સોનું ૨૦૦૦ ડૉલર થવાની ગોલ્ડમેન સાશની આગાહી

13 July, 2020 10:58 AM IST  |  Mumbai Desk | Biren Vakil

સોનું ૨૦૦૦ ડૉલર થવાની ગોલ્ડમેન સાશની આગાહી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકી શૅરબજારમાં ધૂંઆધાર તેજી વચ્ચે ભારતીય ડિજિટલ કૉમર્સ અને સ્ટાર્ટ અપ કંપનીઓમાં વિદેશી રોકાણ વધતાં અને લૉકડાઉનને કારણે સોના જેવી હાઈ વેલ્યુ આયાતો ઘટતાં ચાલુ ખાતું પુરાંતમાં આવ્યું છે. ફોરેકસ રિઝર્વ ૫૧૩ અબજ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે. ડૉલરની જરૂરિયાત સામે પુરવઠો વધારે છે. શૅરબજારમાં પણ વિદેશી બજારો અને અઢળક લિક્વિડિટીથી તેજી ચાલી છે. જોકે રૂપિયામાં તેજી અટકી છે. રાજકોષીય ખાધમાં વધારો થઈ રહ્યો છે. કોરોના લૉકડાઉને અનુલક્ષી સામાજિક ખર્ચમાં વધારો અને સરકારની આવક ઘટતાં ચાલુ વરસના પ્રથમ નવ માસમાં બજેટખાધ ૭ ટકા થઈ ગઈ છે. ૧૯૯૪ પછીની સૌથી ઊંચી ખાધ છે. સરકારના લક્ષાંક કરતાં ખાધ ઘણી વધી હોવાથી ભારતનું ક્રેડિટ રેટિંગ જન્ક થવાની પ્રબળ સંભાવના છે. સરકાર કોલ ઇન્ડિયા અને આઇડીબીઆઇ સહિત અમુક કંપનીઓમાં ડાઇવેસ્ટમેન્ટ કરીને ખાધને કાબૂમાં રાખવા ધારે છે. રૂપિયામાં ફરી થોડી નરમાઈ આવી છે. રૂપિયો ૭૪.૫૦થી ઘટીને ૭૫.૨૦ બંધ રહ્યો હતો. ટૂંકા ગાળાની રેન્જ ૭૪.૫૦-૭૫.૭૫ છે. આગળ જતાં ચાર્ટની રીતે ૭૬.૪૦-૭૬.૬૦ સુધી જવાની શક્યતા છે. ડોલેકસ ૯૮ ઉપર ટકતો નથી, આગળ જતા ૯૪ આસપાસ જાય તો રૂપિયો પણ ૭૬.૬૦ જવાની શક્યતા નકારાય નહીં. રેટિંડ ડાઉનગ્રેડ પણ રૂપિયા માટે નેગેટિવ ફેક્ટર છે. અન્ય કરન્સીમાં યુરો અને પાઉન્ડ સામે રૂપિયો રેન્જબાઉન્ડ છે.
વિશ્વ બજારની વાત કરીએ તો ચીને શૅરબજારમાં તેજી કરવાની એડવાઇઝરી આપતા શાંઘાઇ શૅરબજાર એક વીકમાં ૧૨ ટકા વધી ૩૪૦૦ થઈ ગયું હતું. ટેક્નૉલૉજી શૅરોનો ઇન્ડેકસ સીઆઇ ૩૦૦ આ વરસે ૪૪ ટકા વધ્યો છે. અગાઉ ચીને ૨૦૧૪માં તેજીની એડવાઇઝરી આપી હતી ત્યારે શાંઘાઇ ઇન્ડેકસ ૨૦૦૦થી વધીને જૂન ૨૦૧૫માં ૫૧૦૦ થઈ ગયો હતો, પણ પછી બબલ ફુટતા માર્ચ ૨૦૧૬માં ઇન્ડેક્સ ફરી ૨૯૦૦ થઈ ગયો હતો. સંખ્યાબંધ કંપનીઓ અબજો ડૉલર ચાઉં કરી ગઈ હતી. રિટેલ ટ્રેડરો અને બૅન્કોના ૫૦૦૦ અબજ ડૉલર ડૂબ્યા હતા. ચીનનું ફોકસ હવે લશ્કરી તંગદિલી ઘટાડી શૅરબજારોની તેજી કરી ઇમેજ સુધારવાનું લાગે છે. શૅરબજાર પાછળ કૉમોડિટી બજારોમાં પણ તેજી થઈ છે. મેટલ્સ, સોનું અને આયર્નઓર પણ વધ્યા છે. સોનું ૧૮૧૫ ડૉલર થઈ ગયું છે. ગોલ્ડમેન સાશે સોનું એક વરસમાં ૨૦૦૦ ડૉલર વટાવશે એમ કહ્યું છે.
અમેરિકામાં નાસ્દાકમાં લાલચોળ તેજી રહી છે. ટેક્નૉલૉજી શૅરોમાં ટેસ્લા ૧૮ માસમાં ૧૭૬ ડૉલરથી વધીને ૧૫૦૦ ડૉલર થયો છે. છેલ્લા ત્રણ માસમાં ટેસ્લા રોકેટ ગતિએ વધતા ઘણાખરા નામી અબજોપતિ હેજફંડ મૅનેજરો શોર્ટસેલમાં ફસાયા છે. એમૅઝોન ૩૧૦૦ ડૉલર થઈ જતાં એના માલિક બેસોઝની સંપત્તિ ૧૮૦ બિલ્યન ડૉલર થઈ ગઈ છે. અબજોપતિની યાદીમાં ટેસ્લાના માલિક મસ્ક અને રિલાયન્સના માલિક મુકેશ અંબાણી બફેટથી આગળ નીકળી ગયા છે. જોકે ૨૦૦૬થી ૨૦૨૦ સુધીમાં બફેટે ૩૭ અબજ ડૉલરનું દાન કર્યું છે એમાં બફેટને હરાવવા મુશ્કેલ છે.
અમેરિકી બજારોમાં પેની શૅરોમાં તેજીનો મેનિયા છે. ફેડે લિક્વિડિટી ધીમેધીમે ઓછી કરવાનું ચાલુ કર્યું છે. સેકન્ડ લૉકડાઉન, વાઇરસનો સેકન્ડ વૅવ અને વેક્સિન આવવા અંગે ખૂટતી ધીરજ વચ્ચે બજારોમાં એક અકળ અંજપો છે. અમેરિકી પ્રમુખપદની ચૂંટણી અગાઉ ધિક્કારની રાજનીતિ ચરમ તરફ જઈ રહી છે.
યુરોપની કરન્સી એકંદરે ટકેલી હતી. યુકેએ મંદીને રોકવા ખાસ આંતરમાળખાનું સ્ટિમ્યુલસ આપ્યું છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક હવે સસ્ટેનીબિલિટીના નામે ગ્રીન બૉન્ડના નેજા હેઠળ બૉન્ડ બાઇંગ વધારશે. યુરોપમાં યીલ્ડ બેહદ ઘટી ગયા છે. હવે ૧૦૦ વરસના લાંબા બૉન્ડમાં પણ લાવલાવ છે. ટૂંકા ગાળા માટે યુરોની રેન્જ ૧.૧૨૦૦-૧.૧૪૦૦, પાઉન્ડની રેન્જ ૧.૨૨૮૦-.૧૨૬૮૦ દેખાય છે. એશિયામાં યુઆન ૭.૦૮થી સુધરીને ૬.૯૯ અને યેન ૧૦૮થી સુધરીને ૧૦૬.૯૦ થયો છે. ઇન્ડો રૂપિયો, ટર્કી લીરા, બ્રાઝિલ રિયાલ જેવી ઇમર્જિંગ દેશોની કરન્સી ટકેલી છે.

business news