯૦ કરોડ નેટ નફો કરી શૅરદીઠ ૧૦નું ઇન્ટરિમ જાહેર કર્યું છે. માર્જિન ૨૪.૪ ટકાથી ગગડીને ૧૫.૯ ટકા જોવાયું છે. શૅર ગઈ કાલે બમણા કામકાજે ઉપરમાં ૧૮૦૬ બનાવી પોણો ટકો ઘટી ૧૭૯૫ બંધ થયો છે.

વડોદરાની મૅક્સવેલના SME IPOમાં ૧૦૦ ટકા લિસ્ટિંગ ગેઇન

ગઈ કાલે ૪ SME IPO લિસ્ટેડ થયા છે. વડોદરા ખાતેની મૅક્સવેલ એન્જિનિયરિંગ ૧૦ના શૅરદીઠ ૧૫૮ની ઇશ્યુ-પ્રાઇસ તેમ જ ગ્રેમાર્કેટમાં ૨૭થી શરૂ થઈ ઉપરમાં ૧૧૩ થાય બાદ છેલ્લે ચાલતા ૧૧૧ના પ્રીમિયમ સામે NSEમાં ૩૦૦ ખૂલીને ૩૧૫ બંધ રહેતાં ૯૯.૫ ટકા લિસ્ટિંગ-ગેઇન છૂટ્યો છે. લગભગ ૫૮ કરોડનો આ ઇશ્યુ ૫૩૭ ગણો છલકાયો હતો. અમદાવાદના ચાંદખેડાની વેક્ટ્રાસ એન્પ્રોકોનનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૫૩ કરોડનો ઇશ્યુ કુલ ૪.૨ ગણો ભરાયો હતો. પ્રીમિયમ પહેલેથી ઝીરો હતું. શૅર BSEમાં ૧૦૬ ખૂલી ૧૦૮ બંધ થતાં ૨.૯ ટકા લિસ્ટિંગ-ગેઇન મળ્યો છે. નવી દિલ્હીની HGS ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૨૦ કરોડનો ઇશ્યુ કુલ ૪.૨ ગણો ભરાયો હતો. પ્રીમિયમ પહેલેથી ઝીરો હતું. શૅર BSEમાં ૧૦૬ ખૂલી ૧૦૮ બંધ થતાં ૨.૯ ટકા લિસ્ટિંગ-ગેઇન મળ્યો છે. નવી દિલ્હીની HGS ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૧૨૦ની ઇશ્યુ-પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૩૦થી શરૂ થઈ પચીસ થયા બાદ છેલ્લે બોલાતા ૪૦ના પ્રીમિયમ સામે ગઈ કાલે NSEમાં ૧૬૦ ખૂલીને ૧૬૮ બંધ આવતાં ૪૮ ટકા લિસ્ટિંગ-ગેઇન મળ્યો છે. કુલ ૩૪૫૬ લાખનું આ ભરણું ૯૨ ગણા નજીક છલકાયું હતું. મહેસાણા જિલ્લાના જગુદણ ખાતેની જૉન્સનકૅબ ઇલેક્ટ્રિકલ્સ ૧૦ના શૅરદીઠ ૨૦૦ની ઇશ્યુ-પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થઈ પાંચ થયા પછી છેલ્લે બોલાતા આઠના પ્રીમિયમ સામે BSEમાં ૨૩૮ ખૂલીને ૨૩૭ બંધ રહેતાં ૧૮.૭ ટકા લિસ્ટિંગ-ગેઇન મળ્યો છે. કુલ ૫૬ કરોડનું આ ભરણું ૨૪ ગણા નજીક ભરાયું હતું. સોમવારે પશ્ચિમ બંગાળની વેદાન્ત યોલી ફેબ્સનું લિસ્ટિંગ NSEમાં થવાનું છે. પ્રીમિયમ હાલ એક ચાલે છે.

