પ્રોવિઝનલ અટૅચમેન્ટની કાયદાકીય જોગવાઈનો વ્યાપ અમર્યાદપણે વધારતા સુધારાની ભીતરમાં

18 June, 2021 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાછલા લેખમાં આપણે સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ના સેક્શન ૮૩ હેઠળ કમિશનરને ઉપલબ્ધ પ્રોવિઝનલ અટૅચમેન્ટની સત્તા તથા એના દુરુપયોગ સામે કરદાતાઓને રક્ષણ પૂરું પાડતા વિવિધ હાઈ કોર્ટના ચુકાદાઓ વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરી

જીએસટી

પાછલા લેખમાં આપણે સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ના સેક્શન ૮૩ હેઠળ કમિશનરને ઉપલબ્ધ પ્રોવિઝનલ અટૅચમેન્ટની સત્તા તથા એના દુરુપયોગ સામે કરદાતાઓને રક્ષણ પૂરું પાડતા વિવિધ હાઈ કોર્ટના ચુકાદાઓ વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરી, પરંતુ આ કાનૂની ચુકાદા પરથી બોધપાઠ લેવાને બદલે પ્રસ્તુત સેક્શન ૮૩ની જોગવાઈનો વ્યાપ વધારનારા સુધારા ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૧ અન્વયે કરવામાં આવ્યા છે. આ સુધારા વિશે અભ્યાસ કરતાં પહેલાં બે મહત્ત્વના કાનૂની ચુકાદાનો ઉલ્લેખ આવશ્યક છે.

સેક્શન ૮૩ હેઠળ કમિશનરને પ્રાપ્ત પ્રોવિઝનલ અટૅચમેન્ટની સત્તા અંગે ગુજરાત હાઈ કોર્ટે વેલેરિયસ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ ભારત સરકારના કેસમાં કહ્યું હતું, ‘સેક્શન ૮૩ હેઠળ કમિશનરને પ્રોવિઝનલ અટૅચમેન્ટની જે સત્તા ઉપલબ્ધ છે એ અત્યંત કઠોર અને વ્યાપક સત્તાની સૂચક છે. આ સત્તાનો ઉપયોગ અપવાદરૂપ કિસ્સામાં અને અત્યંત વાજબી તથા અધિકૃત કારણોના આધારે જ થવો જોઈએ. જે કિસ્સામાં કરદાતા એની સામેની સંભવિત ટૅક્સની ડિમાન્ડ ભરપાઈ કરવામાં નિષ્ફળ જઈ શકે છે એવા કિસ્સામાં જ પ્રસ્તુત જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવાનો વિકલ્પ કમિશનર વિચારી શકે અને એ સમયે પણ અત્યંત કાળજી અને સાવધાની રાખવી અનિવાર્ય છે. સેક્શન ૮૩ હેઠળની કાર્યવાહી એ જ કિસ્સામાં કરવી જોઈએ જે કિસ્સામાં કમિશનર પાસે એ બાબતના સંતોષપ્રદ પુરાવા હોય અથવા સંબંધિત કરદાતા એની સામેની ડિમાન્ડથી છટકવા માટે પોતાની મિલકતને સંપૂર્ણપણે અથવા આંશિકરૂપે સગેવગે કરી નાખે એવી ભારોભાર શક્યતા હોય. એટલું જ નહીં, આ પ્રકારના કિસ્સામાં પણ કાયદાનો ઉદ્દેશ સિદ્ધ થાય એટલા પ્રમાણમાં જ પ્રૉપર્ટીનું પ્રોવિઝનલ અટૅચમેન્ટ થવું જોઈએ. વળી, બૅન્ક અકાઉન્ટ અને ધંધાર્થે વપરાશમાં લેવાતી અસ્કયામતોની પ્રોવિઝનલ અટૅચમેન્ટની કાર્યવાહી કેવળ અંતિમ પગલારૂપે જ થાય એ આવશ્યક છે.’

કરદાતા સામેની રિકવરીની કાર્યવાહી દરમિયાન હાથ ધરવામાં આવતી અટૅચમેન્ટની કાર્યવાહી અને સેક્શન ૮૩ હેઠળની કાર્યવાહી એકમેકથી ભિન્ન છે, એ યાદ રાખવું ઘટે એવી મહત્ત્વની ટિપ્પણી હાઈ કોર્ટે કરી હતી.

