આખલો ફરી બેઠો થયો: બે સત્રોના ઘટાડાને ઘણોખરો દૂર કરી દીધો

20 January, 2021 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આખલો ફરી બેઠો થયો: બે સત્રોના ઘટાડાને ઘણોખરો દૂર કરી દીધો

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં કોરોના વાઇરસના દરદીઓની વધતી સંખ્યાને કારણે તથા અન્ય કોઈ મહત્ત્વપૂર્ણ ટ્રિગરના અભાવે બે સત્રમાં નીચે ગયેલું શૅરબજાર એ દિવસોના ઘટાડાને ઘણાખરા અંશે દૂર કરીને મંગળવારે દોઢ ટકા કરતાં વધુ પ્રમાણમાં ઊછળ્યું હતું. બે દિવસની સાર્વત્રિક વેચવાલી બાદ મંગળવારે સાર્વત્રિક વૃદ્ધિ જોવા મળી હતી. દિવસના અંતે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કૅપમાં ૩.૪૨ લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો હતો. 

ભારતની કંપનીઓનાં ડિસેમ્બરનાં સારાં પરિણામો અને યુરોપિયન બજાર તથા એશિયન બજારોમાં થયેલી વૃદ્ધિને અનુલક્ષીને મંગળવારે આખલો ફરી જોરમાં આવ્યો હતો. ચીનમાં અર્થતંત્રની ગતિ સુધરી રહી હોવાનું દેખાઈ આવ્યું છે અને અમેરિકામાંથી હજી નાણાપ્રવાહ ચાલુ રહેવાની ધારણા અકબંધ છે. જાન્યુઆરી સુધીમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરોએ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાથી બજાર હજી તેજીતરફી છે. હાલમાં જાહેર થયેલાં કંપનીઓનાં પરિણામો પણ સકારાત્મક રહ્યાં છે. ભારતમાં પણ કોરોનાના નવા કેસની સંખ્યામાં સપ્ટેમ્બર બાદ ધરખમ ઘટાડો થયો છે અને રસીકરણમાં પણ કોઈ મોટી સમસ્યા સર્જાઈ નથી. આ કારણ પણ બજારને ઊંચે લઈ જવામાં મોટું પરિબળ બન્યું છે. આ બધાં કારણોસર રોકાણકારો સારા સ્ટૉક્સ તરફ આકર્ષાયા છે.  

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ધોરણે ૯૩૬ પૉઇન્ટ વધીને એક તબક્કે ૪૯૫૦૦ પૉઇન્ટ પર પહોંચ્યો હતો. દિવસના અંતે એ ૧.૭૨ ટકા (૮૩૪.૦૨ પૉઇન્ટ)ની વૃદ્ધિ સાથે ૪૯૩૯૮.૨૯ પૉઇન્ટ બંધ રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૪૩૭૧.૬૫ ખૂલીને ઉપરમાં ૧૪૫૪૬.૦૫ થયો હતો અને નીચામાં ૧૪૩૫૦.૮૫ જઈને છેલ્લે ૧.૬૮ ટકા (૨૩૯.૮૫ પૉઇન્ટ)ની વૃદ્ધિ સાથે ૧૪૫૨૧.૧૫ બંધ રહ્યો હતો. તેના ૪૬ શૅર વધ્યા હતા. સેન્સેક્સની ૩૦માંથી ૨૭ કંપનીઓના ભાવ વધ્યા હતા, જેમાં ૬.૮૦ ટકાનો મહત્તમ ઉછાળો બજાજ ફિનસર્વમાં આવ્યો હતો. મુખ્યત્વે ફાઇનૅન્સ અને બૅન્કિંગ શૅરોમાં તેજી આવતાં બજાજ ફાઇનૅન્સ ૫.૨૫ ટકા, એચડીએફસી ૩.૪૫ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૨.૬૪ ટકા, કોટક બૅન્ક ૨.૦૫ ટકા, એક્સિસ બૅન્ક ૧.૮૯ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૫૩ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૩૬ ટકા અને ઇન્ડસઇન્ડ બૅન્ક ૦.૯૯ ટકા વધ્યા હતા. ઘટનારા ત્રણ શૅર મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, આઇટીસી અને ટેક મહિન્દ્ર હતા, જેમાં માત્ર અડધા ટકા સુધીનો ઘટાડો થયો હતો.  

મિડ કૅપ ઇન્ડેક્સમાં વૃદ્ધિ 

બ્રોડર માર્કેટમાં લાર્જ કૅપની તુલનાએ મિડ કૅપ સ્ટૉક્સ વધ્યા હતા. બીએસઈ મિડ કૅપ ઇન્ડેક્સ ૨.૩ ટકા વધ્યો હતો. સ્મૉલ કૅપની વૃદ્ધિ લગભગ સેન્સેક્સ જેટલી જ એટલે કે ૧.૬ ટકા થઈ હતી.  

