News In Short: રૂપિયો ડૉલર સામે વધુ ૨૦ પૈસા નબળો પડીને ૭૯ની નજીક પહોંચ્યો

30 June, 2022 05:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શૅરબજારમાં પણ ઘટાડાની ચાલ અને વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સ મજબૂત બની રહ્યો હોવાથી રૂપિયામાં પ્રેશર આવી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રૂપિયો ડૉલર સામે બુધવારે વધુ ૨૦થી ૨૧ પૈસા નબળો પડીને ૭૯ની નજીક પહોંચ્યો હતો. વૈશ્વિક બજારમાં ફુગાવાનું વધતું પ્રેશર અને વ્યાજદરમાં વધારો ચાલુ હોવાથી ઇકૉનૉમીના ગ્રોથ પર અસર પડશે એવી ચિંતાએ રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.

ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૮.૮૫ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન વધીને ૭૮.૯૮ સુધી પહોંચીને દિવસના અંતે આ જ સપાટી પર બંધ રહ્યો હતો. આગલા દિવસે રૂપિયો ૭૮.૭૭ ઉપર બંધ રહ્યો હતો. આમ રૂપિયામાં સતત બીજા દિવસે નવી ઐતિહાસિક નીચી સપાટી જોવા મળી હતી.

શૅરબજારમાં પણ ઘટાડાની ચાલ અને વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સ મજબૂત બની રહ્યો હોવાથી રૂપિયામાં પ્રેશર આવી રહ્યું છે. રૂપિયો રિઝર્વ બૅન્કની દરમ્યાનગીરી નહીં આવે તો ટૂંકમાં ૭૯ની સપાટી વટાવે એવી સંભાવના છે.

બીટકૉઇન ૨૦,૦૦૦ ડૉલરની નજીક પહોંચ્યો

મેક્રોઇકૉનૉમિક સમસ્યાઓને પગલે ડિજિટલ ઍસેટ્સમાં ઘટાડાની સ્થિતિ વધુ ઘેરી બની જતાં બીટકૉઇન ૨૦,૦૦૦ ડૉલરની નજીક (૨૦,૦૬૧) પહોંચી ગયો છે. માર્કેટ કૅપિટલાઇઝેશન ૪.૮૧ ટકા ઘટીને ૯૦૦.૪૬ અબજ ડૉલર થઈ ગયું છે.
ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં અનેક રોકાણકારો અને યુઝર્સની વિરુદ્ધ કાનૂની ખટલાઓ શરૂ કરાયા હોવાથી બજારના માનસ પર પ્રતિકૂળ અસર થઈ છે. આ સંબંધે ધારાશાસ્ત્રીઓનું કહેવું છે કે પ્રવર્તમાન કાયદાઓને ક્રિપ્ટોકરન્સી માર્કેટના યુઝર્સ અને રોકાણકારો માટે લાગુ કરવાનું ચલણ વધ્યું છે અને આગામી દિવસોમાં એ વૃત્તિ વધતી જવાની ધારણા છે. 
વિશ્લેષકોના ડેટા દર્શાવે છે કે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોમાં પાછલા ૨૪ કલાકમાં મોટા ભાગે તેજીનાં ઓળિયાં ધરાવતા ૬૭,૭૭૦ સોદાઓ સૂલટાવી દેવાયા હતા. એનું કૂલ મૂલ્ય ૧૭૭ મિલ્યન ડૉલર હતું. સૂલટાવાયેલાં ઓળિયાંમાં લગભગ ત્રીજા ભાગનાં ઓળિયાં ઇથેરિયમને લગતાં હતાં. 
અગાઉ, ક્રિપ્ટોવાયરે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૫.૮૫ ટકા (૧૬૬૬ પૉઇન્ટ) ઘટીને ૨૬,૭૮૨ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૨૮,૪૪૮ ખૂલીને ૨૮,૬૩૯ સુધીની ઉપલી અને ૨૬,૫૧૩ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

કૉમોડિટી વાયદા બજારમાં એફપીઆઇને રોકાણની છૂટ

સેબીએ બુધવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)ને એક્સચેન્જ-ટ્રેડેડ કૉમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ-વાયદા બજારમાં ભાગ લેવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો, આ પગલું બજારમાં ઊંડાણ અને પ્રવાહિતામાં વધુ વધારો કરશે. નોંધપાત્ર પગલામાં એફપીઆઇને તમામ નૉન-ઍગ્રી કૉમોડિટી વાયદા અને એના ઇન્ડેક્સમાં ટ્રેડિંગ કરવાની છૂટ આપી છે. જોકે શરૂઆતમાં, એફપીઆઇને માત્ર કેસ સેટલમેન્ટ આધારિત કરારમાં જ મંજૂરી આપવામાં આવશે. 

business news indian rupee