28 October, 2026 11:19 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
લિસ્ટિંગની પૂર્વસંધ્યાએ જિયો પ્લૅટફૉર્મમાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ વધીને ૨૫૪ : તાજેતરમાં લિસ્ટેડ થયેલી સહજાનંદ મેડિકલ, બૉનફિગ્લિયોલી, ઝેટવર્ક નવા બેસ્ટ લેવલ સાથે મજબૂત: બર્નસ્ટેન અને જેફરીઝના બુલિશ વ્યુ વચ્ચે નફામાં ૯૭૬ ટકાનો વધારો દાખવનાર Paytm ૩ ટકા ઘટીને બંધ : રિઝલ્ટ પાછળ વીનસ રેમેડીઝ બે-બાજુ સર્કિટ મારીને લાલ થઈ : માઝગાવ ડૉક નબળાં રિઝલ્ટમાં લથડીને ૨૮ માસના તળિયે ગઈ : મારુતિ અને બજાજ ઑટોનાં રિઝલ્ટ બજાર બંધ થવાના ટાંકણે આવ્યાં, બન્ને શૅર ઝમકમાં : HDFC બૅન્ક બાવન માસના તળિયે
બ્રેન્ટ ક્રૂડ ૧૧૫ ડૉલર થઈ ગયું છે. એશિયા ખાતે સાઉથ કોરિયા ૩ ટકા અને જપાન પોણાબે ટકા વધ્યા છે, બાકીનાં અગ્રણી બજાર ઘટ્યાં છે. ઇન્ડોનેશિયા બે ટકા, ચાઇના સવા ટકો, હૉન્ગકૉન્ગ એક ટકાથી વધુ કટ થયું છે. યુરોપ રનિંગમાં સામાન્યથી અડધા ટકા જેવું પ્લસ હતું. લંડન ફુત્સી વિપરિત ચાલમાં અડધો ટકો નરમ હતો. પાકિસ્તાન ખાતે મધ્યસ્થ બૅન્કે ફુગાવાને ડામવા વ્યાજદર વધુ અડધો ટકો વધારી ૧૨ ટકા કર્યો છે, પણ ત્યાંનું શૅરબજાર પોણો ટકો કે ૧૩૦૬ પૉઇન્ટ વધી ૧,૬૪,૩૪૪ થયું છે. અહીં નિફ્ટી વીકલી એક્સપાયરીને લઈ મંગળવારે બજાર પ્રમાણમાં સાંકડી, ૫૦૦ પૉઇન્ટથીય ઓછી રેન્જમાં ખાડા-ટેકરા બનાવી છેવટે ફ્લૅટ બંધ આવ્યું છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૨૩ પૉઇન્ટ નરમ ૭૩,૪૮૪ ખૂલી છેવટે ૮ પૉઇન્ટ ઘટી ૭૩,૫૯૯ નજીક તો નિફ્ટી ૩ પૉઇન્ટ ઘટી ૨૨,૭૫૦ નજીક બંધ થયો છે. સેન્સેક્સ ઉપરમાં ૭૩,૭૬૩ અને નીચામાં ૭૩,૧૭૯ દેખાયો હતો. માર્કેટકૅપ ૩.૭૪ લાખ કરોડ વધીને ૪૫૯.૭૬ લાખ કરોડ થયું છે. સ્ટ્રોંગ માર્કેટ બ્રેડ્થમાં વધેલા ૨૪૫૫ શૅરની સામે ૧૧૦૩ શૅર ઘટ્યા છે. મોટા ભાગના સેક્ટોરલ વધ્યા છે. હેલ્થકૅર સવાબે ટકા, ટેલિકૉમ ૨.૨ ટકા, કૅપિટલ ગુડ્સ દોઢ ટકો, ઑટો ૧.૬ ટકા, યુટિલિટીઝ ૧.૯ ટકા, પાવર પોણાબે ટકા, નિફ્ટી મીડિયા ૩.૭ ટકા મજબૂત થયા છે. બૅન્ક નિફ્ટી પોણો ટકો ડાઉન હતો.
તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ૧૭.૬ ટકાના વધારામાં ધારણાથી સારો, ૪૬૭ કરોડનો નફો દર્શાવતાં મૉર્ગન સ્ટેનલીએ ૧૨૦૨ અને સિટી ગ્રુપે ૧૨૨૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયના કૉલ આપ્યા છે. શૅર પોણાસાત ટકા ઊછળી ૧૦૦૦ના બંધમાં નિફ્ટીમાં ઝળક્યો છે. ભારતી ઍરટેલના રિઝલ્ટ પાંચ નવેમ્બરે છે. શૅર સવાત્રણ ટકા જેવી આગેકૂચમાં ૧૯૭૮ બંધ આપી સેન્સેક્સ ખાતે વધવામાં મોખરે હતો. અન્યમાં ટ્રેન્ટ અઢી ટકા, પાવર ગ્રિડ બે ટકા, એટર્નલ ૧.૭ ટકા, મૅક્સ હેલ્થકૅર સવા ટકો, BSE લિમિટેડ અઢી ટકા વધી હતી. મારુતિ સુઝુકીનાં રિઝલ્ટ બરાબર બજાર બંધ થવાના ટાંકણે આવ્યાં હતાં. શૅર સવાબે ટકા વધી ૧૧,૪૫૫ બંધ થયો છે. કંપનીએ ૨૬ ટકા વધારામાં ૫૩,૩૫૫ કરોડ આવક મેળવી છે પણ નફો ૨૬.૪ ટકા ઘટીને ૨૪૬૬ કરોડ નોંધાયો છે. શૅર આજે, બુધવારે ઘટે તો નવાઈ નહીં. બજાજ ઑટોનાં રિઝલ્ટ પણ બજાર બંધ થવાની ઘડીએ આવ્યાં હતાં. શૅર ૨.૯ ટકા કે ૨૯૧ ટકા વધીને ૧૦,૩૭૭ બંધ હતો. કંપનીએ ૩૪ ટકા વધારામાં ૨૦,૦૦૩ કરોડ આવક પર ૩૫.૨ ટકા વૃદ્ધિદરથી ૩૩૫૪ કરોડ નફો દર્શાવ્યો છે. માર્જિન અડધા ટકા જેવું સુધર્યું છે.
હિન્દુસ્તાન યુનિલીવર પરિણામની પૂર્વસંધ્યાએ ૧૭૫૮ની લગભગ સાડાસાત વર્ષની નવી બૉટમ બનાવીને ૧૮૨૦ના લેવલે ફ્લૅટ રહ્યો છે. રિલાયન્સ નજીવા ઘટાડે ૧૨૦૦ હતી. સેન્સેક્સ ખાતે સ્ટેટ બૅન્ક ૧.૬ ટકા, ઍક્સિસ બૅન્ક દોઢ ટકો, TCS અને એશિયન પેઇન્ટ્સ ૧.૪ ટકા, HDFC બૅન્ક સવા ટકા નજીક નરમ હતી. નિફ્ટીમાં એશિયન પેઇન્ટ્સ બે ટકા, કોલ ઇન્ડિયા પોણાબે ટકા, ગ્રાસીમ ૧.૭ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૬ ટકા, ટીસીએસ દોઢ ટકો, ICICI બૅન્ક ૧.૨ ટકા ઘટી છે. HDFC બૅન્ક ૬૭૯ની સવાચાર વર્ષની નીચી સપાટી નોંધાવી ૧.૨ ટકા ઘટી ૬૮૦ થઈ બજારને ૧૦૫ પૉઇન્ટ ભારે પડી છે.
BLS પૉલિમર્સ પ્રથમ દિવસે છલકાયો, SFCના ભરણાને ઠંડો પ્રતિસાદ
ગઈ કાલે ૩ નવાં ભરણાં ખૂલ્યાં છે એમાં મેઇન બોર્ડ ખાતે પ્રથમ દિવસે નવી મુંબઈના વાશીની SFC એન્વાયર્નમેન્ટલ ટેક્નૉલૉઝિસનો બેના શૅરદીઠ ૩૩૦ના ભાવનો ૬૬૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૫ ટકા સહિત કુલ દસેક ટકા તેમ જ નવી દિલ્હીની BLS પૉલિમર્સનો ૧૦ના શૅરદીઠ ૧૫૦ના ભાવનો ૨૫૫ કરોડનો આઇપીઓ ૬.૪ ગણા સહિત કુલ ૯.૨ ગણો ભરાયો છે. જ્યારે નવી દિલ્હીની વિસ્કોન ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૨૦૪ના ભાવનો ૧૧૦ કરોડનો BSE SME ઇશ્યુ રીટેલમાં ત્રીસેક ટકા સહિત કુલ ૯૦ ટકા પ્રથમ દિવસે ભરાયો છે. હાલ SFC એન્વાયર્નમેન્ટલમાં ૧૮નું, BLS પૉલિમર્સમાં ૪૩નું અને વિસ્કોનમાં ઝીરો પ્રીમિયમ છે.