દરમ્યાન આગલા દિવસે સાડાસોળ ટકાના લિસ્ટિંગ-ગેઇનમાં ૯૫ બંધ થયેલી મુંબઈના અંધેરી-વેસ્ટની બૉમ્બે કોટેડ ઍન્ડ સ્પેશ્યલ સ્ટીલ ગઈ કાલે ૯૦નીચે બૉટમ બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ રહી છે. નવા લિસ્ટેડ અન્ય શૅરમાં મુંબઈના બાંદરા-વેસ્ટની એમકે સન્સ ફાઇન જ્વેલ્સ ૧૫૮નું વર્સ્ટ લેવલ બનાવી દોઢ ટકા ઘટી ૧૫૮, કારવેર રોબોવેલ્ડ ૮૯ના નવા તળિયે જઈ ૧.૪ ટકા વધી ૯૫, આજવા પ્રોજેક્ટ્સ ૧૭૪નું વર્સ્ટ લેવલ દેખાડી પાંચ ટકા તૂટી ત્યાં જ, SFC એન્વાયર્નમેન્ટલ પોણો ટકો સુધરી ૪૧૪, BLS પૉલિમર્સ ૫.૪ ટકા તૂટી ૨૩૫, જિયો પ્લૅટફૉર્મ એકાદ ટકો ઘટી ૧૪૦૬ બંધ થઈ છે.

ગ્લેનમાર્ક ફાર્મા નબળાં રિઝલ્ટ્સ છતાં ૧૦૭ વધી નવી ટોચે

આદિત્ય બિરલા ફૅશન્સની આવક પાંચેક કરોડ ઘટી ૧૫૧૧ કરોડ થ છે, પણ નેટ લૉસ ૭૦ કરોડ રૂપિયા વધી ૧૮૦ કરોડે પહોંચી છે. માર્જિન સવાદસ ટકાથી ધોવાઈને ૬ ટકાની અંદર ગયું છે. શૅર નીચામાં ૩૮.૬૨ બતાવીને સાડાછ ટકા તૂટી ૩૯ રહ્યો છે. સનસેરા એન્જિનિયરિંગે ૩૨.૨ ટકા વધારામાં ૧૦૯૧ કરોડની આવક પર ૫૧.૭ ટકા વધારામાં ૧૦૮ કરોડ નફો દર્શાવ્યો છે. ભાવ ઉપરમાં ૪૫૧૬ બતાવી અઢી ટકા ઘટી ૪૩૨૦ થયો છે. વિદેશી ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ ૩૦ ટકા વધારામાં ૭૨૯ કરોડ આવક પર અડધા, ૧૪.૯ ટકાના વૃદ્ધિદરમાં ૬૨૩૦ લાખ નફો બતાવ્યો છે. શૅર ઉપર ૬૮૦૦ નોંધાવી દોઢ ટકા વધીને ૬૩૮૮ હતો. ઇન્ડિયન હ્યુમપાઇપ કંપનીની આવક ૨૧.૪ ટકા ઘટી ૨૮૭ કરોડ અને નફો ૩૪.૩ ટકા ઘટી ૨૩ કરોડ આવ્યો છે. શૅર ઉપર ૩૦૫ થઈ ૬.૭ ટકા ગગડી ૨૯૫ થયો છે.

ગ્લેનમાર્ક ફાર્માએ નબળો દેખાવ કરતાં ૨૯.૮ ટકાના ઘટાડામાં ૪૨૪૭ કરોડની આવક ફર ૫૭ ટકા જેવા ગાબડા સાથે ૨૬૩ કરોડ નફો કર્યો છે. શૅર ૨૬૮૩ના શિખરે જઈ ૪.૩ ટકા વધીને ૨૫૯૩ બંધ રહ્યો છે. હૉન્ડા ઇન્ડિયા પાવર પ્રોડક્ટ્સે ૪૬.૩ ટકા વધારામાં ૨૫૬ કરોડની આવક મેળવી છે, પરંતુ ૩૬ કરોડની વન-ટાઇમ લૉસના પગલે કંપની ૧૧ કરોડના નફામાંથી ૪ કરોડની ચોખ્ખી ખોટમાં સરી પડી છે. ગ્રોસ લેવલે નફો ૧૦ કરોડથી વધીને ૨૯ કરોડ જોવાયો છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૯૫૪ થઈ અઢી ટકા વધી ૨૦૦૨ હતો. રેટગેઇન ટ્રાવેલ ટેક્નૉલૉજીઝે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૫૨ ટકા વધારામાં ૭૪૫ કરોડની આવક મેળવી ૪૭ ટકા વૃદ્ધિદરથી ૭૫ કરોડ નેટ નફો દર્શાવ્યો છે. શૅર ગઈ કાલે ઉપર ૮૧૭ થઈ ૧૧.૫ ટકા લથડી ૭૨૬ હતો. ટીમલીઝ સર્વિસિસે સવાબે ટકા વધારામાં ૩૦૭૬ કરોડની આવક પર સાડાસોળ ટકાના ઘટાડે ૨૩ કરોડ નફો કર્યો છે. શૅર ૯૮૮નું ૧૧૬ માસનું બૉટમ બનાવી સાત ટકા તૂટીને ૧૦૧૩ થયો છે.

