રૂપિયો ૭૯ અને યેન ૧૩૭ને પાર : સાઉથ એશિયાઈ કરન્સીમાં નરમાઈ

04 July, 2022 02:04 PM IST  |  Mumbai | Biren Vakil

અમેરિકાના ૧૦ વરસના બૉન્ડ યિલ્ડ જોરદાર તૂટતાં શૅરબજારોમાં રિલીફ રૅલી ફુગાવામાં પીક બની ગઈ?

પ્રતીકાત્મક તસવીર

ભારતીય શૅરબજારોમાંથી વિદેશી રોકાણકારોએ મૂડી ખેંચવાનું ચાલુ રાખતાં અને ચાલુ ખાતાની ખાધ તેમ જ વેપારખાધ વધતાં રૂપિયામાં નરમાઈ આગળ વધી હતી. રૂપિયો એક તબક્કે ૭૯.૧૧ની વિક્રમી નીચી સપાટીએ જઈને છેલ્લે ૭૮.૯૮ બંધ રહ્યો હતો. સરકાર ચાલુ ખાતાની ખાધના વધારાથી ચિંતિત હોવાથી ડૉલર આઉટફ્લો ઘટાડવા સોના પરની આયાત જકાત પાંચ ટકા વધારાઈ છે. હવે સોના પર ૧૫ ટકા જકાત લાગશે. જીએસટી અને સેસ અલગ. સરકાર કદાચ આયાતી ખાદ્ય તેલો પર પણ જકાત વધારશે. જાન્યુઆરીથી મે સુધીમાં વિદેશી રોકાણકારોની વેચવાલીથી ૨૮ અબજ ડૉલરનો આઉટફ્લો જોવાયો છે. અમેરિકાના ૧૦ વરસના બૉન્ડ યિલ્ડમાં જોરદાર કડાકો આવતાં સપ્તાહની આખરે શૅરબજારો સુધર્યાં હતાં. આજે બજારો પૉઝિટિવ ખૂલવાની આશા છે. રૂપિયાની મંદી પણ ઘણી ઝડપી છે એટલે એકાદ સારુંએવું કરેક્શન આવે તો રૂપિયો ૭૬.૫૦-૭૭.૨૫ સુધી આવવાની શક્યતા નકારાય નહીં. નજીકના ગાળામાં ૭૯.૩૦ અને ૮૦.૫૦ ખૂબ મહત્ત્વનાં મજબૂત પ્રતિકારક લેવલ છે. સપોર્ટ લેવલ ૭૮.૪૫, ૭૭.૭૫, ૭૭.૨૬, ૭૬.૬૬ ગણી શકાય.

વૈશ્વિક બજારોની વાત કરીએ તો ડૉલર ઇન્ડેક્સ ૧૦૫.૩૦ના લેવલે મક્કમ છે. જોકે બૉન્ડ યિલ્ડમાં કડાકો જોતાં ડોલેકસમાં કદાચ કામચલાઉ કરેક્શન પણ આવે, ચાહે એ મામૂલી કરેક્શન હોય. બૉન્ડ યિલ્ડ ૩.૩૦થી ઘટીને ૨.૮૮ થઈ ગયું છે એ સુખદ આશ્ચર્ય છે. બૉન્ડબજાર માને છે કે ફેડના આક્રમક વ્યાજદરવધારાને કારણે ફુગાવો ઝડપથી કાબૂમાં આવશે. જો ફુગાવો ઝડપી ઘટે તો ફેડની વ્યાજદરવધારાની આક્રમકતા ઓછી થશે. યુરોપ અને અમેરિકામાં ફુગાવો ૪૦ વરસની ઊંચી સપાટીએ છે, પણ અમેરિકી યિલ્ડમાં ગાબડાં કહે છે કે ફેડની મહેનત રંગ લાવી રહી છે. અનાજ, મેટલ્સ, કોલસો, ગૅસ વગેરેમાં કરેક્શન જોતાં વરસના અંતે અમેરિકાનો વપરાશી ફુગાવો હાલના ૮.૬ ટકાથી ઘટીને ૪-૫ ટકા વચ્ચે આવી જાય તો નવાઈ નહીં. જમીન-મકાનની તેજીમાં પણ મોટું કરેક્શન દેખાય છે. આ સંજોગોમાં હાર્ડ લેન્ડિંગ કે ક્રૅશ લેન્ડિંગની શક્યતા ઘટી જાય છે.

