સેન્સેક્સ-નિફ્ટી વિક્રમી સપાટી પર પહોંચ્યા બાદ વેચવાલીએ વૃદ્ધિ ધોઈ નાખી

27 November, 2019 12:18 PM IST  |  Mumbai

સેન્સેક્સ-નિફ્ટી વિક્રમી સપાટી પર પહોંચ્યા બાદ વેચવાલીએ વૃદ્ધિ ધોઈ નાખી

ભારતીય શૅરબજારમાં અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર મંત્રણા આગળ ધપી રહી છે એવા સાનુકૂળ વાતાવરણમાં ગઈ કાલે સવારે સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમી સપાટી પાર કરી ગયા હતા. સેન્સેક્સ એક તબક્કે ૪૧,૧૨૦.૨૮ અને નિફ્ટી ૧૨,૧૩૨.૪૫ની સૌથી ઊંચી સપાટી પાર કરવામાં સફળ રહ્યા હતા. જોકે દિવસના મધ્ય ભાગમાં આવેલી વેચવાલીના કારણે બધો ઉછાળો ગુમાવી સોમવારની સપાટી કરતાં પણ ઘટીને બંધ આવ્યા હતા. નફો બાંધવાની વૃત્તિ કહો કે મહારાષ્ટ્રના રાજકીય પરિપ્રેક્ષ્યમાં જોવા મળી રહેલા પરિવર્તનના કારણે રોકાણકારોએ વિશ્વાસ ગુમાવ્યો હોય એમ કહો પણ બજારમાં વ્યાપક વેચવાલી જોવા મળી હતી.

સોમવારે 529 પૉઇન્ટના સેન્સેક્સના ઉછાળામાં માર્કેટ કૅપ 1.81 લાખ કરોડ રૂપિયા વધ્યું હતું, જ્યારે ગઈ કાલે માત્ર 67 પૉઇન્ટના ઘટાડામાં માર્કેટ કૅપમાં 0.85 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ દર્શાવે છે કે બજારમાં ભલે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો સીમિત રહ્યો હોય, વેચવાલી અત્યંત વ્યાપક હતી. દિવસના અંતે ઉપલા મથાળેથી 298.98 પૉઇન્ટ અને આગલા બંધથી 67.93 પૉઇન્ટ ઘટી 40,821.30 ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી ઉપલા મથાળેથી ૯૫ પૉઇન્ટ અને આગલા બંધથી ૩૬.૦૫ પૉઇન્ટ ઘટી 12,037.70 ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ આજે 3 જૂન પછી પ્રથમ વખત 12,130 ની સપાટી પાર કરી નવી ઊંચાઈ બનાવવામાં સફળ રહ્યો હતો, પણ એ જાળવી શક્યો નથી. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ ઉપર જોકે રોકડ બજારમાં વૉલ્યુમ સોમવાર કરતાં બમણાથી પણ વધારે હતું. બીએસઈ ઉપર પણ વૉલ્યુમ આંશિક વધારે હતું.

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅર આજે નવી ૧૫૭૬ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યા અને પ્રથમ વખત 10 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કૅપ પાર કરશે એવું લાગી રહ્યું હતું, પણ પછી આવેલી વેચવાલીમાં એમાં ઘટાડો જોવા મળ્યો અને શૅર દિવસના અંતે આગલા દિવસ કરતાં 0.12 ટકા ઘટી 1558.85 રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં સૌથી ખરાબ હાલત આજે ભારતી ઍરટેલના શૅરની થઈ હતી. શૅર આજે 4.31 ટકા ઘટી 431.70 રૂપિયાની સપાટીએ બંધ આવ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં શૅરનો ભાવ ૧.૨ ટકા ઘટ્યો છે, જ્યારે 30 દિવસમાં 16 ટકા જેટલો ઊછળ્યો છે. આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જનાં 11 સેક્ટરમાંથી માત્ર નિફ્ટી બૅન્ક, નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક અને નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ વધ્યા હતા. આઇટી અને મીડિયા સહિત આઠમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર 23 કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૬૨ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં 128 કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે 81 કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ ઉપર 46 કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે 121 ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં 197 કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે 217 માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ 0.38 ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ 0.79 ટકા ઘટ્યા હતા.

નિફ્ટી આઇટી શૅરોમાં વેચવાલી
ડૉલર સામે રૂપિયો વધી રહ્યો હોવાથી આજે આઇટી શૅરોમાં વ્યાપક નફો બુક થયો હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ આજે 1.18 ટકા ઘટી ૧૪,૯૨૨.૧૫ની સપાટીએ બંધ આવ્યો હતો. કંપનીઓમાં વિપ્રો 2.16 ટકા, ટીસીએસ 1.60 ટકા, એચસીએલ ટેક 1.40 ટકા, ઇન્ફોસિસ 1.05 ટકા અને ટેક મહિન્દ્ર 0.74 ટકા ઘટીને બંધ આવ્યા હતા.

સુભાષ ચંદ્રના રાજીનામાથી ઝીના શૅર ઘટ્યા
સોમવારે સાંજે ઝી એન્ટરટેઇનમેન્ટના ચૅરમૅનપદ પરથી કંપનીના સ્થાપક સુભાષ ચંદ્રએ રાજીનામાની જાહેરાત કરી હતી. પોતાનો મોટા ભાગનો હિસ્સો કંપનીમાં વેચી દીધો હોવાથી તેમણે આ નિર્યણ લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે એની અસરમાં ઝી એન્ટરટેસનમેન્ટના શૅર 6.97 ટકા ઘટી 319.70 રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા. આની સાથે ગ્રુપની અન્ય કંપની ડિશ ટીવીના શૅર 7.63 ટકા ઘટી 15.01 રૂપિયા અને એસેલ પ્રોપેકના શૅર 7.43 ટકા ઘટી 142.05 રૂપિયાની સપાટીએ બંધ આવ્યા હતા.

business news