નિફ્ટી રિયલ્ટી ૪.૧૯ ટકા વધ્યો 

સેક્ટોરલ ઇન્ડાઇસીસમાંથી નિફ્ટી રિયલ્ટી ૪.૧૯ ટકા, નિફ્ટી મેટલ ૨.૯૨ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક ૨.૬૯ ટકા, નિફ્ટી મીડિયા ૨.૪૯ ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ૨.૦૨ ટકા વધ્યા હતા. રિયલ્ટી શૅરોમાંથી ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ એનએસઈ પર ૧૧.૫૨ ટકા વધીને ૮૭.૧૦ બંધ રહ્યો હતો. તેમાં વૉલ્યુમ વધીને એકંદરે ૧૦.૨૫ મિલ્યન શૅરનો વેપલો થયો હતો. શોભા લિમિટેડમાં ૬.૩૮ ટકા, ઓબેરોય રિયલ્ટીમાં ૫.૦૩ ટકા, ડીએલએફમાં ૪.૯૮ ટકા અને ગોદરેજ પ્રૉપર્ટીમાં ૪.૦૧ ટકાની વૃદ્ધિ થઈ હતી.  

બીએસઈ પર ‘એ’ ગ્રુપની ૫ કંપનીઓને ઉપલી સર્કિટ અને ૧ કંપનીને નીચલી સર્કિટ લાગી હતી, જ્યારે ‘બી’ ગ્રુપની ૪૧ કંપનીઓને ઉપલી અને ૬૧ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૫૨૮ કંપનીઓમાંથી ૩૪૨ કંપનીઓને ઉપલી અને ૧૮૬ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.  

એપોલો હૉસ્પિટલ્સમાં દોઢ ટકાનો વધારો 

એપોલો હૉસ્પિટલ્સે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ દ્વારા ૧૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનું જાહેર કર્યું તેને પગલે તેના શૅરમાં તેજી આવતાં બીએસઈ પર ભાવ ઇન્ટ્રાડે ધોરણે ૨૬૫૪ની વિક્રમી ઊંચાઈએ પહોંચ્યો હતો. દિવસના અંતે તેમાં ૧.૫૧ ટકાનો ઉછાળો આવીને બંધ ભાવ ૨૬૪૬.૪૦ રહ્યો હતો.  

માઇન્ડટ્રી ઇન્ટ્રાડેમાં ૬ ટકા ઊછળ્યો 

માઇન્ડટ્રી કંપનીના ડિસેમ્બર ક્વૉર્ટરના સારા પરિણામને પગલે સ્ટૉક બીએસઈ પર ૧.૧૯ ટકા વધીને ૧૬૮૦.૩૦ બંધ રહ્યો હતો. કંપનીએ વર્ષાનુંવર્ષ ધોરણે ૬૫.૭ ટકાની વૃદ્ધિ સાથે ૩૨૬.૫ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ક્વૉર્ટરલી ધોરણે તેની વૃદ્ધિ ૨૮.૭ ટકા રહી છે. સ્ટૉક ગત ૧૧મી તારીખે ૧૭૮૦ની બાવન સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. મંગળવારે ઇન્ટ્રાડે ધોરણે તેમાં ૬ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૧૭૬૦ પહોંચ્યો હતો.  

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ 

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે કુલ ૨,૮૧,૫૯૨.૪૫ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૫,૫૦૮ સોદાઓમાં ૨૪,૧૨,૧૨૭ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૭,૮૮,૬૯૧ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૩.૨૦ કરોડ રૂપિયાના ૧૬ સોદામાં ૨૮ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કોલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૪૮,૩૮૭ સોદામાં ૧૮,૧૨,૯૯૯ કૉન્ટ્રૅક્ટ સાથે ૨,૧૯,૪૧૦.૩૮ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૧૭,૧૦૫ સોદામાં ૫,૯૯,૧૦૦ કૉન્ટ્રૅક્ટ સાથે ૬૨,૧૭૮.૮૭ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. 

ટેક્નિકલ દૃષ્ટિએ 

નિફ્ટીમાં ખૂલેલા સૂચકાંક કરતાં બંધ આંક ઊંચો આવ્યો છે. આમ દૈનિક ચાર્ટ પર બુલિશ કૅન્ડલ રચાઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે જો બુધવારે આ જ ગતિમાન જળવાઈ રહેશે તો નિફ્ટી-૫૦ નવી ઊંચાઈએ પહોંચી શકે છે. જોકે મોટી વૃદ્ધિ માટે ઇન્ડેક્સમાં ૧૪,૩૫૦ના સપોર્ટને ટકાવી રાખવો જરૂરી છે. તેનાથી નીચે ૧૪,૨૨૨નો સપોર્ટ છે. મંગળવારે વોલેટિલિટી ઇન્ડેક્સ નોંધનીય રીતે ૬.૧૬ ટકા ઘટીને ૨૨.૮૯ થયો હતો. બજારની વૃદ્ધિ માટે આ ઇન્ડેક્સ હજી નીચે જઈને ૨૦થી ઓછો થવો આવશ્યક છે.  

બજાર કેવું રહેશે? 

બજેટ નજીકમાં હોઈ હાલતુરત પરંપરાગત રીતે વોલેટિલિટી જળવાઈ રહેશે. નિફ્ટીમાં તત્કાળ રેન્જ ૧૪૩૦૦થી ૧૪૭૦૦ની ગણાય છે.

business news