રિલાયન્સ, ITમાં ખરીદી વચ્ચે સેન્સેક્સ પ્રથમ વખત ૪૪,૦૦૦ ઉપર બંધ

24 November, 2020 01:12 PM IST  |  Mumbai | Mumbai correspondent

રિલાયન્સ, ITમાં ખરીદી વચ્ચે સેન્સેક્સ પ્રથમ વખત ૪૪,૦૦૦ ઉપર બંધ

રિલાયન્સ, ITમાં ખરીદી વચ્ચે સેન્સેક્સ પ્રથમ વખત ૪૪,૦૦૦ ઉપર બંધ

એશિયા અને યુરોપનાં શૅરબજારમાં વૃદ્ધિ અને અમેરિકન બજાર તેજી સાથે ખૂલે એવા સંકેત વચ્ચે ગઈ કાલે ભારતીય બજાર ફરી એક વાર નવી ઊંચાઈએ પહોંચ્યાં હતાં. વિદેશી ફંડ્સની સતત ખરીદી, ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સમાં ઉછાળાથી બજારને ટેકો મળ્યો હતો. આક્રમક એવા બૅન્કિંગ અને ફાઇનૅન્સના દિગ્ગજોમાં વેચવાલી જોવા મળી હતી સામે ગયા સપ્તાહ સુધી વેચાણના દબાણમાં રહેલા ડિફેન્સિવ સેક્ટર એવા આઇટી અને ફાર્મામાં ખરીદી જોવા મળતાં બજારને ટેકો મળ્યો હતો.
નવેમ્બર મહિનામાં વિદેશી સંસ્થાઓનું રોકાણ દરેક ટ્રેડિંગ સત્રમાં જોવા મળ્યું છે અને ગઈ કાલે પણ તેમણે ૪૭૩૮ કરોડ રૂપિયાના શૅરની ખરીદી કરી હતી. સામે સ્થાનિક ફંડ્સની આ મહિને સતત વેચવાલી જોવા મળી છે. ઇક્વિટી સ્કીમમાંથી રોકાણકારોનો ઉપાડ ચાલી રહ્યો છે ત્યારે ગઈ કાલે વધુ ૨૯૪૪ કરોડ રૂપિયાનું વેચાણ સ્થાનિક ફંડ્સ તરફથી થયું હતું. નવેમ્બર મહિનામાં વિદેશી ફંડ્સની કુલ ખરીદી હવે ૪૧,૦૯૦ કરોડ રૂપિયા થઈ છે, જ્યારે સ્થાનિક ફંડ્સની કુલ વેચવાલી ૩૫,૬૦૬ કરોડ રૂપિયા છે.
અગાઉથી વિક્રમી ઊંચી સપાટી પર રહેલા સેન્સેક્સ અને નિફ્ટી વધુ એક વખત નવીન ઊંચાઈએ પહોંચ્યા હતા, પણ બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં વેચવાલીના કારણે એ સપાટી જાળવી શક્યા નહોતા. સેન્સેક્સ ૪૪.૨૭૧ અને નિફ્ટી ૧૨,૯૬૮ની ઊંચી સપાટીએ હતા. સત્રના અંતે સેન્સેક્સ ૧૯૪.૯૦ પૉઇન્ટ કે ૦.૪૪ ટકા વધી ૪૪,૦૭૭ અને નિફ્ટી ૬૭.૪૦ પૉઇન્ટ કે ૦.૫૨ ટકા વધી ૧૨,૯૨૬ની સપાટીએ બંધ
આવ્યા હતા. ગઈ કાલની તેજીમાં ઓએનજીસી, રિલાયન્સ, ઇન્ફોસીસ અને ટીસીએસનો સિંહફાળો હતો, જ્યારે એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને એચડીએફસી બૅન્ક
ઘટ્યા હતા.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧માંથી બૅન્કિંગ અને ફાઇનૅન્સ સિવાય બધામાં વૃદ્ધિ જોવા મળી હતી. સૌથી વધુ વધારો આઇટી, ફાર્મા અને મેટલ્સમાં જોવા મળ્યો હતો. એક્સચેન્જ  ઉપર ૧૦૦ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને સાત નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૫૯ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૯૧ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી
બીએસઈ ઉપર ૧૮૨ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૩૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૩૪૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૮૦માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧.૩૭ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૨૫ ટકા વધ્યા હતા. સોમવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧,૭૪,૮૯૧ કરોડ વધી ૧૭૩.૪૬ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
રિઝર્વ બૅન્કના ખાનગી બૅન્કોના અહેવાલની શૅર ઉપર અસર
બૅન્કિંગ શૅરોમાં ગયા સપ્તાહે ૨.૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, પણ ગઈ કાલે એમાં પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ગઈ કાલના ટ્રેડિંગમાં નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ૦.૭૨ ટકા ઘટ્યો હતો, જેમાં ખાનગી બૅન્કોનો ઇન્ડેક્સ ૦.૩૧ ટકા અને સરકારી બૅન્કોનો ઇન્ડેક્સ ૦.૧૬ ટકા ઘટ્યો હતો.
