21 July, 2026 09:39 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બ્રેન્ટ ક્રૂડ ૯૧.૫૦ ડૉલર નજીક ગયા બાદ હાલમાં ૮૮ ડૉલર ઉપર ચાલી રહ્યો છે. એશિયન બજારોએ મિશ્ર વલણમાં નવા સપ્તાહની શરૂઆત કરી છે. હૉન્ગકૉન્ગ સવાબે ટકા તથા ચાઇના અને ઇન્ડોનેશિયા ૦.૯ ટકા તો થાઇલૅન્ડ અડધો ટકો વધીને બંધ થયું છે. સામે સાઉથ કોરિયા પોણાપાંચ ટકા અને જપાન સવાચાર ટકાની નજીક ગગડ્યાં છે. તાઇવાન અડધો ટકો ઢીલું હતું. યુરોપ બહુધા નહીંવતથી સામાન્ય સુધારો રનિંગમાં બતાવતું હતું. લંડન ફુત્સી અડધો ટકો ડાઉન હતો. ડૉલર સામે રૂપિયો ૯૬.૨૯ના આગલા બંધ સામે બગડી ૯૫.૫૪ થઈ આસપાસ ચાલતો હતો. ચાંદી દોઢ ટકો સુધરી ૫૭ ડૉલર ઉપર આવી છે. સોનું ૪૦૧૯-૪૦૨૫ ડૉલરે સુસ્તીમાં દેખાયું છે.
સેન્સેક્સ આગલા લેવલની સમકક્ષ ૭૮,૧૫૧ ખૂલી એને ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી છેવટે ૪૪૩ પૉઇન્ટ ઘટી ૭૭,૭૦૮ તો નિફ્ટી ૯૬ પૉઇન્ટ ઘટી ૨૪,૨૩૮ બંધ થયો છે. શૅર આંક નીચામાં ૭૭,૩૬૮ થયો હતો. સાધારણ પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૧૭૭૯ શૅર સામે ૧૫૦૧ જાતો ઘટી છે.
હેવીવેઇટ્સ ખાનગી બૅન્કોના ભારમાં બૅન્ક નિફ્ટી એક ટકો કે ૫૭૬ પૉઇન્ટ ઘટ્યો છે પણ પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી સર્વાધિક સવાબે ટકા છોલાયો છે. સામે PSU બૅન્ક નિફ્ટી તમામ ડઝન બૅન્કના સથવારે પોણાત્રણ ટકા વધ્યો હતો. નિફ્ટી ફાર્મા ૨૦માંથી ૧૭ શૅર પ્લસમાં આપી ૧.૪ ટકા અપ હતો. સામે હેલ્થકૅર ઇન્ડેક્સ ૧.૧ ટકા સુધર્યો છે. પાવર બેન્ચમાર્ક દોઢ ટકો, યુટિલિટીઝ પોણાબે ટકા, ઑઇલ-ગૅસ પોણો ટકો વધ્યો છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ એમ ટકો નરમ હતો. ઑટો તેમ જ IT ઇન્ડેક્સ પણ સાધારણ ઢીલા હતા.
ટ્રેન્ટના પરિણામ તો ૬ ઑગસ્ટે છે પણ ભાવ ગઈ કાલે ત્રણ ટકા વધી ૨૯૨૬ બંધ રહેતાં શૅર બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. પાવરગ્રીડ પોણાબે ટકા, NTPC અને ભારતી ઍરટેલ દોઢ-દોઢ ટકા, સ્ટેટ બૅન્ક દોઢ ટકા, સિપ્લા અને JSW સ્ટીલ ૧.૬ ટકા મજબૂત હતી. ઍક્સિસ બૅન્ક સાડાપાંચ ટકા અને HDFC બૅન્ક પાંચ ટકાથી વધુ ગગડી સેન્સેક્સને ૭૧૬ પૉઇન્ટ નડી છે. મારુતિ સુઝુકી સવાબે ટકા કે ૩૦૫ રૂપિયા તથા કોટક બૅન્ક બે ટકા ડાઉન થઈ છે. ઇન્ફોસિસ એક ટકાની નજીક તો TCS પોણા ટકાથી વધુ માઇનસ હતી.