ઇમર્જિંગ બજારોની વાત કરીએ તો સાઉથ-ઈસ્ટ એશિયામાં થાઇ ભાત, ફિલી પેસો, ઇન્ડો રૂપિયો, મલેશિયા રિંગિટ, કોરિયા વોન જેવી નિકાસ-આધારિત કરન્સીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડૉલરની તેજી અને કૉમોડિટીના તૂટતા ભાવથી બ્રાઝિલ રિયાલમાં પણ મોટો કડાકો આવ્યો છે. ડૉલરની તેજી અને કૉમોડિટીની મંદીને કારણે ઇમર્જિંગ એશિયા અને લૅટિન અમેરિકામાં તેમ જ કૉમોડિટી કરન્સીમાં નરમાઈ દેખાય છે. ડૉલરની તેજી લાંબા ગાળાની છે. યુરો, યેન, ઇમર્જિંગ બજારોની મંદી પણ લાંબા ગાળાની છે. જોકે હાલ પૂરતું બજારો ઘણાં ઓવરસોલ્ડ હોવાથી પ્રત્યાઘાતી તેજી - કરેક્ટિવ બાઉન્સ આવી શકે.

યુરોપમાં ફુગાવો ૪૦ વરસની નવી ઊંચી સપાટીએ પહોચતાં ઈસીબીને વ્યાજદરમાં મોટો વધારો કરવો પડે એવી નોબત આવી ગઈ છે. હવે નૉર્થ યુરોપ અને સ્કૅન્ડિનેવિયન દેશોએ પણ વ્યાજદરમાં વધારા શરૂ કર્યા છે. રશિયા-યુક્રેન વૉરને કારણે ઊર્જાસંકટ અને ઔદ્યોગિક વિકાસ મંદ પડતાં યુરોપમાં સ્ટેગફ્લેશન રિયલ રિસ્ક છે. નેગેટિવ બૉન્ડ યિલ્ડનું બજાર નવ ટ્રિલ્યન ડૉલરથી ઘટીને ફક્ત ૮૦૦ બિલ્યન ડૉલર થઈ ગયું છે. નૉર્થ યુરોપ અને સ્વિટ્ઝરલૅન્ડ જેવા દેશો પણ હવે ઝડપથી વ્યાજદર વધારે એમ લાગે છે. યુરોપિયન કરન્સી નવેસરથી દબાણમાં આવશે એમ કહી શકાય.

એશિયામાં યેન ૨૪ વરસની નીચી સપાટીએ ૧૩૭ થઈ ગયો છે. બૅન્ક ઑફ જપાનને યિલ્ડ કર્વ મૅનેજ કરવામાં પસીનો છૂટી જાય એવા હાલ છે. ચીનમાં યુઆન ફરી કમજોર થયો છે. જોકે કોરોનાનાં નિયંત્રણો હળવાં થતાં અને શૅરબજારોમાં સુધારો આવતાં ચીની પ્રમુખ શી જિનપિંગે ૩૦ મહિને પહેલી વિદેશયાત્રામાં હૉન્ગકૉન્ગ પસંદ કર્યું એ સૂચક છે. ક્રિપ્ટોબજારોમાં હજી પણ મંદી ચાલુ છે. વિકસિત દેશોમાં કૅશ બફર ઘણું મજબૂત છે. ઇમર્જિંગ બજારો માટે થોડો કપરો સમય છે, પણ અમેરિકાની ઇકૉનૉમી સૉલિડ ગ્રોથમાં છે. ચાઇના પાસે કૅશ બફર સારું છે એ જોતાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવે તો પણ જલદી પૂરી થઈ જશે.

business news