એસબીઆઇએ બલ્ક ડિપોઝિટના દરો ૦.૪૦-૦.૯૦ ટકા વધાર્યા

11 May, 2022 05:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ક ઑફ બરોડાએ લોનના દરમાં ૦.૧૦ ટકાનો વધારો કર્યો

એસબીઆઇએ બલ્ક ડિપોઝિટના દરો ૦.૪૦-૦.૯૦ ટકા વધાર્યા

દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ મંગળવારે અનેક પ્રકારની બલ્ક ડિપોઝિટના વ્યાજદરમાં ૦.૪૦થી ૦.૯૦ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત બૅન્ક ઑફ બરોડાએ લોનના દરમાં પણ ૦.૧૦ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.
એસબીઆઇએ ડિપોઝિટમાં વ્યાજદરનો વધારો બે કરોડ રૂપિયા કે એનાથી વધુની બલ્ક ડિપોઝિટ ઉપર લાગુ પડશે. ૭ દિવસ અને ૪૫ દિવસના વ્યાજદર ત્રણ ટકાની સપાટી પર જાળવી રાખ્યા છે, પરંતુ ૪૬થી ૧૭૯ દિવસના વ્યાજદર હવે ત્રણ ટકાથી વધીને ૩.૫ ટકા થશે, જ્યારે ૧૮૦ અને ૨૧૦ દિવસના દરો ૦.૪૦ ટકા વધારીને ૩.૫૦ ટકા કર્યા છે, જ્યારે ૨૧૧ દિવસ અને એક વર્ષથી ઓછા
સમય માટેના દર ૦.૪૫ ટકા વધારીને ૩.૭૫ ટકા કર્યા છે. એક વર્ષ અને બે વર્ષથી ઓછા માટે ચાર ટકા અને  બે વર્ષથી વધુ અને ત્રણ વર્ષથી ઓછા સમય માટેના દર ૦.૬૫ ટકા વધારીને ૪.૨૫ ટકા કર્યા છે. ત્રણ વર્ષથી ૧૦ વર્ષ માટેનો દર ૦.૯૦ ટકા વધારીને ૪.૫૦ ટકા કર્યો છે.
બૅન્ક ઑફ બરોડાએ લોનના વ્યાજદરમાં ૦.૧૦ ટકાનો વધારો કર્યો છે. રેપો રેટ વધતાં બૅન્કે માર્જિનલ કોસ્ટ ઑફ ફંડ્સ બેઝ્ડ વ્યાજદર વધાર્યા છે. હવેથી એક વર્ષ માટેનો નવો દર ૭.૩૫ ટકાથી વધીને ૭.૪૦ ટકા અને ત્રણ મહિના અને છ મહિનાના દર ૭.૧૫ ટકા અને ૭.૨૫ ટકા કર્યા છે, જ્યારે ઓવરનાઇટ અને એક મહિનાના દર ૦.૧૦ ટકા વધારીને અનુક્રમે ૬.૬૦ ટકા અને ૭.૦૫ ટકા કર્યા છે.

business news