રોકડામાં અંકલેશ્વરની તત્ત્વ ચિંતન ફાર્માએ ૪૪ ટકા વધારામાં ૧૬૭ કરોડની આવક ઉપર ૧૫૦ ટકા વધારામાં ૧૫૯૮ લાખ નેટ નફો કરતાં શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૨૮૬ રૂપિયા ઊછળી ૧૭૧૪ની બાવીસ માસની ટોચે બંધ થયો છે. જનાસ્મૉલ બૅન્ક રિઝલ્ટનો કરન્ટ જાળવી રાખતાં ૫૩૬ની નવી ટૉપ બતાવી પોણાઆઠ ટકાની તેજીમાં ૫૩૧ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી હતી. થાયરોકૅર તેમ જ ટિપ્સ મ્યુઝિક્સ સાડાછ ટકા ઊંચકાઈ છે. ઇન્ડિયા સિમેન્ટ્સની આવક અડધો ટકો ઘટી ૧૦૧૯ કરોડ થઈ છે, પરંતુ કંપની ૧૩૩ કરોડની નેટ લૉસમાંથી ૨૭ કરોડ નજીકના નેટ નફામાં આવી છે છતાં શૅર પાંચ ટકા તૂટી ૩૯૦ બંધ રહ્યો છે. એમટાર ટેક્નૉલૉજીઝ સતત ત્રીજી મંદીની સર્કિટમાં પાંચ ટકા કે ૩૦૨ બગડી ૫૭૪૧ થઈ છે.
આજે, મેઇન બોર્ડમાં બે સહિત કુલ ત્રણ ભરણાં લિસ્ટિંગમાં જશે. એકના શૅરદીઠ ૫૭૪ની ઇશ્યુ પ્રાઇસ સાથે હાઈ-પ્રોફાઇલ SBI ફન્ડ્સ મૅનેજમેન્ટના ૯૮૧૩ કરોડના પ્યૉર OFS ઇશ્યુમાં અત્યારે પ્રીમિયમ ૧૦૨ ચાલે છે. અમદાવાદની અલ્પાઇન ટૅક્સ વર્લ્ડના ૧૦ના શૅરદીઠ ૧૦૫ની ઇશ્યુ પ્રાઇસવાળા ૧૨૬ કરોડના ઇશ્યુમાં અત્યારે ૧ રૂપિયો તેમ જ બેંગ્લોર અર્બનની મિલવર્કસ ટેક્નૉલૉજીસના ૧૦ના શૅરદીઠ ૩૩૧ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૧૬૦ કરોડના BSE SME IPOમાં ૩૯૫નું પ્રીમિયમ બોલાય છે.
તાજેતરમાં લિસ્ટેડ થયેલી લેસર પાવર ગઈ કાલે ૩૦૪ની ટૉપ બતાવી પાંચ ટકા તૂટી ૨૭૪ રહી છે. કુસુમગર લિમિટેડ ૫૫૫ની બૉટમ દેખાડી સવાબે ટકા ઘટી ૫૬૩ હતી. SME સેગમેન્ટમાં દેવસન કેટાલિસ્ટ ૨૨૭ના નવા શિખરે જઈ ૩.૫ ટકા ગગડી ૨૦૮ રહી છે. તો હેપ્પી સ્ટીલ્સ ૬૩ના તળિયે જઈ પોણાબે ટકા ઘટી ૬૫ હતી.
BSEમાં લિસ્ટેડ અગાઉ એમ.બી. પરીખ ફિનસ્ટૉક તરીકે ઓળખાતી સુરતની કાલિન્દ લિમિટેડ બે શૅરદીઠ એકના બોનસમાં ૨૪મીએ બોનસ બાદ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૮૬ થઈ ૦.૩ ટકા ઘટીને ૮૨ બંધ થયો છે. ફેસવૅલ્યુ ૧૦ની છે. મુંબઈના અંધેરી-વેસ્ટની સિમ્પ્લેક્સ કાસ્ટિંગ્સ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે ઉપર ૧૨૪ વટાવી પોણાબે ટકા ઘટીને ૧૦૨ રહી છે. ચેન્નઈની પોન્ડી ઓક્સાઇડ્સ પાંચના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૪૧૬ બતાવી અઢી ટકા વધી ૧૪૦૨ રહ્યો છે. કાલિન્દ એક્સ બોનસની સાથોસાથ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ પણ ૨૪મીએ જ થવાની છે.