મુંબઈની કુસુમાગરનો નફો ૨૬૮ ટકા વધ્યો, શૅર ૭ ટકા તૂટ્યો

રિયલ્ટી કંપની સિગ્નેચર ગ્લોબલ ઇન્ડિયાએ ૧૪૨ ટકાના વધારામાં ૮૧૭ કરોડની આવક મેળવતાં કંપની ૪૭ કરોડની નેટ લૉસમાંથી ૬૭ કરોડના નફામાં આવી છે. શૅર ઉપરમાં ૭૬૦ થઈ દોઢ ટકો વધી ૭૪૩ થયો છે. ભારતી હેક્સાકોમની આવક ત્રણેક ટકા વધી ૨૫૮૨ કરોડ થઈ છે, પણ નફો ૧૭.૪ ટકા વધી ૫૬૬ કરોડ નોંધાયો છે. સેલો વર્લ્ડ લિમિટેડે પોણાઆઠ ટકા વધારામાં ૬૩૩ કરોડની આવક પર દસેક ટકા ઘટાડામાં ૮૨ કરોડ નેટ નફો કર્યો છે. શૅર નીચામાં ૩૫૦ બનાવી સવા ટકો ઘટી ૩૬૭ થયો છે. કુસુમાગર લિમિટેડે ૮૦.૬ ટકા વધારામાં ૨૫૧ કરોડ આવક પર ૨૬૮ ટકા વૃદ્ધિદરથી ૪૦૫૦ લાખ નફો બતાવ્યો છે. શૅર ઉપર ૫૭૯ દેખાડી ૭ ટકા તૂટી ૫૫૯ હતો. કંપની જુલાઈ ૨૦૨૬માં એકના શૅરદીઠ ૪૧૯ના ભાવથી ૬૫૦ કરોડનો પ્યૉર OFS ઇશ્યુ લાવી હતી. મુંબઈના વિલે પાર્લે-વેસ્ટની આ કંપનીનું ભરણું કુલ લગભગ ૯૫ ગણું છલકાયું હતું.

તાજેતરમાં એકના શૅરદીઠ ૬૯૩ના ભાવથી ૧૪૫૦ કરોડનો IPO લાવનારી પારસ હૅલ્થકૅરે ૨૨.૩ ટકા વધારામાં ૫૧૧ કરોડની આવક પર ૨૨૬ ટકા જેવા વૃદ્ધિદરથી ૪૦૪૦ લાખ નેટ નફો દર્શાવ્યો છે. શૅર ગઈ કાલે નીચામાં ૭૨૮ બનાવી પાંચ ટકા ગગડી ૭૩૫ થયો છે. ADF ફૂડ્સની આવક ૨૩.૬ ટકા વધી ૨૦૧ કરોડ થવા છતાં નફો સવાચાર ટકા ઘટી ૨૫૩૦ લાખ થયો છે. શૅર નીચામાં ૨૩૮ થઈ ૮.૮ ટકા તૂટી ૨૪૦ હતો. આદિત્ય ઇન્ફોટેકની આવક ૯૦ ટકા વધી ૧૭૪૬ કરોડ અને નફો ૧૬૫ ટકા ઊછળી ૧૮૬ કરોડ આવ્યો છે. ભાવ ઉપરમાં ૪૪૧૮ થઈને એક ટકો ઘટી બંધ રહ્યો છે.

