સાપ્તાહિક રીતે સેન્સેક્સ અને નિફ્ટી ૬ ટકાના ઘટાડા સાથે બંધ

09 May, 2020 01:09 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

સાપ્તાહિક રીતે સેન્સેક્સ અને નિફ્ટી ૬ ટકાના ઘટાડા સાથે બંધ

પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે અમેરિકન શૅરબજારમાં જોવા મળેલી જોરદાર ખરીદી, એશિયાઇ અને યુરોપિયન બજારમાં જળવાઈ રહેલી તેજીના સહારે ભારતીય શૅરબજારમાં પણ ખરીદી જોવા મળી હતી. જો કે દિવસના મધ્યમાં બૅન્કિંગ અને નાણાકીય સેવાઓની કંપનીઓમાં ઊંચા ભાવે ફરી વેચવાલી જોવા મળતા બજાર દિવસના ઉપરના સ્તરથી નીચે પણ આગલા બંધ સામે વધીને બંધ આવ્યા હતા. જો કે સપ્તાહ દરમ્યાન સેન્સેક્સ ૬ ટકા અને નિફ્ટી ૬.૧ ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. 

રિલાયન્સ અને હિન્દુસ્તાન યુનીલીવરમાં જોવા મળી રહેલી જોરદાર ખરીદીના કારણે એક તબક્કે સેન્સેક્સ ૩૨૦૮૮ની અને નિફ્ટી ૯૩૮૨ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સત્રના અંતે સેન્સેક્સ દિવસની ઊંચી સપાટીથી ૫૦૦ પૉઇન્ટ નીચે અને નિફ્ટી ૧૫૦ પૉઇન્ટ નીચે આવી ગયા હતા. આજે સેન્સેક્સ આગલા બંધથી ૧૯૯.૩૨ પૉઇન્ટ કે ૦.૬૩ ટકા વધી ૩૧૬૪૨.૭ અને નિફ્ટી ૫૨.૪૫ કે ૦.૫૭ ટકા વધી ૯૨૫૧.૫ બંધ રહ્યા હતા. ઇન્ડેક્સ કંપનીઓમાં હિન્દુસ્તાન યુનીલીવર ૪.૮૧ ટકા વધ્યો હતો જ્યારે નેસ્લે, ટેક મહિન્દ્ર અને સન ફાર્મા પણ વધ્યા હતા. સામે મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર, એક્સીસ બૅન્ક, એનટીપીસી અને ઇન્ડસઇન્ડ બૅન્ક ઘટીને બંધ આવ્યા હતા.
છેલ્લા એક પખવાડિયામાં ત્રીજી વખત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેલિકોમ કંપની જિયો પ્લૅટફૉર્મમાં હિસ્સો વેચવામાં આવ્યો હતો. આજે બજાર શરૂ થાય એ પહેલાં કંપનીએ ૨.૩૨ ટકા હિસ્સો વિસ્ટા ઇક્વિટી પાર્ટનરને વેચવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે રીલાયન્સના શૅર ૩.૬૨ ટકા વધી ૧૫૬૧.૮ રૂપિયા બંધ રહ્યા હતા. રિલાયન્સના કારણે સેન્સેક્સ સૌથી વધુ વધ્યો હતો.
ગુરુવારે હિન્દુસ્તાન યુનીલીવરના શૅરના સોદાના કારણે વિદેશી સંસ્થાઓની જંગી ખરીદી બાદ આજે પણ ખરીદી જોવા મળી હતી. જો કે સ્થાનિક ફન્ડસ દ્વારા આજે આક્રમક રીતે પ્રોફિટ બુકિંગ કરવામાં આવ્યું હતું. આજે વિદેશી ફન્ડસ દ્વારા ૧૭૨૫ કરોડના શૅર ખરીદવામાં આવ્યા હતા જ્યારે સ્થાનિક ફન્ડસની ૧૫૦૩ કરોડ રૂપિયાની વેચવાલી હતી.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ સૅક્ટરમાં ફાર્મા, આઇટી અને એફએમસીજી વધ્યા હતા તો બૅન્કિંગ, ઑટો ને રીઅલ એસ્ટેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૧૬ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જયારે ૨૨ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૬૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી અને ૧૩૪ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૩૬ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૮૭ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૦૦ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૧૭માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મોલ કૅપ ઇન્ડેક્સ ૦.૪૫ ટકા ઘટ્યો હતો તો મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૦૪ વધ્યો હતો. બૉમ્બે સ્ટૉક એસ્ક્ચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન શુક્રવારે ૧,૫૩,૮૮૮ કરોડ વધી  ૧૨૨.૭૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