આજે, મંગળવારે SME સેગમેન્ટમાં ગુજરાતના રાજકોટ ખાતેની મેટાલિક ટેક્નો ફોર્જ ૧૦ના શૅરદીઠ ૭૭ની અપર બેન્ડમાં કુલ ૫૦ કરોડનો NSE SME ઇશ્યુ કરવાની છે ઇશ્યુમાં માર્કેટ મેકર્સ માટે ૩ કરોડના શૅરની ફાળવણી રખાઈ છે. QIB પૉર્શન ૪૯.૯ ટકા અને રીટેલ પૉર્શન ૩૫ ટકાનો છે. વર્ષ ૨૦૧૬માં સ્થપાયેલી આ કંપની ક્લોઝ્ડ ડાઇ ફોર્જ્ડ તેમ જ પ્રિસીઝન મશીન્ડ કૉમ્પોન્ટ્સ બનાવે છે. એનો ઉપયોગ મુખ્યત્વે ઑટોમોટિવ, ઍગ્રીકલ્ચરલ મશીનરી, કન્સ્ટ્રક્શન મશીનરી તેમ જ જનરલ એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સના ક્ષેત્રે થાય છે. ગત વર્ષે કંપનીએ ૩૦ ટકા વધારામાં ૯૮ કરોડની આવક ઉપર ૩૭ ટકા વૃદ્ધિદરથી ૧૨૩૬ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૩૧૭૮ લાખ છે. હાથ ઉપર ઑર્ડર ૨૪૪૭ લાખના છે. ઇશ્યુમાંથી ૩૦૮૧ લાખ કેપેક્સમાં તથા ૬૭૨ લાખ દેવું ચૂકવવામાં વપરાશે. ગ્રેમાર્કેટમાં હાલ પ્રીમિયમ શરૂ થયું નથી.
મેઇન બોર્ડમાં મહારાષ્ટ્રના ચંદ્રપુરની કેલીબર માઇનિંગનો ૧૦ના શૅરદીઠ ૪૨૪ના ભાવનો કુલ ૪૫૦ કરોડનો ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ ૨૪.૬ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ ૧૧૭થી ઘટી ૧૧૦ ચાલે છે. સોટફીન ભારતનો ૧૦ના શૅરદીઠ ૧૮૭ના ભાવનો આશરે ૯૦ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૩.૮ ગણા સહિત કુલ ચાર ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. હાલ પ્રીમિયમ ઘટી ૩ રૂપિયા બોલાય છે તો અમદાવાદની ગલ્ફ લોઇડ્સ (ઇન્ડિયા)નો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૧૮ કરોડનો BSE SME IPO ગઈ કાલે પ્રથમ દિવસે રીટેલમાં ૮ ગણા સહિત કુલ ૪.૭ ગણો ભરાયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઘટી ૧૫ બોલાય છે.