એડલવાઇસ ગ્રુપની ઇઆ ઇન્ડિયા ઓલ્ટરનેટિવ્સનો પાંચના શૅરદીઠ ૧૬૬૫ના ભાવનો ૧૨૦૦ કરોડનો પ્યોર ઑફર ફૉર સેલ ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૩૦ ટકા ભરાયો છે. પ્રીમિયમ ઘટીને ૧૦ થયું છે. મૈસૂરની કોરફોર એન્જિનિયર્સનો ૧૦ના શૅરદીઠ ૯૩ના ભાવનો ૫૫ કરોડનો BSE SME IPO આખરી દિવસે રીટેલમાં ૨.૬ ગણા સહિત કુલ ૫.૪ ગણો ભરાયો છે. પ્રીમિયમ બોલાતું નથી. આજે, બુધવારે રિલાયન્સની જિયો પ્લૅટફૉર્મનો ૧૦ના શૅરદીઠ ૧૧૧૯ના ભાવનો ૩૦૧૮૮ કરોડનો મહાકાય ઇશ્યુ લિસ્ટિંગમાં જવાનો છે. ત્યારે ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ વધીને ૨૬૧ થયું છે. પારસ હેલ્થકૅરનું લિસ્ટિંગ આજે છે. પ્રીમિયમ ૧૨ ચાલે છે.
દરમ્યાન તાજેતરમાં જ લિસ્ટેડ થયેલા IPOમાં ગઈ કાલે સહજાનંદ મેડિકલ ૪૯૩ની ઑલટાઇમ હાઈ દેખાડી ૨૦ ટકાની તેજીમાં ૪૮૩, બોનફિગ્લિયોલી ટ્રાન્સમિશન્સ ૬૩૫ના બેસ્ટ લેવલે જઈ ૧.૮ ટકા વધી ૬૨૬, ટોન્બો ઇમેજિંગ ૬.૨ ટકા વધી ૧૨૮૮, ઝેટવર્ક મૅન્યુફૅક્ચરિંગ ૧૬૯ની નવી ટોચ બનાવી ૧૩.૬ ટકા ઊંચકાઈને ૧૬૩, ફ્યુઝન સીએક્સ અડધો ટકો ઘટી ૨૮૬, એચડી ફાયર દોઢ ટકો સુધરી ૨૮૫, શેલ્ઝ ઇન્ડિયા ૧૫૩નું વર્સ્ટ લેવલ દેખાડી પાંચ ટકા તૂટી ત્યાં જ,
રાવિતા એન્જિનિયરિંગ પાંચ ટકા ગગડી ૧૦૮ તથા વૈભવ વ્યાપાર નજીવી ઘટી ૫૩ ઉપર બંધ થઈ છે.
નાશિકની મેગ્નસ સ્ટીલ ઍન્ડ ઇન્ફ્રા પાંચ શૅરદીઠ ૫૯ શૅરના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ભાવોભાવ રાઇટમાં એક્સ રાઇટ થતાં ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૨ વટાવી છેવટે ત્યાં જ બંધ થઈ છે.