જોકે બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં ગઈ કાલની મૂવમેન્ટ રિઝર્વ બૅન્કના શુકવારે બહાર પડેલા એક અહેવાલ આધારિત હતી. આ અહેવાલમાં ખાનગી બૅન્કોમાં પ્રમોટરનું હોલ્ડિંગ વર્તમાન ૧૬ ટકાથી વધારી ૨૬ ટકા સુધી કરવા અને કૉર્પોરેટ ક્ષેત્ર પણ ખાનગી બૅન્ક ખોલી શકે એવી મંજૂરી આપવાની ભલામણ કરવામાં આવી છે.
ખાનગી બૅન્કોમાં હેવીવેઇટ આઇસીઆઇસીઆસ બૅન્ક ૨.૪૮ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૭૯ ટકા, એચડીએફસી બૅન્ક ૦.૪૫ ટકા અને ફેડરલ બૅન્ક ૦.૧૭ ટકા ઘટ્યા હતા. સામે પ્રમોટર હોલ્ડિંગમાં વૃદ્ધિનો ફાયદો થઈ શકે એવી બૅન્કોમાં આઇડીએફસી બૅન્ક ૯.૩૮ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૩.૭૯ ટકા, બંધન બૅન્ક ૧ ટકા, આરબીએલ બૅન્ક ૦.૮૫ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૦.૩૭ ટકા વધ્યા હતા.
સરકારી બૅન્કોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૭૧ ટકા, બૅન્ક ઑફ
બરોડા ૧.૨૬ ટકા, બૅન્ક ઑફ
ઇન્ડિયા ૧.૧૪ ટકા ઘટ્યા હતા.
સામે બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૪ ટકા, ઇન્ડિયન બૅન્ક ૨.૯૪ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક ૨.૦૮ ટકા, સેન્ટ્રલ બૅન્ક ૧.૨૯ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૧.૦૧ ટકા અને યુકો બૅન્ક ૦.૮૩ ટકા વધ્યા હતા.
ફાઇનૅન્શિયલ સર્વિસ ક્ષેત્રમાં પણ આ અહેવાલની અસર જોવા મળી હતી. એચડીએફસી ૩.૫ ટકા ઘટી હતી, પણ જે કૉર્પોરેટ ક્ષેત્ર ફાઇનૅન્સ કંપનીઓને બૅન્કમાં રૂપાંતરિત કરી શકે એના શૅર વધ્યા હતા. બજાજ હોલ્ડિંગ ૭.૮૨ ટકા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ૪.૧૮ ટકા, ચોલામંડલમ ૩.૩ ટકા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર ફાઇનૅન્સ ૨.૫૯ ટકા, બજાજ ફિનસર્વ ૧.૮૪ અને બજાજ ફાઇનૅન્સ ૧.૫૭ ટકા વધ્યા હતા.
આઇટી શૅરોમાં ઉછાળો
ગઈ કાલે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૨.૭૯ ટકા વધ્યો હતો. એલઍન્ડટી ઇન્ફોટેક ૪.૪૮ ટકા, માઇન્ડટ્રી ૩.૩૮ ટકા, ઇન્ફોસીસ ૩.૧૯ ટકા, ટેક મહિન્દ્ર ૩.૦૯ ટકા, વિપ્રો ૨.૯૭ ટકા, કોફોર્જ ૨.૫૨ ટકા, એચસીએલ ટેક ૨.૩૫ ટકા, ટીસીએસ ૨.૫૨ ટકા વધ્યા હતા.
ફાર્મા શૅરોમાં પણ વૃદ્ધિ
છેલ્લાં બે સત્રમાં ફાર્મા કંપનીઓના શૅરમાં ૨.૦૮ ટકાના ઘટાડા પછી ગઈ કાલે નિફ્ટી ફાર્મા ૧.૮૩ ટકા ઊછળ્યો હતો. ડૉ. રેડ્ડીઝ ૩.૫૧ ટકા, આલ્કેમ લૅબ ૩.૦૨ ટકા, સન ફાર્મા ૨.૦૪
ટકા, ડીવીઝ લૅબ ૧.૯૯ ટકા,
ઓરોબિંદો ફાર્મા ૧.૯ ટકા, કેડિલા હેલ્થ ૧.૫૩ ટકા, સિપ્લા ૦.૮૬ ટકા, લુપીન ૦.૬૭ ટકા, ટૉરન્ટ ફાર્મા ૦.૦૪ ટકા વધ્યા હતા.
અંતે રિલાયન્સના શૅરમાં ઉછાળો
છેલ્લા દસ દિવસમાં સતત વેચવાલીના દબાણમાં રહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે કમ્પિટિશનકમિશન ઑફ ઇન્ડિયાએ ફ્યુચર રીટેલ હસ્તગત કરવાના સોદાને મંજૂરી આપતાં રિલાયન્સના શૅર ગઈ કાલે ૨.૭૨ ટકા વધ્યા હતા. સેન્સેક્સના ગઈ કાલના ઉછાળામાં રિલાયન્સનો ફાળો અડધાથી પણ વધારે છે.
અન્ય શૅરોમાં વધઘટ
કોમ્પ્રેસ બાયો ગૅસના એક પ્રોજેક્ટ માટે પેટ્રોલિયમ મંત્રાલય સાથે કરાર કરતાં પ્રાજ ઇન્ડસ્ટ્રીઝના શૅર ૭.૨૦ ટકા વધ્યા હતા. ઑક્ટોબરમાં વાર્ષિક સ્ટીલનું ઉત્પાદન ૧૩ ટકા વધતાં જિન્દાલ સ્ટીલના શૅર ૨.૧૮ ટકા વધ્યા હતા. ભારત અર્થ મૂવર્સના શૅર કેન્દ્ર સરકાર સાથે ૫૦૧ કરોડ રૂપિયાના એક કરારના કારણે ૨.૨૯ ટકા
વધ્યા હતા. 

business news