ગુજરાત હાઈ કોર્ટનાં ઉપરોક્ત નિરીક્ષણોની પુષ્ટિ કરતો એક અતિમહત્ત્વનો ચુકાદો ૨૦ એપ્રિલે સુપ્રીમ કોર્ટે મેસર્સ રાધાકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ સ્ટેટ ઑફ હિમાચલ પ્રદેશના કેસમાં સેક્શન ૮૩ની જોગવાઈ સંદર્ભે જ આપ્યો છે. છેતરપિંડીથી ઇનપુટ ટૅક્સ ક્રેડિટ લેવાના આરોપનો સામનો કરી રહેલી અને પ્રોવિઝનલ અટૅચમેન્ટની કાર્યવાહીનો ભોગ બનેલી સંબંધિત કંપનીને સંડોવતા આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે, ‘કરદાતાના બૅન્ક અકાઉન્ટ સુધ્ધાંને પ્રોવિઝનલ ધોરણે અટૅચ કરવાની સત્તા આપતી સેક્શન ૮૩ની જોગવાઈ અત્યંત કઠોર છે અને માટે આ સત્તાનો ઉપયોગ કરતાં પહેલાં નિર્દિષ્ટ તમામ શરતોનું પાલન થાય એ આવશ્યક છે. સંબંધિત કમિશનર સમક્ષ આ જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટે વાસ્તવિક અને વિશ્વાસપાત્ર પુરાવા હોય એ જરૂરી છે. વળી, એક વખત સંબંધિત કાયદાકીય જોગવાઈ હેઠળ આકારણીનો હુકમ થઈ જાય પછી પ્રોવિઝનલ અટૅચમેન્ટનો હુકમ અમલમાં રહી શકે નહીં.’

કમનસીબે, સઘળા કાનૂની ચુકાદાઓ અને એ અંતર્ગત વિવિધ કોર્ટે કરેલાં મહત્ત્વનાં નિરીક્ષણોને ઘોળીને પી જઈને ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૧ દ્વારા સેક્શન ૮૩માં ધરખમ સુધારા કરવામાં આવ્યા છે અને એનો વ્યાપ ભયજનક કહી શકાય એટલી હદે વધારવામાં આવ્યો છે.

આ અગાઉ આપણે જોયું એમ પ્રવર્તમાન સેક્શન ૮૩ હેઠળની કાર્યવાહી નિર્દિષ્ટ છ કાયદાકીય જોગવાઈઓ (સેક્શન ૬૨ અથવા ૬૩ અથવા ૬૪ અથવા ૬૭ અથવા ૭૩ અથવા ૭૪) હેઠળ કરપાત્ર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી અનિર્ણિત હોય ત્યારે જ હાથ ધરી શકાય છે, પરંતુ સેક્શન ૮૩ની સુધારિત જોગવાઈ પ્રમાણે સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ના પ્રકરણ ૧૨ હેઠળ સમાવિષ્ટ સેક્શન ૫૯થી ૬૪ (આકારણી સંબંધી જોગવાઈઓ), પ્રકરણ ૧૪ હેઠળ સમાવિષ્ટ સેક્શન ૬૭થી ૭૧ (સમન્સ, તપાસણી, જપ્તી, ધરપકડ વગેરે સંબંધી જોગવાઈઓ) અને પ્રકરણ ૧૫ હેઠળ સમાવિષ્ટ સેક્શન ૭૩થી ૮૪ (શો કૉઝ નોટિસ,રિકવરી વગેરે સંબંધી જોગવાઈઓ)ની જોગવાઈઓમાંથી કોઈ પણ જોગવાઈ હેઠળની કાર્યવાહી અનિર્ણીત હોય તો સેક્શન ૮૩ હેઠળ પ્રોવિઝનલ અટૅચમેન્ટની કાર્યવાહી કમિશનર હાથ ધરી શકશે. ઉદા. ધારો કે કરદાતાને સેક્શન ૭૦ હેઠળ કેવળ સમન્સ પણ ઇશ્યુ કરવામાં આવે ત્યારે પણ કમિશનર ઇચ્છે તો તેની મિલકત કે બૅન્ક અકાઉન્ટને સેક્શન ૮૩ હેઠળ પ્રોવિઝનલ ધોરણે અટૅચ કરી શકશે! વધુ ગંભીર બાબત તો એ છે કે પ્રવર્તમાન જોગવાઈથી વિપરીત સુધારિત જોગવાઈ હેઠળ કેવળ કરપાત્ર વ્યક્તિ જ નહીં, સેક્શન ૧૨૨(૧એ) હેઠળ નિર્દિષ્ટ અન્ય કોઈ પણ વ્યક્તિની પ્રૉપર્ટી અથવા બૅન્ક અકાઉન્ટનું પ્રોવિઝનલ અટૅચમેન્ટ કરી શકાશે.
અત્રે એ સ્પષ્ટતા જરૂરી છે કે સેક્શન ૮૩ની જોગવાઈ ૨૮ માર્ચ ૨૦૨૧ના રોજ સીજીએસટી ઍક્ટ, ૨૦૨૧નો હિસ્સો બની ચૂકી છે, પરંતુ હજી અમલમાં આવી નથી. આ સુધારિત જોગવાઈ કેન્દ્ર સરકાર નોટિફિકેશન અન્વયે જાહેર કરે એ જ તારીખથી અમલમાં આવશે.

સત્તાનો ઘમંડ કહો, નોકરશાહી માનસ કહો, કોર્ટનાં માર્મિક અને પ્રગલ્ભ નિરીક્ષણો સામેનો વિરોધ કહો કે વેરભાવનાની વૃત્તિ કહો, પ્રસ્તુત સુધારા પાછળનું પરિબળ કોઈ પણ હોય, પરંતુ એ નિશ્ચિત છે કે આ સુધારિત જોગવાઈ જ્યારે અમલમાં આવશે ત્યારે કરદાતાઓ માટે પારાવાર મુસીબત નોતરશે!

business news goods and services tax