સોના કોમસ્ટાર પરિણામ પાછળ તગડા ઉછાળે નવા શિખરે
અગ્રણી ફાર્મા કંપની સિપ્લા દ્વારા સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં અઢી ટકાના ઘટાડામાં ૭૪૦૪ કરોડની આવક ઉપર ૩૫ ટકાના ગાબડામાં ૮૭૭ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર અઢી ગણા કામકાજે ૧૩૭૨ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૧૩૧૯ થઈ નજીવો ઘટી ૧૩૫૦ રહ્યો છે. ઑટો એન્સિલિયરી કંપની સોના કોમસ્ટારે ૩૫ ટકા જેવા વધારામાં ૧૫૩૬ કરોડ આવક ઉપર ૨૯ ટકા વૃદ્ધિદરમાં ૨૩૩ કરોડ નેટ નફો કરતાં ભાવ ચાર ગણા વૉલ્યુમે ૮૬૪ની ઑલટાઇમ ટૉપ દેખાડી સાડાઆઠ ટકાની મજબૂતીમાં ૮૫૦ થઈ છે. દાલમિયા ભારતે સવાચાર ટકા વધારામાં ૩૫૬૩ કરોડની આવક ઉપર ૨૩૯ કરોડના નફા સામે આ વેળા ૨૦૫ કરોડની ચોખ્ખી ખોટ કરી છે. જયપ્રકાશ અસોસિએટ્સના સિમેન્ટ બિઝનેસના એક્વિઝિશનના પગલે ૩૩૯ કરોડનું વન-ટાઇમ અસાધારણ એક્સપેન્સની જોગવાઈ મુખ્ય વિલન બની છે. શૅર છ ગણા કામકાજે ૧૫૦૩ના સવાચાર વર્ષના તળિયે જઈ ૬.૮ ટકાની ખરાબીમાં ૧૫૧૮ બંધ થયો છે.
Paytm તરફથી ૨૮ ટકાના વધારામાં ૨૬૪૮ કરોડની આવક ઉપર ૯૭૬ ટકાના વધારા સાથે ૨૨૬ કરોડનો નેટ નફો હાંસલ થયો છે. બ્રોકરેજ હાઉસ બર્નસ્ટેન દ્વારા ૨૨૦૦ અને જેફરીઝે ૨૧૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આપ્યું છે. શૅર જોકે દોઢ ગણા કામકાજે પ્રારંભિક સુધારામાં ૧૬૮૬ થયા બાદ નીચામાં ૧૫૯૮ થઈ ત્રણ ટકા ઘટીને ૧૬૦૪ બંધ આવ્યો છે. અર્બન કંપની જેના રિઝલ્ટ ખરાબ આવેલાં છે, ત્રિમાસિક ખોટ ૫૯ કરોડથી તગડી વધી ૧૮૨ કરોડે પહોંચી છે એમાં મૉર્ગન સ્ટેનલીએ ૧૯૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જારી કર્યો છે. શૅર ગઈ કાલે પાંખા કામકાજે ઉપરમાં ૧૪૪ બનાવી પોણાછ ટકા ઊંચકાઈ ૧૪૩ બંધ હતો. ઍરોસ્પેસ ડિફેન્સ કંપની એકવસ લિમિટેડે ૪૫.૩ ટકા વધારામાં ૪૦૯ કરોડની આવક મેળવી છે પણ નેટ લૉસ ૨૦૫૯ લાખથી વધીને ૫૨૩૦ લાખે પહોંચી છે. એમાં શૅર ચારેક ગણા કામકાજે ૧૯૭ની અંદર ગયા પછી છેવટે સવાનવ ટકા ખરડાઈ ૨૨૦ રહ્યો છે.
એથર એનર્જીમાં તગડાં રિઝલ્ટ પછી HSBC તરફથી ૧૮૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આવતાં આગલા દિવસે પોણાચૌદ ટકા વધેલો આ શૅર વળતા દિવસે ૪ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૭૦૨ થઈ ૬.૨ ટકાની આગેકૂચમાં ૧૬૭૧ થયો છે. સિગ્મા ઍડ્વાન્સને ૯૭૬ કરોડનો ડિફેન્સ ઑર્ડર મળતાં ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૮૬૨ વટાવી અંતે ત્યાં જ બંધ રહ્યો છે.
