ચોથા ક્વાર્ટરમાં દેશમાં કારનું વેચાણ ઘટ્યું

11 July, 2019 11:29 AM IST  |  મુંબઈ

ચોથા ક્વાર્ટરમાં દેશમાં કારનું વેચાણ ઘટ્યું

ચોથા ક્વાર્ટરમાં દેશમાં કારનું વેચાણ ઘટ્યું

ભારતમાં વાહનોનાં વેચાણ માટે એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે. ઑટો ઉદ્યોગ એવી આશા રાખી રહ્યો હતો કે કેન્દ્ર સરકાર બજેટમાં રાહત આપશે, પણ એવી કોઈ રાહત મળી નથી. ઊલટું, વિદેશથી આયાત થતા ગાડીઓના પાર્ટ્સ અને અન્ય સમગ્રી ઉપર ડ્યુટી વધારવામાં આવી છે. 

સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (સિયામ) દ્વારા બુધવારે જૂન મહિનાના અને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના એપ્રિલથી જૂન સુધીના ક્વાર્ટરના વેચાણના આંકડા જાહેર કર્યા હતા. આ આંકડા અનુસાર પેસેન્જર વ્હીકલ (મોટરકાર, યુટીલીટી વ્હીકલ અને વૅનનું વેચાણ સતત ચોથા ક્વાર્ટરથી ઘટી રહ્યું છે. એટલે કે જુલાઈ ૨૦૧૮થી વાહનોનાં વેચાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉદ્યોગે જણાવ્યું હતું કે જલદીથી સરકાર આ અંગે કોઈ પગલાં લેશે નહીં તો ઉદ્યોગોમાં નોકરી ઉપરથી લોકોને છૂટા કરવા પડે એવી સ્થિતિનું નિર્માણ થશે.

સિયામે જણાવ્યું હતું કે એપ્રિલથી જૂનના ક્વાર્ટરમાં પેસેન્જર વ્હીકલનું વેચાણ ૧૮.૪ ટકા ઘટ્યું છે જે ગત ૧૨ મહિનામાં બધા જ કવાર્ટરમાં સૌથી મોટો ઘટાડો દર્શાવે છે. આ ઉપરાંત, ઑટો રિક્ષા સહિતના થ્રી વ્હીલરનું વેચાણ પણ જૂન ક્વાર્ટરમાં ૭.૪ ટકા, સ્કૂટર, મોટરસાઇકલ જેવા ટૂ વ્હીલરનું વેચાણ ૧૧.૭ ટકા ઘટ્યું છે. માલપરિવહન માટેનાં ટ્રક અને અન્ય વાહનો તથા બસ જેવા કમર્શિયલ વ્હીકલનું વેચાણ પણ એપ્રિલથી જૂન દરમ્યાન ૯.૫ ટકા ઘટી ગયું છે.

માત્ર જૂન મહિનાની વાત કરીએ તો પેસેન્જર વ્હીકલનું વેચાણ ૧૬.૨૮ ટકા, કમર્શિયલ વાહનોનું વેચાણ ૨૩.૩૯ ટકા, થ્રી વ્હીલરનું ૨૦.૧૬ ટકા અને ટૂ વ્હીલરનું ૧૧.૭૦ ટકા ઘટી ગયું છે.

આ પણ વાંચો : દેશના પૅન કાર્ડધારકોમાં રિટર્ન ફાઇલ કરવામાં ગુજરાત અવ્વલ

સિયામે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં વાહનોનું કુલ ઉત્પાદન એપ્રિલથી જૂન વચ્ચે ૭૨,૧૫,૫૧૩ થયું છે જે ગત વર્ષના આ સમયગાળાના ૮૦,૬૪,૭૪૪ કરતાં ૧૦.૫૩ ટકા ઓછું છે. જોકે, દેશમાં વાહનોની નિકાસ ૦.૧૬ ટકા વધી છે જેમાં ટૂ વ્હીલરની નિકાસ ૩.૧૨ ટકા, પેસેન્જર કારની નિકાસ ૩.૫૫ ટકા વધી છે. થ્રી વ્હીલર ૧૨.૯૭ ટકા અને કમર્શિયલ વાહનોની નિકાસ ૫૨.૪૧ ટકા ઘટી છે.

business news