માર્કેટ લીડર રિલાયન્સે જૂન ક્વૉર્ટરમાં ૨૫.૪ ટકાના વધારામાં ૩.૧૨ લાખ કરોડની વિક્રમી આવક મેળવી છે, પરંતુ કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો સવાબાવીસ ટકા ઘટીને ૨૦,૯૪૬ કરોડ નોંધાયો છે. કંપનીનો કુલ ખર્ચ ૨૭ ટકા વધી ૨.૮૮ લાખ કરોડ રહ્યો છે. બ્લુમબર્ગની ધારણા ૨૦,૪૫૧ કરોડના નેટ નફાની હતી. આવક પણ ૩.૦૧ લાખ કરોડની એકંદર અપેક્ષા કરતાં વધુ થઈ છે. કંપની રીટેલ બિઝનેસ પ્રેશરમાં જણાયો છે. માર્ચ ક્વૉર્ટરના મુકાબલે તેની આવક આઠ ટકા ઘટી ૯૦,૪૦૯ કરોડ રહી છે. છેલ્લાં ૨૦ ક્વૉર્ટરમાંનો આ સૌથી મોટો ઘટાડો છે. ગ્રોસ પ્રોફિટ પણ ૯ ટકા ઘટીને ૬૩૦૯ કરોડ નોંધાયો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૩૪૬ થઈ ૦.૩ ટકા ઘટીને ૧૩૨૩ બંધ થયો છે. પરિણામ સારાં આવતાં શુક્રવારે ત્રણ ટકા વધેલી જિયો ફાઇનૅન્શિયલ ગઈ કાલે પોણાબે ટકા ઘટી ૨૩૯ હતી.
અન્ય હેવીવેઇટ્સ HDFC બૅન્કે જૂન ક્વૉર્ટરમાં પોણાસાત ટકા વધારામાં ૩૩,૫૩૪ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર પાંચ ટકા વધારામાં ૧૯,૦૫૯ કરોડ નેટ નફો કર્યો છે. બૅન્કની ગ્રોસ તેમ જ નેટ NPAમાં સહેજ વધારો થયો છે. શૅર ગઇ કાલે નીચામાં ૭૭૫ થઈ ૫.૧ ટકા ગગડીને ૭૭૮ નજીક રહ્યો છે. ICICI બૅન્કે ત્રિમાસિક ગાળામાં પોણાતેર ટકા વધારામાં ૨૪,૩૮૪ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૧૫.૯ ટકા વૃદ્ધિદરથી ૧૪,૮૦૫ કરોડ નેટ નફો મેળવ્યો છે. NPA ઘટી છે. શૅર ઉપરમાં ૧૪૮૦ બતાવી સવા ટકો વધી ૧૪૬૧ બંધ હતો. ઍક્સિસ બૅન્ક જૂન ક્વૉર્ટરમાં ૮ ટકા વધારામાં ૧૪,૬૪૬ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૨૨.૫ ટકા વધારામાં ૧૪,૬૪૬ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર ૨૨.૫ ટકા વધારામાં ૭૧૧૪ કરોડ નેટ પ્રોફિટ મેળવ્યો છે. NPA ઘટી છે. શૅર નીચામાં ૧૨૪૯ થઈ ૫.૫ ટકા તૂટી ૧૨૫૬ બંધ આવ્યો છે. ગઈ કાલે બજારને HDFC બૅન્ક સર્વાધિક ૫૪૦ પૉઇન્ટ તથા ઍક્સિસ બૅન્ક ૧૭૬ પૉઇન્ટ નડી હતી. સામે ICICI બૅન્ક ૧૧૫ પૉઇન્ટ ફળી છે. સ્ટેટ બૅન્કના પરિણામ છેક ૩૧ જુલાઈએ આવવાની વાત છે. શૅર દોઢ ટકો ઘટીને ૧૦૬૦ બંધ આપી બજારને ગઈ કાલે ૫૫ પૉઇન્ટ ફળ્યો છે.
સરકાર જેના ખાનગીકરણ માટે ક્યારનીય ઉતાવળમાં છે એ આઇડીબીઆઇ બૅન્કની આવક ૧૧૫ કરોડ રૂપિયા જેવી નજીવી વધી ૮૫૭૩ કરોડ થઈ છે. નફો પાંચ ટકા વધી ૨૧૧૫ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૮૭.૫૫ થઈ ૨.૩ ટકા ઘટી ૮૫ હતો. યસ બૅન્કની ત્રિમાસિક નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૧૭.૫ ટકા વધી ૨૭૮૬ કરોડ તથા નેટ પ્રૉફિટ ૩૪ ટકા વધી ૧૦૭૧ કરોડ થયો છે. શૅર ત્રણ ટકા ગગડી ૨૩ હતો. કોટક મહિન્દ્ર બૅન્કે જૂન ક્વૉર્ટરમાં ૯ ટકાના વધારા સાથે ૭૯૨૮ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ તથા ૨૫.૬ ટકા વધારામાં ૪૧૨૩ કરોડ નેટ નફો કર્યો છે. શૅર નીચામાં ૩૭૬ થઈ બે ટકા બગડી ૩૮૨ હતો.