DACના તગડા ઑર્ડર પાછળ ડિફેન્સ શૅરમાં ખાસ્સી મજબૂતી
ડિફેન્સ ઍક્વિઝિશન કાઉન્સિલ (DAC) ૨.૧૨ લાખ કરોડના લશ્કરી શસ્ત્ર સરંજામની ખરીદીનો નિર્ણય લેવાતાં ગઈ કાલે ડિફેન્સ શૅરમાં સિલેક્ટિવ ફૅન્સી જોવા મળી છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ઉપરમાં ૮૯૦૮ થઈ અંતે ૧.૮ ટકા વધી ૮૮૨૦ થયો છે. એના ૨૨માંથી ૧૮ શૅર પ્લસ હતા. આઇડિયા ફોર્જ ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૭૧૭ વટાવી ૭૧૭, ડેટા પેટર્ન્સ ૪૧૪૨ થઈ ૯.૫ ટકા ઊંચકાઈ ૪૧૨૭, નાઇબ લિમિટેડ ૩.૮ ટકા વધી ૧૧૬૪ હતી. અન્યમાં સિગ્મા ઍડ્વાન્સ્ડ, ડીજીલોજીક, કાવેરી ડિફેન્સ પાંચ-પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ગઈ હતી. ભારત અર્થ મૂવર્સ ૮.૪ ટકાના ઉછાળે ૧૯૯૯ થઈ છે. ગાર્ડન રિચ સાડાત્રણ ટકા, પારસ ડિફેન્સ ૨.૭ ટકા, અપોલો માઇક્રો ૩.૪ ટકા, શ્રી રેફ્રિજરેશન ૩.૯ ટકા, સેન્ટમ ઇલેક્ટ્રૉનિક્સ ૩.૭ ટકા, યુનીમેક ૫.૩ ટકા મજબૂત બની છે. માઝગાવ ડૉકની ત્રિમાસિક આવક સાડાસોળ ટકા ઘટીને ૨૪૪૬ કરોડ અને નફો ૫૪ ટકા ગગડી ૩૪૪ કરોડ થતાં શૅર ૧૯૩૫ની ઇન્ટ્રા-ડે હાઈથી લથડી ૧૬૯૧ની ૨૮ માસની બૉટમ બનાવી સાડાછ ટકા ખરડાઈ ૧૭૫૫ રહી છે. વૉલ્યુમ પાંચ ગણું હતું. ભારત ડાયનેમિક્સ ૨.૩ ટકા ઘટી છે. હિન્દુસ્તાન ઍરોનોટિક્સ ઉપરમાં ૪૯૨૬ થયા બાદ નીચામાં ૪૭૯૩ બતાવી એક ટકો સુધરી ૪૮૨૫ રહી છે.
વીનસ રેમેડીઝની આવક સાડાતેર ટકા વધી ૨૧૯ કરોડ તથા નફો ૨૭.૪ ટકા વધી ૨૬ કરોડ થયો છે. શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૫૨૮ થયા બાદ નીચલી સર્કિટ મારી ૧૩૮૨ બતાવી ત્યાં જ બંધ થયો છે. RZ ગ્રુપની નજારા ટેક્નૉલૉઝિસે ૫૨.૭ ટકા વધારામાં ૮૦૩ કરોડની આવક કરતાં કંપની ૨૯ કરોડની નેટ લૉસમાંથી ૩૬ કરોડના નફામાં આવી છે. શૅર ઉપર ૪૦૭ વટાવી છેવટે સાધારણ વધી ૪૦૨ રહ્યો છે. મહિન્દ્ર ફાઇનૅન્સ ૨૫૯ની ૧૪ મહિનાની નીચી સપાટીએ જઈને સાડાછ ટકા ખરડાઈ ૨૬૧ થઈ છે. ઓલા ઇલેક્ટ્રિક ચાર ગણા કામકાજે ૨૦ ટકાની તેજીમાં ૩૬ નજીક જઈ ૩૫.૭૯ બંધ આવી છે.
