ઇન્ડિયન કૉમોડિટી એક્સચેન્જની માન્યતા સેબીએ કરી દીધી રદ

12 May, 2022 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક્સચેન્જ પાસે પૂરતો સ્ટાફ અને જરૂરી નાણાં ન હોવાથી માન્યતા રદ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

શૅરબજાર રેગ્યુલેટર સેબીએ મંગળવારે ઇન્ડિયન કૉમોડિટી એક્સચેન્જ લિમિટેડની માન્યતા રદ કરી હતી અને જણાવ્યું હતું કે એક્સચેન્જ પાસે પૂરતી સંખ્યામાં અનુભવી સ્ટાફ અને જરૂરી નાણાકીય ક્ષમતા નથી. પરિણામે આઈસીઈએક્સ એક માન્ય સ્ટૉક એક્સચેન્જ તરીકે બંધ થઈ જશે તેમ સેબીએ એક ઑર્ડરમાં જણાવ્યું હતું.

એક્સચેન્જને કેન્દ્ર સરકાર દ્વારા કાયમી ધોરણે ઑક્ટોબર ૨૦૦૯માં જારી કરાયેલા નોટિફિકેશન દ્વારા ફોર્વર્ડ કૉન્ટ્રૅક્ટ હેઠળ એક્સચેન્જ તરીકે માન્યતા આપવામાં આવી હતી.

નેટવર્થની આવશ્યકતા, સેબીના નિરીક્ષણ અવલોકનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક આધારો પર એક્સચેન્જ ગેરલાયક ઠેરવાયું હોવાથી નિયમનકારે તેની માન્યતા પાછી ખેંચી લીધી છે.

તેના ઑર્ડરમાં સેબીએ નોંધ્યું છે કે નવેમ્બર ૨૦૨૧ના રોજ એક્સચેન્જની નેટવર્થ ૯૩.૪૩ કરોડ રૂપિયા હતી, જે જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં ઘટીને ૮૬.૪૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે. નિયમો અનુસાર દરેક માન્ય સ્ટૉક એક્સચેન્જમાં દરેક સમયે ઓછામાં ઓછી ૧૦૦ કરોડ રૂપિયાની નેટવર્થ હોવી જરૂરી છે.

business news