સરકારી પંજાબ નૅશનલ બૅન્કની જૂન ક્વૉર્ટરમાં નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ્ માત્ર બે ટકા વધીને ૧૦,૭૯૮ કરોડ થઈ છે, નફો ૨૧૪ ટકા ઊછળી ૫૨૫૩ કરોડ થયો છે જોકે વન-ટાઇમ પ્રોવિઝનના ઍડ્જસ્ટમેન્ટને મજરે લઈએ તો નફો ફક્ત પાંચ ટકા વધેલો માલુમ પડે છે. શૅર ઉપરમાં ૧૧૨ થઈ સાડાપાંચ ટકા ઊંચકાઈ ૧૧૧ થયો છે. પંજાબ-સિંઘ બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૧૦.૪ ટકા વધી ૩૨૧૩ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૨૩ ટકા વધી ૩૧૩ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૨૫.૨૫ થઈ અડધો ટકો સુધરી ૨૫ બંધ આવ્યો છે.
જેકે સિમેન્ટ તરફથી જૂન ક્વૉર્ટરમાં ૨૦ ટકા વધારામાં ૪૦૩૨ કરોડ આવક ઉપર સવાપંદર ટકા ઘટાડામાં ૧૭૪ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર નીચામાં ૫૨૬૦ થઈ દોઢ ટકો વધીને ૫૪૬૮ ઉપર બંધ રહ્યો છે. પુનાવાલા ફિનકૉર્પની ત્રિમાસિક આવક ૭૭.૮ ટકા વધી ૨૩૩૭ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૩૯૨ ટકા વધીને ૩૦૮ કરોડને વટાવી ગયો છે. શૅર ઉપરમાં ૪૯૮ થઈ ૨.૪ ટકા ઘટીને ૪૬૬ બંધ થયો છે. ઑબેરૉય રિયલ્ટીએ ૩૧.૭ ટકા વધારામાં ૧૩૦૧ કરોડ આવક ઉપર ૨૯ ટકાના વધારામાં ૫૪૨ કરોડ નેટ નફો મેળવ્યો છે. પરિણામ અપેક્ષા કરતાં નબળાં છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૮૩૯ થઈ અડધો ટકો ઘટીને ૧૮૮૩ હતો.
અલ્ટ્રાટેક સિમેન્ટ્સની ત્રિમાસિક આવક ૧૬ ટકા વધી ૨૪,૬૫૦ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૧૭.૨ ટકા વૃદ્ધિદરમાં ૨૬૦૪ કરોડ આવ્યો છે. ભાવ દોઢા કામકાજે ઉપરમાં ૧૨,૦૦૦ થઈ દોઢ ટકો વધી ૧૧,૮૯૮ હતો. ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કની કુલ આવક ૧૮.૮ ટકા વધી ૮૭૭૭ કરોડ તથા નેટ નફો ૪૫.૬ ટકા વધીને ૧૭૧૬ કરોડ નોંધાયો છે. શૅર સાડાત્રણ ટકાની મજબૂતીમાં ૩૫ થયો છે. શ્યામ મેટાલિક્સની આવક ૨૩ ટકા વધી ૫૫૦૨ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૨૧ ટકા વધી ૩૫૧ કરોડ થઈ છે. શૅર ચાર ગણા કામકાજમાં ૧૦૮૯ની સર્વોચ્ચ સપાટી નોંધાવી ત્રણ ટકા ઊંચકાઈ ૧૦૫૪ હતો. કરૂર વૈશ્ય બૅન્કે ૩૬ ટકા વધારામાં ૧૦૯૬ કરોડ નેટ નફો કર્યો છે. શૅર ૨૯૬ થઈ ૨.૭ ટકા બગડીને ૩૦૧ હતો.