ટેસ્ટી બાઇટ ૧૪૭ ટકા નફાવૃદ્ધિ પછીયે ૭૩૬ રૂપિયા ગગડી

મુંબઈના ગોવંડી ખાતેની નૉલેજ મરીન ઍન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ પાંચના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ઉપરમાં ૬૭૫ બતાવી ૪.૬ ટકા વધી ૬૫૯ બંધ આવી છે. નવી દિલ્હીની જિંદલ કૅપિટલ ૧૦ના શૅરદીઠ ૧૫ના ભાવે બે શૅરદીઠ ત્રણના પ્રમાણમાં રાઇટમાં એક્સ-રાઇટ થતાં ગઈ કાલે BSEમાં ૩૩ નજીક ટૉપ બતાવી ૧૭.૮ ટકા ઊછળી ૩૨ છે. અગ્રણી વીમા કંપની LIC લિમટેડે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં સવાસોળ ટકા વધારામાં ૧.૪૭ લાખ કરોડની પ્રીમિયમ ઇન્કમ પર ૨૦ ટકા વધારામાં ૧૨,૦૭૬ કરોડ નેટ નફો કર્યો છે. શૅર નીચામાં ૩૯૦ થઈ ૩.૫ ટકા વધી ૩૯૪ બંધ રહ્યો છે. સરકારની આ કંપની મે-૨૦૨૨માં ૧૦ના શૅરદીઠ ૯૪૯ના ભાવથી ૨૦,૫૫૭ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ લાવી હતી. કંપનીએ ચાલુ વર્ષે એપ્રિલમાં શૅરદીઠ એકનું બોનસ આપ્યું હતું. લૉઇડ્સ એન્ટરપ્રાઇસિસે ૭૦ ટકા વધારામાં ૬૯૪ કરોડની આવક ઉપર ૪૧.૭ ટકાના ગાબડામાં ૧૩૭૦ લાખ નેટ નફો કર્યો છે. શૅર નીચામાં ૬૦ થઈને બે ટકા ઘટી ૬૧ હતો.

મલ્ટિનૅશનલ ફાર્મા કંપની અબોટ ઇન્ડિયાએ ૧૧ ટકા વધારામાં ૧૯૫૧ કરોડની આવક પર સવાનવ ટકા વૃદ્ધિદરથી ૪૫૪ કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. શૅર ૨૭,૦૭૦ ઉપરમાં થઈ એક ટકો ઘટી ૨૬૩૦૧ હતો. TCPL પૅકેજિંગ દ્વારા ૨૧.૮ ટકા વધારામાં ૫૬૧ કરોડ આવક સામે ૫૭.૮ ટકાના વધારામાં ૪૫૩૦ લાખ નેટ પ્રૉફિટ હાંસલ કર્યો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૪૬૭૦ બતાવી ૨.૧ ટકા ઘટી ૪૪૫૬ હતો. ટેસ્ટી બાઇટ ટેબલ્સે ૩૨.૮ ટકા વધારામાં ૧૭૬ કરોડથી વધુની આવક પર ૧૪૭ ટકાના વૃદ્ધિદરથી ૮૯૦ લાખ ચોખ્ખો નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૧૦,૪૩૨ બનાવી ૭ ટકા તૂટી ૯૮૯૩ રહ્યો છે. ફોર્ટિસ હેલ્થકૅરની ત્રિમાસિક આવક ૧૪ ટકા વધીને ૫૧૯ કરોડ થઈ છે. નફો માત્ર ચાર ટકા વધી ૧૩૦ કરોડ નોંધાયો છે. ગ્રોસ લેવલે નફો ૨૪.૩ ટકા વધી ૧૨૩ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૮૧૬ થઈ સાડાછ ટકા તૂટી ૭૬૭ ગઈ કાલે બંધ થયો છે.

share market stock market ai artificial intelligence sensex nifty mumbai icici bank finance news business news