બૅન્કિંગમાં વેચવાલી જોવા મળી
આજે નિફ્ટી બૅન્ક ૦.૭૧ ટકા ઘટીને બંધ આવ્યો હતો. સરકારી બૅન્કોનો ઇન્ડેક્સ ૧.૯૭ ટકા અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૦.૭૪ ટકા ઘટીને બંધ આવ્યા હતા. ખાનગી બૅન્કોમાં આજે બંધન બૅન્ક ૪.૮ ટકા, યસ બૅન્ક ૩.૯૧ ટકા, એક્સીસ બૅન્ક ૩.૮ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૨.૯૬ ટકા, સીટી યુનિયન બૅન્ક ૨.૭૫ ટકા અને ફેડરલ બૅન્ક ૧.૨૭ ટકા ઘટીને બંધ આવ્યા હતા. સામે કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૬૦ ટકા, એચડીએફસી બૅન્ક ૦.૪૩ ટકા અને આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૩૦ ટકા વધ્યા હતા.
સરકારી બૅન્કોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૨.૩૪ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૧.૩૫ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૧.૨૩ ટકા, બૅન્ક ઑફ બરોડા ૩.૧૮ ટકા અને યુનિયન બૅન્ક ૧.૦૪ ટકા ઘટ્યા હતા.
અન્ય કંપનીઓમાં વધઘટ
અદાણી ગૅસનો માર્ચ ક્વૉર્ટરનો નફો ૬૧ ટકા વધ્યો હોવાથી શૅરના ભાવ ૩.૦૭ ટકા વધ્યા હતા. નફો ૧.૧ ટકા વધ્યો અને વેચાણ ૬.૨ ટકા ઘટ્યું હોવાથી પ્રોકટર એન્ડ ગેબલ હેલ્થના શૅર આજે ૧.૪૧ ટકા ઘટ્યા હતા. નફો ૫૩૭ ટકા ઘટ્યો હતો અને આવકમાં ૨૦.૭ ટકાની વૃદ્ધિ સાથે આરબીએલ બૅન્કના શૅર આજે ૭.૪૧ ટકા ઘટ્યા હતા. બૅન્કમાં નબળી લોન માટેની જોગવાઈઓમાં વધારો થયો હોવાથી શૅરમાં વેચવાલી જોવા મળી હતી. એસએનએફનો માર્ચ ક્વૉર્ટરનો નફો ૮.૩ ટકા અને વેચાણ ૧૮.૫ ટકા ઘટ્યું હતું પણ કંપનીએ ૧૩૦ રૂપિયાના ખાસ ડિવિડન્ડની જાહેરાત કરતા શૅરના ભાવ ૬.૬૦ ટકા વધી ૧૪૩૫ બંધ રહ્યા હતા. સાયન્ટના શૅરમાં આજે ૧૦ ટકાની મંદીની સર્કિટ લાગી હતી. કંપનીનો નફો ૫૮.૨ ટકા અને વેચાણ ૩ ટકા ઘટ્યું હતું.
અમેરિકન ડ્રગ રેગ્યુલેટર તરફથી કંપનીના પ્લાન્ટ સામેના વાંધાઓ હટી જતાં આજે ડૉ. રેડ્ડીઝના શૅર ૩.૮૯ ટકા વધ્યા હતા. જ્યારે પ્રોફિટ બુકિંગના કારણે કેડિલા હેલ્થના શૅર ૦.૨૦ ટકા ઘટ્યા હતા.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડની રોકાણવૃદ્ધિ દાયકામાં સૌથી નીચે
ભારતીય શૅરબજાર માટે માર્ચ મહિનો છેલ્લાં ૧૨ વર્ષમાં સૌથી ખરાબ રહ્યો હતો તેમ એપ્રિલ છેલ્લા એક દાયકામાં સૌથી મોટી વૃદ્ધિ લઈને આવ્યો હતો. આ વૃદ્ધિ સાથે મ્યુચ્યુઅલ ફન્ડમાં નવું રોકાણ આવવાનો પ્રવાહ છેલ્લા એક દાયકામાં સૌથી વધુ ઘટ્યો પણ છે. એપ્રિલ મહિનામાં ઇક્વિટીમાં રોકાણ કરતી સ્કીમમાં નવું રોકાણ ૬૨૧૩ કરોડ રૂપિયા આવ્યું હતું જે આગલા મહિના કરતાં ૪૭ ટકા ઘટી ગયું છે.
મિડ કૅપ સ્કીમમાં રોકાણ અંગેની જાણકારી અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા એપ્રિલ ૨૦૧૯થી આપવાની શરૂ કરી છે. એપ્રિલ ૨૦૨૦માં આવી સ્કીમમાં રોકાણ થતું હોય તેમાં પ્રવાહ સૌથી વધુ ઘટેલો જોવા મળ્યો છે.
 સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન થકી રોકાણ થઈ રહ્યું હોય તેમાં ૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આમ છતાં છેલ્લા ૧૭ મહિનાથી તે ૮૦૦૦ કરોડ રૂપિયાથી વધુ જોવા મળી રહ્યું છે. 
ઇક્વિટી, ડેટ અને અન્ય સહિત ફન્ડસની કુલ અસ્કયામતમાં જોકે ૪૫,૯૯૯ કરોડ રૂપિયાનો નવો પ્રવાહ જોવા મળ્યો છે જે માર્ચમાં ૨.૧૨ લાખ કરોડ રૂપિયાનો ઉપાડ હતો. 

sensex business news