સાઉદી અરબના ઊંચા ભાવ, ચીનની માગથી ક્રૂડમાં આગળ વધતી તેજી

08 May, 2020 12:58 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

સાઉદી અરબના ઊંચા ભાવ, ચીનની માગથી ક્રૂડમાં આગળ વધતી તેજી

પ્રતીકાત્મક તસવીર

ત્રણ સપ્તાહ અગાઉ ક્રૂડ ઑઇલના ભાવ શૂન્યથી નીચે થઈ ગયા હતા અને બજારમાં એવી વાત હતી કે ઈંધણના આ મહત્ત્વના સ્રોતના દિવસો પૂરા થયા, પણ એ પછી બજારમાં જોવા મળી રહેલી આશ્ચર્યજનક તેજી ગુરુવારે પણ ચાલુ રહી હતી. મે મહિનામાં અત્યાર સુધીમાં ક્રૂડ ઑઇલના વાયદામાં ૬૦ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. 

આજે ક્રૂડ ઑઇલના ભાવ વધવા માટે બે મહત્ત્વનાં કારણો હતાં. રશિયા સાથે સાઉદી અરબના ભાવના યુદ્ધ પછી પ્રથમ વખત વિશ્વના સૌથી મોટા ક્રૂડ નિકાસકાર અરબ દેશે ગઈ કાલે ક્રૂડના ભાવમાં વૃદ્ધિ જાહેર કરી હતી અને બીજું કારણ છે કે ચીનમાંથી ક્રૂડની માગ કોરોના વાઇરસ શરૂ થયા પછીના ચાર મહિનામાં પ્રથમ વખત વધી રહી છે.

સાઉદી સરકારની માલિકીની અરમ્કોએ આજે આરબ ક્વૉલિટીના ક્રૂડના ભાવમાં ૧.૪૦ ડૉલર પ્રતિ બેરલનો વધારો કર્યો છે. એશિયામાં ડિલિવરીના ભાવ ગયા મહિને આરબ લાઇટના ભાવ સામે ગયા મહિને ૯.૮૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં હતા એ ઘટાડી આ મહિને હવે ૫.૯૦ ડૉલરનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે.

એશિયામાં ભાવવૃદ્ધિ સાથે અરમ્કો સંકેત આપી રહ્યું છે કે ક્રૂડની માગ ફરી વધી રહી છે. વિશ્વમાં ક્રૂડ ઑઇલના સૌથી મોટા આયાતકાર ચીનમાં એપ્રિલ મહિનામાં આયાત વધી હોવાના આંકડા પણ મળ્યા છે. એપ્રિલમાં ક્રૂડની આયાત ચીનમાં દૈનિક ૧૦૪.૨ લાખ બેરલ જોવા મળી હતી જે માર્ચમાં ૯૬.૮ લાખ બેરલ હતી. આ દર્શાવે છે કે ચીનમાં આર્થિક પ્રવૃત્તિ ફરી આગળ વધી રહી છે અને ક્રૂડની માગ વધી શકે છે.

આજે અમેરિકન વરાઇટીના વેસ્ટર્ન ટેક્સસનો જૂન વાયદો ૯.૨૧ ટકા કે ૨.૨૧ ડૉલર વધી ૨૬.૨૦ ડૉલર અને લંડન ખાતે બ્રેન્ટ ક્રૂડ જુલાઈ વાયદો ૫.૮૯ ટકા કે ૧.૭૫ ડૉલર વધી ૩૧.૪૭ ડૉલર પ્રતિ બેરલ જોવા મળી રહ્યો છે.

દરમિયાન ભારતમાં ક્રૂડ ઑઇલ મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ ૧૮૪૯ ઑઇલ ખૂલી, ઉપરમાં ૨૦૧૭ અને નીચામાં ૧૭૮૫ બોલાઈ પ્રથમ સત્રના અંતે ૨૦૫ વધીને ૨૦૦૬ ઑઇલ બંધ રહ્યો હતો.

business news china saudi arabia