કેન્દ્રની ૩૦ લાખ ટન ઘઉંના વેચાણને લીલીઝંડી

28 January, 2023 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકાર વેપારીઓ, રાજ્ય સરકાર, એજન્સીઓને ઘઉં આપશે‍ઃ ઘઉંના ભાવમાં ક્વિન્ટલે ૩૦૦થી વધુના ઘટાડાની સંભાવના

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે આખરે પ્રજાસતાક દિન પહેલાં પ્રજાને મોંઘવારીમાં રાહત આપવા માટે એક મહિના જેટલા લાંબા સમયના વિરામ બાદ ઘઉંનો ૩૦ લાખ ટનના ક્વોટાને ખુલ્લા બજારમાં વેચાણની મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયને પગલે ઘઉંના ભાવમાં ક્વિન્ટલે ૩૦૦ રૂપિયાથી પણ વધુનો ઘટાડો થાય એવી ધારણા છે. ઘઉંના ભાવ ઑલટાઇમ હાઈ સપાટી પર પહોંચ્યા છે, પરંતુ સરકારની જાહેરાત બાદ બપોર બાદ એક પણ મિલો કે ટ્રેડરો ઘઉંના ભાવ બોલવા તૈયાર નહોતા અને વેપાર ઠપ થઈ ગયા હતા.
કેન્દ્ર સરકારે કુલ ૩૦ લાખ ટન ઘઉંની ખુલ્લા બજારમાં વેચાણની જાહેરાત કરી છે. ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત ઘઉંના વેચાણની જાહેરાત કરી છે, પંરતુ સરકાર આ વખતે વેપારીઓ, રાજ્ય સરકાર અને સહકારી એજન્સીઓને અમુક જથ્થામાં ઘઉંની ફાળવણી કરે એવી ધારણા છે. સરકાર ઘઉંના વેચાણ માટે લઘુતમ વેચાણભાવ મથકોએ બેઠા ૨૩૦૦ પ્રતિ ક્વિન્ટલના ભાવ જાહેર કરે એવી ધારણા છે, જેના પર ટ્રાન્સપોર્ટેશન ઉમેરતાં એની પડતર ૨૫૦૦ રૂપિયા આસપાસની પડી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા ૩૦ લાખ ટન ઘઉંના વેચાણ વિશેના વિગતવાર પરિપત્ર આવ્યા બાદ ઘઉંનો જથ્થો બજારમાં ક્યારે આવશે એની જાણ થશે. જોકે સરકારી માલ પાંચમીથી ૧૦મી ફેબ્રુઆરી પહેલાં ફ્લોર મિલોના હાથમાં ન આવે એવી પૂરી સંભાવના છે.
દેશમાં ઘઉંના ભાવ અત્યારે સરકાર નવી સીઝન માટે નક્કી કરેલા ટેકાના ભાવ ૨૧૨૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલની તુલનાએ ૫૦ ટકા જેટલા ઊંચા એટલે કે ૩૧૦૦થી ૩૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલે છે. ઘઉંના ભાવમાં ઝડપી તેજીને રોકવા માટે સરકારે મોડા-મોડા પણ ૩૦ લાખ ટન ઘઉં રિલીઝ કરવાની જાહેરાત કરી છે.
ઘઉંના અગ્રણી વેપારીઓ કહે છે કે ૩૦ લાખ ટનનો ક્વોટા જાહેર થવાને પગલે ઘઉંના ભાવમાં તાત્કાલિક અસરથી ૨૦૦થી ૩૦૦ રૂપિયાનો ઘટાડો થાય એવી ધારણા છે. જોકે નવી સીઝનમાં પણ દિલ્હીના ભાવ ૩૨૦૦ રૂપિયા છે એ ઘટીને ૨૫૦૦ રૂપિયાથી નીચે ન જાય એવી પૂરી સંભાવના છે.
કેન્દ્ર સરકાર ઘઉંની નિકાસ વિશેનો નિર્ણય માત્ર એપ્રિલ મહિનામાં પાકની સ્થિતિ જોયા બાદ જ લે એવી પૂરી સંભાવના છે.

business news