વિજ્ઞાનીઓ નવા રોગનો સામનો કરી શકે એવી મરચાંની જાતો શોધી કાઢશે

25 January, 2022 11:57 AM IST  |  Mumbai | Agency

સ્પાઇસિસ બોર્ડે એના અધિકારીઓને તત્કાળ પ્રતિકારક પગલાં લેવાનો અને આ વાઇરસ સામે ટકી શકે એવી વરાઇટી ઓળખી કાઢવાનો આદેશ આપ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં નવો આક્રમણકારી વાસરસ મરચાંના પાકને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યો છે. સ્પાઇસિસ બોર્ડે એના અધિકારીઓને તત્કાળ પ્રતિકારક પગલાં લેવાનો અને આ વાઇરસ સામે ટકી શકે એવી વરાઇટી ઓળખી કાઢવાનો આદેશ આપ્યો છે.
બોર્ડ દ્વારા સ્થાપિત ચિલી ટાસ્ક ફોર્સ કમિટીના ચૅરમૅન જીવીએલ નરસિંહ રાવે આ મુદ્દે ચર્ચા કરવા વિજ્ઞાનીઓની એક વિડિયો કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોર્ટિકલ્ચર, ડૉ. વાયએસઆર ઍગ્રીકલ્ચર યુનિવર્સિટી, નૅશનલ બ્યુરો ઑફ ઍગ્રીકલ્ચરલ ઇન્સેક્ટ રિસોર્સિસના વિજ્ઞાનીઓ અને અન્ય કેટલીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રાવેની આગેવાનીમાં કેન્દ્રની એક ટીમે વાઇરસથી અસર પામેલા કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી એ પછી ઉક્ત મીટિંગ યોજાઈ હતી. તેલંગણામાં ચાર લાખ હેક્ટર વિસ્તારમાં મરચાંના થયેલા વાવેતરમાંથી અડધોઅડધ વિસ્તારમાં મરચાંનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે.
રાવે વિજ્ઞાનીઓને આદેશ આપ્યો છે કે તેઓ ખેડૂતોને સારી કૃષિ પદ્ધતિઓનું શિક્ષણ પૂરું પાડે અને જંતુઓના નાશ માટે ઓછો ખર્ચ આવે એવી સામગ્રીના વપરાશની ભલામણ કરે. ટૂંકા ગાળામાં તૈયાર થતી મરચાંની વરાઇટી માટે આવાં દ્રવ્યોના વપરાશનું સૂચન કરવામાં આવે એમ રાવે વિજ્ઞાનીઓને કહ્યું છે.
રોગના આક્રમણનો સામનો કરવા અને ટકી રહેવા ખેડૂતોને મદદ કરવા માટે એક વિસ્તૃત યોજના તૈયાર કરવાની આવશ્યકતા છે, એમ રાવે કહ્યું હતું. રાવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હૉર્ટિકલ્ચર રિસર્ચને આગેવાની લઈ મરચાંની એવી વરાઇટીઓ શોધી કાઢવાનું આવહન કર્યું છે, જે રોગોના હુમલા સામે ટકી શકે.

business news