બાંદરાની એમકે સન્સ ફાઇન જ્વેલ્સ સહિત આજે ૩ ભરણાં
આજે, બુધવારે મેઇન બોર્ડમાં એક સહિત કુલ ૩ નવાં ભરણાં ખૂલવાનાં છે. મુંબઈના બાંદરા-વેસ્ટ ખાતેની એમકે સન્સ ફાઇન જ્વેલ્સ ૧૦ના શૅરદીઠ ૧૬૨ની અપરબેન્ડમાં ૨૭૫ કરોડનો IPO લાવશે. ૨૦૧૨માં સ્થપાયેલી આ કંપની ગોલ્ડ, ડાયમંડ તેમજ CZ જ્વેલરી વેચવાનો ધંધો કરે છે. કંપનીના મુંબઈમાં ૩ અને અમદાવાદમાં બે શોરૂમ્સ છે. ગત વર્ષે ૫૩ ટકા વધારામાં ૫૩૯ કરોડની આવક ઉપર ૧૨૩ ટકા વધારામાં ૫૧૮૦ લાખ નેટ નફો બતાવ્યા પછી કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં ૧૦૧ કરોડની આવક ઉપર ૧૫ કરોડ નફો દેખાડયો છે, દેવું સતત વધતું રહી ૧૪૦ કરોડ વટાવી ગયું છે. ૨૭૫ કરોડના ઇશ્યુમાંથી ૫૫ કરોડ OFS પેટે પ્રમોટર્સના ઘરમાં એક નવા શોરૂમની સ્થાપના તથા અમદાવાદના શોરૂમના વિસ્તરણ પાછળ તથા ૩૦ કરોડ દેવાની ચુકવણીમાં વપરાશે.
બે SME ઇશ્યુ છે એમાં સુરતની આજવા પ્રોજેક્ટ્સ ૧૦ના શૅરદીઠ ૨૦૩ના ભાવથી ૩૮ કરોડનો BSE SME ઇશ્યુ આજે કરશે. ભરણામાંથી OFS પેટે ૮ કરોડ પ્રમોટર્સ લઈ જશે. QIB પોર્શન ઝીરો છે એટલે રીટેલ પોર્શન ૫૦ ટકા તો છે. ૨૦૧૧માં સ્થપાયેલી આ કંપની ફેબ્રિકેશન, ઇરેક્શન, પાઇપિંગ, સિવિલ કન્સ્ટ્રકશન, પ્રેફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર, મેઇન્ટેનન્સ ઇત્યાદીને આવરી લેતાં મલ્ટી ડિસિપ્લીનરી ઇન્ડસ્ટ્રિયલ સર્વિસીસ આપવાનું કામ કરે છે. ગત વર્ષે ૩૨ ટકા વધારામાં ૪૮૫૬ લાખ આવક ઉપર ૬૫ ટકા વધારામાં ૫૪૨ લાખ નફો દર્શાવ્યા પછી ચાલુ વર્ષે પ્રથમ ૩ માસમાં કંપનીએ ૧૨૪૪ લાખની આવક અને ૧૫૬ લાખ ચોખ્ખો નફો બતાવ્યો છે. દેવું ૧૩૮૪ લાખ છે. ઇશ્યુમાંથી ૯૩૫ લાખ દેવાની ચુકવણીમાં, ૮૧૦ લાખ પ્લાન્ટ અને મશીનરી તેમ જ વાહન ખરીદીમાં અને ૪ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થયેલું પ્રીમિયમ ખેંચીને ઉપરમાં ૨૫ના લેવલે લઇ ગયા પછી હાલ રેટ ત્યાંજ છે. બીજી કંપની રાજકોટની કારવેર રોબોવેલ્ડ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૮૦ની અપર બેન્ડમાં ૨૮ કરોડનો BSE SME IPO આજે કરશે. QIB પોર્શન ૪૯.૬ ટકા તથા રીટેલ પોર્શન ૩૫.૨ ટકા છે. ૨૦૦૯માં સ્થપાયેલી આ કંપની વેલ્ડિંગમાં વપરાતી સામગ્રી તેમ જ સ્પેરપાર્ટ્સ બનાવે છે. ગત વર્ષ નવ ટકાના વધારામાં ૨૭૧૨ લાખની આવક ઉપર ૧૪૦ ટકા વધારામાં ૩૪૮ લાખ નફો બતાવ્યા પછી કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ ૩ મહિનાનમાં ૭૭૧ લાખની આવક અને ૧૪૯ લાખ નફો કર્યો છે. દેવું ૧૨૨૭ લાખ છે. ઇશ્યુમાંથી ૧૨ કરોડના ખર્ચે વેલ્ડિંગ રોબો કંપની વસાવશે. ૮૬૦ લાખ દેવાની ચુકવણીમાં જશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી.